શું કોમનવેલ્થનો અંત લાવવાનો સમય આવી ગયો છે? અથવા તો અત્યારે તેનું જે અસ્તિત્વ છે તેના અંતનો સમય આવી ગયો છે? આ મુદ્દે મારું વલણ તો હંમેશાં એકસરખું જ રહ્યું છે કે કોમનવેલ્થ તો બ્રિટિશ માટે અગાઉ જીતેલા વિસ્તારોની ગુલામી ચાલુ રાખવા અને તેનું પ્રભુત્વ દર્શાવવા રોયલ પરિવારના ઉપયોગનું અંકુશાત્મક સાધન સિવાય કશું જ નથી. કોમનવેલ્થમાં વિશ્વખંડોના 54 દેશોનો સમાવેશ થાય છે. આ દેશોની સંયુક્તપણે વસ્તી અંદાજે 2.5 બિલિયન જેટલી છે.
રોયલ્સ કે શાહી પરિવારની સત્તાવાર વેબસાઈટ પર જણાવાય છે કે,‘આઝાદી પ્રાપ્ત કર્યા પછી ભારત એવા પ્રથમ દેશોમાં એક હતો જેણે નિર્ણય કર્યો હતો કે તેઓ પ્રજાસત્તાક બનવા ઈચ્છા રાખે છે છતાં, કોમનવેલ્થની અંદર પણ સ્થાન જાળવી રાખવા માગે છે.’ સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે ભારતની પ્રથમ કામગીરી તેના સામ્રાજ્યવાદી માલિકની નેતૃત્વ હેઠળ રહેવા વિશેની હતી. તમારા મગજમાં આને ઉતરવા દેજો!
વર્તમાનમાં યુકે કોમનવેલ્થના મુખ્ય પાંચ દેશ- ઓસ્ટ્રેલિયા, કેનેડા, ભારત, સિંગાપોર અને સાઉથ આફ્રિકા સાથે વેપાર કરે છે. આ બધા દેશો થઈને કોમનવેલ્થમાં યુકેની નિકાસોના 73 ટકા અને કોમનવેલ્થમાંથી યુકેમાં આયાતોના 70 ટકાનો હિસ્સો ધરાવે છે.
આપણે વૈશ્વિક અરાજકતામાં છીએ જ્યાં અગાઉના સાથીદારો અને જોડાણોની કસોટીઓ આખરી સ્તર સુધી થયેલી છે. જે દેશોને તેમની આઝાદી આપ્યાના 75 વર્ષ પછી, જર્મની અને હિટલરના ફાસીઝમમાંથી અસ્તિત્વ જાળવી રાખનારા દેશો, શીતયુદ્ધ પછીની પરિસ્થિતિ અને ‘શેતાનોની ધરી’ (સૌ પહેલા આ શબ્દપ્રયોગ પ્રેસિડેન્ટ જ્યોર્જ ડબલ્યુ બુશ, સીનિયરે કર્યો હતો) સાથે પશ્ચિમના લાડપ્યાર પછી આપણે આજે પણ વૈશ્વિક વ્યવસ્થાને નિર્ધારિત કરી રહેલા ઉદાહરણ સામે પ્રશ્ન ઉઠાવવો જોઈએ.
ભારત યોગ્ય રીતે જ વિશ્વ તખતા પર તેની પ્રગતિ વિશે શોર મચાવી રહેલ છે ત્યારે પણ આપણે એક બાબત વિચારવી જ રહી કે વૈશ્વિક યોજનામાં 75 વર્ષ પહેલા ચીને જે સ્થાનેથી આરંભ કર્યો પછી તેણે જે વિકાસ સાધ્યો છે તેની સરખામણીએ ભારત હજુ હાંસિયામાં જ છે.તમારી જાણકારી માટે કહું તો ચીનનું અર્થતંત્ર ભારત કરતાં પાંચ ગણું વિશાળ છે અને અમેરિકી અર્થતંત્ર ભારત કરતાં દસ ગણું વિશાળ છે.
ચીન પાશ્ચાત્ય સામ્રાજ્યશાહી અંકુશથી મુક્ત રહ્યું છે જેના પરિણામે, તેણે જે કાંઈ કર્યું તેમાં તેની પોતાની જ સંસ્કૃતિ કેન્દ્રસ્થાને રહી શકી હતી. શરૂઆતમાં બધું જ સારું રહ્યું નહિ પરંતુ, જ્યારે તેની સમજમાં આવ્યું કે તેમના માટે વિશ્વમાં અસ્તિત્વ જાળવી રાખવાનો માર્ગ પ્રભુત્વ ધરાવવાનો છે, માત્ર લશ્કરી રીતે જ નહિ, આર્થિક રીતે પણ – અને આ પછી તેની ગાડી પૂરજોશમાં દોડવા લાગી. હવે આપણે એવા યુગમાં જીવીએ છીએ જ્યાં અમેરિકા અને યુરોપ સાથે મળીને પણ ચીનનો સામનો કરવા પહેલા બે વખત વિચારશે.
