જૂઠાણાંનો પટારો ખૂલ્યોઃ લેબર પાર્ટી આતંકવાદીઓ માટે દરવાજા મોકળા મૂકશે?

કપિલ દૂદકીઆ Tuesday 21st May 2024 04:58 EDT
 
 

લેબર પાર્ટીના સાંસદ સામ ટેરી (ઈલ્ફર્ડ સાઉથ)એ હાઉસ ઓફ કોમન્સમાં આશ્ચર્યકારક નિવેદન કરતા કહ્યું હતું કે, ‘આજે હું પાર્લામેન્ટમાં પેલેસ્ટીનીઅન ફેમિલી વિઝા સ્કીમની રચના માટે હિમાયત કરી રહ્યો છું. આના થકી પેલેસ્ટીનીઅન નિર્વાસિતો નવા સલામત અને કાયદેસર રુટ મારફત યુકેમાં સલામતપણે આવી શકશે અને સલામત સ્થળે પહોંચવા મજબૂર પરિવારજનો સાથે મેળમિલાપ કરાવી શકશે.’

મને જરા પણ આશ્ચર્ય થયું નથી. કેર સ્ટાર્મર અત્યાર સુધી લેબર પાર્ટીના વાસ્તવિક ઈરાદાને અને તેઓ સત્તા પર આવશે ત્યારે તેઓ શું કરશે તેને છુપાવી રાખવામાં સફળ રહ્યા હતા. જોકે, તેમની પાર્ટીમાં એવા કેટલાક સાંસદો છે જેઓ પક્ષની કહેણીને અવગણવા કે ઐસી કરી તૈસી કરવા પૂરતા હિંમતવાન જણાય છે. આમ થવા સાથે જૂઠાણાંનો પટારો ખોલી નાખે છે.

સામ ટેરી શું કહી રહ્યા છે તેનો આપણે જરા વિચાર કરીએ. મૂળભૂત તો તેઓ પેલેસ્ટીનીઅનો માટે વિઝાની નવી કેટેગરી રચવાનું જણાવી રહ્યા છે જેથી તેઓ હજારોની સંખ્યામાં કોઈ પણ નિયંત્રણો વિના યુકેમાં આવી શકે. હમાસનો કોઈ સમર્થક અંદર પ્રવેશી ન જાય તેની ચોકસાઈ રાખવા લેબર પાર્ટી પાસે કોઈ યોગ્ય સ્ક્રીનિંગ પદ્ધતિ નથી. ખરેખર તો લેબર પાર્ટી આ દેશના નાગરિકોની રક્ષાના માર્ગની ચિંતા કર્યા વિના હજારોની સંખ્યામાં આતંકવાદીઓ આ દેશમાં ઘૂસણખોરી-પ્રવેશ કરી શકે તેવી છૂટ આપવા ઈચ્છે છે. આ માત્ર સામ ટેરીની વાત નથી રહી. આ સપ્તાહે જ આપણે જોયું છે કે 50 જેટલા લોર્ડ્ઝ અને સાંસદોએ પણ આમ જ લખીને આવી માગણી ઉઠાવી છે અને ચોક્કસપણે તેમાંથી મોટા ભાગના લેબર પાર્ટીના છે.

આમાંથી એક પ્રશ્ન ઉભો થાય છે કે જો લેબર પાર્ટી પેલેસ્ટીનીઓ માટે આવી કેટેગરી બનાવવા ઈચ્છુક હોય તો એવો અર્થ પણ હોઈ શકે કે તેઓ ઉઈઘુર્સ, આર્મેનીઅનો, સુદાનીઝ, નાઈજિરિઅનો, રોહિંગ્યા, ઈથિયોપિઅનો, લિબિઅનો અને સીરિઅનો માટે પણ આ જ પ્રકારની જોગવાઈ બનાવશે? આ વિચાર માગી લે તેવી બાબત છે.

