૨૬ જુલાઇના રોજ ગુરૂદેવ પૂ. ચિત્રભાનુજીની જન્મ શતાબ્દી છે. એમનું પ્રેરણાદાયી જીવન વિશ્વભરના ભારતીયો/ગુજરાતીઓ માટે આદર્શ સમાન છે. ડલાસ, ટેક્સાસમાં યંગ જૈન એસોસિએશને કન્વેન્શન ૨૨ના આયોજનમાં "વીગન ફુડ"ને મહત્વ આપ્યું છે. વીસેક વર્ષથી અમેરિકામાં વીગન ફુડની ઝૂંબેશ ચાલુ હતી જે આ વર્ષે જાહેર કાર્યક્રમમાં સર્વાનુમતે સાકાર થયાના સમાચારથી ખુશ થઇ આદરણીય પ્રમોદાબહેને ગુરૂદેવની જન્મ શતાબ્દી નિમિત્તે $૧૦,૦૦૦ની ભેટ "વીગન ફુડ"માટે જાહેર કરી છે. તેમણે જણાવ્યું કે, “ગુરૂદેવને આ સાચી અંજલિ આપી કહેવાશે. એમનું એ સપનું હતું કે અમેરિકા અને ભારતમાં વીગન ફુડને પુષ્ટિ મળે જે સાકાર થશે.”
યુ.કે.માં પણ લંડન ખાતે એક વાર બધી જ જૈન સંસ્થાઓના ઉપક્રમે મહાવીર જયંતિનું આયોજન હેરો લેઝર સેન્ટરમાં થયું હતું ત્યારે ગુરૂદેવે હાજરી આપી ડેરી પ્રોડ્ક્ટ્સના નિષેધ પર ભાર મૂકી વીગન ફૂડની હિમાયત કરી હતી એ મને બરાબર યાદ છે.
દૂધાળા પ્રાણીઓ પર થતાં અત્યાચાર હોય તો એમના બચ્ચાઓનું દૂધ છીનવી લેવાનું. કહેવાય છે કે વીગન ફુડ આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક હોવાનું પુરવાર થયેલ છે જેના પરિણામે કેટલાય વીગન બન્યાના દાખલા યત્ર-તત્ર સંભળાય છે.
આજકાલ જ્યારે વિવિધ પ્રકારના કેન્સરથી માનવીઓના મોતની સંખ્યામાં દિનપ્રતિદિન વધારો થઇ રહ્યો છે ત્યારે આપણે ડાયટમાં ફેરફાર કરવાની તાતી જરુરત ઉભી થઇ છે. શરીર અનેક રોગોનું ઘર થતું અટકાવવામાં અને વજન ઘટાડામાં વીગન ફુડ અને એના ફાયદા વિષે થોડી માહિતી જાણીએ.
થોડા નિયમોનું પાલન કરી નિરોગી રહેવાતું હોય તો એ પ્રયોગ કરવામાં કશું ગુમાવાનું નથી.
“સાત્વિક આહાર"ખાવાથી રાજરોગ ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, સાંધાના દુ:ખાવા, થાયરોઇડ, કેન્સર જેવી બિમારીઓ દૂર ભાગે છે. જરૂર છે પ્રાકૃતિક નિયમોના પાલનની. એકવાર એના પાલનથી ફાયદો થશે તો આપોઆપ આપણે એ શૈલીને અનુસરતા થઇ જઇશું. શરૂમાં જરૂર અઘરૂં લાગે પણ લાંબા ગાળે ફાયદો જ છે.
*"લીવીંગ ફુડ ખાઓ" મતલબ તાજા શાકભાજી, ફળો, સલાડ, હોલસમ ફુડ – અનાજ, કઠોળ વગેરે ખાવાની, સુગરની જગ્યાએ ગોળ, ખજૂર ખાવાની અને કુદરતી છોડ/ઝાડ પર ઉગતી ફુડ આઇટમોનો ભોજનમાં સમાવેશ કરવાથી કંઇ કેટલાયને ફળ્યું છે. તેલ-ઘીના સ્થાને નાળિયેરના છીણથી રસોઇ રાંધવાની.. કુદરતે બધા જ ભોજનના ઉત્પાદનમાં એની ગુણવત્તાનો ખ્યાલ રાખ્યો છે. સફેદ ચોખાની જગ્યાએ બ્રાઉન રાઇસ ખાવાનું , બધા જ સીઝનલ શાકભાજી અને ફળોનો ભોજનમાં સમાવેશ કરવાનો વગેરે કરવાનું ખાસ અઘરૂં નથી! ટેસ્ટ અને આદત કેળવતા બધું સરળ બને છે.
