હવે બધું થાળે પડી રહ્યું છે અને નવી લેબર સરકાર પણ સત્તા પર આવી ગઈ છે ત્યારે આપણે વિચારી શકીએ કે ટોરીઝ શા માટે માર ખાઈ ગયા? શું ગ્રાન્ડ ઓલ્ડ પાર્ટી મૃતઃપ્રાય બની ગઈ છે? શું કોઈ એવો ટોરી નેતા આગળ આવશે જે માત્ર પાર્ટીને જ એકજૂટ કરવા માટે જ નહિ, 2029ના સમરાંગણમાં ઉતરવા માટે નવેસરથી આગળ વધવા એકલક્ષી અને એકસંપ પાર્ટી તરીકે ઉતરવા માટેના પાયા મજબૂત બનાવવા સજ્જ કરે?
હું રાબેતા મુજબ એનેસ્થેટિક્સના ઉપયોગ વિના અને બુઠ્ઠી ધાર સાથેના સાધનો સાથે ટોરીઝ પર ઓપન હાર્ટ સર્જરીની કામગીરી શરૂ કરું તે પહેલાં તમે શેની અપેક્ષા રાખી શકો તે જાણવા માટે ટાઈમલાઈન પણ આપીશ.
ટોરી લીડરશિપ માટેના નોમિનેશન્સ 29 જુલાઈએ બંધ થઈ ગયાં છે. હવે મેદાનમાં રહેલા ઉમેદવારો કેમી બેડનોક, ડેમ પ્રીતિ પટેલ, મેલ સ્ટ્રાઈડ, રોબર્ટ જેનરિક, ટોમ ટુગેન્ધાટ અને જેમ્સ ક્લેવર્લી છે. પૂર્વ હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમાન ચૂંટણી લડી રહ્યાં નથી. મારું માનવું છે કે તેમણે વિચાર તો કર્યો હતો પરંતુ, તેમને નોમિનેટ કરવા માટે ટોરી સાંસદોની પૂરતી સંખ્યા મેળવી શક્યાં ન હતાં.
ટોરીઝ સપ્ટેમ્બર સુધીમાં ચાર ઉમેદવારની પસંદગી કરી લેશે. જોકે, મારી માનવું છે કે તેઓ માત્ર બે ઉમેદવારને પસંદ કરી લેવાની કાર્યવાહી પૂર્ણ કરે તો સારું ગણાશે. આનો લાભ એ મળશે કે મોટા પ્રમાણમાં આંતરિક કલહ કે અસંતોષ બહાર ન આવે અને વાત વધી જઈને નવા જૂથો ઉભાં ન થાય. જૂથો હંમેશાં આંતરિક જૂથવાદનો સંઘર્ષ ઉભા કરતા રહે છે જે કોઈ પણ નવો આવનાર નેતા ઈચ્છે નહિ. આથી 1922 કમિટી અને ટોરી પાર્લામેન્ટરી પાર્ટીને મારી સીધી-સાદી સલાહ છે કે તમે હવે કેવું વર્તન કરો છો, તમે રાષ્ટ્રીય મિજાજને કેવી રીતે પરખો છે અને રાષ્ટ્રીય હિતમાં હોય તેવા નિર્ણયો કેવી રીતે લો છો તે વિશેષ મહત્ત્વનું છે. ઈલેક્શન્સમાં પાર્ટીએ જે જોરદાર ધોબીપછાડ ખાધી છે તેને ધ્યાનમાં રાખતા મોટા અહંકારીઓની રમતોને બાજુએ રાખી દેવાની જરૂર છે.
કન્ઝર્વેટિવ પાર્ટીની કોન્ફરન્સનો આરંભ 29 સપ્ટેમ્બરથી થશે અને આ દિવસોમાં પસંદગી પામેલા ઉમેદવારોને તેમનો કેસ પાર્ટી અને દેશ સમક્ષ રજૂ કરવાની તક સાંપડશે. આ સમયે આખરી બે ઉમેદવારની પસંદગી કરાશે. આ પછી, સભ્યો માટે ઓનલાઈન બેલટ ખુલ્લા મૂકાશે અને જે સભ્યો મત આપવાને લાયક હશે તેઓ પોતાની પસંદગીના ઉમેદવાર માટે 31 ઓએક્ટોબર સુધીનો સમય મેળવશે. આખરે, 2 નવેમ્બરે નવા નેતાની જાહેરાત કરાશે.
તો હવે, કેમી બેડનોક, ડેમ પ્રીતિ પટેલ, મેલ સ્ટ્રાઈડ, રોબર્ટ જેનરિક, ટોમ ટુગેન્ધાટ અને જેમ્સ ક્લેવર્લીમાંથી અંતિમ બે ઉમેદવાર કોણ હશે? કોઈ એક વ્યક્તિ છે જે નેતાગીરીના સંભવિત ફ્રન્ટ રનર તરીકે ઉભરી આવી હોય? જનતામાં કોણ વધુ ફેવરિટ છે અથવા નથી તે જણાવતા ઘણાં પોલ્સ તમને જોવા અને જાણવા મળશે. અત્યારે એમ જણાય છે કે અન્યોની સરખામણીએ ટોમ ટુગેન્ધાટને લોકો વધુ પસંદ કરે છે. જોકે, આવા પોલ્સથી દોરવાઈ જવાની જરૂર નથી. આ બધી બાબતો મતદાતાઓ ખરેખર શું વિચારે છે તે ભાગ્યે જ જણાવે છે. આનાથી વધુ મહત્ત્વનું તો એ છે કે તેઓ તદ્દન અરાજક પરિસ્થિતિમાં ફસાઈ ગયેલી પાર્ટી માટે ખરેખર કોણ સારો નેતા બની રહેશે તે ભાગ્યે જ જણાવી શકે છે.
