હિન્દુ કેલેન્ડરમાં શિવરાત્રીની તિથિ તો દર માસે આવે છે, પરંતુ ભોળા શંભુની આરાધનાનું મહાપર્વ ગણાતી મહાશિવરાત્રી વર્ષમાં એક જ વખત આવે છે. શિવભકતો આ દિવસે (આ વર્ષે ૧૧ માર્ચે) ઉપવાસ રાખીને ઓમ નમઃ શિવાયના અખંડ પાઠ કરીને શિવલીંગ પર બીલીપત્રો ચઢાવીને દુધ અને પાણીનો અભિષેક કરી શિવ ઉપાસના દ્વારા ભગવાન શંકરના કૃપાપાત્ર બનવા પ્રયત્ન કરે છે.
મહા શિવરાત્રી પર્વ સાથે હરણ અને પારધીની પૌરાણિક માન્યતા જગપ્રસિદ્ધ છે. એમાં પણ હરણ પરિવારની મુકિત અને પારધીની પાપમુકિતમાં ભગવાન શિવનો કલ્યાણભાવ જોવાય છે.
શિવભકતોમાં આગવું મહત્ત્વ ધરાવતા આ પર્વના આગમન વેળાએ મહાશિવરાત્રીનું રહસ્ય જોઇએ. કહેવાય છે કે ભગવાન વિષ્ણુ અને બ્રહ્મા વચ્ચે શ્રેષ્ઠતા અંગેનું વાકયુદ્ધ થયું, જેને અટકાવવા માટે ભગવાન શંકર અગ્નિ મહાલીંગ તરીકે ત્યાં સ્થાપિત થયા. આ મહાલીંગનું મૂળ પાતાળથી પણ નીચે અને ટોચ બ્રહ્માંડથી પણ ઉપર હોવાથી તેનો તાગ મળતો નહોતો. ભગવાન વિષ્ણુ પાતાળથી તે છેક બ્રહ્માંડ સુધી ફરી વળ્યા, પરંતુ લીંગનો તાગ મળ્યો નહી. ભગવાન બ્રહ્મા પણ બ્રહ્માંડની ઉપર સુધી ગયા પરંતુ તેમને તાગ મળ્યો નહિ. આમ છતાં તેઓ ખોટું બોલ્યા કે તેને લીંગનો તાગ મળી ગયો છે.
આથી ભગવાન બ્રહ્માને શિક્ષા કરવા અગ્નિસ્તંભ (મહાલીંગ)માંથી ભગવાન શંકર પ્રગટ થયા અને જે પાંચમા મુખથી બ્રહ્મા અસત્ય બોલેલા તે મુખને કાપી નાંખ્યું. આ વેળા ભગવાન બ્રહ્મા અને વિષ્ણુએ શિવજીનું પૂજન કર્યું. મહા વદ તેરસ બધા દિવસોમાં શ્રેષ્ઠ દિવસ અને રાત્રી ગણવાથી તેને મહાશિવરાત્રી નામ અપાયું. આમ મહાશિવરાત્રીનું પર્વ એ શિવભકતો માટે શિવની આરાધના અને ઉપાસનાનો તહેવાર છે.
જીવ અને શિવનો યોગ સાધતી મહારાત્રી એટલે મહાશિવરાત્રી. ભગવાન શંકરનો મહિમા અનેરો અને અદકેરો છે. સાત્વિક સહજ ભકિતથી પ્રસન્ન થનારા ભગવાન શંકર મહાપ્રલયકારી છે. બ્રહ્માંડના જીવોનું સંકલન કરનારા છે. દુષ્ટ, દુરાચારી, વિદ્રોહીઓના મારક છે. સત્ય, સંયમ, સાત્વિકતાના તારક છે. દૈત્ય સેનાના સંહારક છે. શંખ, ડમરૂ, ત્રિશુલ ધારક છે. ભૂતનાથ, ભૈરવાદી રૂદ્રોના પતિ અને સાધુ-જોગીઓના સ્વામી અને ભકતોના ઉપકારક છે.
ભગવાન શંકરને અતિમાન કે અભિમાની મંજૂર નથી. ૩૩ કરોડ દેવતાઓને વશમાં કરનાર રાવણની ત્રણ ઇચ્છા પણ અભિમાનના કારણે જ ભગવાન શંકરે પૂરી કરી ન હતી.
