જરા કહો તો તમે કઇ જનરેશનના છો?!

વ્હોટ્સએપના ચોતરેથી...

Wednesday 08th January 2025 05:51 EST
 
 

ગામડાંગામમાં ચોતરો એટલે અલકમલકની વાતોનું એપીસેન્ટર. ગામના ચોરે મોભીઓની પંચાયત પણ બેસે, ને પંચાત પણ થાય! અબાલવૃદ્ધ સહુ કોઇ અહીં જોવા મળે. ટેણિયામેણિયા તેની રીતે કિલ્લોલ કરતાં હોય તો પરિવારના વડલા જેવા વડીલો અહીં બેઠાં બેઠાં વાતોના પટારાં ખોલતાં જોવા મળે. ગામમાં આવતાં-જતાં સંધાય અહીં હોંકારો કરતાં જાય. આજે ગામડાંગામ ભલે ભાંગી રહ્યાં હોય ને તેનું શહેરીકરણ થઇ રહ્યું હોય, પણ ચોરા જળવાઇ રહ્યા છે - નવા અને આધુનિક સ્વરૂપે. ગામડાંગામના આ ચોરાનું બદલાયેલું નવું અને આધુનિક સ્વરૂપ એટલે વોટ્સએપ...! આજે ‘જગતચોરો’ બની ગયેલાં વોટ્સએપ પર તમને જ્ઞાનગંગા વહેતી જોવા મળશે, રસપ્રદ વાતો પણ વાંચવા-જાણવા મળશે, બે ઘડી મોજ કરાવે તેવી વાતો પણ હશે ને પારકી પંચાત પણ મળશે. આમાંથી કંઇક જાણવા જેવું, વાંચવા જેવું, સમજવા જેવું, મોજ માણવા જેવું અમે સમયાંતરે આપની સમક્ષ આ વિભાગમાં રજૂ કરતાં રહેશું. આશા છે કે ‘ગુજરાત સમાચાર’નો આ નવો વિભાગ આપને પસંદ પડશે. વાચક મિત્રો, આ વિભાગ સંદર્ભે આપના પ્રતિભાવો આવકાર્ય છે. - સી.બી. પટેલ, પ્રકાશક-તંત્રી

•••

જરા કહો તો તમે કઇ જનરેશનના છો?!

વર્ષ 2025ની શરૂઆત સાથે જ દુનિયામાં જનરેશન બીટાની શરૂઆત થઈ છે. મતલબ કે 2025ના પ્રારંભ સાથે પેદા થનારાં બાળકો જનરેશન બીટા કહેવાશે. ભારતમાં જનરેશન બીટાના પ્રથમ બાળકનો જન્મ મિઝોરમમાં થયો હતો. જેનું નામ ફ્રેન્કી રાખવામાં આવ્યું છે. બાળકનો જન્મ 1 જાન્યુઆરી શરૂ થયાની ત્રીજી મિનિટે એટલે કે 12.03 કલાકે થયો હતો. હવે તમે પૂછશો કે તો પછી વીતેલા વર્ષે જન્મેલા લોકો કઇ જનરેશનના ગણાશે? સવાલનો જવાબ મેળવવા આગળ વાંચો, અને તે પણ જાણો કે તમે કઇ જનરેશનમાં જન્મેલા છો.
વર્ષ 2013થી 2024 સુધી પેદા થયેલાં બાળકોને જનરેશન આલ્ફા કહેવામાં આવે છે જ્યારે 1995થી 2012 સુધી જન્મેલાં બાળકો જનરેશન ઝેડ છે. જનરેશન ઝેડ એ પેઢી છે જે વૈશ્વિક કનેક્ટિવિટી સાથે મોટી થઈ છે જ્યારે જનરેશન આલ્ફાને જન્મ સાથે જ હાઈસ્પીડ ઈન્ટરનેટની સુવિધા મળી હતી. આમ દુનિયાની પરિસ્થિતિ અને પેઢીની સ્થિતિને ધ્યાને લઈને અત્યાર સુધી આ નામકરણ થયું છે.
જનરેશન બીટા એવી પેઢી છે જે ઈન્ટરનેટ સંબંધિત તમામ સુવિધાઓ વચ્ચે પેદા થઈ છે અને તેના માટે તમામ સુવિધા માત્ર એક ક્લિકના અંતરે છે. જનરેશન બીટા શબ્દ સમાજવિજ્ઞાની માર્ક મેક્રિન્ડલે બનાવ્યો છે.
સમાજવિજ્ઞાનીઓના મતે, સન 1901થી 1924ના સમયગાળામાં પેદા થયેલાં બાળકોને ગ્રેટેસ્ટ જનરેશન તરીકે ઓળખાવવામાં આવ્યા હતા કારણ કે આવા લોકોએ મહામંદી અને વિશ્વયુદ્ધ વચ્ચે તેમનું જીવન પસાર કર્યું હતું. બાદમાં સાઇલન્ટ જનરેશનનો વારો હતો. જેનો સમયગાળો 1925થી 1945 સુધી માનવામાં આવે છે. આ પેઢી ખૂબ જ મહેનતુ અને આત્મનિર્ભર હતી.
એક દિલચશ્પ નામ બેબી બૂમર જનરેશન પણ છે. 1946થી 1964 વચ્ચે જન્મેલા આ પેઢીની દેન ગણાય છે. માનવામાં આવે છે કે બીજા વિશ્વયુદ્ધ બાદ દુનિયામાં મોટાપાયે વસ્તી વધી હતી. ઘણા દેશોએ તો એક નીતિ હેઠળ વસ્તીવધારો કર્યો હતો જ્યારે 1965થી 1976 વચ્ચેના દસકામાં જન્મેલા લોકોને જનરેશન એક્સ તરીકે ઓળખવામાં આવે છે. આ પેઢીના દોરમાં જ ઈન્ટરનેટની શરૂઆત થઈ હતી. પછી 1981થી 1996 સુધીની પેઢીને જનરેશન વાય તરીકે ઓળખવામાં આવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter