વિઘ્નહર્તા ગણપતિનો પ્રાદુર્ભાવ ભાદ્રપદ શુકલ ચતુર્થીએ થયો. એ તો ગણોના અધિપતિ છે, તેથી જ આવા રાષ્ટ્રનાયકનો પ્રાગટ્યદિન ઠાઠમાઠથી ઊજવાય છે. લોકમાન્ય ટિળકે ગણેશજીને ‘રાષ્ટ્રીયદેવતા’ રૂપે વધાવીને ‘ગણેશોત્સવ’ પ્રવર્તીત કર્યો, અને આજે વિશ્વમાં જ્યાં પણ ભારતીયો વસે છે ત્યાં આ પર્વ રંગેચંગે મનાવાય છે. આવો, આ મંગલ પ્રસંગે ગણેશ મહાત્મય વિશે જાણીએ...
દેહના નહીં, પણ આત્માના ગુણવૈભવથી દેવ કે માનવનું મૂલ્ય અંકાય છે. એનું ઉજ્જવળ દૃષ્ટાંત શિવ-પરિવારનું છે. ગુણસૌંદર્યથી જટાધારી શિવ દેવોના પણ દેવ ‘મહાદેવ’ કહેવાયા. પુત્ર ગજાનને ‘રાષ્ટ્રનાયક’ના જેવું ‘ગણપતિ’નું બિરુદ મળ્યું, તો છ મુખવાળા બીજા પુત્ર કાર્તિકેયને દેવોએ ‘સેનાપતિ’ બનાવ્યા!
હસ્તિમુખ ગણપતિ તો ઓમકારનું પ્રતીક છે, તેમની આકૃતિ પણ ૐ જેવી. પ્રત્યેક મંત્રનો આરંભ ૐથી થાય છે, તેમ સર્વે માંગલિક કાર્યોનો આરંભ ગણપતિ-પૂજનથી થાય છે. લોકમાન્ય ટિળકે ગણેશને ‘રાષ્ટ્રીયદેવતા’ રૂપે વધાવીને ‘ગણેશોત્સવ’ પ્રવર્તિત કર્યો.
‘ગણેશોત્સવ’માં ત્રણ પ્રક્રિયાઓ થાય છે. ‘ગણેશસર્જન’, ‘ગણેશપૂજન’ અને ‘ગણેશવિસર્જન’. સર્જન અને વિસર્જન તો પરમાત્માની પણ લીલા છે. પરબ્રહ્મ સૃષ્ટિનું સર્જન કરે અને સમય આવ્યે એનું પ્રલયના જળમાં વિસર્જન પણ કરે. ભારતીય વેદાન્ત પ્રમાણે પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ - એ પાંચ તત્ત્વો વિસર્જન થતાં જ પોતાનાં મૂળ તત્ત્વોમાં વિલીન થઈ જાય છે. માટીના માધ્યમથી ભગવતી પાર્વતી દ્વારા થતા ગણપતિના સર્જનમાં આ સૃષ્ટિસર્જનનું વેદાન્તી-વૈજ્ઞાનિક સત્ય પ્રગટ થાય છે.
‘ગણેશપુરાણ’, ‘મુદ્ગલપુરાણ’ વગેરેની કથાઓ પ્રમાણે, માતા પાર્વતીએ સ્નાનચૂર્ણની માટીના પિંડમાંથી પ્રતિમા બનાવીને, એમાં પ્રાણપ્રતિષ્ઠા કરીને બાળક પુત્રનું સર્જન કર્યું. એ દિવસ હતો ભાદરવા સુદ ચોથનો (આ વર્ષે 19 સપ્ટેમ્બરનો). પોતાના જ પુત્રને શિવજીએ અજાણતાં ‘ગજાનન’ (હાથીના મુખવાળા) કરી નાખ્યા. પાર્વતીએ કરૂપ અને કઢંગી બની ગયેલા પુત્રને જોઈ વેદના વ્યક્ત કરી, તો શિવે વરદાન આપ્યું. ‘દેવી પાર્વતી! આપણો દીકરો તો ગણોનો અધિપત થશે, ગણપતિ કહેવાશે. દરેક શુભ પ્રસંગે વિઘ્નહર્તા દેવ તરીકે તેની સર્વપ્રથમ પૂજા થશે.’
પુત્રની પ્રાગટ્યતિથિને સંકષ્ટહર ચતુર્થી રૂપે પ્રતિષ્ઠિત કરતાં પિતા શિવે કહ્યુંઃ ‘હે ગજાનન! તારો જન્મ ભાદરવા સુદ ચતુર્થીએ, શુભ ચંદ્રોદય વેળાએ થયો છે, તેથી દરેક માસની સુદ અને વદ ચતુર્થીએ તારું પૂજન કરનાર સર્વ વિઘ્નોમાંથી મુક્ત થઈ મનોકામના સિદ્ધ કરશે.’
