કોરોનાની મહામારીએ આપણા બ્રિટનને જાણે બાનમાં લીધું છે, નિત નવા બાળકો (સ્ટ્રેઇન) પેદા કરતો આ કોરોના આપણી પાછળ હાથ ધોઇને પડ્યો છે. લંડન સહિત યુ.કે.ભરના શહેરો, નગરો સૂમસામ થયા છે, સાથે હાડ થીજાવતી બરફીલી મૌસમ પણ ત્રાહિમામ પોકારાવ્યો. ૮૦%થી વધુ લોકો લોકડાઉનમાં બેસવા મજબૂર બન્યા છે. લોકો ઘરમાં બેસીને હવે મોબાઇલ ફોન સુધી સીમિત બન્યા છે. સપ્તપદીના સાત ફેરા લઇને એકબીજાના સુખદુ:ખના સાથી બનવાના કોલ આપનારા દંપતિઓના દાંમ્પત્ય જીવનની આ કાળમુખો કોરોના કસોટી કરવા નીકળ્યો હોય એવું લાગે છે. અમેય કોરોનાની બીકે ઘરમાં જ પૂરાઇને બેઠા છીએ પણ પત્રકાર જીવને જંપ ના વળે એટલે ફોન કરીને આપણા સમાજના સૌ વડીલો, ભાઇ-બહેનોના ખબર અંતર પૂછતા રહીએ. એમાં કેટલીક બહેનોનું માનવું છે કે, રોજ સવારે ઊઠીને તૈયાર થઇ, પર્સ લટકાવીને નોકરી પર જતા હતા એ સારું હતું. આ લોકડાઉનમાં સવારથી સાંજ સુધી રસોડામાં સતત બીઝી રહેવાનું સાથે ઘરે બેસી જોબનું પણ કામ કરવાનું!! આપણે તો કેવા ઉંધા પૂજ્યા હશે તે સવારથી ચ્હા નાસ્તા કરો, ત્યાં બપોર થાય એટલે પતિદેવ ડિપ્લોમેટ થઇ ડાર્લિંગ લંચનો શું પ્રોગ્રામ, ચાર વાગ્યે એટલે ચ્હાની ચટપટી અને સાંજ પડે દાળ-ભાત શાક-રોટલીની ફુલ થાળી જમવા હડીઓ કાઢે. સવારથી સાંજ સુધી વાસણોના ઢગલા ઉલેચેની કંટાળ્યા”
હેરોની એક શોપમાં અમે શાકભાજી લેતાં હતાં ત્યાં મોઢે મફલરની બુકાની બાંધીને આવેલાં એક માસી બબડતાં પરવર વીણતાં હતાં. અમેય ત્યાં નજીક ઉભા રહીને કૂણી દૂધી લેતા હતાં. એ જોઇ માસીએ પૃચ્છા કરી, “બોન" તમારા ઘરવાળા દૂધી ખાય છે તો બહુ સારુ. તમારેય ઘેરથી એ બહાર નીકળતા નથી?! અમારે તો ડોહાને પરવર, કંકોડા ને પાપડી જ ભાવે છે, દૂધી તો ગળે ભરાય છે, આ પરવર તો લઇ જઉં છું પણ એના બીયા મારે એકે એક કાઢીને સમારવાના!! આફ્રિકાથી જ અમે આ ખોટી ટેવો પાડી છે, શું કરીએ?”
કીગ્સબરીમાં રહેતી એક બહેને દિલ ઠાલવતાં રમૂજ ઉપજાવે એવી વાત કરી. એમનું કહેવું એમ હતું કે, આ લોકડાઉનમાં ભાયડાઓને મોજમસ્તી થઇ ગઇ છે, સવાર, બપોર અને સાંજે આપને મસ્ત મજાની ડીશો પીરસીએ અને એ લોકો પાંચ વાગે એટલે બીયર ને વ્હીસ્કીના પેગ ઉપર પેગ ઠચકાવે. બહાર ચાલવા જવાતું નથી એટલે આડુ આવળું ખાઇને પચે નહિ એટલે આખો દા'ડો ઓઇયાં ને ગેસના ગુબ્બારા છોડે!! યાર! એ દારૂડિયા સાથે હું ત્રણ મહિનાથી સૂવા જતી જ નથી, મારે તો સિટીંગ રૂમનો સોફો જ મસ્ત!!!”
