રાજકીય સત્તા સાથે જોડાયેલાં કે પછી સામાજિક-ધાર્મિક આંદોલનોનું દેખીતું અને પરોક્ષ પરિણામ શું હોય છે તેની ચર્ચા વારંવાર થતી રહે છે. આ એકલું આપણાં પૂરતું સીમિત નથી, આખી દુનિયામાં તેવું બને છે. આંદોલન સમયે એક આવેશ હોય, આક્રોશ હોય, મરી ફિટવા સુધીની તૈયારી ચાલે. નવાં સૂત્રો સર્જાય. સરઘસો, પરિષદો, બેઠકો, નિવેદનો તો હોય જ. ક્યાંક વળી ઘોષણાપત્રો (મેનિફેસ્ટો ) તૈયાર થાય. નવા અને જૂના નેતાઓ લોકોના લાડલા બની રહે. સામાન્ય રીતે સંઘર્ષ અને વિરોધનો રસ્તો પ્રજાકીય પ્રતિકારનો હોય પણ જો સામેથી સરકારી, પોલીસ અને સેનાનું દમન વધી જાય તો સામાન્ય પ્રજા પણ હથિયાર ઉગામે છે. વર્તમાન બલોચિસ્તાનમાં તે જ થયું. પાકિસ્તાન કોઈપણ ભોગે આ પ્રદેશને પોતાનો જ બનાવી રાખવા માટે સામાન્ય નાગરિકોના તમામ અધિકારો ઝૂંટવી લઈને જુલમ ગુજારવા માંડી તેને લીધે સામે બલોચિ જન-સેના ઊભી થઈ, અને જોશપૂર્વક લડી રહી છે. તેનું સ્વતંત્રતા માટેનું આંદોલન તો વર્ષોથી ચાલે છે. હવે સહનશીલતાની સીમા આવી ગઈ. એટલે હથિયારો હાથમાં લીધાં.
થોડાંક વર્ષો પૂર્વે પૂર્વ પાકિસ્તાનમાં એવું જ બન્યું હતું. શુદ્ધ બંગાળી મિજાજ ધરાવતા અને કૃત્રિમ રીતે બનાવવામાં આવેલા પાકિસ્તાનની સામે પ્રજા જંગે ચડી. બાંગલા ભાષાને સમાપ્ત કરવાના સરકારી પ્રયાસોની સામે છાત્રોએ આંદોલન કર્યું. ગોળીબારમાં અનેકો મરાયા. આ આંદોલને દુનિયા આખીને ‘માતૃભાષા દિવસ’ની ભેટ આપી તે દર વર્ષે પોતપોતાની માતૃભાષા પ્રત્યે પ્રેમ અને સંવર્ધન માટે ઉજવણી થાય છે.
પૂર્વ પાકિસ્તાનને તેના આંદોલનનો નેતા મળ્યો તે શેખ મૂજીબ્બુર રહેમાન. લોકોને માટે તે બંગબંધુ બની રહ્યા, પશ્ચિમ પાકિસ્તાને સેના મોકલી, ભીષણ રક્તપાત થયો, હજારો લોકોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા, સેંકડો બળાત્કારો થયા. બંગાળની નદીઓનું પાણી લોહીથી લાલ બની ગયું હતું. ભારતની સક્રિય મદદથી બાંગ્લા દેશનું નિર્માણ થયું. પૂર્વ પાકિસ્તાન સામેના જન-આંદોલનનું તે પરિણામ હતું, પણ આજે ત્યાં પ્રજાકીય આંદોલનના તમામ ચિહ્નો ભૂંસી નાખવાનું કામ કામચલાઉ સરકારના વડા, યુનુસ સલીમ અને કટ્ટરવાદીઓ કરી રહ્યા છે. યુનુસને તો વિશ્વશાંતિનો નોબલ પુરસ્કાર મળ્યો છે તે જ અશાંતિ અને હિંસાચારના નેતા બની ગયા! તો શું પેલું, યાદગાર આંદોલન નિષ્ફળ ગયું તેવું નોંધવામાં આવશે? કે વળી પાછું નવું આંદોલન થશે?
આ સવાલો યુરોપમાં પણ ચર્ચામાં છે. અત્યારે યુક્રેન તેના કેન્દ્રમાં છે. એ વાતમાં કોઈ શક નથી કે યુક્રેનની પ્રજા સામ્યવાદી સત્તાવાદ અને સામ્રાજ્યવાદની સામે જ લડી રહી છે. રશિયન સામ્યવાદી સટ્ટાએ આ પહેલા બલ્ગેરિયા, પોલેન્ડ, ચેકોસ્લોવેકિયા, હંગેરીમાં આવી રીતે જ સેના મોકલીને પોતાના ખંડિયા દેશો બનાવવાનો પ્રયાસ કર્યો હતો તેનો મુકાબલો પ્રજાએ જ કર્યો. લેચ વાલેસા, વાકલાવ હોવેલ જેવા નેતાઓએ રશિયાને પડકાર્યું હતું. સાહિત્ય, સંગીત, નાટકો, વાર્તાઓ, લેખોનો આ દેશોએ આંદોલનમાં ધારદાર ઉપયોગ કર્યો, રશિયા ફાવ્યું નહિ.
