દેખાય છે એ સત્ય નથી હોતું એટલે કેટલાક મરજીવા સત્યશોધન માટે ગૂંચવાડાઓના સમુંદરમાં ડૂબકીઓ લગાવીને સત્યને પ્રકાશમાં લાવવા પ્રયત્નશીલ હોય છે. પ્રજા તો સાવ ભોળી હોય છે. એને સત્ય-અસત્યનાં અંધારાંમાં અટવાવી દેતી બાબતો આભાસી સત્યની ઈમારતોને સાચી માની લેવા પ્રેરે છે. જમ્મુ-કાશ્મીરના મુદ્દે કોણ કહે છે એ સાચું અને કોની વાત ખોટી એ સમજવાનું જરા મુશ્કેલ હોય છે. આચાર્ય બૃહસ્પતિના પુત્ર આમોદ વર્ધન થકી સંગીત-કલાનાં પ્રકાશનો ઉપરાંત મહારાજા હરિસિંહ અને યુવરાજ ડો. કર્ણ સિંહનાં જીવનચરિત્રો બહાર પાડીને દસ્તાવેજી તથ્યો-સત્યોને પ્રકાશમાં આણવાનું બીડું ઝડપવામાં આવે તો તેને આવકાર આપ્યા વિના રહી શકાય નહીં.
૧૯ સપ્ટેમ્બર ૨૦૧૧ના રોજ દિલ્હીમાં હરબંસ સિંહની કલમે ‘Maharaja Hari Singh: The Troubled Years’ નામક ગ્રંથનું યુવરાજ ડો. કર્ણ સિંહ અને ભારતના મશહૂર કાનૂનવિદ્દ સોલી સોરાબજીએ લોકાર્પણ કરીને દેશ અને દુનિયા સમક્ષ પહેલી વાર મહારાજા હરિ સિંહની વાસ્તવિક વાત રજૂ કરી હતી. અગાઉ ડો. કર્ણ સિંહની Autobiographyમાં પહેલી વાર ઓગસ્ટ ૧૯૫૨માં મહારાજા હરિ સિંહે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદને પૂણેથી પોતાના નિર્વાસિત સમયમાં પાઠવેલા આવેદનપત્રને પ્રકાશિત થયેલું નિહાળ્યું.
મહારાજાના દિલમાં ધરબાયેલાં તથ્યો પહેલી વાર બહાર આવ્યાં, કારણ હરિ સિંહ જમ્મુ-કાશ્મીરનું રજવાડું ભારતમાં સમર્પિત કર્યા પછી એના નવા ધણી થઈ બેઠેલા શેખ અબ્દુલ્લા થકી અપપ્રચાર અને અપમાનોના ભોગ બનતા રહ્યા. એટલું જ નહીં, સરદાર વલ્લભભાઈ પટેલના આગ્રહ અને પંડિત જવાહરલાલ નેહરુની ઈચ્છા મુજબ, મહારાજાને પોતાના રજવાડાંમાંથી હિજરત કરીને મુંબઈને વહાલું કરવાની ફરજ પડી હતી! મહારાજા પોતાના દિલની વાત કોઈને કરી શક્યા નહીં, દિલની વાત દિલમાં ધરબી રાખી, અન્યથા જમ્મુ-કાશ્મીરનો ઈતિહાસ નોખો હોત. હરબંસ સિંહે મહારાજાના જીવનચરિત્રમાં કાશ્મીરકોકડા માટે કાયમ નંદવાતા રહેલા પંડિત નેહરુ તરફ ઢળેલા યુવરાજ ડો. કર્ણ સિંહ અને મહારાજાએ જેમના શબ્દમાં વિશ્વાસ મૂકીને ‘થોડા સમયગાળા માટે જ’ જમ્મુ-કાશ્મીરમાંથી દૂર રહીને મામલો થાળે પડે ત્યાર પછી પાછા ફરવાના આગ્રહને શિરોમાન્ય લેખ્યો હતો. એ સરદાર પટેલના આગ્રહ કે આદેશનું અનુપાલન કરવા જતાં મહારાજાએ આખું આયખું પારકી ભોમકામાં હિજરાવું પડ્યું અને છેક ૧૯૬૧માં એ અસ્થિકલશરૂપે જ પોતીકા રજવાડામાં આવી શક્યા હતા! મહારાજાના જીવનચરિત્રનું એમના મૃત્યુનાં પચાસ વર્ષ બાદ પ્રકાશન થયું અને એમના વિશે ન્યાય થયાનું ડો. કર્ણ સિંહે કહ્યું હતું.
