પશ્ચિમી ગોરા અને શ્યામવર્ણી રોજ ન્હાતા નથી. અમેરિકાવાસી ભારતીયો રોજ સ્નાન કરે પણ સમયસર રોજ સવારે સ્નાન કરવાને બદલે અનુકૂળતાએ સ્નાન કરે, ત્યારે ડલાસમાં વસતા ધીરુભાઈના પરિવારમાં શૌચ પછી ન્હાવાનું સામાન્ય બન્યું છે. આથી ક્યારેક એકથી વધારે સ્નાન કરવું પડે તેવું થાય છે. ધીરુભાઈ ઉદ્યોગપતિ છે. તેમની ઓફિસમાં પણ એક-બે જોડ કપડાં તૈયાર રાખે. ઓફિસમાં તેમના સંડાસ-બાથરૂમ પણ સ્વતંત્ર છે તેથી જરૂર પડે તો શૌચ પછી ત્યાં પણ સ્નાન કરી લે.
ધીરુભાઈનો પરિવાર સ્વામિનારાયણી અને શિક્ષાપત્રી મુજબના આચાર-આહારમાં ક્યાંય બાંધછોડ ના કરે. પ્રવાસમાં હોય, અજાણ્યા કે જાણીતા બીજા દેશમાં હોય તો પણ આહારશુદ્ધિ જાળવે.
રાજકોટ ગુરુકૂળમાં ભણીને એસ.એસ.સી. થયેલા. વિદાયટાણે શાસ્ત્રી ધર્મજીવનદાસજીએ કહેલું, ‘કોઈની પાસે લાંચરુશ્વત લેશો નહીં. હાથ લંબાવશો નહીં. આપણે સૌ ભગવાનના સંતાન. પોતાનાં સંતાન ભીખ માગે તો ભગવાનને શરમાવાનું થાય.’ ગુરુબોધ ગાંઠે બાંધીને તે ૧૯૭૨માં વલ્લભ વિદ્યાનગરમાંથી મિકેનિકલ એન્જિનિયર થયા. ખાનગી ઉદ્યોગમાં અનુભવ લઈને ૧૯૭૪માં ૨૫ વર્ષની વયે અમેરિકા ભણવા આવ્યા. વિના શોધ્યે એક સ્ટોર પાર્ટટાઈમ ચલાવવા બદલ વિના રોકાણે ભાગીદારી મળતાં તેમને રહેવા, જમવા અને ભણવાના ખર્ચની સગવડ થઈ.
૧૯૭૫માં ગ્રીનકાર્ડ મળતાં પરણવા ભારત આવ્યા. ૪૫૦ વીઘા જમીન ધરાવતા સંયુક્ત કુટુંબમાંના જેરામભાઈ અને મણિબાના પાંચ પુત્રી અને પાંચ પુત્રના પરિવારમાં તે પાંચમા નંબરે. આવા સમૃદ્ધ અને ખાનદાન પરિવારના, અમેરિકા વસતા એન્જિનિયર, સંસ્કારી, સુશિક્ષિત દીકરાને જમાઈ બનાવવા ઘણા પરિવાર ઈચ્છુક હતા પણ અંતે કરસનભાઈ અને ચંપાબહેન રામાણીની વલ્લભ વિદ્યાનગરમાં આર્ટસમાં ભણતી દીકરી જયાબહેન સાથે ગોઠવાયું.
૧૯૭૭માં ધીરુભાઈ એમ.એસ. થઈને નોકરીએ લાગ્યા. બીજા વર્ષે જયાબહેન અમેરિકા આવ્યાં અને ઘરસંસાર શરૂ થયો.
૧૯૮૪માં ધીરુભાઈ નોકરીની બચત પછી ધંધામાં જોડાયા. આજે એમની પાસે ૧૧ જેટલા વ્યવસાય છે. તેમને ત્યાં ૬૦૦ કરતાં વધારે વ્યક્તિ કામ કરે છે. તેમાં સર્કિટ બોર્ડની તેમની કંપની ડલાસમાં છે. એની બીજે શાખાઓ છે. સહજાનંદ લેસર નામની કંપની ગાંધીનગરમાં છે. તે હીરા કાપવાનાં કોમર્શિયલ મશીન બનાવે છે. સુરત અને મુંબઈમાં તેમની ઓફિસ છે.
