મહાશક્તિ, મા જગદંબાની પૂજા-આરાધના કરતી ચૈત્રી નવરાત્રિ ચૈત્ર સુદ એકમ, તા.૧૩ એપ્રિલ, મંગળવારે શરૂ થશે. ચૈત્ર સુદ પડવાને દિવસે મરાઠી અને કોંકણી હિન્દુઓનું નવું વર્ષ શરૂ થાય એ દિવસે મહારાષ્ટ્ર અને ગોવામાં ગૂડી પડવાનો ઉત્સવ ખૂબ ધામધૂમથી ઉજવાય છે. ચૈત્ર નવરાત્રિમાં નવાન્હ પારાયણ યોજાય છે અને નોમના દિવસે ભગવાન શ્રી રામચંદ્રનો જન્મોત્સવ દુનિયાભરના હિન્દુઓ રંગેચંગે ઉજવતા હોય છે. આસો મહિનાની શરદ નવરાત્રિમાં મા જગદંબાના ગરબા ને ગુણલા ગાઇ પૂજા, અર્ચના કરી સવિશેષ નવરાત્રિની ઉજવણી થાય છે એ જ રીતે વસંત ઋતુમાં પણ ચૈત્ર નવરાત્રિની ઉજવણી થાય છે જેને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ચૈત્ર નવરાત્રિ વ્રત, તપ અને આરાધના માટે વધુ પ્રચલિત છે. ૫૧ શક્તિ પીઠોમાંની એક શક્તિપીઠ પંચમહાલ જિલ્લાના પાવાગઢના ડુંગરે મા ભવાની, આદ્યશક્તિ મહાકાલીમા બિરાજમાન છે. બીજી શક્તિપીઠ આરાસુરના ડુંગરે મા જગદંબા અંબાજી બિરાજમાન છે. ચૈત્રી નવરાત્રિ દરમિયાન આરાસુરમાં અંબાજીના દર્શન સાથે પાવાગઢ ખાતે મા મહાકાલીના દર્શનનો ભક્તોમાં વિશેષ મહિમા હોય છે. તેમાંય આઠમના દિવસે મા મહાકાલીના દર્શનનો વિશેષ મહિમા હોવાથી પાવાગઢના ડુંગરે દર્શનાર્થીઓના ઘોડાપૂર ઉમટે છે. ચૈત્રના ધોમધખતા તાપમાં દૂરસુદૂરથી માઇભક્તોના ટોળે ટોળાં 'જય માતાજી'ના જયઘોષ સાથે લાલ ધ્વજાઓ અને રથ લઇને પગપાળા પાવાગઢ જતા હોય છે. પાવાગઢને જોડતા તમામ માેર્ગો પર જાણે માઇ ભક્તોનું કિડિયારુ ઉભરાતું હોય એમ લાગે. એ વખતે સેવાભાવી સંસ્થાઓ દ્વારા વડોદરાથી હાલોલના રસ્તે પદયાત્રીઓ માટે વિશ્રામ કરવા અને વિના મૂલ્યે પાણી-ભોજનની સુવિધા પૂરી પાડવા ઠેર ઠેર સેવાક્ષેત્રો ઉભા કરવામાં આવે છે. ચૈત્ર નવરાત્રિના સૌને જય માતાજી.
