ઘમ્મર ઘેરદાર ઘાઘરા ને કેડિયાં છોડી, ચાલો, ઘરમાં જ માનો ગરબો ગાઇએ..

રમૂજ ગઠરિયા

કોકિલા પટેલ Wednesday 14th October 2020 06:35 EDT
 
 

આસો માસના શુકલ પક્ષની અજવાળી રાતોમાં આવતું મહાપર્વ એટલે નવરાત્રિ. આકાશી ચંદરવો પૃથ્વીના પગથાળે અજવાળાં પાથરે ત્યાં મા જગદંબા સોળે શણગાર સજી સખીઓ સાથે ચાચર ચોકે રૂમઝુમ ગરબે રમવા આવે છે. આ નવરાત્રિના નવ દિવસોમાં શક્તિ ઉપાસકો મા જગદંબાનું અનુષ્ઠાન કરે, પૂજા, આરતી અને આરાધના કરે છે. ગુજરાતમાં નવરાત્રિનો મહિમા અનેરો છે, નવરાત્રિ આવે એટલે સમગ્ર વાતાવરણ આસ્થા અને શ્રધ્ધાના રંગમાં રંગાઇ જાય. જો કે હવે નવરાત્રિમાં મા જગદંબાની ભક્તિનો, પરંપરાગત ગરબાનો મહિમા ઓછો થતો જણાય છે. એમ કહીએ કે માતાજીનો અસ્સલી ગરબો કયાંક ખોવાયો છે. માના ગુણલા ગાતા પ્રાચીન ગરબાની જગ્યાએ વિવિધ જાતના પોશાક અને સ્ટાઇલીશ ગરબાએ લીધી છે. હવે તો કોણ બેસ્ટ ડ્રેસ-અપ થયું છે અને કોણ શ્રેષ્ઠ ઢબે ગરબે ઘૂમે છે એની જાણે કે કોમ્પીટીશન ચાલે. માતાજીના પરંપરાગત બે-ત્રણ તાળીએ ગવાતા ગરબાને બદલે ઘેરદાર ઘાઘરા ને ચાટલા-ફૂંમતાંથી લટકતા બેકલેસ બ્લાઉસ (જેને અમે કચ્છી કાપડાં કહીએ) પહેરેલી આધુનિક ભરવાડણો અને એમની સાથે એમના પગલે હીંચે એવા પ્રિય જોડીદાર પણ માથે શણગારેલી રંગબેરંગી પાઘડી પહેરી ચકરડીએ ચઢતા.. સોરી... દોઢીયું હીંચતા દેખાય છે. નવરાત્રિ એટલે એક જલસો, કોમર્શીયલ બીઝનેસ થઇ ગયો છે. મોટા મોટા પાર્ટી પ્લોટ અને કલબોમાં ધમાકાબંધ મ્યુઝીક સાથે હજારોની સંખ્યામાં યૌવન હિલોળે ચડે. ગુજરાત સરકાર દ્વારા વાયબ્રન્ટ નવરાત્રિ યોજાય એમાં તો જાણે હો...હો! એક એકથી ચડિયાતા પોશાક-પાઘડી અને બાર હાથના ઘેરદાર ગામઠી ચણિયા-ચોળીમાં યૌવન હિલોળે ચડે. એક એકથી ચડિયાતા કાઠિયાવાડી, કચ્છી અને રાજસ્થાની સ્ટાઇલના પોશાક અને ઘરેણાંથી સજ્જ થઇને ગરબે ઘૂમતી યુવતીઓ પીઠ પર જાત જાતનાં ચીતરામણ (ટેટૂ) પણ કરાવે અને અસ્સલ ગામઠી લૂક આપી સૌ માટે ધ્યાનાકર્ષ બને.
 નવરાત્રિની નવ રાતોમાં મા જગદંબા રણે ચડી અસુરોનો નાશ કરે છે એનો મહિમા વર્ણવતા ગરબાને બદલે ફિલ્મીગીતો પર માતાજીના ગરબા ગવાતા થઇ ગયા છે, એ બોલીવુડ મ્યુઝીક સાથે ગરબા ભૂલી કેટલાક જુવાનિયા ડિસ્કો પર ચડી જાય છે. કેટલાક જણને કહેતા સાંભળ્યા છે કે નવરાત્રિ એટલે પ્રણય પંખીડાઓ માટે મુકતમને વિહરવાનો રૂડો અવસર, એમાં કયારેક મર્યાદા ઓળંગી જતાં મા-બાપને 'કોઠીમાં મોં નાંખવા' જેવું પણ બને છે. બ્રિટનમાં ખાસ કરીને લંડન-લેસ્ટરમાં સંસ્થાઓ કે આયોજકો દ્વારા યોજાતા નવરાત્રિ મહોત્સવોમાં પણ રંગબેરંગી આકર્ષક પોશાક અને કાનના પડદા ફાટી જાય એવા ધમાકાબંધ મ્યુઝીક સાથે ગરબા-રાસ યોજાતા હોય છે. કેટલાક તો દારૂનું સેવન કરી ગરબા-રાસનું મનોરંજન માણવા જ આવતા હોય છે.