‘મહારાજા’ ને બદલે ‘મિસ્ટર કર્ણ સિંહ’
જમ્મુ-કાશ્મીરમાં શેખ અબ્દુલ્લાના અવાજનું જ વાજું ચાલતું રહ્યું એવા સમયગાળામાં મહારાજા અને યુવરાજ ડો. કર્ણ સિંહની ભૂમિકા ક્યાંક ખોવાતી લાગતી હતી. હરબંસ સિંહ લિખિત ‘Karan Singh: Jammu & Kashmir (1949-1967)’ ગ્રંથનું આગામી દિવસોમાં બૃહસ્પતિ પબ્લિકેશન્સવાળા આમોદ વર્ધન પ્રકાશન કરાવી રહ્યા છે. ડોગરા વંશના ગૌરવ સાથે જોડાઈને એને હિંદુવાદી વાઘા પહેરાવવા કે એની આલોચના કરીને ડોગરા શાસનને તાનાશાહ શાસન દર્શાવવાના પ્રયાસો નિરંતર થતા રહ્યા છે. મહારાજા હરિ સિંહને અંગ્રેજો સાથે વાંકું પડતું હતું, ભારતની આઝાદીની લડતમાં અગ્રેસર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સાથે પણ અણબનાવ હતો, મુસ્લિમ લીગના કોમી રાજકારણ ભણી એમને સૂગ હતી અને શેખ અબ્દુલ્લા જેવા લોકપ્રિય નેતાના ડોગરાવિરોધી વલણ સામે રોષ હતો. આવા સંજોગોમાં જમ્મુ-કાશ્મીર રજવાડું ભારત સાથે વિલય પામ્યું એને બધા પોતપોતાની રીતે મૂલવવાની કોશિશ કરતા રહ્યા છે. પોતીકા ઈતિહાસ આગળ કરતા રહ્યા છે. જોકે, ૧૯૨૫માં ગાદીએ બેઠેલા મહારાજા હરિ સિંહે પ્રજાવત્સલ, સેક્યુલર રાજવી તરીકે જે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી, એ હરબંસ સિંહ, કર્ણ સિંહ અને આમોદ વર્ધનની ત્રિપુટી થકી આ ગ્રંથશ્રેણીમાં પ્રકાશમાં આણી છે.
ડો. કર્ણ સિંહે ૧૯૪૯માં મહારાજાના પ્રતિનિધિ (રિજેન્ટ) તરીકે જમ્મુ-કાશ્મીરનો વહીવટ સંભાળ્યો અને મહારાજા તથા મહારાણી તારાદેવી પોતાના દિલના ટુકડા સમા ૧૮ વર્ષના યુવરાજ કર્ણ સિંહને જમ્મુ-કાશ્મીર ભણી વળાવીને મુંબઈની વાટ પકડી ત્યારે પણ મહારાજા ઈચ્છતા હતા કે યુવરાજ એ હોદ્દો ના સ્વીકારે. જોકે, સરદાર પટેલે એવી જડબેસલાક ગોઠવણ કરી હતી કે એમનો ‘તેજસ્વી વછેરો’ ના પાડે જ નહીં. મહારાજાને કાશ્મીરવટે મોકલવામાં સરદાર પટેલની ભૂમિકા નિર્ણાયક હતી અને મહારાજાએ તો વલ્લભભાઈએ એમની પીઠમાં છરો ભોંક્યો એવા શબ્દોમાં વિશ્વાસઘાતની અનુભૂતિ કરી હતી.
માત્ર નેહરુ જ કાશ્મીર કોકડામાં મહત્ત્વની ભૂમિકા ભજવતા હોવાની સામાન્ય છાપથી વિપરીત ડો. કર્ણ સિંહ તો કહે છે કે ‘મારા પિતાને કાશ્મીરવટે (Exile)માં મોકલવામાં નેહરુ કરતાં સરદાર પટેલની ભૂમિકા વધુ નિર્ણાયક હતી. બંને જણા ટીમ તરીકે જ કામ કરતા હતા.’ એવું કહેતા યુવરાજ ૧૯૬૧માં મહારાજાના નિધન પછી પોતે મહારાજાના ઉત્તરાધિકારી તરીકે ‘મહારાજા’ બન્યા છતાં તત્કાલીન કેન્દ્રીય પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીને પત્ર લખીને જણાવ્યું હતું કે પોતાને ‘Mr. Karan Singh’ તરીકે જ ઓળખાવું ગમશે.
