માતાનો પ્રેમ, ત્યાગ અને તપસ્યા સામે આપણે ગમે તે કરીએ તે ઓછું જ છે. આપણને આ સુંદર દુનિયામાં લાવનાર અને માણસ બનાવનાર તે માતા પ્રત્યે સન્માન અને પ્રેમ વ્યક્ત કરવા આમ તો કોઈ વિશેષ દિવસની જરૂર નથી હોતી, પરંતુ મધર્સ ડેના દિવસે આપણી લાગણીઓ રજૂ કરવાનું એક બહાનું ચોક્કસ મળી જાય છે.
બ્રિટન સહિત વિશ્વના અનેક દેશોમાં મધર્સ ડેની ઉજવણી કરવામાં આવે છે. બ્રિટનમાં માર્ચ મહિનાના ત્રીજા રવિવારે તો અમેરિકા અને ભારતમાં મે મહિનાના બીજા રવિવારે. દિવસ કોઇ પણ હોય, મહત્ત્વ મધર્સ ડેનું છે. માતૃપ્રેમના મોલ પારખવાનું છે. કોઈ એક દિવસને માતાના નામે કરવો પૂરતું નથી. પરંતુ, સોશિયલ મીડિયા અને ઈન્ટરનેટના આ યુગમાં મધર્સ ડેની ઉજવણીની પ્રથા વધી ગઈ છે. જેના કારણે ઘણાં લોકો મધર્સ ડે ધામધૂમથી ઉજવે છે. બાકી ભારતીય સંસ્કાર પરંપરામાં તો સૈકાઓ પૂર્વેથી શાસ્ત્રોમાં માતા પ્રત્યે સન્માન - પ્રેમ - આદર વ્યક્ત થતો રહ્યો છે, તેમનું મહિમાગાન થતું રહ્યું છે. જેમ કે, માતૃદેવો ભવઃ પિતૃદેવો ભવઃ સુભાષિત. આમાં વર્ષના કોઇ એક ચોક્કસ દિવસે માતા-પિતાના ગુણગાન ગાવાની વાત નથી, પણ તેમને સદૈવ માટે દેવનો દરજ્જો અપાયો છે.
સ્કંદ પુરાણના અધ્યાય છમાં પૃષ્ઠ 103-104 પર ઉલ્લેખ છેઃ
नास्ति मातृसमा छाया, नास्ति मातृसमा गति ।
नास्ति मातृसमं त्राणं, नास्ति मातृसमा प्रपा ।।
(અર્થાત્ માતા જેવો કોઈ છાંયડો નથી, કોઈ આશ્રય નથી, કોઈ સુરક્ષા નથી; માતાની જેમ આ સમગ્ર દુનિયામાં કોઈ જીવનદાતા નથી.)
દેવીપુરાણમાં માતાનું મહિમાગાન કરતાં લખાયું છેઃ માતામાં સાગર જેવું ગાંભીર્ય છે, પૃથ્વી જેવી સહિષ્ણુતા છે, વાયુ જેવી સુગંધવાહિતા છે, ચંદ્ર જેવી શીતળતા છે અને આકાશ જેવી ઉદારતા છે.
આજના આધુનિક યુગમાં ઉત્સાહભેર ઉજવાતા મધર્સ ડેની વાત કરીએ તો તેની શરૂઆત એન્ના જાર્વિસ નામનાં અમેરિકન મહિલાએ કરી હતી. એન્નાને પોતાની માતા પ્રત્યે ખાસ લગાવ હતો, અને આથી તેઓ આજીવન અપરિણીત રહ્યાં હતાં. તેઓ માતાથી ઘણાં પ્રેરિત હતાં. તેમણે માતાના અનમોલ પ્રેમ - બલિદાનને બિરદાવવા માટે મધર્સ ડે ઉજવવાની શરૂઆત કરી.
મા અને બાળકના સંબંધો દુનિયાનો સૌથી સુંદર અને અણમોલ સંબંધ માનવામાં આવે છે. નવ નવ મહિના સુધી ગર્ભમાં ધારણ કરવા દરમિયાન અને પ્રસવ પીડા સહન કર્યા પછી બાળકનો જન્મ થાય છે તો તે હર ક્ષણ મા માટે ખુશનુમા હોય છે. મા માટે કોઈ પણ શબ્દ, લેખ કે ઉપાધિ ઓછી હશે. તેના પ્રેમ અને સમર્પણનું ઋણ આખું જીવન સમર્પિત કરીને પણ ચૂકવી શકાતું નથી. વિશ્વભરમાં સૌથી પવિત્ર સંબંધ માતા અને બાળકનો માનવામાં આવે છે. આમ તો માતાને યાદ કરવાનો કોઈ દિવસ નથી. પરંતુ, વિશ્વભરની માતાઓની યાદમાં એક ખાસ દિવસ રાખવામાં આવ્યો છે. જેથી આ દિવસે તેમને વિશેષ રૂપે યાદ કરી શકાય. યુરોપમાં આ દિવસને મધરિંગ સન્ડે તરીકે પણ ઓળખવામાં આવે છે.
આપણા દિગ્ગજ સર્જક દામોદરદાસ ખુશાલદાસ બોટાદકરે કંઇ અમસ્તું નથી લખ્યું...
જનનીની જોડ સખી નહીં જડે રે
મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ
એથી મીઠી તે મોરી માત રે
જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ
પ્રભુના એ પ્રેમતણી પૂતળી રે લોલ
જગથી જૂદેરી એની જાત રે
જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ
અમીની ભરેલ એની આંખડી રે લોલ
વ્હાલનાં ભરેલાં એના વેણ રે
જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ
હાથ ગૂંથેલ એના હીરના રે લોલ
હૈયું હેમંત કેરી હેલ રે
જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ
દેવોને દૂધ એનાં દોહ્યલા રે લોલ
શશીએ સિંચેલ એની સોડ્ય રે
જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ
જગનો આધાર એની આંગળી રે લોલ
કાળજામાં કૈંક ભર્યા કોડ રે
જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ
ચિત્તડું ચડેલ એનું ચાકડે રે લોલ
પળના બાંધેલ એના પ્રાણ રે
જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ
મૂંગી આશિષ ઉરે મલકતી રે લોલ
લેતા ખૂટે ન એની લહાણ રે
જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ
ધરતી માતાએ હશે ધ્રૂજતી રે લોલ
અચળા અચૂક એક માય રે
જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ
ગંગાનાં નીર તો વધે ઘટે રે લોલ
સરખો એ પ્રેમનો પ્રવાહ રે
જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ
વરસે ઘડીક વ્યોમવાદળી રે લોલ
માડીનો મેઘ બારે માસ રે
જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ
ચળતી ચંદાની દીસે ચાંદની રે લોલ
એનો નહિ આથમે ઉજાસ રે
જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ
•••