ચીનના આર્થિક પાટનગર શુ શાંગહાઈ અને તાઈવાનનું પાટનગર તૈપેઈ બંનેમાં ધંધાનો પથારો ધરાવનાર ઉમેશભાઈ પરમાર. હોંગકોંગ, કેન્યા અને ઝિમ્બાબ્વેમાં તેમની ઓફિસો છે. આયાત-નિકાસ અને ફેક્ટરીના તેમના ધંધા ધમધોકાર ચાલતાં ખુબ સમૃદ્ધિ છે. સમૃદ્ધિ છતાં ઉમેશભાઈ પોતાનો ભૂતકાળ અને આર્થિક અટવામણો ભૂલ્યા નથી. આને કારણે તેઓ સગાં-સંબંધી, મિત્રોને મદદ કરે છે. અજાણ્યાનો આધાર બનીને હાથ પકડે છે. ઉમેશભાઈ અતિથિ વત્સલ છે. તેમને મળવા આવનાર અજાણ્યા ગુજરાતીને પણ આગ્રહ કરીને ઘરે લઈ જવાનો એમનો સ્વભાવ. પત્ની વનિતાબહેન વિના મોં મચકોડ્યે જમાડે. મદદ તત્પરતા એ ઉમેશભાઈનો ઉમદા ગુણ. તૈપેઈમાં ખત્રીઓનાં માત્ર આઠ જ પરિવાર. સિંધી, જૈન, શીખ, મારવાડી વગેરેની મોટી વસતી છતાં ઈન્ડિયન એસોસિએશનના તેઓ ત્રણ વાર પ્રમુખ ચૂંટાયા. તૈપેઈના એક્ઝિક્યુટિવ ગ્રૂપના તેઓ સ્થાપક છે. તેના બે વાર પ્રમુખ બન્યા હતા. તૈપેઈના ભારતીયોમાં તેમનું માનભર્યું સ્થાન છે.
ઘસાઈને ઊજળા બનેલા ઉમેશભાઇએ સંખ્યાબંધ લોકોને શાંગહાઈ અને દક્ષિણ આફ્રિકામાં નોકરી-ધંધામાં ગોઠવ્યા છે. ઉમેશભાઈ માને છે કે ‘કમાયેલા પૈસામાં સમાજનો ભાગ છે’. આથી સમાજ માટે પૈસા ખર્ચવામાં તેઓ પાછા પડતા નથી. ગણદેવી ક્ષત્રિય સમાજના બધા પ્રોજેક્ટમાં દાન આપવામાં અને એકત્ર કરવામાં એ મોખરે રહ્યા છે. ગણદેવી છોડ્યે ૪૮ વર્ષ વીત્યા છતાં ગણદેવી પ્રત્યેનો એમનો પ્રેમ અસ્ખલિત છે. દમણિયા હોસ્પિટલ અને આયુર્વેદિક દવાખાનાની શરૂઆતમાં એમનો મોટો ફાળો છે. દમણિયા હોસ્પિટલના એ ટ્રસ્ટી છે. દર વર્ષે સગાં અને મિત્રોનાં સંતાનોના અભ્યાસ માટે સારી રકમ ખર્ચે છે. ગામના તેજસ્વી વિદ્યાર્થીઓને બિરદાવવા ઈનામ માટે મોટો ખર્ચ કરે છે. તેમણે આપેલી રકમના ફંડના વ્યાજમાંથી નિયમિત રમતગમત સ્પર્ધા યોજાય છે. સ્મશાન, રામજી મંદિર, જલારામ મંદિર અને હાઈ સ્કૂલમાં તેઓ આગેવાન દાતા છે.
