ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ચૌરી-ચૌરા ઘટનાક્રમ આગવું સ્થાન ધરાવે છે. વીસમી સદીના આરંભે શરૂ થયેલી આઝાદીની લડતને મહત્ત્વપૂર્ણ વળાંક આપતી એ ઘટના ૪ ફેબ્રુઆરી ૧૯૨૨ના રોજ બની હતી, અને અંગ્રેજ રાજ તેનાથી ખળભળી ઉઠ્યું હતું. આ ઐતિહાસિક ઘટનાના શતાબ્દી વર્ષની ગુરુવારથી ઉજવણી શરૂ થઇ છે, જે વર્ષભર ચાલશે. ઇતિહાસમાં ચૌરી-ચૌરા કાંડ તરીકે નોંધાયેલી આ ઘટના ખરેખર તો આમઆદમી દ્વારા શરૂ કરાયેલો સંઘર્ષ હતો.
૧૯૨૦માં આઝાદી માટે લડતા લડવૈયાઓ અને ગાંધીજીએ અસહકારની ચળવળ આરંભી હતી, જેમાં શાંતિથી વિરોધ કરી અંગ્રેજ રાજને અસહકાર આપવાનો હતો. અસહકારની ચળવળ અંતર્ગત દેશભરમાં સરઘસો નીકળતા, સભા ભરાતી, નારેબાજી થતી, વિદેશી ચીજોનો બહિષ્કાર થતો હતો. ઉત્તર પ્રદેશના ચૌરી-ચૌરા ગામે પણ એવો વિરોધ થઈ રહ્યો હતો. ખાસ વિરોધ તો ખાદ્ય ચીજોના ઊંચા ભાવ અને બેફામ વેચાતા દારૂ મામલે હતો. અઢી હજાર જેટલા ટોળાની આગેવાની સ્થાનિક અગ્રણી ભગવાન આહીરે લીધી હતી.
અંગ્રેજના નોકરિયાત એવા પોલીસ અમલદારોએ ચળવળને દાબી દેવા ટોળા પર ફાયરિંગ કર્યું. ૧૯૧૯ના જલિયાવાલાં હત્યાકાંડ વખતે અંગ્રેજોએ સાબિત કરી દીધું હતું કે એ કોઈ કારણ વગર આઝાદીની લડત લડતા નિર્દોષ નાગરિકોની હત્યા કરી શકે છે. એ માટે અંગ્રેજોને કોઈ લાજશરમ ન હતી. અંગ્રેજોની નોકરી કરતા ભારતીય પોલીસ અમલદારો હુકમનું પાલન કરતા હતા. ચૌરી-ચૌરામાં પણ પોલીસે બંદૂકના નાળચે લોક જુવાળને ખાળવાની કોશિષ કરી.
પરિણામ વિપરીત આવ્યું. ટોળાએ એકઠા થઈને પોલીસોને જ સ્ટેશનમાં પૂરી દીધા અને સ્ટેશન સળગાવી દીધું. પોલીસ દમનનો જનતાએ આકરો જવાબ આપ્યો એમાં ૨૨ પોલીસ તથા ત્રણ અન્ય નાગરિકો માર્યા ગયા.
આ ઘટના અંગે ચારેક દિવસ બાદ ગાંધીજીને ખબર પડી ત્યારે તેમણે અસહકાર આંદોલન અટકાવી દીધું. એ હિંસાના સમર્થક ન હતા, માટે દુર્ઘટનાના પશ્ચાતાપ તરીકે પાંચ દિવસ ઉપવાસ પણ કર્યા. જોકે અંગ્રેજ રાજને જનતાની તાકાતનો ડર પેસી ગયો.
આ ઘટના પછી અંગ્રેજો આક્રમક બન્યા અને માર્શલ લો લાગુ કરીને ચૌરી-ચૌરા તથા આસપાસના વિસ્તારોમાંથી ૨૨૫થી વધારે લોકોની ધરપકડ કરી. એમાંથી છને તો એટલા બધા માર્યા કે કસ્ટડીમાં જ તેમના મોત થયા. બીજા ૧૭૨ને ફાંસીની સજા સુનાવાઈ, પણ અલ્લાહાબાદ હાઈ કોર્ટે એ પૈકી ૧૯ની ફાંસીની સજા માન્ય રાખી, બાકીનાને આજીવન કેદ તથા અન્ય સજા ફરમાવી.
આ શહીદોનું સ્મારક, ઊંચો સ્તંભ, લડવૈયાઓના પૂતળા ચૌરી-ચૌરામાં ગોઠવાયેલા છે. તો પોલીસ સ્ટેશનમાં પણ પોલીસ કર્મીઓનું સ્મારક છે, જે બ્રિટિશરોએ ૧૯૨૩માં બંધાવ્યું હતું. બીજી તરફ દેશ માટે શહીદ થયેલા સામાન્યજનોનું સ્મારક છેક ૧૯૯૩માં બન્યું હતું. પોલીસ માર્યા ગયા તેનો રેકોર્ડ અંગ્રેજોએ રાખ્યો, પણ પોલીસ ફાયરિંગમાં કેટલા માર્યા ગયા તેનો રેકોર્ડ રખાયો ન હતો અને આઝાદી પછીની સરકારોએ તેની પરવા પણ કરી ન હતી.
ચૌરી-ચૌરા ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન આદિત્યનાથના ગઢ ગોરખપુર વિસ્તારમાં આવેલું છે. માટે યોગીએ અંગત રસ લઈને ફરીથી સ્મારકને સજ્જ કરાવ્યું અને ચોથી ફેબ્રુઆરીએ વડા પ્રધાનના હસ્તે તે ખુલ્લું મૂકાયું. હવે સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ રીતે ઉજવણી થતી રહેશે.
