એક એવો પરિવાર, જ્યાં ભલે એસી હોય કે ન હોય, પણ અંતરમાં ટાઢક હોય. એક એવું કુટુંબ, જ્યાં ભલે બધા પાસે મોબાઈલ હોય કે ન હોય, પણ સૌના હૃદય અને મન એકબીજા સાથે જોડાયેલા હોય. એક એવું ઘર, જ્યાં ભલે સ્થાન અને અન્નનો અભાવ હોય, છતાં સૌ સાથે ભોજન કરતા હોય અને જીવનમાં આવતા દ્વન્દ્વો-વિઘ્નોમાં ખભેખભા મિલાવતા હોય. આવા પરિવાર એ કોઈ અતિશયોક્તિ નથી કે નથી કોઈ કલ્પના, પણ વાસ્તવમાં બની શકે છે એક જીવંત વાસ્તવિક્તા.
પરંતુ આજના આધુનિકયુગનું માનચિત્ર કંઈક અલગ છે. સૌ કોઈ વિજ્ઞાન અને ટેકનોલોજીના સહારે અર્થોપાર્જન કરવા સતત પ્રયત્નશીલ રહે છે. એ આશાએ કે એમાંથી જ સાચું સુખ અને શાંતિ મળશે. પરિણામે સાચો આનંદ દુર્લભ બની જાય છે. જેના કારણે એકલપંડી અને મનમાની જિંદગી જીવવાની શરૂઆત થાય છે. કારકિર્દીના શિખરે પહોંચવા માટે, અંગત લક્ષ્યોને પાર પાડવા માટે, ભૌતિક સુખની પ્રાપ્તિ માટે, પોતાની મહત્ત્વાકાંક્ષાને અને નિજ અહમને સંતૃપ્ત કરવા માટે માણસ મહદ્અંશે કુટુંબને ભૂલી રહ્યો છે. જ્યાંથી માણસ જીવનનું પ્રાથમિક શિક્ષણ મેળવે છે એવા મા-બાપ અને પરિવારજનોથી દૂર જઈ રહ્યો છે. ભૌતિક પદાર્થ વસાવવાની લ્હાયમાં ઘણી વાર પરિવારની આહુતિ આપતાં પણ અચકાતો નથી. આજે માણસ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરે છે ઘરને શણગારવામાં, ઈન્ટિરિયર ડિઝાઈનિંગમાં. આજે માણસ જીવનમાં પ્રધાનપણું આપે છે પૈસા, પદાર્થ અને પ્રસિદ્ધિને.
ખરેખર, જીવનમાં સાચો આનંદ શોધવા નીકળેલો વ્યક્તિ અન્ય માર્ગે ફંટાઈ જાય છે. જેના કારણે કેટલાક વ્યક્તિઓની ભૌતિકસુખ તરફની દોડનું પરિણામ પરિણમે છે અશાંતિના સ્વરૂપમાં. જેના કારણે તેઓનો પરિવાર તૂટે છે, સંબંધો વણસે છે, હતાશા-નિરાશામાં ડુબકીઓ ખાય છે અને અંતે ઘણીવાર જીવનનો અંત પણ આણે છે.
વ્યક્તિ સુખ અને શાંતિને પ્રાપ્ત કરવા જતા કેવળ શુન્યતાને પામે છે. પરંતુ જેમ અનંત અંધકારને દૂર કરવા માટે એક દીપક જ જોઈએ તેમ આવા અંધકારભર્યા જીવનમાં પણ એક પ્રકાશનું કિરણ જ કાફી છે. ચાર દિવાલો, બે-ચાર ખીડકીઓ, એક-બે દરવાજાઓ, ઊંચી છત અને રસોડા-ગેલેરી સાથે શૌચાલયનો સરવાળો એ ‘ઘર’ નથી હોતું, માત્ર મકાન છે. જે ખરીદાયા પછી શરૂ થાય છે મકાનમાંથી ઘર બનાવવાની પવિત્ર પક્રિયા!
જ્યાં આવીને હૈયાના ઊંડાણમાંથી એક ‘હાશ’ નીકળી જાય. દિવાલોની વચ્ચે હોવા છતાં જ્યાં મુક્તિનો અહેસાસ થાય, જ્યાં એકમેકની આત્મીયતા આપણી ત્રસ્ત જિંદગીને સહ્ય બનાવે, જે ઓરડાના એક એક ધનફૂટમાં રહેલી હવાના ચોસલાંઓ આપણાં આંસુ અને ખુશીઓને ઓળખે, એ જગ્યાને ઘર કહેવાય છે. Home is where, heart is!