ગણેશજન્મ ચંદ્રોદય વેળાએ થયેલો. વળી શિવના મસ્તકના ચંદ્રનો અંશ શ્રીગણેશના મસ્તકે શોભે છે. ગણપતિ વ્રતમાં ચોથના ચંદ્રનું દર્શન મંગળકારી મનાયું છે, પરંતુ ભાદરવા સુદ ચોથનું ચંદ્રદર્શન વર્જ્ય મનાયું છે. કેવળ આ ચોથના દિવસે ચંદ્ર દેખાઈ જાય તો દોષ લાગે છે. આ અંગેની પૌરાણિક વ્રત કથા છે.
એક વાર ચંદ્રે ગણેશનું હાથીનું મુખ, દુંદાળું પેટ જોઈ ખડખડાટ હસીને મશ્કરી કરી. ગણપતિએ તેને કહ્યુંઃ ‘હે ચંદ્ર! તેં તારા ઊજળા રૂપનો ગર્વ કરી મારો ઉપહાસ કર્યો છે. તેથી તને શ્રાપ આપું છુંઃ આજે એટલે કે ભાદરવા સુદ ચોથના દિવસે કોઈ તારી સામે નજર પણ નહીં નાખે અને ભૂલેચૂકે તને જોશે તો એને કલંક લાગશે, એના ઉપર કોઈ આફત આવશે.’
આ શ્રાપના નિવારણ માટે દેવોની વિનંતીથી બ્રહ્માજીએ ઉપાય બતાવ્યોઃ ‘ભાદરવા સુદ એકમથી ચોથ સુધીનું ચંદ્રે વ્રત કરવું. આ વ્રતમાં ગણેશ-મૂર્તિની સ્થાપના કરી પૂજા-ઉપાસના કરવી, નૈવેદ્યમાં લાડુ ધરાવવા. સાંજે મૂર્તિને વાજતે-ગાજતે નદીએ લઈ જઈ જળમાં પધરાવવી. આવું વ્રત કરવાથી ચંદ્ર શ્રાપમુક્ત થશે.’ ચંદ્રે વ્રત કરીને ગણેશની ક્ષમાયાચના કરી. આ કથાનો સંદેશ એ છે કે અપંગ કે કુરૂપ બાળકનો ઉપહાસ ન કરાય, એને તો ગણેશની જેમ પહેલે પાટલે બેસાડાય.
આ વ્રત-કથાના આધારે આજે પણ ‘ગણેશોત્સવ’ રાજસી ઠાઠથી ધામધૂમથી ઉજવાય છે. ગણેશચતુર્થીએ ગણેશની પાર્થિવ (માટીની) મૂર્તિ બનાવીને કે લાવીને, વાજતે-ગાજતે પધરામણી-સ્થાપના કરાય છે, ષોડશોપચાર પૂજા કરાય છે, નૈવેદ્ય ધરાવાય છે. એ જ દિવસે કે ત્રીજા, પાંચમા કે દશમા દિવસે સાંજે ધામધૂમપૂર્વક ગણેશજીની વિદાય-યાત્રા કાઢીને, મૂર્તિનું નદી-સમુદ્રના જળમાં વિસર્જન કરાય છે. સિદ્ધિ-બુદ્ધિ સ્વામી વિનાયકને વંદન કરીએ.
‘ગણપતિ’ તો છે અધિપતિ
ગણતંત્રના આદિ પ્રણેતા તેમજ નેતા (વિનાયક) ગણપતિ છે. ‘ગણ’ એટલે સમૂહ. શિવ-સેવકો, દેવો, પૂજા, આર્ય-અનાર્ય એમ સૌ સમૂહોના ‘ગણપતિ’ તો અધિપતિ છે, ‘વિનાયક’ છે. વિઘ્નહર્તા રાષ્ટ્રનાયક કે રાજપુરુષ કેવા હોય, એનું ઉજ્જવળ દૃષ્ટાંત એટલે ગણપતિ. વેદના ઋષિ પણ ‘ગણાનામ્ ત્વા ગણપતિમ્ હવામહે’ કહીને ગણોના અધિપતિ ગણપતિની સ્તુતિ કરે છે. સૌનાં વિઘ્ન હરી કલ્યાણ કરનાર ‘નાયક’ના સર્વ ગુણોનો એમનામાં સમન્વય થયો છે, વિદ્યા-કલાના અધિપતિ છે, ‘સર્વજ્ઞાનનિધિ’ હોવાથી તેમને ‘બ્રહ્મણસ્પતિ’નું પણ બિરુદ મળ્યું છે.