ઉમેશભાઈએ સ્વપુરુષાર્થે શુન્યમાંથી સમૃદ્ધિ સર્જી છે. પિતા નારણભાઈ અને મા મંછીબહેનને ત્યાં ૧૯૪૪માં ગણદેવીમાં તે જન્મ્યા. નોકરિયાત પિતાને આઠ સંતાન. તેમાં સૌથી નાના ઉમેશભાઈ. ઘરમાં સદા નાણાખેંચ અને એમાં તેઓ ઈન્ટરસાયન્સ થયા ત્યારે પિતાનું મરણ થયું. આથી શાળા અને કોલેજના તેજસ્વી વિદ્યાર્થી ઉમેશભાઈએ અભ્યાસ છોડીને મુંબઈ જઈને નોકરી શરૂ કરી. તેઓ ચબરાક હતા અને શાળા અને કોલેજમાં નેતાગીરીની છાપ ધરાવતા. તેમણે ખૂબ સપનાં જોયા હતા. નોકરીમાં આ પૂરાં થાય તેમ નહતું. પરદેશ જવાની ઉત્કટ ઈચ્છાથી સગાંવ્હાલાં પાસે હાથ લંબાવ્યો, પણ અંતે નિરાશા મળી. વિસા વગર હોંગકોંગ જવાતું હોવાથી ૧૯૬૯માં હોંગકોંગ પહોંચ્યા. એક વર્ષ નોકરી પછી ૧૯૭૦માં વનિતાબહેનને પરણ્યા. આયાત-નિકાસમાં જાણીતી એવી હરકિશન બ્રધર્સ કંપનીમાં મેનેજર બન્યા અને ધંધામાં અનુભવથી ઘડાયા. અહીં કામથી આત્મશ્રદ્ધા વધી.
૧૯૮૫માં મલાબો ટ્રેડિંગ કંપની સ્થાપીને પોતાનું આયાત-નિકાસનું સ્વતંત્ર કામ શરૂ કર્યું. શરૂઆતમાં તાઈવાનમાં પગરખાં, કપડાં અને મશીનરીની નિકાસ કરતા. કામ વધતાં બીજે ઓફિસો કરી. પુત્રોમાં અનુક્રમે યોગેશ, કલ્પેશ અને નીલેશ અમેરિકા ભણ્યાં. ભણીને આવ્યા. ધંધામાં પિતા સાથે જોડાયા. દીકરાઓને આગળ વધવાની તમન્ના હતા. દીકરાઓ હોંશિયાર હતા. ઉમેશભાઈએ આથી ઈ.સ. ૨૦૦૨માં નવી કંપની ‘અમેરિકન હાઈજીન’ સ્થાપીને ચીનના મોટા ઔદ્યોગિક નગર શાંગહાઈમાં ફેક્ટરી નાંખી. કંપનીમાં બેબીવાઈપ, વેટવાઈપ અને સેનેટરી નેપકિનનું મોટા પાયા પર ઉત્પાદન થાય છે. ત્રણે દીકરાઓ એના જુદા જુદા વિભાગની જવાબદારી સંભાળે છે. ફેક્ટરીમાં ૧૫૦ જેટલા માણસ કામ કરે છે. ૧૨૦૦૦ ચોરસમીટર વિસ્તારમાં ફેક્ટરી પથરાયેલી છે.
ઉમેશભાઈના પુત્રો ગુજરાતી, હિંદી, અંગ્રેજી, ચાઈનીઝ ભાષા બોલે અને સમજે છે. ચાઈનીઝ ભાષાના જ્ઞાનથી ચીની અધિકારીઓ અને કર્મચારીઓ પાસે કામ લેવામાં સરળતા થાય છે. ઉત્પાદન અમેરિકા અને આફ્રિકન દેશોમાં નિકાસ થાય છે.
ઉમેશભાઈ સંબંધોનો જીવ છે. દક્ષિણ ગુજરાત અને મુંબઈમાં વસતાં જ્ઞાતિજનો સાથે અને તાઈવાનના ભારતીયો સાથે તેઓ સતત સંપર્કમાં રહે છે. ઉદારતા અને દાનને કારણે કેટલાંક મંડળોએ તેમને સન્માન્યા છે અને અતિથિ વિશેષ તરીકે આમંત્ર્યા છે. ઉમેશભાઈની સરળતાએ તેમની સુવાસ ફેલાઈ છે.