આ ઘરને ઘર બનાવવાની ઔષધિ પ્રમુખસ્વામી મહારાજ બતાવે છે. જેઓ દેશવિદેશમાં સતત વિચરતાં જ રહ્યાં છે, હજારો ગામડાઓમાં, લાખો ઘરોમાં, અસંખ્ય વ્યક્તિોને મળ્યા છે. દરેકના પ્રશ્નો તથા દુઃખો જોયા છે અને સાંભળ્યા છે. તેમણે સૌના પ્રશ્નો અને દુઃખ જોઈને તારણ કાઢ્યું કે, ‘આ બધા જ પ્રશ્નો સ્વભાવના છે. સ્વભાવને કારણે જ અશાંતિ અને ઉપાધિ થાય છે. આ સ્વભાવના દુઃખો ટાળવા માટે બીજી કોઈ દવા કામ લાગે તેમ પણ નથી.’ ખરેખર, જેમ આગનું નિવારણ પાણી છે. છત્રથી સૂર્યનો તાપ નિવારી શકાય છે. રોગનું નિવારણ વૈદ્ય કરે છે. તોફાની ઘોડાને ચાબુકથી વશમાં રાખી શકાય છે. હાથીને અંકુશ દ્વારા વશમાં લેવાય છે. તેમ સ્વભાવના પ્રશ્નો ટાળવા માટે સમજણ સિવાય બીજો કોઈ ઉપાય જ નથી અને સમજણ મેળવવા માટે સત્શાસ્ત્રોનું વાંચન અને શ્રવણ એ જ ઉત્તમ માર્ગ છે. ઘરમાં નિયમિતપણે દરેક સભ્યો થોડો સમય કાઢી આ સત્શાસ્ત્રોનું કે પ્રેરણાદાયી જીવન ચરિત્રોનું વાંચન-શ્રવણ કરે તો પ્રશ્નોનું સમાધાન આપોઆપ થઈ જતું હોય છે. કથા વાર્તા થાય તો જ ઘરમાં શાંતિ રહે છે. દરરોજ નિશ્ચિત સમયે ઘરના સભ્યોનું સમૂહમિલન યોજાય અને તેમાં આવી અધ્યાત્મગોષ્ઠી થાય તો ઘણો લાભ થાય. જેને પ્રમુખસ્વામી મહારાજ ઘરસભા કહે છે. ઘરસભા એ ઘરની શોભા છે. ઘરસભા એ ઘરની પ્રભા છે. જ્યાં ઘરસભા ન થતી હોય તે ઘર નહીં પણ ઘોર છે. કબીર પણ કહે છે,
જા ઘર હરિકથા નહીં કીર્તન, સંત નહીં મિજબાના,
તા ઘર જમડે દિરા દિના, સાંજ પડે શમશાના.
મલ્ટી બિલિયોનેર વોરેન બફેટ પણ દિવસમાં એક વાર પોતાના પરિવારજનો સાથે ભેગા મળીને ભોજન અને પ્રાર્થના કરે છે જેના કારણે આધુનિક યુગના નિર્માતા હોવા છતાં પરિવારમાં સુખ અને શાંતિ છે. બાળકોમાં સંસ્કાર અને ચારિત્ર્ય છે.
ન કેવળ આ એક વ્યક્તિની વાત છે પરંતુ અનેકોની કહાની છે. આઈન્સ્ટાઈન, ઓબામા કે સાંપ્રત સમયે બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયના અનેક હરિભક્તોનો અનુભવ છે કે આ ઔષધીના પાનથી જીવનમાં શાંતિની અનુભૂતિ થાય છે. વિષમ પરિસ્થિતિમાં સ્થિર રહેવાય છે. બાળકો સંસ્કાર અને ચારિત્ર્યયુક્ત જીવન જીવે છે. પરિવારજનો વચ્ચે આપસમાં સંપ, સ્નેહ અને સુમેળભર્યા વ્યવહારનો સેતુ રચાય છે.
તો નિર્ણય આપણા હાથમાં છે કે આપણે કેવું ઘર બનાવવું છે?