આજકાલ અરુંધતિ રોયના કશ્મીર અને નક્ષલ વિશેના ઉકસાવે તેવા વિધાનોના લેખન માટે અરુંધતિ રોય પર દિલ્હીની અદાલતમા પોલીસે આરોપનામું રજૂ કર્યું છે, માંડ મોકો મળ્યો એટ્લે કેટલાક “લિબરલ્સ” ના નિવેદનો “અઘોષિત કટોકટી”ની એચ,એમ.વી રેકોર્ડ વગાડવા લાગ્યા છે. તેમાં તો વિધિસર મુક્દ્દ્મો ચાલશે, અદાલત સાચું-ખોટું શું તેની તપાસ કરશે, વકીલો દલીલ કરશે ને છેવટે ચુકાદો આવશે. તેનાથી સંતોષ ના થાય તો સર્વોચ્ચ અદાલત સુધી જઇ શકાય છે.
પણ તસલીમા નાસરીનની તો આખી જિંદગી દુનિયાના દેશોમાં આશ્રય માંગવામાં ગઈ, ઘર આંગણે બાંગ્લા દેશમાં તેને ફાંસી આપવાના ફતવા બહાર પડ્યા, ટીપું સુલતાન મસ્જિદના ઈમામે તો જાહેરમાં ચેતવણી ઉચ્ચારી હતી કે જો તસલીમા નામની નાસ્તિક સ્ત્રીને સજા નહિ કરવામાં આવે તો અમે ઝેરીલા સાપ છોડીશું! 1994ની આ ઘટના. સરકારી હોસ્પિટલમાં તબીબ રહેલી તસલીમાને છેવટે પોતાની માતા, પિતા, મિત્રોને છોડીને ભારતમાં આવવું પડ્યું.
બંગાળ, પછી તે પશ્ચિમ બંગાળ કે ભાગલા સમયનું પૂર્વ પાકિસ્તાન અને પછી ભારતની મદદથી સ્વાધીન બનેલો બાંગલા દેશ. બધે સંસ્કૃતિની સમાન ધારા વહે છે. બાંગ્લા દેશનું રાષ્ટ્રગીત રવીન્દ્રનાથ ટાગોરનું રચેલું છે. ખ્યાત લેખક શંકરે પ્રવાસકથા લખી તે “એઇ પાર બાંગલા, ઑ પાર બાંગલા! “ હિંદુસ્તાનની આઝાદીના ક્રાંતિ નાયકો બંગાળના માસ્ટર દા સૂર્યસેન અને પ્રીતિલતાની પ્રતિમાઓ હજુ ચટગ્રામમાં છે. નેતાજી સુભાષચંદ્ર બોઝની આઝાદ હિન્દ ફોજ રંગૂંનથી ઇંફાલ થઈ, ચટગ્રામ પહોંચીને પૂરા બંગાળથી દિલ્હી દૂધી બ્રિટિશ વિરોધી પ્રચંડ સંગ્રામની વ્યૂહરચના કરી હતી. ભારતીય મુક્તિવાહિનીના કારણે તો પાકિસ્તાનથી મુક્ત દેશનું નિર્માણ થયું.
પણ મઝહબી કટ્ટરવાદ નામશેષ નથી થયો. તસલીમાંએ પહેલી નવલકથા લખી તે “લજ્જા”માં હિન્દુઓ પર રમખાણ સાથેનું દમન અને હત્યાકાંડ થયા તેનું વર્ણન છે. ત્યારથી કટ્ટરવાદી તત્વોએ ઉપાડો લીધો. ખતરામાં હતી તસલીમા એટ્લે ભારતમાં આવવાનું પસંદ કર્યું. પ્રિય કોલકાતામાં રહીને મુક્ત લેખન કરીશ એવી આશા સાથે તેણે કવિતા લખી હતી:
હિંદુસ્થાન રદ્દી અખબારનું એકાદ
લાવારિસ પાનું તો નહોતું, કે તેણે
ફાડી નાખીને ટુકડેટુકડા કરી શકાય!
આ કાંટો ભારત-વિભાજનનો
ગળામાં ખૂંચી રહ્યો છે, તેને
પચાવી જવો નથી, બહાર ફેંકી દેવો છે!
જેમ ચાહું છું મારા બ્રહ્મપુત્ર નદને,
એવીજ મારી સુવર્ણ રેખા.
સીતાકુંડ પહાડની જેમ કાંચનજંઘા પણ.
શ્રીમંગલ અને જલપાયી ગુડી મારા પોતાના.
કર્ઝનકિલ્લો જો મારી ભૂમિ પર
તો ફોર્ટ વિલિયમ પરાયો કેમ હોય શકે?