લેબર પાર્ટી કટ્ટરવાદીઓના તુષ્ટિકરણનો ઈતિહાસ ધરાવે છે. આપણે ઘણી વાર જોયું જ છે કે આમાંના કેટલાક કટ્ટરવાદીઓ વધુ ઝનૂન સાથે આતંકવાદીઓ બની જવા માટે તૈયાર થાય છે. લેબર પાર્ટી ગેરકાયદે માઈગ્રન્ટ્સને અટકાવી શકે તેવા પગલાં સામે વિરોધની માનસિકતા ધરાવે છે. તાજેતરમાં તેમણે રવાન્ડા સમજૂતીનો વિરોધ કર્યો હતો અને તે પછી તેઓ કહેતા જ રહ્યા છે કે તેમની પ્રાથમિકતાઓમાં એક પ્રાથમિકતા તો રવાન્ડા એક્ટને નાબૂદ કરવાની રહેશે. લેબર પાર્ટીનો સંદેશો ઘણો સ્પષ્ટ છે, તેઓ સત્તા પર આવશે તો બ્રિટિશરો માટે નહિ હોય, પરંતુ તેઓ વિશ્વભરના ઉદ્દામવાદીઓનો અવાજ બની રહેવા માટે હશે. આ પાર્ટી વિરોધ કરવા માટેની જ છે, રાજકારભાર કરવા માટે નહિ.

TalkTV/GB News ના પૂર્વ પ્રેઝન્ટર ફાધર કેલ્વિન રોબિન્સને બરાબર રીતે જ સામ ટેરીનું વર્ણન ‘રાઈટ ઓનરેબલ મેમ્બર ઓફ ગાઝા’ તરીકે કર્યું હતું. હું માનું છું કે કેર સ્ટાર્મરની ફ્રન્ટ બેન્ચ પર બેઠેલા ઘણા સભ્યો માટે આમ કહી શકાય તેમ છે. કેર સ્ટાર્મરના વક્તવ્યો મતદાતાઓને મૂર્ખ બનાવવા માટેના જ હોય છે ત્યારે હકીકત એ છે કે તેમણે પોતાની ફ્રન્ટ બેન્ચ પર એવા સાંસદોની નિયુક્તિ કરી છે જેઓ પાકિસ્તાન દ્વારા સ્પોન્સર્ડ આતંકવાદીઓ, ખાલિસ્તાની આતંકવાદીઓ, કટ્ટર ઈસ્લામવાદીઓ, એક્સેટેન્શન રીબેલિઅન તરીકે સરઘસો કાઢતા તોફાની તત્વો અને પેલેસ્ટીનીઅન આતંકવાદની તરફેણમાં નફરત ફેલાવનારાઓ માટે સતત અવાજ ઉઠાવતા રહે છે.

પ્રાઈમ મિનિસ્ટર રિશિ સુનાકે તાજેતરમાં એમ કહ્યું કે આપણે દેશને આગળ લઈ જઈ શકે અથવા વોક પોલિટિક્સના ગાંડપણનું તુષ્ટિકરણ કરી દેશના પોતનો નાશ કરી શકે તેવા ચાર રસ્તા પર ખડા છીએ, ત્યારે તેઓ તદ્દન સાચા છે. જો લેબર પાર્ટી સત્તા પર આવશે તો આપણે આપણા પોતાના જ વિનાશની ખતરનાક પરિસ્થિતિમાં આવી જઈશું તે જાણવા માટે તમારે વડા પ્રધાન સુનાકને પસંદ કરવાની અથવા કન્ઝર્વેટિવ હોવાની જરા પણ જરૂર નથી.

