લંડનઃ એમ કહેવાય છે કે ‘ખુદા દેતા હૈ તો છપ્પર ફાડ કે દેતા હૈ’. બર્કશાયરના એક બ્રિટિશ પરિવાર માટે આ કહેવત તદ્દન સત્ય બનીને આવી છે. આ પરિવારના ઘરની છતના ભંડકિયામાં લાખો પાઉન્ડની કિંમતનો ભારતીય ખજાનો મળી આવતા તે પરિવાર સૌથી ઝડપે રાતોરાત મિલિયોનેર બનવા તરફ આગળ વધી રહ્યો છે. ભંડકિયામાંથી પ્રાપ્ત ભારતીય ખજાનામાં ટીપુ સુલતાનની સુવર્ણજડિત તલવાતો અને કલાત્મક બંદૂકોનો પણ સમાવેશ થાય છે. ચોથા એંગ્લો-માયસોર યુદ્ધ પછી બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીના લશ્કરી અધિકારી મેજર થોમસ હાર્ટ દ્વારા આ ખજાનો બ્રિટન લવાયો હોવાનું મનાય છે.
ભારતીય સ્વાતંત્ર્યવીર ‘ટાઈગર ઓફ માયસોર’ ટીપુ સુલતાન અને ડ્યૂક ઓફ વેલિંગ્ટન, આર્થર વેલેસ્લી વચ્ચે ૧૭૯૯માં આ યુદ્ધ ખેલાયું હતું. બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીના લશ્કરી અધિકારી મેજર થોમસ હાર્ટ દ્વારા ટીપુ સુલતાનના મહેલમાંથી લૂંટીને લવાયેલો આ ખજાનો આશરે ૨૨૦ વર્ષથી વંશપરંપાગત તેના પરિવારમાં ઉતરી આવ્યો હતો અને હાલ એક દંપતીની પાસે છે, જેમણે વિક્ટોરિયન શૈલીના મકાનની છતના ભંડકિયામાં અખબારોમાં વીંટાળીને રાખ્યો હતો. ઓક્શનર એન્થની ક્રિબના જણાવ્યા અનુસાર આ શસ્ત્રસંગ્રહ જીવનમાં એક જ વખત જોવા મળે તેવો નોંધપાત્ર છે અને હરાજીમાં તેના લાખો પાઉન્ડ્સ મળે તેમ છે. આ સામાન્ય બ્રિટિશ પરિવાર માટે તો તે મોટી લોટરી સમાન જ છે.
શસ્ત્રોનાં અદ્ભૂત ખજાનામાં ટીપુ સુલતાનની ૨૧ શોટની રીપીટિંગ ફ્લિન્ટલોક લાંબી ગનમાં વાઘના ચટાપટા જેવી અનોખી ભાત જોવા મળે છે. તેને બંદૂકની ગોળીથી નુકસાન થયું હોવાનું જણાય છે. કદાચ આ ગોળીએ જ ટીપુ સુલતાનનો જીવ લીધો હોઈ શકે. શસ્ત્રસંગ્રહમાં સુવર્ણજડિત ફિરંગી તલવાર પણ છે, જેના પર માયસોરના પૂર્વ શાસક અને ટીપુના પિતા હૈદર અલી ખાનની છાપ અંકિત છે. નક્કર સોનાના બનેલા સ્નેક બોક્સમાં ૨૨૦ વર્ષ જૂની સોપારીઓ પણ છે. કલાકારીગરીથી સજાવેલી સોનાની તલવાર, ટીપુનું નાનું પેઈન્ટિંગ તેમજ અન્ય ઘણાં શસ્ત્રો ઉપરાંત, મેજર થોમસ હાર્ટની નક્કર સોનાની સીલ રિંગ પણ છે.
બ્રિટિશ જાસૂસોએ બ્રિટન વિરુદ્ધ મિત્રતાનો પ્રસ્તાવ મૂકતો ફ્રાન્સના શાસક નોપોલિઅન બોનાપાર્ટ દ્વારા લખાયેલો પત્ર હાથ કર્યા પછી ડ્યૂક ઓફ વેલિંગ્ટન, આર્થર વેલેસ્લીની આગેવાની હેઠળ બ્રિટિશ લશ્કરે ટીપુના ગઢ સમાન શ્રીરંગપટ્ટનમ પર ચડાઈ કરી હતી. આ યુદ્ધમાં ટીપુ સુલતાનના પરાજય પછી બ્રિટિશ સૈનિકોએ નગર, ટીપુના મહેલ, ખજાના અને શસ્ત્રભંડારમાં ભારે લુંટ ચલાવી હતી.