રિજેન્ટથી કેન્દ્રીય પ્રધાન, રાજદૂત અને સાંસદ
જમ્મુ-કાશ્મીર રજવાડાંની સ્થાપના ડોગરા રાજવીઓએ માત્ર અંગ્રેજો પાસેથી ૭૫ લાખ રૂપિયા સાથે મેળવીને નહીં, પણ સંઘર્ષથી અને બાહોશીથી કરી હતી. ડો. કર્ણ સિંહ અત્યારે અપ્રાપ્ય એવા ‘Founding of Jammu and Kashmir state by Sardar K.M. Panikkar’માં અધિકૃત ઘટનાક્રમ રજૂ થયાનું જણાવે છે. પોતાના પૂર્વજોએ ભારતની સરહદોની બહાર ચીન અને રશિયાના પ્રદેશમાં પ્રતિકૂળ સંજોગોમાં જંગ ખેલીને રાજ્યની સીમાઓ વિસ્તારી હતી, એ વાતે યુવરાજ ગર્વ પણ લે છે. જનરલ જોરાવર સિંહથી લઈને મહારાજા હરિ સિંહના યુગના બ્રિગેડિયર રાજેન્દ્ર સિંહ સુધીનાએ જમ્મુ-કાશ્મીરની ખાસ સેનામાં ડોગરા, હિંદુ, મુસ્લિમ, શીખ અને બૌદ્ધનો સમાવેશ હોવાનું એ ભારપૂર્વક અને ગર્વપૂર્વક જણાવે છે. અન્ય રજવાડાંની સલામી સેનાઓથી વિપરિત જમ્મુ-કાશ્મીરની સેના લડાયક મિજાજ અને ખુમારીવાળી સેના હતી. વિજય હાંસલ કરવા જાનની આહુતિ આપનારી સેના હતી. ‘મહારાણા પ્રતાપ અને છત્રપતિ શિવાજી મહારાજ તો ભારતીય સરહદોમાં લડત ચલાવીને સામ્રાજ્ય વિસ્તાર કરતા રહ્યા, પણ ડોગરા શાસકોએ તો ભારતની સરહદોની બહાર સુધી સામ્રાજ્ય વિસ્તાર કર્યો હતો.’
કાયમ કાશ્મીર કોકડાંની ચર્ચા થાય છે, પણ જમ્મુ કોકડાને કેન્દ્રમાં રાખીને લખવામાં આવેલા ‘Karan Singh: Jammu & Kashmir (1949-1967)’ ગ્રંથમાં રિજેન્ટ, સદર-એ-રિયાસત અને રાજ્યપાલ કર્ણ સિંહથી લઈને ઈંદિરા ગાંધીની સરકારમાં ૧૨ માર્ચ ૧૯૬૭ના રોજ પર્યટન અને નાગરી ઊડ્ડયન પ્રધાન તરીકે જોડાવા માટે નિમંત્રણ મેળવનાર ડો. કર્ણ સિંહના ઘટનાક્રમને તથ્યો, દસ્તાવેજોને આધારે સફર કરાવતી જોવા મળે છે. હિંદુ તત્વજ્ઞાનના મહાવિદ્વાન તરીકે ડો. સિંહની ખ્યાતિ છે. નેહરુ, શાસ્ત્રી અને ઈંદિરા ગાંધીની સરકારના સમયગાળામાં વિવિધ હોદ્દે રહ્યા છતાં એ કોંગ્રેસ તથા બિન-કોંગ્રેસી મંચ પર પણ એટલો જ આદર ધરાવે છે. એમની કારકિર્દીમાં અમેરિકામાં ભારતીય રાજદૂતનાં હોદ્દાનો ય સમાવેશ છે. પોતે કોંગ્રેસના રાજ્યસભા સાંસદ છે. યુવરાજ વિક્રમાદિત્ય સિંહ હજુ હમણાં જ જમ્મુ પ્રદેશને અન્યાયના મુદ્દે મુખ્ય પ્રધાન મહેબૂબા મુફ્તીની પીડીપીના વિધાનપરિષદ સભ્ય અને સભ્ય તરીકે રાજીનામું આપી બેઠાં છે. નાના રાજકુમાર અજાતશત્રુ સિંહ અગાઉ ડો. ફારુક અબ્દુલ્લાની નેશનલ કોન્ફરન્સની સરકારમાં પ્રધાન હતા. ૨૦૧૪માં એ ભાજપમાં જોડાયા અને ભાજપના વિધાનપરિષદ સભ્ય છે.
હવે પ્રતીક્ષા છે હરબંસ સિંહની કલમે આ જ શ્રેણીમાં ત્રીજી અને છેલ્લી માલિકામાં આવનાર ગ્રંથની. ધારાસભામાં કોંગ્રેસની બહુમતી હોવા છતાં જમ્મુ-કાશ્મીરમાં સત્તાનાં સૂત્રો શેખ અબ્દુલ્લાને હવાલે કેમ કરવામાં આવ્યાં અને ભાગલાવાદી-ત્રાસવાદી પરિબળો સુધી એ ઘટનાક્રમ કઈ રીતે લંબાયો, એના દસ્તાવેજી ચિત્રણની.
(વધુ વિગતો માટે વાંચો Asian Voice અંક ૩ માર્ચ ૨૦૧૮ અથવા ક્લિક કરો વેબ લિંકઃ http://bit.ly/2BRHaWm)