આના વિરોધાભાસમાં ‘કોમનવેલ્થ’ના નેરેટિવ તેમજ સતત ગળું રુંધતા પશ્ચિમી નેરેટિવ હેઠળ ભારત અને તેની પ્રગતિનો વિચાર કરીએ. 1.3 બિલિયન લોકોના નેતા હજું હિઝ મેજેસ્ટી ધ કિંગના ઓશિંગણ કે ઉપકૃત રહેલા છે - અને મારા મિત્રો, તમને ગમે કે ના ગમે પરંતુ, આ કડવું અને વરવું સત્ય છે.
હું મારી અલંકારયુક્ત પેનને પેપર પર ઉતારી રહ્યો છું ત્યારે ટીવી પર સમાચાર સાંભળ્યા કે આ કોમનવેલ્થ ડે છે. કોમનવેલ્થની સમૃદ્ધિના ગુણગાન ગાવાની તક તરીકે તેની શોભાયાત્રા થઈ રહી છે. દેશોના પ્રતિનિધિઓ દ્વારા કિંગનું સ્વાગત કરાય છે જે રીતે અગાઉની રોયલ્ટીનું સ્વાગત વિશ્વભરના તેમના પ્રજાજનો દ્વારા કરાતું હતું તેનાથી આ જરા પણ અલગ નથી. હું તો આશ્ચર્યમાં પડી ગયો છું, શું કશું બદલાયું છે? ગુલામીની દેખીતી સાંકળો કે જંજીરો કદાચ જોઈ શકાતી નથી પરંતુ, ગુલામી માનસિકતાના અવશેષો તો દેખાઈ જ રહ્યા છે. હું સમજી શકું છું કે શા માટે નાના દેશો રોયલ પેટ્રોનેજના ઓશિંગણ બની રહે છે પરંતુ, કોઈને પણ આશ્ચર્ય એ બાબતે થાય કે ભારત જેવો દેશ શા માટે હજુ પણ ગુલામ રાષ્ટ્ર જેવો વ્યવહાર કરે છે. ભારત અને તેની નેતાગીરીને બ્રિટિશ રાજની છાયામાંથી બહાર નીકળવાનો આત્મવિશ્વાસ ક્યારે આવશે?
મને વીતેલા વર્ષોમાં MCC અને ECBના પ્રભુત્વની યાદ આવે છે. આ સંસ્થાઓની સત્તા કેવી રીતે ક્રિકેટ વિશ્વ પર અંકુશ રાખતી હતી તે બધાને યાદ છે? 1983માં ભારતે વિશ્વ કપ જીત્યો ત્યારે તેની સાથે સેકન્ડ ક્લાસ દેશ તરીકે જ વ્યવહાર કરાતો હતો. ભારતીય ક્રિકેટ એટલું ગરીબ હતું કે તે પોતાની ટીમની બરાબર સંભાળ પણ રાખી શકતું ન હતું. ભારતીય ક્રિકેટ (BCCI)ને પોતાની સાચી તાકાત સમજાય તે પહેલા કેટલાય દાયકા વહી ગયા. તેમની પાછળની 1.3 બિલિયન લોકોની તાકાત આખરે સમજાઈ હતી. આજે ભારતીય ક્રિકેટ વિશ્વમાં ક્રિકેટ રમતા અન્ય તમામ દેશોની સંયુક્ત સરખામણીએ અનેકગણુ ધનવાન છે. વિચિત્રતા તો એ છે કે આપણે દુબઈમાં ભારતીય ક્રિકે્ટ ટીમે ચેમ્પિયન્સ ટ્રોફી જીતી તેની ઊજવણી કરી રહ્યા હતા તે જ સપ્તાહમાં કોમનવેલ્થના 76મા વર્ષની ઊજવણી કરવા વેસ્ટમિન્સ્ટર એબી ખાતે સત્તાની હાસ્યાસ્પદ પરેડને પણ નિહાળીએ છીએ. સ્મિતભર્યા ચહેરા સાથે કિંગ દરેકને પોતાના સ્થાનની યાદ અપાવી રહ્યા હતા!
ભારત સરકાર અને વડા પ્રધાન મોદીજીને પણ સંદેશો સીધોસાદો છે. તમે 1.3 બિલિયન લોકોની તાકાત દેખાડો તે સમય આવી ગયો નથી? સમગ્ર ભારતના કલ્યાણ માટે સામ્રાજ્યશાહી વિશેષાધિકાર અને થોડા માટેના પેટ્રોનેજની જંજીરોનો ત્યાગ કરાવો જ જોઈએ. ભારત ચીનથી દાયકાઓ પાછળ છે ત્યારે ભારતીય લોકોના જીનિયસ-બુદ્ધિપ્રતિભાને છૂટો દોર આપવાનો સમય આવ્યો નથી? જો કોઈ પ્રકારનું ‘કોમનવેલ્થ’ હોવું જોઈએ તો ભારતના વડપણ હેઠળ સ્વતંત્ર રાષ્ટ્રોની છબી સાથેનું પણ હોઈ શકે છે. સામ્રાજ્યવાદી સત્તાના દેખાડાનો અંત લાવવાનો સમય પાકી ગયો છે.