અષાઢ સુદ-11 એટલે દેવશયની એકાદશીથી હિન્દુ ધર્મના પવિત્ર ચાતુર્માસનો પ્રારંભ થઇ ગયો છે. આ પવિત્ર દિવસને દેવશયન પર્વ પણ કહેવાય છે. શ્રદ્ધાળુઓ, ભક્તો આ ચાતુર્માસ દરમિયાન અનેક પ્રકારનાં નિયમો અને બંધનો પાળે છે. સમગ્ર ચાતુર્માસ દરમિયાન વધુને વધુ પ્રભુનું નામસ્મરણ કરે છે. આ ચાતુર્માસનું માહાત્મ્ય અનેક ધર્મોમાં જોવા મળે છે. જૈન ધર્મના અનુયાયીઓ દેરાસર જઈને મંત્રજાપ, અનુષ્ઠાન કરે છે. ધર્મગુરુના આશ્રયમાં રહીને જ્ઞાન સંપાદન કરે છે. બૌદ્ધ ધર્મના ભિક્ષુકો કોઈ એક જ સ્થાનમાં રહીને આરાધના કરે છે. વિચરણ સંપૂર્ણપણે ટાળે છે.
હિંદુ ધર્મમાં પણ ચાતુર્માસનું આગવું માહાત્મ્ય છે. પૌરાણિક કથા અનુસાર દેવશયની એકાદશીના રોજ શંખાસુર અસુર મૃત્યુ પામ્યો હતો. આ પવિત્ર દિવસે એકાદશીનું માહાત્મ્ય સહુ પ્રથમ બ્રહ્માજીએ નારદજીને જણાવ્યું હતું. એ જ માહાત્મ્ય શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિરને કહી સંભળાવીને તેઓનું કલ્યાણ કર્યું હતું. કહેવાય છે કે, સૂર્ય વંશના માંધાતા રાજા ખૂબ સુખી હતા. તેમના રાજ્યમાં આકરો દુકાળ પડ્યો. રાજા તો ખૂબ ચિંતિત થયા. પ્રજા ત્રાહિમામ્ પોકારી રહી હતી. તેમણે અંગીરા ઋષિના માર્ગદર્શનથી આ દેવશયની એકાદશીનું વ્રત કર્યું. આ વ્રતના ફળસ્વરૂપે ફરીથી રાજ્ય હર્યુંભર્યું થઈ ગયું. શ્રીકૃષ્ણના માર્ગદર્શનથી પાંડવોએ પણ આ વ્રત કર્યું અને પીડામુક્ત તથા પાપમુક્ત થયા, સુખી થયા. દેવપોઢી એકાદશીને પદ્મનાભ એકાદશી પણ કહેવાય છે.
દેવશયન પર્વનો પ્રારંભ (ચાતુર્માસ)
ભગવાન શ્રીકૃષ્ણ યુધિષ્ઠિરને કહે છે કે, `મોક્ષની ઇચ્છા રાખનાર મનુષ્યએ, શ્રીહરિને પ્રસન્ન કરવા હેતુ દેવશયન વ્રત કરવું અને ચાતુર્માસના પાળવાના નિયમો તથા વ્રતના સંકલ્પો પણ કરવા.'
કર્ક સંક્રાંતિમાં અષાઢ સુદ-11એ શ્રીહરિને પોઢાડવામાં આવે છે. અર્થાત્ શ્રીહરિ વિષ્ણુ ચાતુર્માસ દરમિયાન ક્ષીરસાગરમાં જઈને બલિરાજા પાસે નિવાસ કરે છે. ક્ષીરસાગરમાં યોગનિદ્રા કરે છે. આ દિવસે શ્રીહરિને પંચામૃતથી સ્નાન કરાવી શ્વેત વસ્ત્રથી આચ્છાદિત પલંગશય્યા ઉપર સુવાડવામાં આવે છે. ધૂપ, દીપ, ચંદન, વસ્ત્ર, પ્રસાદ, પુષ્પ અર્પણ કરીને તે દિવસે ઉપવાસ કરવાનું માહાત્મ્ય છે.
ચાતુર્માસમાં પ્રભુની યોગનિદ્રા શા માટે?
આ બાબતે બલિરાજાની કથા ખૂબ પ્રચલિત છે. શ્રી હરિવિષ્ણુ વામન સ્વરૂપ ધારણ કરી બલિના યજ્ઞકાર્યમાં પધાર્યા. બલિ પાસે ત્રણ ડગલાં જમીન માગી ત્યારે વામનમાંથી વિરાટ સ્વરૂપ ધારણ કરીને પ્રથમ ડગલામાં સંપૂર્ણ પૃથ્વીલોક, બીજા ડગલામાં તમામેતમામ લોક માપી લીધાં. ત્રીજા ડગલા માટે જગ્યા બચી ન હતી.
બલિના કહેવા મુજબ ત્રીજું ડગલું બલિરાજાના મસ્તક ઉપર મૂક્યું અને બલિરાજાને પાતાળલોકના અધિપતિ બનાવી દીધા. બલિએ વરદાનમાં કાયમ માટે શ્રીહરિને પાતાળમાં રહેવા માગી લીધા. લક્ષ્મીજી મૂંઝાયાં. સૃષ્ટિની, સ્વર્ગની, વૈકુંઠની શોભા અને નિયમન માટે શ્રીહરિ બંધનમુક્ત હોવા જરૂરી હતા. લક્ષ્મીજીએ બલિને ભાઈ બનાવ્યા. રાખડી બાંધી અને ભેટના સ્વરૂપમાં શ્રીહરિને બંધનમુક્ત કરાવ્યા. તેમ છતાં શ્રીહરિએ આપેલા વચન અનુસાર ચાતુર્માસમાં પાતાળમાં રહેવા નિર્ણય કર્યો. માટે શ્રી હરિ ચાતુર્માસ દરમિયાન ક્ષીરસાગરમાં યોગનિદ્રા કરે છે.
ચાતુર્માસનું માહાત્મ્ય
અષાઢ સુદ - એકાદશી (આ વર્ષે 29 જૂન)થી કારતક શુક્લ - એકાદશી (આ વર્ષે 23 નવેમ્બર) સુધી વચન અનુસાર શ્રીહરિ ક્ષીરસાગરમાં નિવાસ કરે છે. કારતક સુદ અગિયારસે પુન: વૈકુંઠમાં પધારે છે. શાસ્ત્રના વચન પ્રમાણે ચાતુર્માસમાં યજ્ઞોપવીત, વિવાહ, દીક્ષાગ્રહણ, ગૃહપ્રવેશ, વિવાહ જેવાં શુભ કર્મો વર્જ્ય ગણ્યાં છે, કારણ કે પૃથ્વીલોક ઉપર શ્રીહરિની કમી જણાય છે, જેના કારણે સૂર્ય, ચંદ્ર, નક્ષત્ર તમામ તેજહીન બને છે. માટે શુભ કાર્ય વર્જ્ય ગણ્યાં છે.
વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી જોઇએ તો શરીરમાં પિત્ત-કફની બીમારી જોર કરે છે. આ સમયમાં સર્વત્ર ચોમાસું હોવાથી જીવજંતુનો ઉપદ્રવ ખૂબ હોય છે. જેના કારણે તન-મન બંને બીમાર પડે છે. તન-મન બંનેને સ્વસ્થ રાખવા માટે ઋષિમુનિઓએ ઉપવાસ, એકટાણાં કરવાં અને અમુક વસ્તુઓ ત્યજવા ઉપર ભાર મૂક્યો. આમ આ મહિનાઓ દરમિયાન ઓછામાં ઓછું ભોજન ને વધુમાં વધુ ભજન કરવું. મનને તંદુરસ્ત રાખવા નિત્ય પ્રભુનું નામસ્મરણ, રામાયણ, શ્રીમદ્ ભગવદ્ ગીતા, સુંદરકાંડ, શ્રી વિષ્ણુ સહસ્ત્રનામનું પઠન ચાતુર્માસ દરમિયાન કરવું જોઇએ.
ચાતુર્માસ દરમિયાન આટલું જરૂર કરવું
ચાતુર્માસ દરમિયાન ભાવિકે, નિત્ય મંદિર પરિસરમાં સાફસફાઈ, કચરાં-પોતાંની સેવા કરવી, શ્રીહરિને નિત્ય પંચામૃત સ્નાન કરાવવું, પીપળાની પરિક્રમા કરી જળ અર્પણ કરવું. ત્રણ ટાઇમ ગાયત્રી મંત્ર, ગણેશવંદના, સૂર્યવંદના, અષ્ટાક્ષર મંત્ર કરવા. નિત્ય શ્રી હરિની તુલસીદલથી અર્ચના કરવી, આ શુભ કર્મો કરવાથી ભક્ત મોક્ષગતિ પ્રાપ્ત કરે છે. સમાજમાં પદ-પ્રતિષ્ઠા પામે છે. આરોગ્ય ઐશ્વર્ય અને ઉન્નતિ પામે છે. અક્ષય અને અનંત ફળ પ્રાપ્ત કરે છે.