ભારતમાં 51 ‘શક્તિપીઠ’ ઉપરાંત 108 ‘દેવીપીઠ’ પણ ગણાય છે. દરેક પીઠ ઉપર શિવશક્તિ પાર્વતી કોઇને કોઇ અવતાર ધારણ કરી વિરાજમાન છે, ત્યાં નિવાસ કરે છે એવી પૌરાણિક કથા છે. ઉત્તર ગુજરાતના આરાસુર ડુંગરે અંબાજી સ્વરૂપે આ શિવશક્તિ વિરાજે છે. ભાદરવી પૂર્ણિમા (આ વર્ષે 18 સપ્ટેમ્બર)એ ભરાતા સુપ્રસિદ્ધ અંબાજી મેળાના પર્વે ભગવતી અંબાનું આપણે સ્મરણ કરીએ.
સ્કંદપુરાણના પ્રભાસખંડમાં મળતો અર્બુદાખંડ (અર્બુદાચલ-આબુ) એ જ ‘અંબિકાખંડ’ છે. આ અર્બુદ કે અંબિકાખંડમાં ‘ચંડિકાશ્રમમાહાત્મ્ય’ રજૂ થયું છે. એમાં દેવી અંબિકાનું વર્ણન છે. એ વર્ણનમાં માતા અંબિકાનો પ્રાદુર્ભાવનો ઇતિહાસ બતાવીને ભગવતીએ અસુરોનો નાશ કેવી રીતે કર્યો હતો તેનું નિરુપણ થયું છે. ગુજરાતમાં ખાસ કરીને નાગર બ્રાહ્મણો અને જાડેજા વગેરે રાજપૂતો દ્વારા દેવી શક્તિનો પ્રચાર થયો છે, એવો એકમત છે. આરાસુરી અંબા માતા દાંતાના પરમાર રાજાઓનાં કુળદેવી મનાય છે. ગબ્બર પર્વત ઉપર માતાજીનું પ્રાગટ્ય થયું. ગુજરાતના ગરબાઓમાં કે લોકગીતોમાં આ વાત પડઘાય છે.
બોલ મારી અંબે, જય જય અંબેઃ ભાદરવી પૂનમનો વ્યાપક સમાજમાં ભારે મહિમા છે. ભાદરવી પૂનમના આસપાસના પાંચ-સાત દિવસનો મા અંબાના સ્થાનકે, પ્રકૃતિના ખોળે માનવ-મહેરામણ લહેરાતો હોય, એવો પદયાત્રીઓનો ભવ્યાતિભવ્ય મેળો મ્હાલી ઊઠે છે. ભાદરવો બેસતાં જ માઇભક્તોને ગબ્બરના ગોખવાળી અને આરાસુરના ચાચર-ચોકવાળી માતા અંબાજીનું સ્મરણ થતાં જ એમનું હૈયું અને પગ થનગની ઊઠે છે અને ગોપીઓ જેમ સાનભાન ભૂલીને વાંસળી વગાડતાં શ્રી કૃષ્ણ તરફ દોટ મૂકે, તેમ એ દેવીભક્તો પણ જાણે માતાજીનો હુકમ થયો હોય, એમ પૂનમના દિવસે માતાજી પાસે પહોંચવાની નેમ સાથે, હૈયામાં હામ અને પગમાં જોમ સાથે ‘બોલ મારી અંબે, જય જય અંબે’ના નારા લગાવતા પગપાળા માતાજીના દ્વાર તરફ ચાલી નીકળે છે.
પ્રકૃતિના ખોળે, અંબાજીના મેળેઃ આપણા પ્રાચીન અને પ્રસિદ્ધ દેવીપીઠો કે શક્તિધામો વસ્તી-વાહનોના ઘોંઘાટ અને પ્રદૂષણથી દૂર, ઊંચી ઊંચી ગિરિમાળાઓની હરિયાળી અને ઝાડવાનાં ઝૂંડ વચ્ચે પ્રસ્થાપિત થયાં છે. આબુ પર્વતના એક ભાગસ્વરૂપ, અરવલ્લીના આરાસુર ડુંગરે ‘શક્તિપીઠ’માં વિરાજતાં દેવી અંબા પોતાનાં ઊંચા શિખર પરની ધજા ફરકાવીને કે ચાચરના ચોકમાં ઝાંઝરીનો રણકાર કરીને, જાણે કે આમંત્રણ આપે છે. ‘આવો, મારા આંગણે, મારા દ્વારે પ્રકૃતિના હર્યાભર્યા ખોળામાં મારાં દર્શન કરો અને સાથે સાથે આ લહેરાતાં વૃક્ષોનાં, નદી-નાળાંના દર્શનનો પણ આનંદ માણો. મારા સાંનિધ્યમાં ભાદરવાની ખીલેલી પ્રકૃતિમાં ભક્તિભાવથી ભીંજાવાનો લહાવો લૂંટો. કલરવ કરતાં પંખીઓ અને વહેતાં નદી-ઝરણાંનું મધુર સંગીત સાંભળો.’ આ તો પ્રકૃતિ (દેવીશક્તિ)એ સર્જેલી ચમત્કારી કુદરતનું સંગીત છે.