ઇલ્ફર્ડથી અમારા એક સ્નેહીનો કોરોનામાં બધા સુરક્ષિત છો ને? એવી પૃચ્છા કરતો ફોન આવ્યો, એમની સાથે વાતો કરતાં મેં તમારાં ગૃહમંત્રી (પત્ની) કેમ છે એવું પૂછતાં પેલા સ્નેહીભાઇ ખખડાટ હસ્યા. મને આશ્ચર્ય થયું! એનું કારણ પૂછતાં ખબર પડી કે સુપર સ્ટોરમાં બન્ને જણ માસ્ક પહેરીને શોપીંગ કરવા ગયેલાં. જરૂરી વસ્તુ ખરીદતાં બન્ને છૂટાં પડી ગયાં, ત્યાં પત્નીને શોધવા નીકળેલા અમારા સ્નેહી પોતાની પત્ની સમજીને કોઇ અજાણી મહિલા સાથે ફરવા લાગ્યા. આ સીન જોઇને પત્નીનું ત્રીજું નેત્ર ખૂલ્યું એની અસર બે દિવસ સુધી ચાલી. સ્નેહી મિત્રએ કહ્યું એક સરખાં કપડાં પહેરેલાં અને મોંઢે માસ્ક હતો એટલે હું તો ‘મારી જ છે’ એમ સમજી ચાલતો હતો. પણ વીફરેલી પત્નીએ અઠવાડિયું સિટીંગ રૂમના સોફામાં સૂઇને કાઢ્યું!! આ મોંઢુ ઢાંકનાર માસ્ક કોઈનું ઘર ભંગાવે ને!
આપણી પરંપરા, રીતરિવાજ મુજબ પહેલાં દિકરીઓના મનમાં ગળથૂંથી જ પતિ એટલે પરમેશ્વર એવું ઠસાવી દીધેલું, એ કમાય અને ઘરની લક્ષ્મી ઘરગૃહસ્થી સંભાળે. આધુનિક જમાનામાં આ વ્યાખ્યા આપણને વાહિયાત લાગે. હવે તો સ્ત્રી પુરૂષ સમોવડી સમાન અધિકારી બની છે. પરંતુ ૬૦થી ઉપરની બહેનોના માનસપટ પર હજુ એ જૂની પરંપરા ની છાપ ભૂંસાઈ નથી. એટલે ભલેને પતિશ્રી આખો દિવસ સોફા સેવી, ટી.વી. જોતા રહે પણ આપણે તો આપણો પતિધર્મ નિભાવવો પડે.
લોકડાઉનમાં ઘરેથી કામ કરનારા યુવાન દંપતિઓની તો બૂરી દશા થતી દેખાય છે. ઓનલાઇન સ્કૂલ અભ્યાસ કરતાં બાળકો અને નોકરી-ધંધાનું કામ ઉપરાંત ત્રણ ટાઇમ, રસોડું અને ઘરની સાફસફાઇના કામમાં યુવાદંપતિઓ સ્ટ્રેસ અનુભવતા થઇ ગયા છે. પરિણામે ઝઘડા, મારપીટ અને છેલ્લે ડિવોર્સ સુધી વાત પહોંચી જતી હોય છે. પરંતુ સમજદાર કેટલાક યુવા દંપતિઓ વચ્ચે ગજબની સમજૂતી હોય છે! અહીં આપણી પેલી "પતિ એ પરમેશ્વર"ની વ્યાખ્યાનો કોઇ કલાસ નથી રહેતો, અહીં તો પશ્ચિમી વિચારસરણી અને આધુનિક "ફાસ્ટ લાઇફ"ની વ્યાખ્યાથી જ બન્નેનું ગાડુ ચાલે. બન્ને વચ્ચે સરખા ભાગે કામ વહેંચાતું દેખાય. એમાં ખાસ કરીને આજના જુવાનિયા એમની ડાર્લિંગને સ્ટ્રેસ ના આવે એટલે શનિ-રવિનું રસોડું, બાળકોની સાર સંભાળ, ઘરની સાફ સફાઇ સ્વેછાએ સંભાળી લેતા હોય છે.
જીવનરથનાં બે પૈડાંમાં એક કાચું પડે એટલે કોઇપણ બાંધછોડ વગર તું તારે ઘેર અને હું મારે ઘેર. અહીં સપ્તપદીના ફેરાનાં વચનો યાદ કરવાનાં રહેતાં નથી. કોરોનાકાળમાં ઘરગૃહસ્થી અને નોકરી-ધંધામાં એકબીજા સાથે સમજૂતી પૂર્વક સહયોગી નહિ બનનાર કેટલાય દંપતિઓના કુટુંબ છિન્નભિન્ન થઇ ગયાં છે. તાજેતરમાં એક દૈનિક સમાચાર પત્રમાં રમૂજ ઉપજાવે એવા સમાચાર જોવા મળ્યા. પોર્ટુગલના લિસ્બનમાં લોકડાઉન દરમિયાન આળસુ પતિથી ત્રાસેલી મહિલાએ એના ઘરની ગેલેરી ઉપર "પતિ વેચવાનો છે"નું મોટું બોર્ડ ચીતરીને લટકાવ્યું હતું. અરે.રે..રે કોરોના તું કેટલાં ઘર ભાગીને જઇશ!!! કોરોના તું જા જા જા.