જ્યારે પણ પ્રવાસે નીકળો ત્યારે ટ્રાવલ ઈન્સ્યુરન્સ ડોક્યુમેન્ટ્લ અને તેની શરતો બરાબર ચકાવી લેવા જોઈએ અન્યથા, વ્હાઈટ દંપતીની માફક સહન કરવાનો વારો આવી શકે છે. બ્રિટિશ દંપતી કેટ્રિઓના વ્હાઈટ અને મિક વ્હાઈટ 11,000 પાઉન્ડથી વધુ રકમના અણધાર્યા આવી પડેલા મેડિકલ ખર્ચને ચૂકવવામાં અસમર્થ રહેતા દુબઈમાં ફસાઈ ગયું છે. ભારતમાં ફૂટબોલ કોચ 54 વર્ષીય મિક અને કેટ્રિઓના ભારતથી યુએઈમાં રજાઓ ગાળવા ગયા હતા જ્યાં કેટ્રિઓના બીમાર થતાં ચાલી શકવાની હાલતમાં ન હતી અને મેડિકલ બિલ ન ચૂકવાય ત્યાં સુધી તેઓ ભારત પરત ફરી શકે તેમ ન હતા. મિકનો દાવો છે કે હોસ્પિટલે તેમના પાસપોર્ટ પણ જપ્ત કરી લીધા છે.
આ દંપતીનું કહેવું છે કે તેમંના ઈન્સ્યુરન્સ પ્રોવાઈડરે શરૂઆતમાં તેમને ટ્રાવેલ ઈન્સ્યુરન્સમાં આવરી લેવાયાની ખાતરી આપી હતી પરંતુ, પાછળથી ‘ટેકનિકાલિટી’ની દલીલ કરી કે તેમનો પ્રવાસ યુકેથી નહિ પરંતુ, ભારતથી શરૂ થયો હોવાના કારણે તેમને મેડિકલ ખર્ચ પરત મળી શકે નહિ. મિક વ્હાઈટ કહે છે કે તેઓ ગત 12 વર્ષથી ઈન્સ્યુરન્સ પોલિસીનું દર મહિને 18 પાઉન્ડનું પ્રીમિયમ ચૂકવે છે અને કદી બેનિફિટ ક્લેઈમ કર્યો નથી. કેટ્રિઓના અચાનક બીમાર થતાં તેનું મેડિકલ ચેકઅપનો ખર્ચ 800 પાઉન્ડ થયો પરંતુ, હોસ્પિટલે રાત્રિરોકાણનો 4,000 પાઉન્ડનો ખર્ચ કહેતા તેઓ હોટેલમાં રહેવાં ગયાં હતાં. ત્રણ ચાર દિવસમાં કેટ્રિઓના બરાબર થઈ જશે તેમ ડોક્ટર્સનું કહેવું હતું.
તેમના વીમા એજન્સી બાર્કલેઝ દ્વારા 23 મેએ મિ. વ્હાઈટને જણાવાયું કે તેમનો પ્રવાસ યુકેથી શરૂ કરાયો ન હોવાથી તેમને વીમારક્ષણ મળે તેમ નથી અને તેમણે માંદગીનો ખર્ચ જાતે ચૂકવવો પડશે. હાથપગ ઠંડા થઈ જવા અને પગમાં કોઈ સંવેદના નહિ જણાવા સાથે કેટ્રિઓનાની હાલત વધુ ખરાબ થતાં તેમણે બીજી હોસ્પિટલમાં તપાસ કરાવી અને ત્યાં પણ એમઆરઆઈ સહિત ટેસ્ટ કરાવ્યા પછી પણ બીમારીનું કારણ જાણી શકાયું નહિ. વ્હાઈટ દંપતી પ્રતિ દિન 20 પાઉન્ડના ભાડાં સાથે હોટલમાં રહે છે. તેમણે મેડિકલ ખર્ચ ચૂકવવા ગોફંડમી પેજ ઉભું કર્યું હતું જેમાં અત્યાર સુધી 4,725 પાઉન્ડનું ફંડ મળ્યું છે.
બાર્કલેઝના પ્રવક્તા અનુસાર ટ્રાવેલ ઈન્સ્યુરન્સ ડોક્યુમેન્ટ્સ તેમજ વાર્ષિક યોગ્યતા ડોક્યુમેન્ટ્સમાં સ્પષ્ટ કરાયું છે કે તમામ પ્રવાસની શરૂઆત અને સમાપ્તિ યુકેથી થવાં જોઈ અને તે 31 દિવસથી વધુનો હોવો ન જોઈએ.