ધીરુભાઈ ફર્સ્ટ સ્ટેટ બેંક ઓફ સેલાવોટર નામની બેંકના પ્રમુખ છે. તેમાં મોટા ભાગના શેર એમના પરિવારના છે. ધીરુભાઈએ પોતાના સગાં-સંબંધીને કાયદેસરની ફાઈલ કરીને બોલાવ્યાં છે. આવેલી વ્યક્તિઓ અને પછી તેમણે વળી પોતાના સંબંધીઓની ફાઈલ કરીને બોલાવ્યાં હોય એવી સંખ્યા ગણતાં અમેરિકામાં ધીરુભાઈના નિમિત્તે આવેલી સંખ્યા ૩૦૦ કરતાં વધારે થાય. એ બધાંને નોકરી-ધંધામાં ગોઠવવામાં પણ ધીરુભાઈ મદદરૂપ થયા છે. ગોર પરણાવે અને ઘર પણ માંડી આપે એવું થયું છે.
ધીરુભાઈની વિશિષ્ટતા એ શિક્ષાપત્રી મુજબનું જીવન જીવતા સ્વામિનારાયણી છે. તેમના નાના ભાઈ ચતુરભાઈને એમણે મેડિકલના અભ્યાસ માટે ડોમિનિકન રિપબ્લિકના સાન્ટાડોમિંગો મોકલ્યા હતા. એમના સ્વામિનારાયણી આચાર-વિચારથી પ્રભાવિત થઈને એક ગોરા હિસ્પેનિક પરિવારે સ્વામિનારાયણ સંપ્રદાય સ્વીકાર્યો. જન્મથી માંસ અને દારૂનો ઉપયોગ કરનારે શિક્ષાપત્રી મુજબનું જીવન અપનાવી પૂજા-પાઠ કરવા માંડ્યા. આહાર બદલ્યો. આ પછી બીજા અનેક પરિવાર આમાં ભળ્યાં. ધીરુભાઈ સ્વામિનારાયણના સંતોને લઈને ત્યાં જતા થયા. આમાંથી સંખ્યાબંધ ગોરા સ્વામિનારાયણ બન્યા. આજે એમાં સતત ટક્યા હોય એવા કંઠીધારી એકાદ હજાર કરતાં વધારે પરિવાર છે.
ધીરુભાઈ, એમના ભાઈ ચતુરભાઈ અને સંતો દર વર્ષે ત્યાં વિચરણ કરે છે. ત્યાં હરિમંદિર છે. ગોરા પૂજારી નિયમિત પૂજા-આરતી કરે છે. બધી જ ગોરી વસ્તી વચ્ચે સ્વામીનારાયણ સંપ્રદાયનું પ્રચલન, એનો યશ ધીરુભાઈના પરિવારને ઘટે છે. શિક્ષાપત્રીનો સ્પેનિશ ભાષામાં અનુવાદ આ જ પરિવારને કારણે થયો. આમાંથી એક ગોરો સ્વામિનારાયણ પરિવાર ઈટાલી ગયો અને વસ્યો. તેમને કારણે સંખ્યાબંધ ગોરા ઈટાલિયને આ સંપ્રદાય અપનાવ્યો અને શિક્ષાપત્રીનો ઈટાલિયન ભાષામાં અનુવાદ થયો. સ્વામિનારાયણ સંપ્રદાયની રાજકોટ ગુરુકૂળ શાખાને કારણે જ બે વિદેશી ભાષામાં શિક્ષાપત્રી અનુવાદિત થઈ. ધીરુભાઈએ કરોડો રૂપિયાનાં દાન આપ્યાં છે. એકલા રાજકોટ ગુરુકૂળમાં જ એમનું ૧૦ કરોડ રૂપિયા કરતાં વધારે દાન છે. ગુરુકૂળની બેંગલોર અને હૈદ્રાબાદની શાખાના એ ટ્રસ્ટી છે. આ સિવાય પણ શિક્ષણ અને આરોગ્યમાં ભેદભાવ વિના વતનમાં અને અમેરિકામાં વિના પ્રચારે એમનાં મોટાં દાન છે. આહાર અને આચારમાં ચુસ્ત તે જીવંત, જંગમ ગુરુકૂળ શા છે.