સન 1983 લોર્ડઝ પર વેસ્ટ ઇન્ડિઝ - ઇન્ડિયા વચ્ચે ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ રમાઈ રહી હતી. હું મારી ટેક્સીમાં રેડિયો પર કોમેન્ટ્રી સાંભળી રહ્યો હતો. મારો પેસેન્જર ડાર્લ્સટનથી કિંગ્સક્રોસ જતો હતો. મેચ ખરેખર બહુ જ રોમાંચક બની હતી અને ઇન્ડિયા જીતતું હતું. પેસેન્જરે મને ટેક્સી એક હાઇસ્ટ્રીટની વીડિયોની દુકાન પાસે ઊભી રાખવાનું કહ્યું. મેં ટેક્સી ઊભી રાખી અને એન્જીન ચાલુ જ હતું. તે દસેક મિનિટ પછી પાછો આવ્યો અને દરવાજો બંધ કર્યો. મેં માન્યું કે તે ટેક્સીમાં બેસી ગયો છે. એટલે મેં ટેક્સી ભગાવી મૂકી.
લગભગ 15 મિનિટ પછી મારી ઓફિસમાંથી કંટ્રોલરે રેડિયો પર પૂછ્યું કે પારેખ ક્યાં છો? મેં જવાબ આપ્યો કે હું મેલબોર્ન ફ્લાયઓવર ઉપર છું. અને મિ. ગ્રીનને લઈ કિંગ્સક્રોસ જઇ રહ્યો છું. તેણે પૂછ્યું કે મિ. ગ્રીન તારી ગાડીમાં છે? તું ચેક કર. મેં મિરરમાં પાછલી સીટ પર જોયું તો મિ. ગ્રીન ન હતા. મેં જણાવ્યું કે ના, મિ. ગ્રીન તો ત્યાં નથી ત્યારે કંટ્રોલરે ગુસ્સાથી જણાવ્યું કે તું મિ. ગ્રીનને ટાઈસ્ટ્રીટ પર છોડીને તેના વગર જ આગળ જતો રહ્યો છો. છેક ત્યારે મને ખબર પડી કે હું ક્રિકેટની કોમેન્ટ્રી સાંભળવામાં એટલો બધો તલ્લીન હતો કે ખબર જ ના પડી પેસેન્જર રહી ગયા છે અને હું એમને એમ જ ટેક્સી દોડાવી રહ્યો છું. છેવટે હું ફરી પાછો હાઈસ્ટ્રીટ પર આવ્યો. મિ. ગ્રીન મારા પર બહુ જ ગુસ્સે હતા, પરંતુ માફી માંગતા તેઓ માની ગયા અને પાંચેક મિનિટ પછી ઇન્ડિયા વર્લ્ડ કપ જીતી ગયું એ ખુશીમાં મિ. ગ્રીને મને અભિનંદન પણ આપ્યા.
એ જમાનામાં ક્રિકેટની કોમેન્ટરી રેડિયો પર સાંભળવામાં જે મજા હતી તે આજે ટીવી પર લાઇવ મેચ જોવામાં મજા નથી. જૂનું એટલું સોનું એ કહેવત સાચી જ છે.