ગયા ગરૂવારે સવારે ઘરના ફોન (લેન્ડલાઇન)ની રીંગ વાગી એટલે અમે અમારા કુટુંબીજન કે મિત્રોનો ફોન હશે એમ સમજી ફોનનું રીસીવર ઉપાડ્યું ત્યાં સામેથી મેસેજ સંભળાયો કે, “એમેઝોન" તમને £ ૯.૯૯ સ્પેશીયલ ઓફર માટે ચાર્જ કરે છે, તમારે એ કેન્સલ કરવું હોય તો નંબર ૧ દબાવો અને તમે એકસેપ્ટ કરતા હો તો નં-૨ દબાવો. મેં કેન્સલ કરવા ૧ બટન દબાવ્યું ત્યાં સામેથી જવાબ આવ્યો, “યસ મેમ, તમારે કેન્સલ કરવા તમારા ફોનના એપ (APP)માં જઇ ફોર્મ ભરવાનું રહેશે. મેં અંગ્રેજીમાં દલીલ કરતાં પેલાને કહ્યું, “એમેઝોન મારી પર્મીશન વગર આમ કેવી રીતે ચાર્જ કરી શકે!! આઇ વીલ ટેક લીગલ એકશન, આ તો ધોળા દિવસે સોફીસ્ટીકેટેડ લૂંટ જ કહેવાય!!” મારો ગુસ્સો અને દલીલો સાંભળી પેલા શખ્સે મને કહ્યું, “મેમ, કૂલ ડાઉન... તમે તમારા ફોનમાં એપ ખોલો હું કેવી રીતે ફોર્મ ભરવાનું સમજાવું!!” સામે બોલનાર શખ્સનો અવાજ દેશી અંગ્રેજી જેવો લાગ્યો એટલે મેં પૂછ્યું, “તમે ઇન્ડિયાથી બોલો છો?!!” પેલાએ જવાબ આપ્યો, “ના.. ના... હું લંડન-યુ.કે.થી એમેઝોનમાંથી બોલું છું!! મેં એની સામે દલીલો ચાલુ રાખી એટલે પેલો ઇન્ડિયન ઇંગ્લીશ બોલનારાએ એના કહેવાતા મેનેજરને બોલાવ્યો. મેનેનજરે કહ્યું, “યસ મેમ, હું એમેઝોનનો મેનેજર રાયન વિલિયમ. તમને ૭૯.૯૯નો ચાર્જ ના થાય એટલે અમે કહીએ એમ તમારા મોબાઇલના APPમાં જઇ ફોર્મ ભરો...!!! મેં એની સાથે દલીલ ચાલુ રાખીને કહ્યું, “મારી પાસે મોબાઇલ નથી, તું કહે એમઝોનની ઓફિસ કયાં છે? પેલોએ ગૂન ગૂન ભાષામાં જવાબ આપ્યો... એટલે મેં કહ્યું પ્લીઝ ક્લીયર શબ્દોમાં લંડનનો એરિયા કોડ આપ... હું સિટીમાં જ કામ કરું છું, પર્સનલ આવીને તને મળી જાઉં..! પેલો મેનેજર કહે... ના ના...તારે ઓનલાઇન જ ફોર્મ ભરવું પડે!! મને હવે ખાતરી થઇ કે ફ્રોડ છે, મેં પેલા રાયન વિલિયમને કહ્યું. “તું તારું કમ્પયુટર હોય એમાં APP ખોલ...! મેં જવાબ આપ્યો મને કંઇ આવડતું નથી, ઉભો રહે બાજુમાંથી મારા દીકરાને બોલાવું...! પેલો કહે, તારે કલાકમાં જ આ ભરી દેવું પડે..! તારી ડિટેલ મને આપ..! તારું નામ શું...? મેં કહ્યું ડોરીન... પેલો કહે સરનેમ...? મેં કહ્યું શેખ... આ સાંભળી પેલો વિલિયમ ગોટે ચડ્યો. એને ફરી સવાલ કર્યો, "મિસીસ ડોરીન?!! મેં કહ્યું, ના... ના.. ભઇ... મીસ ડોરીન શેખ... મારા નામ સાથે અટકનો મેળ બેઠો નહિ એટલે પેલા વિલીયમને ખાતરી થઇ કે ચોક્કસ આ કોઇ માથાનું મળ્યું છે અને મારા મગજની નસો ખેંચે છે... એટલે રાયનભાઇ વિલિયમે અસ્સલ રૂપમાં આવીને ગંદી ગાળો શરૂ કરી. આમ મેં "ટેકનોજીધારક" લૂંટારાને એના હાલ પર છોડી ચકમો દીધો. મારા પતિશ્રી સ્પીકર પર ફોન હોવાથી બધી ચર્ચા સાંભળી રહ્યા હતા. અંતે તેઓ ખૂબ હસ્યા અને મને કહ્યું, “તેં પેલાને ખરો ગોટે ચડાવ્યો..!આજે એણે થતું હશે કે કયાં માથાનો દુ:ખાવો મળ્યો! ઘરના ફોન પર મેં નંબર ચેક કર્યો તો એ 001 એટલે કે અમેરિકાનો નંબર હતો!