ભાદરવા સુદ બીજથી પૂનમ સુધીનો સમયગાળો એટલે કુદરતના ખોળે પગપાળા જઇને, વર્ષાઋતુના સૌંદર્યનું રસપાન કરતાં કરતાં, એવું સૌંદર્ય સર્જનાર દૈવીશક્તિ ભગવતી અંબા પ્રત્યે ભક્તિભાવ પ્રગટ કરવાનું પખવાડિયું. માણસ ભૌતિક જંજાળો અને યંત્રોમાં અટવાઇ ગયો છે, એને સૂર્ય, ચંદ્ર અને વૃક્ષો તરફ નજર નાખવાનો સમય નથી. દૈનિક જીવનમાં વ્યસ્ત માનવ કોઇ વાર પણ કુદરતના ખોળે, દૈવીશક્તિ પાસે આવે એવા ઉમદા ખ્યાલથી આપણા પૂર્વજોએ પગપાળા યાત્રાનો મહિમા કર્યો છે.
ભાતીગળ સંસ્કૃતિનો ધબકાર: ભાદરવી પૂનમ એટલે આરાસુરના ડુંગરે પગપાળા જઇ, પોતપોતાની માન્યતા-બાધા પ્રમાણે મા અંબાના દ્વારે ધજા અને રથ ચડાવવાનો અને પોતાની મનોકામના પૂર્ણ કરવાની મહાયાત્રા કે મહામેળો. આખા પશ્ચિમ ભારતમાં આ મોટામાં મોટી માઇભક્તિનો ધાર્મિક મેળો ગણાય છે. ભારતની વિવિધરંગી અને અનેકતામાં એકતાની સંસ્કૃતિનાં એમાં દર્શન થાય, અંબાજીના પદયાત્રીઓ માત્ર ગુજરાતના જ નહીં, ઉત્તર પ્રદેશથી લઇ આંધ્ર-તામિલનાડુના પ્રદેશ સુધીના સર્વ ધર્મ-જ્ઞાતિના ભાવિકો અને શ્રદ્ધાળુઓ લાખોની સંખ્યામાં પદયાત્રા કરીને આવે છે. કેટલાક તો દંડવત પ્રણામ કરતાં કરતાં આવે છે! આવા પદયાત્રીઓમાં કેટલાક (પૂનમ ભરનારા) માતાજીના ધામમાં પ્રત્યેક પૂનમે આવે છે. ઘણા લોકો માતાજીની મૂર્તિ સાથે શણગારેલ રથ કે માંડવી સાથે સંઘ કાઢીને આવે છે.
આબાલવૃદ્ધ, નરનારી, ભાવિકો રથને ખેંચે છે અને માતાજીના ગરબા ગાતાં, માતાજીનાં નામનો જયઘોષ કરતાં ચાચરના ચોકમાં એ રથ માતાજીને અર્પણ કરી ધન્યતા અનુભવે છે. આવા લગભગ ત્રણસો-ચારસો જેટલા સંઘ આવે છે. કેટલાક ધજા લઈને આવે છે તો કેટલાક વાહનોમાં આવે છે. ભાદરવા સુદ પાંચમથી ચૌદસ સુધી અંબાજી તરફ આવતા તમામ માર્ગોમાં પદયાત્રીઓ-વાહનોથી કિડિયારાની જેમ ઊભરાય છે. ગિરિકંદરાઓ પણ માતાજીના જયઘોષથી ગૂંજી ઊઠે છે. માર્ગમાં ઊભા કરાયેલ સેવાકેન્દ્રોમાં સેવકો ભાવ-નિષ્ઠાપૂર્વક પદયાત્રીઓની સેવા કરી ધન્યતા અનુભવે છે. વિશાળ સંખ્યામાં આવતાં યાત્રિકોની સુખસુવિધા જળવાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે.