ટોરીઝે સાદો નિયમ સમજવાની જરૂર છે કે તેમની પાર્ટીએ સેન્ટર-રાઈટ રહેવાનું છે. વોક-નવજાગૃતિમાં રાચવાની મૂર્ખતા તદ્દન ગાંડપણ છે. બ્રેક્ઝિટ અને તેના પછીના સમયગાળાના જૂથોને સહાયક બની રહેવું તેને પણ મતદારો પસંદ કરતા નથી. દેશ હવે ડાબેરી અને જમણેરી રાજકારણની પરંપરાગત વ્યાખ્યામાં બંધાયેલો નથી. પ્રાઈમ મિનિસ્ટર જ્હોન્સને જે રેડ વોલ વિસ્તાર હાંસલ કર્યો હતો તેનું કારણ એ હતું કે પરંપરાગત લેબર મતદારોએ તુષ્ટિકરણના રાજકારણને ફગાવી દીધું હતું. આપણી શેરીઓને હેટ માર્ચર્સ અને અન્ય કટ્ટરવાદીઓના ગાંડપણથી સુરક્ષિત ન કરાય ત્યારે તમારા સમર્થકોને તમે ગુમાવો છો. સરકારમાં મિનિસ્ટર્સની વર્તણૂકો સામાન્ય બુદ્ધિની અવગણના કરે તેને સમાજના તમામ વિભાગો ફગાવી દેશે. હું હજુ પણ આગળ જણાવી શકું છું પરંતુ, તમામ ટોરીઝને મારે ખાતરીપૂર્વક કહેવું છે કે તમે રાજકારણી હોવાથી જ બધી બાબતો જાણો છો તેમ માનતા હો તો તમે ફરી એક વખત વિચારી લેજો. તમે યાદ રાખજો કે તમારા અવિવેક અને રાજકીય દક્ષતાના અભાવ બદલ તમને હમણા જ જોરદાર લાત પડી છે.
કન્ઝર્વેટિવ પાર્ટીના નવા નેતા પાસે હેતુલક્ષિતાની ઓળખ, એકસંપ અનુશાસિત સંદેશ અને ચોક્કસપણે બ્રિટિશ જનતાને જરૂરી જણાતી હોય તેવી નીતિઓ પર અંકુશ સ્થાપિત કરવા માટે બે વર્ષથી ઓછો સમય રહ્યો છે.
આગામી બે વર્ષની અંદર જ સત્તારથના પૈડા હાલકડોલક થવાં લાગશે અને કદાચ લેબર સરકાર માટે બહાર પણ ખેંચાઈ આવે. પ્રાઈમ મિનિસ્ટર સ્ટાર્મર યોગ્ય સમયે યોગ્ય સ્થળે હોવામાં નસીબવંતા હતા. તેઓ નસીબદાર રહ્યા કે દરેક આંતરે સપ્તાહે તેમણે પોતાનું મન બદલ્યા કર્યું ત્યારે પણ મતદારોએ તેના પર ધ્યાન ન આપ્યું. લેબર પાર્ટી નસીબદાર રહી કે ટોરીઝે સંપૂર્ણ અકાર્યક્ષમ રહીને તેમની પાસે જે અનુકૂળ પરિસ્થિતિ હતી તે ફેંકી જ દીધી. વાસ્તવિક જગતમાં ચૂંટણી પહેલા આપેલાં મસમોટાં વચનોની વણઝારને પાળી બતાવવાનું કાર્ય ભારે મુશ્કેલ છે. આપણે જોઈશું કે લેબર પાર્ટી સમાજમાં જે કાઈ ખરાબી હશે તેના માટે ટોરીઝના માથે દોષના ટોપલાં ઓઢાવતી રહેશે, મિત્રો આ રાજકારણ છે. પ્રશ્ન એ છે કે તમારી આંખો પર પાટા બાંધી દેવાય એટલા તમે મૂર્ખ છો?
ગેરકાયદે ઈમિગ્રેશન ખતમ નહિ જ થાય. લેબર સરકાર કદાચ મોટા ભાગના ગેરકાયદે ઈમિગ્રન્ટ્સને રહેવાની છૂટછાટ આપી જ દેશે અને જાહેર ઉપયોગ માટે ડેટાની હેરાફેરી કરી શકે છે. તેઓ હાઉસિંગ કટોકટી પર, અથવા તો કોસ્ટ ઓફ લિવિંગ બાબતે, અથવા તો આપણી શેરીઓમાં નફરતકૂચોને અથવા અરાજકતા પ્રસારને ઘટાડવામાં જરા પણ કાર્યવાહી નહિ કરે. વૈશ્વિક તખતા પર કટ્ટરવાદી ઝનૂનીઓ સાથે તેમની ઉઠકબેઠક તેમના માટે જ શિરદર્દ બની રહેશે. તેમના જ આંતરિક જૂથોના સભ્યો તેમની ગાંડપણભરી મુખ્ય વિચારધારાને કાર્યરત નહિ બનાવવા બદલ વિરોધ કરશે.
શું ટોરીઝ તેનો ફાયદો ઉઠાવવા માટે સજ્જ રહેશે? આ બાબત તેઓ કોને નેતા તરીકે પસંદ કરે છે તેના પર આધાર રાખે છે. મારા મતે તો, તેમને એવા નેતાની જરૂર છે જે બ્રિટિશ રાજકારણની વાસ્તવિક જમણી તરફ હોય.
આ નેતા જે પણ હોય, તેમણે તો હાથ પર રહેલી કામગીરી સાથે બરાબર જોડાઈ રહેવાનું છે.