• ખોરાક રાંધ્યા પછી ત્રણ-ચાર કલાકમાં જ જમી લેવાનું. ફ્રીઝમાં રાખેલો વાસી ખોરાક ખાઇએ તો તે કેન્સરને નોંતરે છે. આરોગ્ય માટે હાનિકારક એવી બાબતો ટાળવી જોઇએ..આપણા પૂર્વજો હંમેશા બન્ને સમયના ભોજન તાજા બનાવીને ખાતાં હતાં. એ તો એમના આરોગ્યનું રહસ્ય હતું. ટીન, પેકેટમાં આવતા કે ફ્રીઝ ફુડમાં પ્રીઝરેટીવ્સ, કેમીકલ્સ, કલર્સનો ઉપયોગ થયો હોય છે, જે આરોગ્ય માટે નુક્શાનકારક છે. એ વસ્તુ ક્યારે બનાવાઇ ટીનમાં કે પેકેટમાં ભરાઇ હોય એની જાણ આપણને નથી હોતી.
• આપણા શરીરમાં ૭૦ % પાણી અને ૩૦ % ઘન પદાર્થ છે એથી પાણીવાળા જ્યુસી ફળો વધુ ખાવા જોઇએ. રોટલી પણ અડધો લોટ અને અડધા ભાગના શાકભાજી ઉમેરી બનાવેલ લોટની ખાવી જોઇએ. એક રોટલી સાથે બે વાડકી શાકના પ્રમાણ માપ રાખી ખાવું જોઇએ.
આ સૂચનોનું પૂરેપૂરૂં પાલન કદાચ ન પણ થાય. પરંતુ શક્ય એટલું કરવાથી ઘણી બધી બિમારીઓમાં રાહત જરૂર મળે.
આહાર, રહેણી-કરણી, સામાજિક, પારિવારીક મૂલ્યોની જાળવણી, એકબીજાના હિત જોવાની દ્રષ્ટિ, બધા સાથે પ્રેમપૂર્વક રહેવાની અને સંબંધોની મહત્તા આ બધું આપણી જીવન શૈલીના ભાગરૂપ છે. પૂ.ગુરૂદેવે "મૈત્રીભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરો, શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે" માં કેવા સરસ ભાવોનું નિરૂપણ કર્યું છે.
ગયા રવિવારે "ફેમીલી ડે" ઉજવાયો. હવે આંતરાષ્ટ્રીય સ્તરે આવા દિવસો ઉજવવા પાછળનો હેતુ સ્પષ્ટ છે કે આપણા પારિવારિક મૂલ્યો પુન: સ્થાપિત કરવા. "બેક ટુ બેઝીક". આજે જ્યારે સંયુક્ત કુટુંબની ભાવના લુપ્ત થતી જાય છે ત્યારે પરિવાર દિન ઉજવાય છે એ સૂચક છે.
પરિવાર એટલે શું? કોઇ બુધ્ધિજીવીએ પરિવારની સરસ વ્યાખ્યા કરી છે.
તમારી ઉપર ગમે તેટલા વાર થાય પણ સાથે ઉભો રહે તેનું નામ પરિવાર.
પિતાથી મોટો કોઇ સલાહકાર નથી. ભાઇથી મોટો કોઇ ભાગીદાર નથી.
બહેનથી મોટી કોઇ શુભચિંતક નથી. પત્ની/પતિથી મોટો કોઇ દોસ્ત નથી.
દિકરા-દિકરીથી મોટા કોઇ મદદગાર નથી. એટલે જ પરિવારથી મોટું કોઇ ધન નથી.