આવી રીતે ગયા શુક્રવારે અમારાં નજીક રહેતા એક પટેલ પરિવારનાં ઘરે ફોન આવ્યો. એ કુટુંબના ૭૦ વર્ષનાં બહેને ફોન ઉપાડ્યો, ત્યાં મેસેજ આવ્યો કે તમે આ વર્ષે ટેક્સ ભર્યો નથી તો તમને પોલીસ એરેસ્ટ કરવા આવી રહી છે. આ સાંભળી પેલાં બહેન ટેન્શનમાં આવી ગયાં, હવે શું થશે? એવી ચિંતામાં બ્લડપ્રેશર પણ વધી ગયું. ત્યાં ઉપરના માળે ન્હાઇ-ધોઇ તૈયાર થયેલા પતિ નીચે આવ્યા. એમને આ વાત સાંભળી પત્નીને ઠંડા પાડતાં કહ્યું, “આ કોઇ ફ્રોડ હશે, તેં આપણી કશી જ ડીટેલ આપી નથી એટલે ચિંતા કરવા જેવું નથી. ટેક્સવાળા ઘરે ફોન ના કરે, શાંત થા.”
વિશ્વભરમાં આપણા ભારતનું બુધ્ધિધન અવ્વલ નંબરે ગણાય. ટેકનોલોજીમાં તેજ યુવાધનની વિદેશોમાં ખૂબ માંગ વધી. યુ.કે. અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિઆ જેવા દેશોએ ભારતીય યુવાધન માટે ઇમિગ્રેશનનાં બારણાં ખોલી નાંખ્યાં. આ પશ્ચિમી દેશોએ સસ્તા ભાવે સિધ્ધપુરની જાત્રા થાય એમ બ્રિટીશ બેંકો સહિત એનએચએસ સર્વિસે પણ આઉટસોર્સ કરી નાખ્યું હતું. છેવટે આપણા ટેકનોલોજીકલ હેકરોએ ભલભલાને રાતે પાણીએ રોવડાવવા માંડ્યા એટલે ભારતમાં આઉટસોર્સિંગ ખૂબ ઘટયું છે. IT ટેકનોલોજીના ખેરખાંઓએ રાતોરાત કરોડપતિ થવાના અનેક રસ્તા અપનાવ્યા છે. ભારતમાં હેકરોએ ઓફિસો ખોલી પશ્ચિમી દેશોના નિવૃત્તોને ટારગેટ કરીને લાખ્ખો ડોલર અને પાઉન્ડ પડાવવાનો કિમિયો અજાવવા માંડ્યો છે.
દક્ષિણ ભારતથી માંડી ઉત્તર ભારત સુધી આ હેકરોનું જાળુ પથરાયેલું છે. મુંબઇ, ગુજરાતના અમદાવાદ, આણંદ, વિદ્યાનગર, ખંભાત, મહેસાણા, દિલ્હી, કલકત્તાથી માંડી ઠેઠ ઉત્તર ભારતમાં હેકરોના સેન્ટરો છે. ટીવીના નેટફલીક્સ ઉપર "જમતારા- સબકા નંબર આયેગા" પ્રોગ્રામમાં ઉત્તર ભારતમાં કેવા હેકર સેન્ટરો છેે અને ૧૫-૧૬ વર્ષના યુવાનોને બ્રિટીશ અને અમેરિકન સ્ટાઇલમાં અંગ્રેજી બોલવાની તાલીમ આપી કેવા તૈયાર કરાય છે એ દર્શાવાયું છે. આ તાલીમબધ્ધ યુવા હેકરોને ભારતની સમી સાંજથી સેન્ટરોમાં સ્માર્ટ ફોન આપી વિદેશીઓને ટારગેટ કરવા સજ્જ કરાય છે એ દર્શાવ્યું છે. તાજેતરમાં આણંદ, વિદ્યાનગર, ખંભાત અને અમદાવાદમાં આવા ફ્રોડ કરનારા હેકરો પકડાયા એના સમાચારો આપણા ગુજરાત સમાચારમાં પ્રસિધ્ધ થયા હતા.
અમેરિકાના કેલિફોર્નિયામાં રહેતા અમારા એક યુવાન સ્વજને જણાવ્યું કે, ‘અમેરિકનો પહેલાં ઇન્ડિયન ઇન્ફોર્મેશન ટેકનોલોજી (IT)વાળાને જોબ આપવા ખૂબ ઉત્સુક રહેતા પરંતુ હવે ઇન્ડિયન ITવાળાને જોબ પર રાખતાં અમેરિકનો ડરે છે! એ લોકોને ભીતિ રહે છે કે રખે ને આ કોઇ હેકર હોય તો!! કંપનીનું ઊઠમણું થઇ જાય! ઉપરાંત એમના દ્વારા એ પણ જાણવા મળ્યું કે ઇન્ડિયન હેકરો અમેરિકનોને ટેક્સ નહિ ભર્યો હોવાની ધમકી અથવા કોઇ બેંકના કર્મચારીના નામે ઇન્ફોર્મેશન મેળવી માતબર રકમો લૂંટી લેતા હતા એમની જ ચાલ હવે અમેરિકનો રમી રહ્યા છે. "શેરને માથે સવાશેર"ની જેમ હેકરોના 'બાપ' થઇને અમેરિકન ટેકનીશ્યનો નિવૃત્ત પુરુષ કે મહિલાનો અવાજ બદલી પેલા ઇન્ડિયન હેકર જોડે વાત કરી એની જ ચાલને ઉંધીવાળી હેકરનું બેંક ખાતું આબાદ લૂંટી લે છે.