હજી પચાસે પહોંચવામાંય વર્ષો ખૂટે છે એવા વડતાલના સ્વામિનારાયણ મંદિરના કોઠારી સંત વલ્લભદાસ સ્વામી મહાવિદ્વાન, સૂઝવંતા અને વહીવટ નિપુણ છે. ભગવાન સ્વામિનારાયણ જ્યાં વસ્યા તે ગઢડા અથવા ગઢપુરમાં સંતસ્વામી જન્મ્યા. ખેડૂત પિતા જેરામભાઈ રાદડિયા અને માતા લીલાબહેન. બાળપણ સુરત વીત્યું. પ્રાથમિક અભ્યાસ પણ સુરતમાં. નાનપણથી ભક્તિના સંસ્કાર અને સંતોના સહેવાસે ભદ્રેશમાંથી દીક્ષા પછી બનેલા સંત ડો. વલ્લભદાસ ગજબની વહીવટીશક્તિ, સાધુતા, જ્ઞાન અને નમ્રતાથી વડીલ સંતોના કૃપાપાત્ર છે.
સંપૂર્ણાનંદ સંસ્કૃત યુનિવર્સિટીમાંથી તેઓ બી.એ. અને વડોદરા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાંથી 2009માં ડોક્ટરેટની પદવી પામ્યા છે. આચાર અને જ્ઞાનનો સુપરે સમન્વય ધરાવતા સંતસ્વામીના ગુરુ ઘનશ્યામપ્રકાશદાસજી સ્વામી છે. 1990માં તેમણે આચાર્ય મહારાજ પાસે વડતાલમાં દીક્ષા લીધી. સાધુસંતોને સમગ્ર વિશ્વ એમનું ઘર લાગે પણ જ્યાં દીક્ષા તે સ્થળને જન્મભૂમિ માને અને દીક્ષા ગુરુને પિતા માને. આ રીતે વડતાલ એમનું જન્મસ્થળ અને ગુરુ એમના જ્ઞાનદાતા પિતા કહેવાય. કંડારી ગુરુકુળમાં રહીને, ત્યાં ગુરુકુળમાં પ્રાચીન ઋષિ પરંપરાના ઋષિ શા મૂળે વૃંદાવનના પંડિતજી વ્રજપાલ પાસે તેઓ સંસ્કૃત ભણ્યા. ત્યારે પરીક્ષા માટે વૃંદાવન જવું પડતું.
અભ્યાસ દરમિયાન પંડિતજી કહે ત્યારે ઉઠવાનું-સૂવાનું. પૂજા શરૂ કરવાનો કે પૂરી કરવાનો સમય પણ તે જ નક્કી કરે. વહેલી સવારે ઉઠ્યા હોય, પૂજામાં બેઠામાં હોય અને ઝોકું આવે તો પંડિતજી પૂજા લઈ લે. પૂજા પૂરી ના થાય તો અન્નજળ ના લેવાય. આમ જબરી શિક્ષા વેઠવી પડે. ગુરુ ઘનશ્યામપ્રકાશદાસજી અને પંડિત વ્રજપાલજી બંને કડક, બંને શિસ્તપ્રિય. દીક્ષા પછી વિદ્યાર્થીઓનાં મા-બાપ ગુરુ જ. આવી કડક તાલીમમાં સંત વલ્લભદાસ સ્વામી ઘડાયા.
2012માં વિદ્યા પૂરી કરીને તેઓ વડતાલ આવ્યા. વડતાલમાં તેમને વહીવટ સંચાલનમાં સેવા મળી. આ સેવામાં વિદ્યાર્થી અવસ્થામાં જ સેવા અને સત્સંગથી ઘડાયેલા. તેઓ આચાર્યશ્રી, ટ્રસ્ટીઓ અને સત્સંગીઓની ચાહના પામ્યા.
2015માં તેમને વડતાલ મંદિરના મદદનીશ મુખ્ય કોઠારી બનાવ્યા પછી 2015માં તેમને મુખ્ય કોઠારી બનાવ્યા. કોઠારી એટલે સાદી ભાષામાં વડતાલ ગાદીના નાણાં પ્રધાન. ગાદીના તાબાનાં જ્યાં જ્યાં મંદિરો હોય તેના કોઠારી સંત વલ્લભદાસ સ્વામીની સલાહ લઈને ત્યાંનો વહીવટ ચલાવે છે. સંત વલ્લભદાસ સ્વામી પોતે આચાર અને વિચારનો સુમેળ અને અદ્ભૂત વહીવટી સૂઝબુઝ તથા ભક્તો અને વડીલ સંતોના માનીતા છે. તેઓ માને છે - પૈસાનો સંઘરો એ અનર્થ પ્રેરે છે. સત્સંગીઓના પૈસા સત્સંગ અને સમાજ કલ્યાણ માટે જ વપરાવા જોઈએ. બહુજન હિતાય, બહુજન સુખાય પ્રવૃત્તિ ચલાવવી જોઈએ. શિક્ષાપત્રીના મુદ્રાલેખને ખ્યાલમાં રાખીને તે નવી નવી પ્રવૃત્તિઓ યોજે છે. જૂની પ્રવૃત્તિઓ ચાલુ રાખીને બધી પ્રવૃત્તિઓને સુપેરે ચલાવે છે.
(1) મંદિર સંસ્કૃત પાઠશાળા ચલાવે છે. તેમાં જોડાનાર વિદ્યાર્થીઓને મંદિર ભોજન, ભણતર, નિવાસ, વસ્ત્રો અને શિક્ષણ બધું વિનામૂલ્યે પૂરું પાડે છે. આમાં તાલીમ પામનારા પૂજારી તરીકે દેશ-પરદેશનાં મંદિરોમાં નોકરી મેળવી શકે છે અથવા સ્વતંત્ર રહીને કથાવાર્તા, પૂજાપાઠ કરીને પોતાનો નિર્વાહ કરી શકે છે.
(2) મંદિર પાસે વડતાલમાં ધર્મશાળા હતી. જેમાં યાત્રીઓ રહેતા અને ભોજન પામતા છતાં યાત્રીઓની સવલતો સચવાય અને આવવાનું-રહેવાનું મન થાય તેવા અને આધુનિક શૌચાલય, એરકંડીશન, પંખા, ગરમ પાણીની સગવડ બધા સાથેના 650 રૂમો કર્યાં. મંદિરે નફો રળવાની વૃત્તિ રાખી નથી. આ બધી સવલતોના નિભાવ ખર્ચ જેટલું જ ભાડું લેવાય છે.
(3) મંદિરે રવિસભાનો આરંભ કર્યો. આનો હેતુ સત્સંગીઓ માત્ર ઘડપણમાં ગોવિંદગુણ ગાશું એવી માન્યતા બદલીને યુવાનીમાં સ્વામિનારાયણ આચાર-વિચાર શીખે અને અમલી બનાવે તે છે. રવિ સભામાં આવનારની સંખ્યા ત્રણેક હજાર જેટલી છે. આ રવિસભાના યુવકો જ સંસ્થાની શાખ વધારવામાં કારણભૂત બન્યા છે.
(4) કોરોનાની કારમી મહામારી વખતે ડોક્ટરોય દર્દીનો સંપર્ક ટાળવા ઈચ્છતા હતા. ત્યારે કોરોનાગ્રસ્ત દર્દીઓને એકલવાસ કરવો પડતો. પતિ-પત્ની અને સંતાનોને અલગ રહેવાનું થાય ત્યારે શાકભાજી, અનાજ, મસાલા લેવા જનાર કોઈ ના હોય. દુકાનો અને ભોજનાલયો બંધ હતાં, ત્યારે કોરોનાગ્રસ્તોની વહારે જવા સંત સ્વામીના આયોજનથી સેંકડો યુવકો તૈયાર થયા. વડતાલની આસપાસના પચાસ કિલોમીટર વિસ્તારમાં આવેલા કોરોનાગ્રસ્તો માટે આ બધા સમય દરમિયાન થઈને કુલ અઢી લાખ ભોજન ઘરે બેઠાં પહોંચાડ્યાં. નક્કી કરેલા નંબર પર ફોન કરનારને રોજ બપોરે-સાંજે વિનામૂલ્યે એમને ઘરે બેઠાં ટિફિન પહોંચાડતા. સંત સ્વામીએ બીજી સેવા પણ યોજી હતી. રાત્રે અગિયારથી સવારના ત્રણ સુધીમાં રસ્તા પર સૂનારાને ધાબળા વિતરણ કરતાં તો દિવસે ટિફિન સેવા.
(5) કોરોના દરમિયાન મંદિરમાં દર્શન કરનારની સંખ્યા જૂજ હતી. મંદિરની આવક લગભગ બંધ હતી, તો પણ મંદિરમાં પગારદાર સેવકોમાંથી કોઈને છૂટા કર્યા ન હતા. વધારામાં મંદિર તરફથી ઉનાળામાં ગરીબોને નિઃશુલ્ક પગરખાં વિતરણની સેવા સ્વામીજીએ ચાલુ કરાવી. તેમાં દિવસે 11થી 3માં તાપના સમયે પગરખાં અપાતાં.
(6) મંદિરનું મોટું, અનન્ય અને નમૂનેદાર કામ છે નિઃશુલ્ક હોસ્પિટલનું. બધા જ પ્રકારની સારવાર અને ઉપચાર કરતી મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ એ મંદિરનું નવું સાહસ છે. તેમાં બધાં જ દર્દીને લગતા ડોકટર હોય છે. એલોપથી, હોમિયોપેથી અને આયુર્વેદિક એમ ત્રણે સેવાઓ ઉપલબ્ધ છે. અહીંની સેવા બદલ પૈસા લેવાનું કોઈ કલેક્શન કેન્દ્ર જ નથી. નાત-જાતના કે ધર્મના ભેદભાવ વિના આવનાર સૌ દર્દીને વિના પૈસે સેવા અપાય છે. કિડની ટ્રાન્સપ્લાન્ટ, ઘૂંટણના સાંધા બદલવાના, મોતિયાના ઓપરેશન કે અન્ય... બધું વિના પૈસે થાય છે. વધારામાં દર્દીને ઉપચાર દરમિયાન રહેવાની અને તેના એકાદ સગાંને પણ રહેવા-જમવાની સગવડ વિનામૂલ્યે આપે છે. હોસ્પિટલમાં રોજ 15થી 20 સર્જરી થાય છે. 150થી 200 અન્ય દર્દીઓ આવે છે. કોરોના દરમિયાન પણ મંદિરે કોઈ ડોક્ટર કે કર્મચારીઓને છૂટાં કર્યા ન હતાં.
આવી હોસ્પિટલ અનિશ્ચિત આવકથી ન ચલાવી શકાય. આથી દાતાઓના દાનની રકમનું અલગ કોર્પસ ફંડ કર્યું. જેના વ્યાજની રકમ ફકત હોસ્પિટલમાં જ વપરાય. અહીંના ડોક્ટરોને મોટા નગરોમાં અપાય તેવો પગાર આપે છે, જેથી ડોક્ટરો નાના ગામમાં રહી શકે.
આ ઉપરાંત ચાલુ વર્ષોથી વલ્લભ વિદ્યાનગરમાં દેશમાં ભાગ્યે હોય તેવું છાત્રાલય કર્યું છે. જેમાં સંસ્થાના નિયમોનું પાલન કરનાર વિદ્યાર્થીઓને નાત-જાતના ભેદભાવ સિવાય રખાય છે. છાત્રાલયમાં રહેનાર પાસે લાઈટ, પાણી કે રૂમ ભાડું લેવાતું નથી કે નથી ભોજન શુલ્ક લેવાતું. ભોજન પણ સ્વચ્છ, સ્વાદિષ્ટ, આરોગ્યપ્રદ. આ છાત્રાલયની 1000 વિદ્યાર્થીઓને રાખવાની ક્ષમતા છે. આટલી મોટી સંખ્યાના વિદ્યાર્થીઓને કોઈ પણ ખર્ચ લીધા વિના રાખવાની હિંમત અને વિચાર જ દાદ માંગી લે છે. છાત્રાલયનું સંપૂર્ણ સંચાલન નિત્યસ્વરૂપ સ્વામી સંભાળે છે.
આ તમામ સેવાઓ ઈષ્ટદેવમાં શ્રદ્ધા, આચાર્ય મહારાજ અને વડીલ સંતો-સત્સંગીઓ અને દાતાઓના સહયોગથી જ શક્ય છે એવી દૃઢ માન્યતા ધરાવનારા યુવા સંત, કોઠારી સંત વલ્લભ સ્વામીજીએ આ છાત્રાલય દ્વારા નવી કેડી કંડારી છે. બીજી સંસ્થાઓને પણ પ્રેરક બન્યા છે તેવી નવી-નવી કેડીઓ કંડારશે એવી આશા.
વડતાલ ગાદીનો વૈશ્વિક વ્યાપઃ 186 શિખરબંધ મંદિર,
1261 સંતો, 134 ગુરુકુળ અને 1340 હરિમંદિર
સ્વામિનારાયણ સંપ્રદાયની વડતાલ ગાદી દેશવિદેશમાં સંતો, ભક્તો અને મંદિરોનો મોટો પથારો ધરાવે છે. વડતાલ મંદિરના કોઠારી છે ડો. સંતવલ્લભ સ્વામી. વડતાલ ગાદી હેઠળના સ્વામિનારાયણ સંપ્રદાયમાં હાલ 1261 સંતો, 608 પાર્ષદો, 186 શિખરબંધ મંદિર, 134 ગુરુકુળ, 1340 હરિમંદિર છે. 10 હોસ્પિટલ, 5000 ગાય અને ગુરુકૂળોમાં અને છાત્રાલયોમાં રહેતા ત્રણ લાખ વિદ્યાર્થી છે. ભારત બહાર કુલ 48 મંદિર છે. સમગ્ર સંપ્રદાયની અર્થધૂરા અને વહીવટીમાં ડો. સ્વામી તપ, જ્ઞાન, સૂઝ અને વર્તાવથી મહત્ત્વનું સ્થાન ધરાવે છે.