લંડનઃ પેરિસ ઓલિમ્પિક્સ 2024માં ગુજરાતી પરિવારના કેયલ કોઠારી (જન્મ 26 જાન્યુઆરી, 1998)એ ટીમ ગ્રેટબ્રિટનના વિશિષ્ટ સભ્ય તરીકે કાઠું કાઢ્યું છે. કેયલે માત્ર 3 વર્ષની નાની વયે જિમ્નાસ્ટ કરીકે સ્પોર્ટ્સની કારકિર્દીનો આરંભ કર્યો હતો. તેની એથ્લેટિક ઊર્જાને યોગ્ય માર્ગે વાળવા માટે લંડનના કોઠારી પરિવારે કેયલને હેરો જિમ્નાસ્ટિક્સમાં મૂક્યો હતો જેથી તેને યોગ્ય વાતાવરણ મળી રહે. તે 11 વર્ષનો થયો ત્યાં સુધીમાં તો તેણે રાષ્ટ્રીય કક્ષાએ પ્રથમ પાંચ ક્રમમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું હતું અને તેણે ઓલિમ્પિકમાં જિમ્નાસ્ટિક્સનું સ્વપ્ન સેવવાં માંડ્યું હતું.
જોકે, આ સ્વપ્ન સાકાર કરવામાં અનેક વિઘ્નો આવ્યા જેમાંથી પહેલું વિઘ્ન તો રિજિયોનલ ચેમ્પિયનશિપમાં કાંડાની ગંભીર ઈજાનું હતું. જોકે, આ વિઘ્ન તેને ડાઈવિંગ તરફ આગેકદમમાં પ્રોત્સાહક બની રહેશે તેની તેને જાણ ન હતી. તેણે રિહેબિલિટેશન દરમિયાન થોડા ખચકાટ સાથે ક્રિસ્ટલ પેલેસ ડાઈવિંગ ક્લબ તરફથી આવેલા પ્રતિભા પરીક્ષણ આમંત્રણને સ્વીકારી લીધું.
તરાશ્યા વિનાના હીરાને શોધવા હજારો બાળકોની પરીક્ષા લેવાઈ હતી. કેયલની જિમ્નાસ્ટિક્સની અદ્ભૂત પ્રતિભાએ તેને અન્ય કોઈ પણ કરતાં ઊંચેરો સાબિત કર્યો હતો. આગામી મહિનાઓમાં તેના પેરન્ટ્સે તેને તબક્કાવાર જિમ્નાસ્ટિક્સથી દૂર લઈ જઈ ડાઈવિંગ માટે સજ્જ બનાવ્યો. કેયલ તો નેશનલ સ્કિલ્સ અને નેશનલ એજ ગ્રૂપ્સમાં વિજ્ય હાંસલ કરી ઝડપથી એલીટ ગ્રૂપમાં અને અભૂતપૂર્વ ઓછાં સમયમાં આખરે જુનિયર એલીટ્સમાં પહોંચી ગયો. તેજસ્વી તારલાની જેમ ઊંચાઈએ પહોંચવાથી ઈટાલીમાં જુનિયર ચેમ્પિયનશિપ માટે ક્વોલિફાય થયો અને તેમાં અણધાર્યો વિજય પણ હાંસલ કર્યો. આના પરિણામે તે રશિયામાં વર્લ્ડ જુનિયર્સ માટે ક્વોલિફાય થયો અને ફરી એક વખત ડાર્ક હોર્સ બનેલા કેયલે મેડલ હાંસલ કર્યો અને તેની ઉપર માત્ર ચાઈનીઝ ખેલાડી રહ્યા હતા.
તેના આ થકવી નાખનારા સમયપત્રક છતાં, તેને ડો. ચાલોનેર્સ ગ્રામર સ્કૂલમાં ઉદાહરણીય રિઝલ્ટ જાળવી રાખવામાં જરા પણ વાંધો આવ્યો નહિ અને દરરોજ ટ્રેનિંગ માટે આમેર્શામથી ક્રિસ્ટલ પેલેસ 4 કલાકની ટ્રેનની અવરજવર સાથે સરેરાશ માત્ર બે કલાક શાળામાં હાજરી આપી શકતો હતો.
ફરી એક વખત ઈજાઓનું વિઘ્ન નડ્યું....
કેયલ 16 વર્ષની વયે પહોંચ્યો ત્યારે તેની શક્તિ અને પરિશ્રમ ટોચ પર હતાં અને તે ભાવિ ડાઈવિંગ સેન્સેશન બની રહેશે તેવી આગાહી કરાતી હતી. કમનસીબી એ રહી કે તે આ સ્પોર્ટમાં મોડેથી દાખલ થયો હતો અને અવિરત ટ્રેનિંગના કલાકો તેમજ મુશ્કેલ ડાઈવમાં મહારત મેળવવા જે ઝડપ કરવામાં આવી તેની અસર આખરે તેના શરીર પર થવા લાગી હતી. તેને ગરદનના હિસ્સામાં ચેતાતંત્રની ગંભીર ઈજા થઈ જેના કારણે તે પોતાનો હાથ હલાવી શકતો ન હતો. મહિનાઓ પછી ધીરે ધીરે સાજા થઈ બહાર આવવા છતાં, ઈજા તેને પરેશાન કરતી રહી હતી. કેયલના પેરન્ટ્સે જોખમી નિર્ણય લઈ તેના ચેતાતંત્ર મારફત હાથને સંદેશાઓ પુનઃ પહોંચી શકે તેવી આધુનિક સર્જરી કરાવી હતી. આના પરિણામે, તે 2016ની રીઓ ગેઈમ્સમાં ભાગ લઈ શકે તેની શક્યતા વધી ગઈ. કેયલ કદી સમય વેડફે તેવો ખેલાડી નથી. તેણે આ સમયનો ઉપયોગ અભૂતપૂર્વ ‘A’ લેવલનું પરિણામ હાંસલ કરવામાં તેમજ લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ (LSE)માં ઈકોનોમિક્સ સાથે જ્યોગ્રાફ્રીના અભ્યાસ માટે સ્થાન નિશ્ચિત કરવામાં કર્યો હતો. તેણે આગામી બે વર્ષમાં ફરી એક વખત ડાઈવિંગ કારકિર્દીનું પુનર્નિર્માણ કર્યું અને અગાઈની ઈજાઓ સાથે ડાઈવિંગ લિસ્ટમાં થોડાં નિયંત્રણ સાથે બ્રિટિશ ટાઈટલ્સ તથા વર્લ્ડ ગ્રાન્ડ પ્રિક્સ સર્કિટમાં મેડલ હાંસલ કર્યા.
કેલ્ગારીમાં વર્લ્ડ ગ્રાન્ડ પ્રિક્સ ઈવેન્ટની ફાઈનલમાં ગંભીર દુર્ઘટના ઘટી જ્યારે 4 1/2 સમરસોલ્ટ ડાઈવની છલાંગ મારતી વેળાએ તેના ડાબા પગની એડીની સ્નાયુજાળ (achilles) ફાટી ગઈ. અત્યાધુનિક ટેક્નિક્સ સાથેની સ્પેશિયાલિસ્ટ સર્જરીએ જ તેની સ્પોર્ટિંગ કારકિર્દીને પુનઃ આગળ વધારવાની પાતળી સંભાવના ઉભી કરી હતી. જોકે, તેની રિહેબિલિટેશન કામગીરી ઘણી સારી રહી અને 12 મહિના પછી તે ડાઈવિંગમાં ટોકિયો 2020ના લક્ષ્ય સાથે પાછો ફર્યો. કોવિડ મહામારીએ તેની યોજનાને સંપૂર્ણપણે ખતમ કરી નાખી કારણકે અગાઉના વર્ષની નેશનલ્સના આધારે ટોકિયો ટીમની પસંદગી કરવામાં આવી હતી. પરિસ્થિતિ વધુ ખરાબ થઈ જ્યારે ટ્રેનિંગ દરમિયાન તેના જમણા પગની સ્નાયુજાળ પણ સંપૂર્ણ ફાટી ગઈ હતી. આ લગભગ છેલ્લો ફટકો હતો, તેનું હૃદય ભાંગી પડ્યું હતું અને તેણે આ રમત જ છોડી દેવાની ગંભીરપણે વિચારણા કરવા માંડી. તેના માટે સારું નસીબ એ રહ્યું કે તેને જેપી મોર્ગન સાથે છ મહિનાની ઈન્ટર્નશિપ મળી અને વધુ એક ઓપરેશન પછી તેણે છેલ્લી વખત વધુ એક વર્ષ રિહેબિલિટેશન માટે આગળ વધવાનો નિર્ણય કર્યો. મહિના પછી મહિના વીતવા સાથે તેના માટે તકની બારી બંધ થઈ રહી હતી.
પેરિસ ઓલિમ્પિકઃ અત્યારે નહિ તો કદી નહિ....
ટોકિયો ઓલિમ્પિક્સની દુર્ઘટનામાંથી કેયલ બહાર આવ્યો ન હતો ત્યાંજ તેણે એક કરૂણ ઘટનામાં તેના મિત્ર અને યુવાન કોચ ડેવિડ જેન્કિન્સને ગુમાવ્યો. આનાથી કેયલ પર અને સમગ્ર ટીમ પર ખરાબ અસર પડી અને તેમણે ફરીથી એકત્ર થઈ કોઈ પણ રીતે આગળ વધવાનું હતું. કેયલે ફરી એક વખત અવરોધોનો સામનો કર્યો અને નવા કોચ એલેક્સ રોચાસ સાથે આગેકૂચ શરૂ કરી. તેણે નિશ્ચય કર્યો કે પેરિસ 2024 માટે ફરી એક વખત પ્રયત્ન કરીશ, તેણે લગભગ આખું જીવન વીતાવી દીધું હતું અને હવે અત્યારે નહિ તો કદી નહિ જેવી પરિસ્થિતિ હતી. તેણે પોતાનું લેવલ ફરી બનાવ્યું અને કોમનવેલ્થ ગેમ્સ માટે મિક્સ્ડ સિન્ક્રો અને સિન્ક્રો, બંને ઈવેન્ટ્સ માટે તેની પસંદગી કરાઈ હતી જેમાં તેણે સિલ્વર મેડલ અને ચોથું સ્થાન હાંસલ કર્યા હતા. હવે તે B ટીમનો હિસ્સો હતો અને આ બંને ઈવેન્ટ્સ માટે યુરોપિયન ચેમ્પિયનશિપ્સમાં તેને સ્થાન મળ્યું હતું. આ ઘટના તેના માટે ઉદ્દીપક બની રહી કારણકે બંને ઈવેન્ટ્સમાં તેણે ગોલ્ડ મેડલ હાંસલ કર્યા હતા.
કેયલે નવા જોશ અને ઉત્સાહ સાથે સખત તાલીમ લીધી અને બ્રિટિશ નેશનલ્સમાં વિજય મેળવ્યો જેના થકી તેને ટોકિયો વર્લ્ડ ચેમ્પિયનશિપ્સમાં A ટીમમાં સ્થાન મળ્યું હતું. આ સ્પર્ધામાં તેણે પાંચમો ક્રમ મેળવ્યો જેના પરિણામે પેરિસ ગેમ્સમાં ટીમ GB માં ટીમ ક્વોટા સ્પોટ તેમજ વર્લ્ડ કપ સર્કિટમાં સ્થાન મળ્યું. પેરિસ ગેમ્સ અગાઉ દોહા વર્લ્ડ ચેમ્પિયનશિપ્સમાં 6ઠ્ઠો ક્રમ અને વર્લ્ડ કપ સીરિઝમાં 4થો ક્રમ મેળવવા સાથે સિદ્ધ થઈ ગયું કે તેનું સ્થાન ખરેખર જ્યાં છે તે પ્લેટફોર્મ પર તે આવી પહોંચ્યો છે. હવે માત્ર એક અવરોધ બાકી રહ્યો હતો જેમાં તેણે ઓલિમ્પિક ટ્રાયલ્સ માટે ઉપયોગમાં લેવાતી બ્રિટિશ નેશનલ્સમાં પ્રથમ બે ક્રમાંકમાં આવવાનું હતું. તેની સમગ્ર ડાઈવિંગ યાત્રા માત્ર એક સ્પર્ધા પર ટકેલી હતી અને તેની અસર દેખાઈ આવી. આ સ્પર્ધા પહેલાનો સમય ભારે તણાવપૂર્ણ રહ્યો અને ફાઈનલમાં તે બરાબર ડાઈવ મારી શક્યો નહિ પરંતુ, તેણે માનસિક સંતુલન જાળવી રાખ્યું અને ફાઈનલ ડાઈવમાં છેક ઊંડે સુધી ડૂબકી લગાવી અને એટલું સારી રીતે પરફોર્મ કર્યું કે તેનાથી તેને દ્વિતીય સ્થાન મળી ગયું.
કેલે કોઠારીએ આખરે પેરિસ ઓલિમ્પિક્સ 2024માં પોતાનું સ્થાન હાંસલ કરી લીધું હતું.
પેરિસ ઓલિમ્પિક્સમાં કેયલને નિહાળો
મેન્સ ઈન્ડિવિડ્યુઅલ 10 મીટર પ્લેટફોર્મ
પ્રીલિમનરી શુક્રવાર 9 ઓગસ્ટ 9am
સેમી ફાઈનલ્સ શનિવાર, 10 ઓગસ્ટ
ફાઈનલ્સ શનિવાર, 10 ઓગસ્ટ 2pm
સંપૂર્ણ ટીવી કવરેજ – Discovery Plus
ફાઈનલ્સ ટીવી કવરેજ – Eurosport અને BBC
અને BBC Iplayer