અંબાજી - એક પ્રસિદ્ધ ‘શક્તિપીઠ’: ભગવતી મહાદેવી અખિલ વિશ્વની કરુણામયી માતા છે. તેથી આવી વહાલસોયી દેવીનું આપણે કોઇ નામ ન આપ્યું, પણ મા અંબા કે અંબાજી માતા રૂપે આરાધના કરી. અંબાજીધામ તો ‘શક્તિપીઠ’ છે. પૌરાણિક કથા પ્રમાણે, પિતા દક્ષના યજ્ઞમાં પતિ શિવનું અપમાન થયેલું જાણીને સતી (પાર્વતી) યજ્ઞકુંડમાં કૂદી પડ્યાં. શિવજી સતીનો અર્ધદગ્ધ દેહ ખભે લઇ નૃત્ય કરવા લાગ્યા અને તે સમયે સતીનાં અંગો એકાવન સ્થળોએ પડ્યાં અને તે સ્થળો ‘શક્તિપીઠ’ બન્યાં. અંબાજીમાં દેવી સતીનું હૃદય પડ્યું હતું, એવી માન્યતા છે. મા અંબા ભક્તોનું હૃદય છે. છેલ્લાં કેટલાંક વર્ષથી ગબ્બર પર્વતની ચોમેર 51 શક્તિપીઠોની પ્રતિકૃતિ સમાન નાનાં નાનાં મંદિરોમાં સ્થાપીને, એ શક્તિપીઠોનાં દર્શન કરતાં કરતાં પરિક્રમા કરી શકાય છે. શિવપત્ની પાર્વતી સતીનાં વિભિન્ન સ્વરૂપો એટલે શક્તિપીઠો.
ગબ્બર પર્વત: અંબાજી માતાનાં હાલના મંદિર પાસેથી ચારેક કિલોમીટરના અંતરે માતાજીનું મૂળ પ્રાગટ્યસ્થાન ગબ્બર પર્વતની ટોચ છે. ગબ્બર પર આજે પણ અંબાજીને રમવાની જગ્યાએ પગલાં દેખાય છે. ત્યાંના પારસ-પીપળા નીચે શ્રી કૃષ્ણના મુંડન સંસ્કાર કરાયેલા એવું કહેવાય છે.
અંબાજી મંદિરમાં ‘શ્રીયંત્ર’ની પૂજા: અંબાજી મંદિરમાં, ગર્ભગૃહમાં માતાજીની કોઇ મૂર્તિ નથી, પણ ‘શ્રીયંત્ર’ (વીસાયંત્ર)ની પૂજા થાય છે, જેના ઉપર ચાંદીનાં પતરાંની આંગી જડીને રંગબેરંગી શણગાર, છત્ર - વાહન અને મુગટથી રોજ સજાવટ કરાય છે. માતાજીને સવારે ‘બાળા’ સ્વરૂપ, બપોરે ‘યુવા’ સ્વરૂપ અને સાંજે ‘પ્રૌઢ’ સ્વરૂપનો શણગાર થાય છે. સવારે, બપોરે અને સાંજે વાઘ ઉપર માતાજી બેઠાં હોય એવાં જુદાં જુદાં રૂપોમાં દર્શન થાય છે. સાતેય દિવસોનાં જુદાં જુદાં વાહનો દેખાય છે. તાંત્રિક વિધિથી માતાજીની પૂજા થાય છે. અંબાજી તંત્ર સંપ્રદાયની સિદ્ધ શક્તિપીઠ ગણાય છે.
અંબાજી ધામમાં પ્રાચીન શિલાલેખો: અંબાજી ધામમાં જોવા મળતા ચૌદમી-પંદરમી સદીના શિલાલેખોમાં તેમજ આબુ ઉપરના અગિયારમી સદીનાં જૈનમંત્રી વિમલશાહે બંધાવેલ દેલવાડાનાં દેરાંમાં કંડારાયેલી અંબિકામાની સ્તુતિના આધારે સમજાય છે કે આરાસુર ગામ ઇ.સ. 1100-2000ની આસપાસ વસેલું અને ત્યારથી એ અંબાજીનું ધામ પ્રસિદ્ધ થયું છે. પરમાર રાજા જશરાજે પોતાની કુળદેવી અંબિકાનું આ મંદિર પહેલવહેલું બંધાવ્યું, એવો એક મત છે. અંબાજી જૈન તીર્થંકર ભગવાન નેમિનાથનાં પણ અધિષ્ઠાયિકા દેવી મનાય છે. અંબાજી સ્થાનક ક્યારે અસ્તિત્વમાં આવ્યું, તેનો ચોક્કસ સમય નિર્ધારિત થઇ શકતો નથી. આ સંબંધિત વિવિધ મત પ્રવર્તે છે. ૐ અંબિકાય નમઃ