કોરોના રૂપી રાક્ષસથી થરથર ધ્રુજતા પૃથ્વીલોકના માનવીને મા જગદબાંએ મોર્ડન તમાશા છોડી એની પરંપરાગત ભક્તિ-શક્તિનો મહિમા કેવી રીતે ગાવો જોઇએ એનો પદાર્થપાઠ શીખવવા જાણે ભૂતકાળ તાજો કરાવ્યો હોય એવું લાગે છે. પહેલાં જેમ ગામ કે શહેરોમાં શેરીએ શેરીએ ગરબા મંડાતા એ ટાઇમ હવે પાછો આવ્યો છે. ગુજરાત સરકારે ઘરની અગાશી કે ઘરઆંગણે જ પરિવારના સભ્યોએ ભેગા મળી નવરાત્રિના ગરબા ગાવા તાકીદ કરી છે. બ્રિટન, અમેરિકા, કેનેડા સહિત દેશવિદેશમાં વસતા ગુજરાતીઓને એમની સ્થાનિક સંસ્થાઓ અને આયોકજકોએ ઘરમાં બેસીને જ મા જગદંબાના ગરબા ગાઇને નવરાત્રિ ઉજવવા જણાવ્યું છે. ઘરે બેઠાં સૌ નવરાત્રિ માણી શકે એ માટે ગુજરાતના કેટલાક લોકપ્રિય કલાકારો અને મ્યુઝીક ગ્રુપોએ ઓનલાઇન વર્ચ્યુઅલ (પ્રત્યક્ષ) ગરબા રજૂ કરવાનું નક્કી કર્યું છે. આપણે નાગર સમાજની જેમ ઘરમાં જ ઘટસ્થાપન કરી બેસીને તાળીઓ પાડી ગરબો ગાવો જોઇએ.
અમને આજથી ૪૦-૫૦ વર્ષ પહેલાંની નવરાત્રિ યાદ આવે છે. ગામડામાં દરેક ફળિયામાં અને શહેરોમાં દરેક પોળે ગરબા ગવાતા અમે જોયા છે. સાંજ પડે ફળિયા કે પોળના નાકે સૌ વડીલ માતાઓ, વહુ-દીકરીઓ એકઠી થાય, એ વખતે અત્યારની જેમ લેટેસ્ટ ડિઝાઇનના ચાટલા--ફૂમતાંવાળા ગામઠી ચણિયા-ચોળી કે ભરવાડણો જેવા ચૂડલા ને ચાંદીના ઘરેણાં કાંઇ પહેરવાના નહોતા, મોટા ભાગે ઘરમાં પહેરેલા સાડલાભેર જ ગૃહિણીઓ ગરબા ગાવા ભેગા મળે. ત્યાં વચ્ચે લાકડાની માંડવડી મૂકાય, એમાં દિવેલના દીવા પ્રગટાવ્યા પછી એક તાળીએ કે ત્રણ તાળીએ અસ્સલ પ્રાચીન ગરબા શરૂ થાય. એ પણ કેવા !! કોઇપણ વાજિંત્ર વગર ગરબે ઘૂમતી એક મહિલા ગરબો ગાય અને બીજી બહેનો એક સાથે ગરબાના બોલ ઝીલે. એ વાતાવરણ એટલું ભક્તિભાવ ભર્યું લાગતું જાણે સાક્ષાત જગદંબા ગરબે રમવા આવતાં હોય એવી અનુભૂતિ થાય. ચાલો ત્યારે વાંચક ભાઇ-બહેનો પાછા આપણે ભુતકાળ તરફ જઇએ અને "મા પાવા તે ગઢથી ઉતર્યાં" અને "આસમાની રંગની ચૂંદડી રે માની ચૂંદડી લહેરાય' ત્રણ તાળી લઇ ગાવા મંડીએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter