આ સપ્તાહે ‘આદિલ’ મન્સૂરી
(• જન્મઃ 18-05-1936 • નિધનઃ 06-11-2008)
મૂળ નામ ફરીદમહમદ ગુલામનબી મન્સૂરી. ગુજરાતી ગઝલને પરંપરામાંથી છોડાવવાનો પ્રથમ યશ કોઈને પણ આપવો હોય તો તે આદિલ મન્સૂરીને મળે. અમદાવાદ છોડ્યા બાદ અમેરિકામાં વસ્યા હતા. સતત લખતા રહેતા. પરદેશમાં રહેતા ગુજરાતીઓને મુશાયરાઓ દ્વારા કવિતા તરફ વાળતા હતા. ‘મળે ન મળે’ એમનો કાવ્યસંચય.
•
જ્યારે પ્રણયની જગમાં...
જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે;
ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે.
પહેલાં પવનમાં ક્યારે હતી આટલી મહેક,
રસ્તામાં તારી સાથે મુલાકાત થઈ હશે.
ઘૂંઘટ ખૂલ્યો હશે અને ઊઘડી હશે સવાર,
જુલ્ફો ઢળી હશે ને પછી રાત થઈ હશે.
ઊતરી ગયા છે ફૂલના ચહેરા વસંતમાં,
તારાં જ રૂપરંગ વિશે વાત થઈ હશે.
‘આદિલ’ને તે દિવસથી મળ્યું દર્દ દોસ્તો,
દુનિયાની જે દિવસથી શરૂઆત થઈ હશે.
•••