આપણી યુનિવર્સિટીઓ અને ઘણી શૈક્ષણિક સંસ્થાઓ જ્યૂઝ-યહુદીઓ (અને હિન્દુઓ માટે પણ) નો-ગો ઝોન્સ બની ગયેલ છે. જો યહુદી અથવા હિન્દુ કોમ્યુનિટી શાંતિપૂર્ણ વિરોધ કરવા ઈચ્છતી હોય તો સૌ પહેલા પોલીસ આપણને અટકાવશે પરંતુ, દર સપ્તાહે સામાન્ય નાગરિકોની શાંતિનો ભંગ કરનારા નફરત ફેલાવનારાઓની વાત આવશે ત્યારે પોલીસ માત્ર આંખ આડા કાન કરી લેશે.

હવે એક નવી જ રચાયેલી અને પોતાને ‘મુસ્લિમ વોટ’ તરીકે ઓળખાવતી સંસ્થા આવી છે જેણે કેર સ્ટાર્મર સમક્ષ મુસ્લિમ મતોના બદલામાં 18 માગણીઓ મૂકી છે. આ માગણીઓમાં ‘ઈસ્લામોફોબિયા અંગે APPG ની વ્યાખ્યા સ્વીકારો’, ‘દરેક વર્કપ્લેસમાં શરીઆને માન્ય રાખતા પેન્શન્સની ચોકસાઈ કરો’, ‘BDS (બોયકોટ, ડાઈવેસ્ટમેન્ટ, સેન્ક્શન્સ)નો વિરોધ કરો’, ‘યુદ્ધની તરફેણ કરનારા તમામ ઈઝરાયેલી રાજકારણીઓના પ્રવાસ પર પ્રતિબંધ લાદો’, ‘ઈઝરાયેલ સાથે લશ્કરી સંબંધોનો અંત લાવો’ અને ‘મુસ્લિમોને શાળાઓમાં નમાજની પરવાનગી આપવામાં આવે’ સહિતનો સમાવેશ થાય છે. આ બધું કઈ તરફ જઈ રહ્યું છે તેનો અણસાર તમને આવી જ ગયો હશે.

મેં જે પ્રશ્ન ઉઠાવ્યો તે ‘શું લેબર પાર્ટી ફરી એક વખત દરવાજા મોકળાં મૂકવાં તૈયાર છે?’નો હતો. ઈરાદાપૂર્વક અથવા અનિચ્છાએ પણ આનો એકમાત્ર નિષ્કર્ષ હોઈ શકે, તેનો ઉત્તર હા છે. લેબર પાર્ટીની નીતિઓ, તેમના સાંસદો અને સભ્યોની માગણીઓ અને તેમના કથિત જાગૃત (વોક) બિરાદરીની માગણીઓ એટલી પ્રચંડ હશે કે લેબર સરકાર દરવાજાઓ મોકળાં મૂકી દેશે એટલું જ નહિ, તેમનું ફાઈવ સ્ટાર આતિથ્ય કરવા માટે કરદાતાઓનું બિલિયન્સ અને બિલિયન્સનું નાણાભંડોળ પણ વાપરવા લાગશે.

મેં અગાઉ પણ ઘણી વખત જણાવ્યું છે કે સામાન્ય બ્રિટિશ નાગરિકની સહિષ્ણુતા અને ધીરજ હવે ખૂટવા આવી છે. જો લેબર સરકાર સત્તા પર આવે તો આપણી શેરીઓમાં અરાજકતા નવો માપદંડ બની રહેશે તેમાં જરા પણ આશ્ચર્ય ન રાખશો. જ્યારે લોહી વહેવા લાગશે ત્યારે તેનો રંગ લાલ જ હશે. તે શ્વેત, અશ્વેત, મુસ્લિમ, ક્રિશ્ચિયન, હિન્દુ, યહુદી અથવા શીખ નહિ હોય. આપણે સ્પષ્ટ થઈ જઈએ કે જ્યારે વૈવિધ્યતાના નામે આપણે બહુમતીને મતાધિકારથી વંચિત રાખીશું ત્યારે આપણા જ વિનાશ માટે હસ્તાક્ષર કરીશું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter