અમદાવાદઃ હિન્દુ સમુદાયમાં ભારે મહાત્મય ધરાવતી દેવપોઢી એકાદશીની વિવિધ મંદિરોમાં પૂજા-અર્ચના-મહાઆરતી સાથે ભારે ધર્મમય માહોલમાં રવિવારે ઉજવણી થઇ તે સાથે જ ચાતુર્માસનો પ્રારંભ થયો છે. માન્યતા અને પરંપરાને આધીન ભગવાન વિષ્ણુ દેવઉઠી એકાદશી સુધી શયન મુદ્રામાં રહેતા હોય હવે ચાર માસ લગ્નસરાને વિરામ રહેશે. ચોથી નવેમ્બરે દેવઉઠી એકાદશીએ એટલે કે કારતક સુદ એકાદશીએ ચાતુર્માસ પૂરા થશે અને તુલસી વિવાહના આરંભ સાથે જ લગ્ન સહિતના માંગલિક કાર્યોનો આરંભ થશે. જોકે લગ્નમુહૂર્ત માટે 25 નવેમ્બર સુધી રાહ જોવી પડશે.
વિવિધ ધર્મકથાઓને આધીન અષાઢ સુદ અગિયારસ એટલે કે દેવશયની (અથવા તો હરશયની) એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. ઘણા લોકો તેને નીચી એકાદશી પર કહે છે. આ દિવસથી ચાર માસ ભગવાન વિષ્ણુ યોગનિદ્રામાં ચાલ્યા જાય છે અને વિશ્વનું નિયંત્રણ શિવજીને સોંપી દે છે. આ કારણસર જ શ્રાવણમાં શિવજી, ભાદરવામાં ગણેશજી, આસોમાં માતાજીની આરાધના-પૂજાનું મહાત્મય છે. આ સમયમાં લગ્ન, જનોઇ, વાસ્તુ જેવા માંગલિક કાર્યો થતાં નથી.
ચાતુર્માસમાં ભોજનની પરેજી
હિન્દુ ચાતુર્માસમાં અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો એમ ચાર મહિનાનો સમાવેશ થાય છે. ચાતુર્માસ દરમિયાન શ્રાવણમાં શાક અને લીલી ભાજી, ભાદરવામાં દહીં, આસોમાં દૂધ અને કારતકમાં દાળ આરોગવી વર્જિત માનવામાં આવે છે. ચાતુર્માસ દરમિયાન દેવભક્તિનું પણ અનેરું મહત્વ છે. હિન્દુઓમાં કોઇ માંગલિક કાર્યો કરાતા નથી.
ચાતુર્માસના આરંભ સાથે જ પર્વોની વણઝાર
દસમી જુલાઇએ દેવપોઢી એકાદશી બાદ જુલાઇ માસમાં જયાપાર્વતી વ્રતારંભ, ગુરુપૂર્ણિમા, જયાપાર્વતી વ્રતનું જાગરણ, દિવાસો જાગરણ, શિવપૂજાનો આરંભ, ફૂલડા ત્રીજ, ઓગસ્ટ માસમાં રક્ષાબંધન, સંકષ્ટ ચતુર્થી, શીતળા સાતમ, જન્માષ્ટમી, કેવડા ત્રીજ, ગણેશ ચતુર્થી, સપ્ટેમ્બરમાં ઋષિ પાંચમ, અનંત ચતુર્દશી, શ્રાદ્ધ પર્વ, સર્વપિતૃ અમાસ, ઓક્ટોબરમાં વિજયા દશમી, શરદ પૂર્ણિમા, ધનતેરસ, કાળી ચૌદશ, દિવાળી, દર્શ અમાસ, નૂતન વર્ષ, ભાઇ બીજ જેવા પર્વો આવશે.