શ્રી મહાકાળી ચાલીસા
ચિંતા હરન, મંગલ કરન, વિઘ્ન હરે મારી મા,
ભદ્રકાળી કષ્ટ નિવારણી, જય મહાકાળી મા..(૨)
ઓમ નમો મહાકાળી રૂપમ, શક્તિ તું જયોતિ સ્વરૂપમ્ રે,
પાવાગઢવાળી હે નિજાળી મ્હેર કરો મહાકાળી રે,
શૂંભ-નિશૂંભને તેં જ ચોળ્યા, રક્તબીજને રોળ્યા રે
દૈત્યને હણતી દાઢાળી મ્હેર કરો મહાકાળી રે…
ચંદ્ર ને સૂર્યમાં તેજ છે તારું, તારલામાં રૂપ ન્યારુ રે
ભક્તોને સુખ દેનારી માતા, મ્હેર કરો મહાકાળી રે,
ડાક ને ડમરૂ બજાવે, હાક મારી તું આવે રે,
ત્રણેય લોકમાં વાગે તારી… મ્હેર કરો મહાકાળી રે,
દક્ષના કુંડમાં તું હોમાણી, પાર્વતી તું પરખાણી રે,
દેવી તું છે ખૂબ દયાળી, મ્હેર કરો મહાકાળી રે,
કામરૂ દેશમાં તું જ કાલિકા, જય જગ ચંડિકા દ્વારિકા રે,
ભાવથી આવો હે ભૂજાળી.. મ્હરે કરો મહાકાળી રે
પળે પળમાં વાસ છે તારો, નહિં કોઇ તુજથી ન્યારો રે,
ચૌદ બ્રહ્માંડમાં શક્તિશાળી.. મ્હેર કરો મહાકાળી રે,
વિદ્યા રૂપે વિશ્વની દાતા, મહાકાળી તું માતા રે,
ભક્તોએ દેવી નજરે ભાળી.. મ્હેર કરો મહાકાળી રે,
માડી નથી કોઇ જગમાં મારું, શક્તિ તને સંભાળું રે,
વ્હાર કરે વીસ ભૂજાવાળી મ્હેર કરો મહાકાળી રે,
ખરાં ખોટા કર્મ મિટાવો, માડી દુ:ખ મટાડો રે,
નવાજો હવે નેજાવાળી મ્હેર કરો મહાકાળી રે,
નામ લેતાં માડી સંકટો નાશે, આવ્યો છું વિશ્વાસે રે,
શરણે રાખો હે સિંહવાળી મ્હેર કરો મહાકાળી રે,
અજ્ઞાનતાનું ટાળો અંધારૂ, મૂંઝાય મનડું મારે રે,
શાખ બતાડો હે પંજાવાળી, મ્હેર કરો મહાકાળિ રે,
શેષ,ગણેશ ને શારદા ગાવે, બ્રહ્મા પાર ના પાવે રે,
વિષ્ણુ નમે દેવી નજર વાળી.. મ્હેર કરો મહાકાળી રે,
તારણહાર…. ..મા…, તારણહાર હવે તો તારો,
માફ કરો ગુનો મારો રે, રહેમ કરો હે રખવાળી.. મ્હેર કરો ..
અંગ પીડા ને રોગ પીડા ના આવે, મહાકાળીના ગુણ જો ગાવે રે
મ્હેર કરો હે ભેડિયાવાળી, મ્હેર કરો મહાકાળી રે,
ભૂત પ્રેત તુજ નામથી ભાગે, લળી લળી પાય લાગે રે,
થાળ ધરાવે હે ક્રોધાળી, મ્હેર કરો મહાકાળી રે,
પૂજા-પાઠ કે વિધિના જાણું, વિશ્વંભરી શું વખાણું રે,
દર્શન દેજો દીનદયાળી મ્હેર કરો મહાકાળી રે,
મંત્ર-તંત્ર કે યંત્ર ના વીશા, શક્તિ પઢુ ચાલીસા રે,
આ જીવતરને દેજે ઉજાળી મ્હેર કરો મહાકાળી રે,
પાવાગઢવાળીહે નિજાળી મ્હેર કરો મહાકાળી રે.
(ખાસ નોંધ: મહાદેવીની આ સ્તુતિ કરતું પેજ કચરો નાખવા અથવા પગ તળે કચળાઇને મા ભવાનીની આશાતના (અનાદર) થાય નહીં એની સૌ ધર્મપ્રેમીએ ખાસ કાળજી લેવા નમ્ર વિનંતી)