• દીવાલ ધસી પડતાં બાળકનું મોત
આપણે કદી એવું કામ ન કરવું જોઈએ જેમાં જાનનું જોખમ જણાતું હોય અને બાળકોને તો આવા કાર્યોથી દૂર જ રાખવા હિતાવહ છે. અકસ્માત ગમે ત્યારે થઈ શકે પરંતુ, તેમાં જાનહાનિ ન થાય તેની કાળજી લેવી પણ આવશ્યક છે. ગત વર્ષની 21 ઓક્ટોબર એસેક્સના ક્લેક્ટોન-ઓન-સી ખાતેની ઘટનામાં સ્કોટ સ્ટીવન્સ ગેરેજની દીવાલ તોડવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે અચાનક દીવાલ ધસી પડવાથી તેમનો 12 વર્ષનો બાળક સ્કોટ-સ્વાલી સ્ટીવન્સ તેની નીચે ચદગાઈને મોતને શરણ થયો હતો. દીવાલનું વજન નાના બાળકની છાતી પર આવી જતાં તેનો શ્વાસ બંધ થઈ ગયો હતો અને મગજને લોહી જવાનું બંધ થઈ ગયું હતું. સ્કોટ સ્ટીવન્સનો હાથ ભાંગી ગયો હતો. એસેક્સ કોરોનરની કોર્ટમાં જણાવાયા મુજબ મકાન વેચવાનું હોવાથી તેનું સમારકામ કરાતું હતું અને સ્કોટ-સ્વાલી તેમાં પિતાને મદદ કરી રહ્યો હતો.
• જહાજના બનાવટી કેપ્ટનની પ્રવાસીઓ સાથે ઠગાઈ
એમ કહેવાય છ ને કે ‘લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે’. વેકશન ગાળવા વૈભવી ક્રુઝ લાઈનરમાં ડિસ્કાઉન્ટ સાથે પ્રવાસ કરવા મળે તો કોને ન ગમે? પરંતુ, ડિસ્કાઉન્ટ મળવાના બદલે બધી રકમની છેતરપીંડી થશે એવું કોણે વિચાર્યું હોય. ભારે ડિસ્કાઉન્ટની લાલચ આપી હીઅરફોર્ડના 45 વર્ષીય જોડી ઓલિવરે પ્રવાસીઓ પાસેથી 272,000 પાઉન્ડ ખંખેરી લીધા હતા. ફરિયાદ થતા તેણે તો કાર્ડિફ ક્રાઉન કોર્ટ સમક્ષ કહી દીધું કે તેની પાસે આપવા માટે 350 પાઉન્ડ જ બચ્યા છે. ઓલિવરે કાર્નિવલ ક્રુઈઝીસ કંપનીના જહાજના કેપ્ટનનો યુનિફોર્મ પહેરી લીધો અને ઓછી કિંમતે વેકેશન ગાળવા માટે જાહેરાતો પણ કરવા માંડી. પૂર્વ પોલીસ સ્પેશિયલ કોન્સ્ટેબલ જોડી ઓલિવરે મેડીટેરિયન્સના જોવાંલાયક સ્થળોને આવરી લેવા સંભવિત પ્રવાસીઓ પાસેથી 35 પાઉન્ડ ઉઘરાવી લીધા. આખો પ્રવાસ જ બોગસ હતો અને ઓલિવરે તો મેળવેલી રકમમાંથી હજારો પાઉન્ડ ઓનલાઈન જુગાર રમવામાં વાપરી નાખ્યા અને પેડે લોન્સ પણ ઉઠાવી હતી. ઓલિવરનું જીવન પણ પત્ની અને પ્રેમિકા વચ્ચે વહેંચાયેલું હતું. તેના ગુનાઓ 2018માં પ્રકાશમાં આવ્યા હતા. હોલીડે ગાળવા મુદ્દે લોકો સાથે છેતરપીંડી કરવાના ગુનાસર તેને 6 વર્ષ અને એક મહિનાની સજા કરાઈ હતી. જો તે ત્રણ મહિનામાં લોકોને વળતર ન ચૂકવે તો વધારાનો એક મહિનો જેલમાં ગાળવો પડશે.
• બનાવટી પોલીસ ઓફિસર બનીને ચોરી કરી
તમારી સમક્ષ કોઈ પોલીસ ઓફિસર આવીને ઓળખપત્ર બતાવે અને પૂછપરછ કરે ત્યારે સ્વાભાવિક ડર લાગે. છતાં, તમારે કાળજી રાખવાની અને સામે પૂછપરછ કરવાની હિંમત દર્શાવવી જોઈએ. રોમાનિયાના 60 વર્ષીય ચોર નિકોલાઈ માકોવેઈએ લંડન આવીને પોતાની ચોરકળાનું પ્રદર્શન કર્યું છે. તેણે લોકો સામે બનાવટી વોરન્ટ કાર્ડ દર્શાવીને તેમની પાસે પાસપોર્ટ્સ અને નાણાની ઉઘરાણી પણ કરી હતી. નિકોલાઈએ ત્રણ સાથીઓની મદદથી બનાવટી પોલીસ ઓફિસર બનીને ખેલ પાડ્યો હતો. તેમણે પેન્ટના પાછલા ખિસ્સામાંથી પોલીસ ઓફિસર તરીકેનું ઓળખપત્ર દર્શાવી એક પરિવાર પાસેથી સભ્યોના પાસપોર્ટ અને કેટલાં નાણા રાખો છે તે જાણવા માંગ્યું હતું. નિકોલાઈએ અગાઉ, જર્મની, ડેનમાર્ક અને બ્રિટનમાં પણ ગુનાઓ આચરેલા છે. સધર્ક ક્રાઉન કોર્ટે તને બે વર્ષ અને ત્રણ મહિનાની જેલની સજા ફટકારી હતી.