એન્ટવર્પ, લોસ એન્જલસ અને ન્યૂ યોર્કના હીરાના વેપારીઓને મળતાં અને કિંમત પૂછતાં મનમાં ધારણા બંધાયેલી કે હીરા જ સૌથી કિંમતી ચીજ છે. બેંગકોકમાં ચીકુ સુખડિયાની મુલાકાતે આ ભ્રમ ભાંગ્યો. ચીકુની ઓફિસમાં બે આધેડ, યહૂદી ટોપીધારી વેપારીઓ સૂક્ષ્મ દર્શક કાચથી કિંમતી રત્નો જોતા હતા અને ભાવ ચકાસતા બેઠા હતા. ભાવ પૂછે વાત કરે અને પછી બીજા રત્નને હાથમાં લે. રત્ન માટે તેઓ સ્ટોન શબ્દ વાપરતા.
આ સ્ટોન કેવા મોંઘા છે તેના નમૂના આ રહ્યા.
• લાલ રંગનો ૧૭ કેરેટનો સ્ટોન તે નવ લાખ અમેરિકન ડોલરનો.
• ૧૧ કેરેટનો મ્યાંમારનો રક્તરંગી સ્ટોન કેબેચોન જેને ગુજરાતીઓ પોટો કહે છે તેના સાત લાખ અમેરિકી ડોલર.
• ૩૦ કેરેટના શનિના સ્ટોન સવા લાખ અમેરિકન ડોલર.
• ૨૮ કેરેટનો સુવર્ણરંગી પોખરાજ દશ હજાર ડોલરનો.
ચીકુની ઓફિસ ભાતભાતનાં કિંમતી રત્નોના મ્યુઝિયમ જેવી છે. ૨૦૦૧થી ચીકુ આ ધંધાની માલિકી ધરાવે છે. સાથે નાનો ભાઈ કૈમેશ છે. આ બંધુબેલડી ધંધામાં જાણીતી છે. ચીકુની સમૃદ્ધિ, ઉદાર સ્વભાવ અને જાહેર કામોમાં મદદ કરવાના સ્વભાવથી ગુજરાતી અને થાઈ વેપારીઓ ચીકુને પ્રેમપૂર્વક માન આપે છે.
ચીકુનું મૂળ વતન ખંભાત. ૧૯૬૩માં ચીકુનો જન્મ. પિતા નવીનચંદ્ર સુખડિયા અને માતા હંસાબહેન. અટક પ્રમાણે ધંધાવાળા સુખડિયા મીઠાઈની દુકાન ધરાવતા. નવીનચંદ્રના પિતરાઈ ભાઈ રજનીકાંત સુખડિયા વર્ષોથી બેંગકોકમાં રત્નો અને અલંકારોના વેપારમાં સ્થાયી થયા હતા. સમાજમાં અને ખંભાતમાં રજનીકાંત સુખડિયાની ભારે પ્રતિષ્ઠા. રજનીકાંતે પિતરાઈ ભાઈ નવીનચંદ્રને આ ધંધામાં ખેંચ્યા અને પિતાને પગલે પગલે મોટો પુત્ર ચીકુ ૧૯૮૦માં આ ધંધામાં પ્રવેશ્યો. ૧૯૮૦થી ૨૦૦૦ સુધી વીસ વર્ષ ચીકુ કાકા સાથે રહીને ઘડાયો. ગુણગ્રાહી ચીકુ કાકાનો ઉપકાર યાદ રાખે છે અને કહે છે, ‘કાકા મને આ ધંધામાં લાવ્યા અને ઘડ્યો. તેમણે મને ધંધાની અને જીવનની દિશા આપી.’
ચીકુએ ૨૦૦૧માં પોતે સ્વતંત્ર રીતે ધંધામાં ઝંપલાવ્યું. તે થાઈલેન્ડ, મ્યાનમાર, મોઝામ્બિક, શ્રીલંકા, તાન્ઝાનિયા, માડાગાસ્કર વગેરેમાંથી માલ ખરીદે છે. જપાન, હોંગકોંગ, સિંગાપોર, થાઈલેન્ડ, યુએસએ, કેનેડા વગેરે દેશોમાં માલ વેચે છે. ધંધા અંગે ચીકુને દુનિયાના ઘણા દેશોમાં ફરવાનું થાય છે. ધંધાના વિકાસમાં કાકાની તાલીમને તે મહત્ત્વ આપે છે. સાથે સાથે લઘુબંધુ કૈમેશના સથવારાને યશ આપે છે.
ચીકુની કંપનીમાં ૩૦ જેટલી વ્યક્તિ કામ કરે છે. સ્ટોન પોલિશ કરવાના કામ અદ્યતન યંત્રોથી થાય છે. કારીગરો ખૂબ નિષ્ણાત છે. ચીકુને રત્નોની જબરી પરખ છે. આ આવડતથી એ રત્નોની ખરીદીમાં છેતરાતા નથી. વધારામાં માણસોની પસંદગીમાં પણ ચીકુને છેતરાવાનું થતું નથી. આને કારણે ધંધો સારો ચાલે છે. રત્નો અને માણસોની પરખ, કંપનીની પ્રામાણિકતા, માલની ગુણવત્તા, વચનપાલન અને માલની સમયસર ડિલીવરી આ બધાથી કંપનીની શાખ વધી છે. આને કારણે ઘરાકો શોધવા જવા પડતા નથી.
ચીકુની પત્ની ફાલ્ગુની અને કૈમેશની પત્ની ખ્યાતિ બંને સમજદાર અને ગ્રેજ્યુએટ છે. બંને ભાઈ વચ્ચે સંપ જળવાઈ રહ્યો છે. તેમાં બંનેની પત્નીઓની સમજ પાયારૂપ છે. આથી પરિવારમાં પરસ્પર સ્નેહ છે. ચીકુ સંસ્કારી વૈષ્ણવ પરિવારનો વારસો ધરાવે છે. રૂઢિચુસ્ત નથી. સંતાનોની સ્વતંત્રતાને તે સ્વીકારે છે. બીજાના ગુણની કદર કરવી, ઉપકાર યાદ રાખવો તે ચીકુની વિશિષ્ટતા છે.
ચીકુના સમગ્ર પરિવારની ખાસિયત દાન આપીને રાજી થવાની છે. દેનાર અને લેનાર - બે જ જાણે એ રીતે આપે છે. આપેલા દાનના ડીમડીમ પીટવાથી એ દૂર રહે છે. કીર્તિદાનમાં રાચતા શ્રેષ્ઠીઓથી એ અલગ તરી આવે છે.
બીજા માણસોના જ્ઞાન, સદ્ગુણ અને સત્કાર્યના વખાણ કરતાં ચીકુ થાકતાં નથી. તેવા માણસોને પરસ્પર જોડતો સેતુબંધ બનવાનું તે કરે છે. આરોગ્ય અને શિક્ષણમાં પિતા નવીનચંદ્ર સુખડિયાએ ઘણાંબધાંને મદદ કરી હતી અને કરે છે એ પરંપરા ચીકુએ ચાલુ રાખી છે.
ચીકુને સારાં પુસ્તકો, માસિકો વાંચવા અને વસાવવાનો રસ છે. બેંગકોકમાં પોતાના સ્વભાવ, દાન અને મદદ તત્પરતાના ગુણથી ચીકુએ ગુજરાતીઓને ગરવા બનાવ્યા છે.