1892ના બરાબર આ દિવસોએ એક ઐતિહાસિક ઘટનાને આકાર આપ્યો હતો, અને તે પણ સૌરાષ્ટ્રના જેતલસર જેવા નાનકડા ગામમાં.
હમણાં સ્વામી વિવેકનંદની ગુજરાત યાત્રા( જે દેશભરમાં સૌથી વધુ દિવસોની હતી, દિવસો જ નહિ, નિર્ણાયક પડાવો માટે પણ. ) પર લખેલી દસ્તાવેજી નવકથા “ ઉત્ત્તિષ્ઠત, ગુજરાત!” ના હિન્દી અનુવાદના પ્રકાશન નિમિત્તે તપાસી રહ્યો હતો. મઝાની વાત એ છે કે કચ્છી ભાષામાં (ભલે પંડિતો તેને બોલીના પિંજરમાં બંધ રાખે, તે બોલી નથી, સમૃદ્ધ ભાષા પણ છે.) પણ એક કચ્છી ભાષાના આકંઠ જાણકાર મિત્ર આ ન્વલકથાનો કચ્છીમાં અનુવાદ કરી રહ્યા છે. જન્મભૂમિ પત્રોને માટે ગૌરવ થાય એવી વાત છે કે ગુજરાતીમાં તે આ અખબારોમાં ધારાવહી સ્વરૂપે પ્રકાશિત થઈ હતી.
સ્વામીના એક રસપ્રદ પ્રસંગ વિષે આપણે ત્યાં ખાસ લખાયું નથી, તે જેતલસરમા આસિસ્ટન્ટ સ્ટેશન માસ્ટર હરગોવિંદ અજરામર પંડ્યા સાથેની તેમની મુલાકાત. ખ્યાત સાગરકથા લેખક અને પત્રકાર ગુણવંતરાય આચાર્યએ તેમની કૉલમ “ ભર કટોરા રંગ” માં આ પ્રસંગ 50 વર્ષ પૂર્વે લખ્યો હતો , મારા સંશોધનનું એ નિમિત્ત. સ્વામી નિખિલેશ્વરાનંદની પણ એક માહિતી પુસ્તિકા છે. તેમની સાથે વારંવાર ચર્ચા થતી રહે છે. કેવી હતી આ ઘટના? કેમ્પ જેતલસર.
ખોબા જેવડા આ ગામની ખ્યાતિ બે રીતે હતી. એક, કાઠિયાવાડમાં બ્રિટિશ અધિકારીઓએ રિયાસતો પર નજર રાખવા માટે આવનજાવનનું “કેમ્પ”માં બદલાવી નાખ્યું. લોકો માટે ટો એ “કાંપ” બની રહ્યું. મીટર ગેજ રેલવેની પોરબંદર, જુનાગઢ, ભાવનગરની ટ્રેનોનું આ જંકશન.
એક શિયાળુ રાતે ત્યાં શાંતિ હતી. ટ્રેન છેક સવારે આવવાની હતી. એકાદ કુટુંબનો મુખી બીડી પીતો બેઠો હતો અને ઘરવાળી તેમજ બચ્ચાંઑ નીચે ભોંય પર સૂઇ ગયા હતા. એક બેન્ચ પર યુવા સન્યાસી, ભગવા વસ્ત્રો પર શાલ ઓઢી પણ કાતિલ ઠંડી અને પવનના સૂસવાટા, સન્યાસી એક ચટાઈ પાથરીને શરીર લંબાવ્યું ત્યાં આસિસ્ટન્ટ સ્ટેશન માસ્ટર પ્લેટફોર્મ પર તપસ માટે નીકળ્યા. સાથે લાલ ટેન. સાધુને જોયા, પૂછ્યું તો કહે કે પોરબંદર જવું છે. પોરબંદરની ટ્રેન સવારે છેક છ વાગે છે.
આસિસ્ટન્ટ સ્ટેશન માસ્ટરનું નામ હરગોવિંદ અજરામર પંડ્યા. બિલખામાં આવેલા શ્રીમન્ન નથુરામ શર્માના આનંદ આશ્રમમાં સહયોગી. આખું કાઠીયાવાડ હરગોવિંદ દાસને “મહાત્મા” તરીકે ઓળખે. પછીથી ભાવનગરમાં કેળવણીકાર નાનાભાઇ ભટ્ટની “દક્ષિણામૂર્તિ” માં જોડાયા ત્યારે “મોટાભાઇ” તરીકે સૌ ઓળખે.
તેમણે સ્વામીને પોતાના સ્ટાફ ક્વાર્ટરના નિવાસે આમંત્રિત કર્યા. સ્વામી વિવેકાનંદ તરીકેની ઓળખ પણ નહોતી. જુદી જુદી જગ્યાએ નવા નામ મળે. એવું એક વિવિદિશાનંદ નામ હતું. રસપ્રદ વાત એ છે કે સ્વામીને ભોજન કરાવ્યા પછી બંને વાતોએ ચડ્યા. આ સામાન્ય વાતો નહોતી. વેદની, ઉપનિષદની, ધર્મની, ગુલામીની... વિષયો ઉઠતા ગયા અને ચર્ચા છેક સવાર સુધી ચાલી. હરગોવિંદ દાસ કાઠીયાવાડના જાણકાર હતા એટ્લે છેક ઇતિહાસ સુધી લઈ ગયા. લોકોનું જીવન, રજવાડાઓ, રજાઓ, દીવાનો, તહેવારો, તીર્થો. ખમીર અને ખુમારી, વ્યસનો... દ્વારિકાના વીર માણેકોની કહાણી સંભળાવી. કનરા ડુંગર પર ખાંભીઓ છે તે ઘટના કહી. સ્વામીને કાઠીયાવાડનો અંદાજ મળ્યો અને કહ્યું કે આવી વિશેષતા સાથેનો મારો-આપણો દેશ આટલો ગરીબ અને ગુલામ કેમ?
બસ, આ પ્રશ્નનું સંધાન થયું અને કારણો તેમ જ ઉપાયોની ચર્ચા ચાલી. જેવી સમસ્યા એવાજ તેના મૂળ. સ્વામી ઇચ્છતા હતા કે ભારત એક સ્વાભિમાની, મુક્ત અને મહાન બને. ભવિષ્યે તેને માટે સાથી શિષ્યો મળે એવું પણ ધાર્યું હતું. પણ અનુભવો પારાવારના હતા. સોરઠમાં દીવાન તરીકે કડવા અનુભવ કરી ચૂકેલા પંડિત શ્યામજી કૃષ્ણવર્મા તેમને અજમેરમાં હરવિલાસ શારદાની સાથે મળ્યા ત્યારે પણ આમાની ઘણી વાતો થઈ હતી.
એક સંવેદનશીલ વર્ગમાં આની ચિંતા અને ચિંતન શરૂ થયા હતા. બીજી તરફ સ્વયં વિવેકાનંદના ભાઈ ક્રાંતિકારી ચળવળ તરફ વળી ગયા હતા. અંગ્રેજોએ અને ભારતીયો વચ્ચે એક સેતુ બને અને ભવિષ્યે 1857 જેવો વિપ્લવ ના થાય એટલા માટે લોર્ડ ડફરીન અને એલેન ઓકટીવિયન હયુમે ભેગા મળીને કોંગ્રેસની સ્થાપના કરી પણ 1857નો ઉહાપોહ હજુ શાંત થયો નહોતો. પૂર્વોત્તરમાં આદિવાસી પ્રતિરોધ જારી હતો. શ્યામજી કૃષ્ણ વર્મા ગંભીર રીતે વિચારી રહ્યા હતા કે કઈ રીતે ચૈતન્યનો વિસ્તાર કરવો. સ્વામિ દયાનંદ સરસ્વતીનું ભારત ભ્રમણ આવા હેતુનું હતું. લોકમાન્ય તિલકનું મંથન ચાલુ હતું. આવા સંજોગોમાં પોતે માતા શારદાદેવીના આશીર્વાદ સાથે નીકળ્યા હતા. કેટલીક જગ્યાએ સાથી ગુરુબંધુઓ હતા, પછી વિવેકાનંદે એકલા પ્રયાણ કર્યું. રાજસ્થાન થઈને તેઓ ગુજરાતમાં આવ્યા હતા.ખેતડીના રાજવીને મળ્યા. આબુ થઈને અમદાવાદ આવ્યા, ત્યાંથી લીંબડી. અને પછી અનેક સ્થાનો.
એમાનું એક જેતલસર તો સાવ અચાનક નિર્ણાયક બની ગયું. એક અજાણ્યા વિદ્વાન હરગોવિંદ દાસ. અજબની વ્યક્તિ હતા તે. સવારે વાર્તાલાપ પૂરો થયો ત્યારે તેમણે સ્વામીને કહ્યું કે મે કેટલાંક અખબારોમાં વાંચ્યું છે કે શિકાગોમાં એક વિશ્વ ધર્મ પરિષદ થવાની છે. તમે તેમાં ભાગ લો. પશ્ચિમને ભારતનો સાચો ખ્યાલ આપો. એકવાર તેઓ તમારાથી પ્રભાવિત થશે, પછી ભારતના લોકો તમને સન્માન આપશે, સાંભળશે, અનુસરશે. એપછીના વર્ષે તેઓ શિકાગો વિશ્વ ધર્મ પરિષદમાં જવા આગબોટના રસ્તે નીકળ્યા. પણ આનું બીજ વવાયું હતું જેતલસરમા.! ઇતિહાસ ક્યાંથી ક્યાં લઈ જતો હોય છે!