દેશ પત્રિકામાં આ બંગાળી ગરિમાને અખંડ ભારતની સાથે જોડતી કવિતા છપાઈ હતી. પણ કીડી પર કટક ઉતર્યું. કથિત પ્રગતિશીલ ડાબેરી મોરચે કોલકતામાં તેને આશ્રય આપવાની અને સુરક્ષા પ્રદાન કરવાની ના પડી દીધી. આજે જેઓ સાંસદમાં અત્યારે ચાલતી “અઘોષિત કટોકટી” અને માનવ અધિકારના ભાષણો આપે છે તેમની પૂર્વ સરકાર કેન્દ્રમાં, દિલ્હીમાં સાત મહિના સુધી આ મહિલાને તદ્દન એકલી રાખે છે. તન મનથી તે લગભગ ખલાસ થઈ ગઈ છે. તેને કહેવામા આવે છે કે જલ્દીથી ભારત છોડી ડે તેમાં તારી ભલાઈ છે. તસલીમા તો કાયમી ભારતવાસી થવા માગતી હતી. કેટલાક લેખકો તે સામના વડા પ્રધાન મન મોહન સિંહને અને પ્રણવ મુખરજીને મળ્યા. મહાશ્વેતા દેવી જાતે દિલ્હી આવીને સરકારને મળ્યા, “આ લેખિકા નજરકેદમાં જ શ્વાસ છોડશે તો? “ આ સવાલ હતો. પણ બંગાળમાં પ્રગતિશીલ ડાબેરી મોરચો અને કેન્દ્રમાં કોંગ્રેસ સરકાર બંનેએ એ વિષે વિચારવાની ઘસીને ના પડી દીધી.
“નજરબંધ તસલીમા” પુસ્તક્મા આ દાસ્તાન છે. તેના લેખક કૃપાશંકર ચૌબે છે. એક જાગૃત લેખક. તસલીમા સાથેનો લેખક તરીકે નજીકનો સંબંધ. વ્યવસાયે પત્રકાર અને અધ્યાપક. અનેક અખબારોમાં સંવાદદાતા રહ્યા. સાહિત્ય અકાદમીએ તેમનું સન્માન કર્યું છે. વર્ધા મહાત્મા ગાંધી આંતર રાષ્ટ્રીય વિશ્વ વિદ્યાલયમાં પત્રકારોનું પ્રશિક્ષ્ણ આપે છે. ત્યાં જ તેમને મળવાનું થયું. અગાઉ તસલીમા વિષે તેમની સાથે કોલકાતામાં ઘણીવાર વાતચીત થઈ હતી, એવા સંજોગોમાં તસલીમાની સાથે તેમણે વાતચીત કરાવી ત્યારે મે ગુજરાતમાં નિરાંતે રહેવા આવો તેવું આમંત્રણ આપ્યું હતું. તે સમયે ગુજરાતમાં નરેંદ્ર મોદી મુખ્યમંત્રી હતા, અને હવે વડા પ્રધાન છે ત્યારે આ લેખ માટે મિત્ર લેખક કૃપાશંકરને મે વર્ધા ફોન કર્યો તો તેમણે ખુશખબર આપી કે નજરકેદના તમામ બંધનોથી મુક્ત તસલીમા હવે દિલ્હીમાં લેખન કારી કરી રહી છે. કટ્ટરવાદી ભયની ફરવા વિના. “નજરબંદ તસલીમા” પુસ્તકમાં 9 ઓગસ્ટ, 2007ની નોંધમાં તસલીમા કહે છે: હૈદરાબાદ પ્રેસ ક્લબમાં મારી નવલકથા “શોધ” ના તેલુગુ અનુવાદનું લોકાર્પણ હતું. ત્યાં એક ટોળું આવ્યું, હુમલો કર્યો, માંડ બચી છું. અંદરના ખંડના દરવાજા પણ લાઠીના પ્રહારથી આ લોકોએ તોડી નાખ્યા હતા...
13 વર્ષ સુધી તે દુનિયાના દેશોમાં નગરી નગરી દ્વારે દ્વારે આશ્રય માટે રખડતી રહી, સ્વીડન, જર્મની, અમેરિકા અને ફ્રાંસે તેને સમ્મતિ આપી. સ્વીડને તો નાગરિકતા એનાયત કરી. દુનિયામાં તેને 30 થી વધુ આંતર રાષ્ટ્રીય સન્માન મળ્યા છે. 2007થી, હા,આટલા વર્ષો સુધી એક મહિલા લેખિકાને પોતાના દેશથી દૂર રહેવું પડે ? તસલીમા તેનું ઉદાહરણ છે, તેના જીવન કવન પર સ્વીડિશ ગાયક મેગોરિયાએ એક સંગીત પ્રસ્તુતિ કરી તે સર્વત્ર ખ્યાત થઈ. શીર્ષક છે, “ગોડેસ ઇન યૂ, તસલીમાં.. બીજું બેન્ડ તૈયાર થયું, “ડોન્ટ વરી, તસલીમાં.. સ્ટીવ લેસીનું “ધ કાઇ” પણ આ લેખિકાને દુનિયામાં પ્રસ્તુત કરી છે. બંગાળના 24 મોટા સાહિત્યકારોએ જ તેણે કોલકાતાથી હદપાર કરવા તે સમયના મુખ્યમંત્રીને અપીલ કરી હતી!