‘વૈરાગ્ય શતક'ના રચયિતા ભૃતુહરીની પરીક્ષા લેવામાં પણ ભગવાન શંકરે કંઇ બાકી રાખ્યું ન હતું. રાજા ભૃતુહરી સર્વસ્વ ત્યાગીને ફકીર બન્યા. સંત બન્યા, એક પછી એક વસ્તુઓનો ત્યાગ કરતા ગયા, પરંતુ જ્યાં સુધી વૈરાગ્યનું અભિમાન રહ્યું ત્યાં સુધી ભગવાન શંકર દુર જ રહ્યા. ભકતને જયાં સુધી ભકિતનું અભિમાન રહે ત્યાં સુધી ભગવાન શિવને ભકિત, પૂજા, ઉપાસના સ્વીકાર્ય બનતા નથી અને એ જ બ્રહ્માંડનો સર્વકાલીન યમનિયમ છે.
૧૧ માર્ચ - આવતા ગુરુવારે પવિત્ર પર્વ મહાશિવરાત્રીનો અનેરો અવસર છે. મહાશિવરાત્રીના મહા પર્વે પૃથ્વીલોકના તમામ શિવલીંગોમાં રૂદ્રનો અંશ હોય છે. અનિષ્ટોના વિનાશક તમામ ગ્રહોના અધિષ્ઠાત્રા મહાદેવ શિવ છે. માતા મહાલક્ષ્મીના અધિષ્ઠાત્રા મહાદેવ છે. આથી મહાશિવરાત્રીએ શિવપૂજન આયુષ્યની સાથે ઐશ્વર્ય પણ આપે છે.
જન્મના ગ્રહોનો દ્રારિદ્રય યોગ શિવરાત્રીએ શિવપૂજનથી દુર થાય છે. આ પર્વે તમામ દેવ કૈલાસમાં મહાદેવના સાંનિધ્યમાં હોય છે. આથી જ આ દિવસે મહારૂદ્રનો હોમાત્મક પાઠ સોમયજ્ઞનું ફળ આપે છે.
આવો, આપણે સહુ મહાશિવરાત્રીના મહાપર્વે ભોલેનાથની આરાધના કરીએ, તેમની કૃપા પ્રાપ્ત કરીએ...
સૌરાષ્ટ્રે સોમનાથં ચ, શ્રી શૈલે મલ્લિકાર્જુનમ,
ઉજ્જયિન્યાં મહાકાલમ ॐકારમ અમલેશ્વરમ.
(સૌરાષ્ટ્રમાં સોમનાથ અને શ્રીશૈલ પર મલ્લિકાર્જુન, ઉજ્જૈનમાં મહાકાલ, ઓંકારેશ્વર, અમલેશ્વર...)
પરલ્યાં વૈદ્યનાથં ચ, ડાકિન્યાં ભીમશંકરમ,
સેતુબન્ધૈ તુ રામેશં, નાગેશં દારુકાવને.
(પરલીમાં વૈદ્યનાથ અને ડાકિનીમાં ભીમશંકર, સેતુબંધમાં રામેશ્વર, દારુકાવનમાં નાગેશ્વર...)
વારાણસ્યાં તુ વિશ્વેશં ત્ર્યંબકં ગૌમતીતટે,
હિમાલયે તુ કેદારં, ધુશ્મેશં તુ શિવાલયે.
(વારાણસીમાં વિશ્વેશ્વર, ગૌતમીના તટ પર ત્ર્યંબકેશ્વર, હિમાલયમાં કેદારેશ્વર, શિવાલયમાં ઘુષ્ણેશ્વર...)
એતાનિ જ્યોતિર્લિગાનિ, સાયંપ્રાત: પઠેન્નર:,
સપ્તજન્મકૃતં પાપં સ્મરણેન વિનશ્યતિય.
(જે કોઈ પણ મનુષ્ય પ્રતિદિન પ્રભાત અને સાયંકાલમાં આ ૧૨ જ્યોતિર્લિંગના નામનો પાઠ કરે છે,
તો આ લિંગોના સ્મરણમાત્રથી સાત જન્મોમાં કરેલ પાપ નષ્ટ થઈ જાય છે.)
ઇતિ દ્વાદશજ્યોર્તિલિંગસ્મરણમ્ સંપૂર્ણમ્...