એક સમયે યુએસએસઆર (યુનાઈટેડ સોવિયેત સોશિયાલિસ્ટ રિપબ્લિક) હતું તે હવે માત્ર રશિયા બની ગયું. લિથુઆનિયા જેવો પ્રદેશ પણ અલગ દેશ બની ગયો. હવે પુટીન યુક્રેનને પોતાનામાં ભેળવી દેવા અને ત્યાં ઝેલેન્સ્કીને દૂર કરીને કોઈ કઠપૂતલી સરકાર બનાવવા ઈચ્છે છે, બીજી બાજુ ટ્રમ્પ બીજા કારણોથી ઝેલેન્સ્કીને પસંદ કરતા નથી. અત્યારે તો ઝેલેન્સ્કી પોતાની પ્રજાનો લડાયક નેતા તરીકે આગળ છે. ભવિષ્યે નજીકના દિવસોમાં શું થશે તે રાજકીય આટાપાટા ચાલે છે.
ઈઝરાયેલ સામે ફિલિસ્તીન આંદોલનનો ઢોલ વગાડવામાં આવે છે, પણ એ આંદોલન માત્ર હિંસા અને આતંકથી અલગાવ ચાલુ રાખવાનો પ્રયાસ છે. ઈઝરાયેલ અને યહૂદી પ્રજાના દીર્ઘકાલીન સંઘર્ષ અને આંદોલન પછી રાષ્ટ્રનું નિર્માણ થયું તેને કોઈ પણ રીતે બચાવી લેવાનો તે પ્રજાને અધિકાર છે. એટલે અહી તો આંદોલન અને પ્રતિ-આંદોલનથી નક્શો બદલાતો રહ્યો છે.
દુનિયાભરમાં નિર્ણાયક આંદોલનો થતાં રહ્યા છે. ક્યુબામાં તેવું થયું તો ખરું પણ પહેલા કાસ્ટ્રો અને પછી તેનો ભાઈ એ રીતે સામ્યવાદી શાસન ચાલ્યું, ખુદ કાસ્ટ્રોની પુત્રીએ ભાગી જઈને અમેરિકામાં રહેવાનું પસંદ કર્યું હતું. રશિયા તો સામ્યવાદી ક્રાંતિ-ઓક્ટોબર ક્રાંતિ-નું મથક ગણાય, ત્યાં ઝાર શાસનની સામે પ્રચંડ આંદોલન થયું. કાર્લ માર્કસની ક્રાંતિ ઈંગ્લેન્ડમાં તો ના થઈ પણ રશિયામાં થઈ. એલેકઝાંડર સોલઝેનિતસિનની ગુલાગ આર્કીપિલેગો કે સેમિઝ્દાત સાહિત્ય વાંચતાં સ્પષ્ટ થાય કે ક્રાંતિના નામે ત્યાં કરોડો લોકોની, બુદ્ધિજીવીઓની, કવિઓની, કલાકારોની અને રાજકીય સ્પર્ધીઓની કત્લેઆમ કરવા આવી. સ્ટાલિનના ‘શુદ્ધિકરણ’ના નામે પોતાના પક્ષના જ નેતાઓને ગોળીથી ઠાર કરવામાં આવ્યા હતા. આંદોલનના આ વિકૃત ઈતિહાસને બદલાવવા માટે મિખાઈલ ગોર્બાચોવના ઐતિહાસિક પ્રયાસોને લીધે સામ્યવાદી પદ્ધતિ તો રહી નહિ પણ તે પછી યેલ્ત્સિન કે આજે પુટીન પણ માત્ર સત્તાને પોતાનાથી છૂટી ના જાય તેવા પ્રયાસોના રાજકીય નમૂના છે.
ચીની ક્રાંતિએ સાંસ્કૃતિક ક્રાંતિના નામે કરોડો લોકોને મારી નાખ્યા. ચીનમાં સત્તા પરિવર્તનની પહેલા માઓ અને તેની ‘લોંગ માર્ચ’નું મહત્વ હતું પણ જેવી સત્તા મળી કે તેઓ પોતાના જ લોકોને ખલાસ કરવામાં આગળ રહ્યા. રશિયામાં ટ્રોત્સ્કીની જેમ ચીનમાં કેટલાય સામ્યવાદી બિરાદરોને તેમના જ પક્ષે મારી નાખ્યા. પણ એક પરિણામ એવું આવ્યું કે માઓની ‘ગેંગ’ની એ જ હાલત થઈ. આજે પણ તેવી પરંપરા જિનપિંગ ચલાવે છે. વિરોધ કરનારા ક્યાં ગૂમ થઈ જાય છે તે સવાલોનો કોઈ જવાબ નથી. હા, કેટલાક ભાગી છૂટવામાં સફળ થયા તે યુરોપ અમેરિકામાં સ્થાયી થયા. આપણને સ્વેતલાનાનું સ્મરણ થઈ આવે, સ્તાલિન-પુત્રી સ્વેતલાના તેના ભારતીય સામ્યવાદી પ્રિયજનના અસ્થિ ગંગામાં પધારાવવા ભારત આવી અને અહીંથી રશિયા જવાને બદલે અન્ય દેશમાં પહોંચી હતી. તેને ભારત સરકારે અહીં રહેવાની સંમતિ આપી હોત તો ભારતમાં સ્થાયી થવાની ઈચ્છા હતી. અત્યારે બાંગલા દેશની તીખી લેખિકા તસલીમા નાસરીન અને પૂર્વ વડા પ્રધાન બેગમ શેખ હસીના ભારતમાં રહે છે. બીજા વૈશ્વિક અને ભારતીય જનઆંદોલનો વિષે પછી ક્યારેક ચર્ચા કરીશું.