ચૌરી-ચૌરા કાંડનું કેન્દ્ર ડુમરી ખુર્દ
ડુમરી ખુર્દ ગામના ક્રાંતિકારીઓના કારણે ચૌરી-ચૌરા કાંડનો પાયો નંખાયો હતો. હાલ ગામમાં પંચાયતની ચૂંટણીનો ધમધમાટ છે પણ દીવાલો પર શતાબ્દી વર્ષ અને શહીદોના પોસ્ટર છવાયા છે. જે ખેતરમાં ક્રાંતિકારીઓની બેઠક મળી હતી ત્યાં હવે મંદિર બની ગયું છે. શહીદોના પરિવારજનો જણાવે છે કે અંગ્રેજોના અત્યાચારથી મહિલાઓએ ભાગીને પિયરમાં જવું પડ્યું હતું. પુરુષો પણ ગામમાંથી ભાગી ગયા હતા.
ડુમરી ખુર્દના રહેવાસી ભાલચંદ યાદવ કહે છે કે ચૌરી-ચૌરાની ઘટના વિશે દાદી જણાવતા. અમારા પૂર્વજ વિક્રમ અહીર અને સૂર્યબલી આહીર જાણીતા પહેલવાન હતા. સમગ્ર વિસ્તારમાં અમારા પરિવારનું બહુ માન હતું. ચૌરી-ચૌરા જનવિદ્રોહના દિવસે જુલૂસ ભોપા બજારમાં પહોંચ્યું હતું ત્યારે પોલીસે ગોળીબાર કર્યો હતો, જેમાં સૂર્યબલી આહીર પણ શહીદ થયા હતા.
તેઓ કહે છે કે ૧૯૨૧ની ૪ ફેબ્રુઆરીએ ચૌરી-ચૌરામાં અસહકાર આંદોલનથી પ્રેરાઇને સ્થાનિક લોકો જુલૂસ કાઢી રહ્યા હતા. આ દરમિયાન ઝપાઝપી બાદ પોલીસે ગોળીબાર કર્યો, જેમાં ૩ લોકોના મોત થતાં ટોળું બેકાબૂ થઇ ગયું. પોલીસકર્મીઓ ભાગીને પોલીસ સ્ટેશનમાં છુપાઇ ગયા પણ લોકોએ પોલીસ સ્ટેશન બહારથી બંધ કરીને આગ ચાંપી દેતાં ૨૩ પોલીસકર્મી માર્યા ગયા હતા. આ ઘટના બાદ ગાંધીજીએ અસહકારનું આંદોલન પાછું ખેંચ્યું હતું. આ વિદ્રોહ મામલે ૧૯ લોકોને ફાંસી, ૧૪ને આજીવન કેદ અને ૧૦ને ૮ વર્ષની સખત કેદની સજા થઇ હતી.
દરેક ભારતીયના હૃદયમાં પ્રજ્વલિત આગ
ગોરખપુરમાં ચૌરી-ચૌરા કાંડની ૧૦૦મી જયંતીની ઉજવણીના પ્રસંગે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધન કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ૧૯૨૨માં ચૌરી-ચૌરાની ઘટનામાં શહાદત વહોરનારાને ઇતિહાસના પાનાઓ પર યોગ્ય સ્થાન અપાયું નથી. ૧૦૦ વર્ષ પહેલાં ચૌરી-ચૌરામાં જે કાંઇ થયું તેને ફક્ત એક પોલીસ સ્ટેશનને આગ ચાંપવા જેવી સામાન્ય ઘટના ગણવામાં આવી હતી, પરંતુ તેની પાછળનો સંદેશો ઘણો વ્યાપક હતો. તે ફક્ત પોલીસ સ્ટેશનની આગ નહોતી પરંતુ દરેક ભારતીયના હૃદયમાં પ્રજ્વલિત આગ હતી. ચૌરી ચૌરાની ઘટના દેશના આમઆદમી દ્વારા શરૂ કરાયેલો સંઘર્ષ હતો. વડા પ્રધાને આ પ્રસંગે વિશેષ પોસ્ટલ સ્ટેમ્પ પણ રિલીઝ કરી હતી.
આખું વર્ષ વિવિધ આયોજન
ગોરખપુરના જનવિદ્રોહને ચોથી ફેબ્રુઆરીએ ૧૦૦ વર્ષ પૂરા થયા તે પ્રસંગને શતાબ્દી મહોત્સવ તરીકે મનાવાઇ રહ્યો છે, જેનો શુભારંભ વડા પ્રધાન મોદી વર્ચ્યુઅલ માધ્યમથી કર્યો હતો. તેઓ ચૌરી-ચૌરા શતાબ્દી વર્ષ નિમિત્તે વિશેષ ટપાલ ટિકિટ પણ જારી કરી. ચૌરી-ચૌરા વિદ્રોહ અત્યાર સુધી ‘કાંડ’ તરીકે યાદ કરાતો હતો પણ શહીદોના માનમાં વડા પ્રધાને તેની નવી વ્યાખ્યા કરી છે. આ પ્રસંગે મુખ્ય પ્રધાન યોગી પણ ચૌરી-ચૌરા પહોંચ્યા હતા. આ પ્રસંગે શહીદ સ્મારકથી માંડીને આસપાસના શહીદોના ગામ પણ સજાવાયા હતા. ઉત્તર પ્રદેશ સરકારે ચૌરી-ચૌરાના શહીદોના માનમાં આખું વર્ષ ઉજવણી કરવાનું નક્કી કર્યું છે. શતાબ્દી વર્ષનો પ્રારંભ ગુરુવારે સવારે પ્રભાત ફેરી સાથે થયો હતો.