ટ્રફાલગર સ્કવેર પરથી ભારતીય સંસ્કૃતિનું વિશ્વગાનઃ મુક્તજીવન સ્વામીબાપાના સંબોધનની સુવર્ણજયંતી

પર્વવિશેષ

સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ Wednesday 14th October 2020 06:24 EDT
 
 

વિશ્વમાં અનેક સંસ્કૃતિઓ પાંગરી છે અને પાછી લીન થઈ ગઈ છે. જ્યારે ભારતીય સંસ્કૃતિ આજે પણ સમગ્ર વિશ્વમાં ફેલાયેલી છે. તેનું કારણ શું? આ સવાલનો જવાબ છેઃ ભારતની પાવન ભૂમિ ઉપર પ્રગટેલા યુગુપુરુષો...
સારાય ભારતમાં ચારિત્ર્ય ઘડતર કરવામાં અનેક સંતો-મહંતો અને સંપ્રદાયોનો ફાળો છે. અને આ ભગીરથ કાર્યમાં સ્વામીનારાયણ સંપ્રદાયનો ફાળો ઊડીને આંખે વળગે તેવો છે. સવિશેષ તો સ્વામીનારાયણ સંપ્રદાયના ક્રાંતિકારી સંત શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ યુરોપ, આફ્રિકા કે અમેરિકાની આંગ્લ પ્રજાને દર્શન અને સદ્ઉપદેશ આપીને કૃતાર્થ કરી છે.
શ્રી મુક્તજીવન સ્વામીબાપાનું પ્રાગટ્ય ગુજરાતના ચરોતર પ્રદેશમાં આવેલા ખેડા ગામે માતા ઇચ્છાબા અને પિતા મૂળજીભાઈને ત્યાં સંવત ૧૯૬૩ના રોજ ભાદરવા વદ અમાવસ્યા - સાતમી ઓક્ટોબર ૧૯૦૭ના રોજ થયું હતું. તેમનું બાળપણનું નામ હતું પુરુષોત્તમ. ૨૩ વર્ષની વયે તેમણે સંસારના બંધનોને કાચા દોરાની જેમ તોડી નાંખ્યા. સ્વામિનારાયણ સંપ્રદાયના નિડર - સિદ્ધાંતવાદી અને વચનામૃતના આચાર્ય સદ્ગુરુ શ્રી ઇશ્વરચરણદાસજી સ્વામીએ કાર્તિક સુદ એકાદશી - સંવત ૧૯૮૬ના રોજ તેમને મહાદીક્ષા આપીને ‘મુક્તજીવનદાસજી’ નામ પાડ્યું. તેમણે સમગ્ર ગુજરાતમાં સદાચાર, સદવર્તન, સદ્ભાવનાના, સંસ્કારનું સિંચન કર્યું છે.
સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી સૌપ્રથમ તેઓ ઈ.સ. ૧૯૪૮માં પોતાના પ્રથમ પટ્ટશિષ્ય શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીને સાથે લઈને આફ્રિકા પધાર્યા અને હિન્દુ સંસ્કૃતિનો પ્રચાર અને પ્રસાર કર્યો.
ત્યારબાદ તેઓશ્રી પહેલી ઓક્ટોબર ૧૯૭૦ના રોજ સૌપ્રથમ વખત યુરોપની ધરતી ઉપર ધર્મધ્વજા લહેરાવવા પોતાની સાથે બે-ચાર નહીં, ૩૧ સંતો સાથે લંડન પધાર્યા. દારૂ, માંસ, વ્યભિચાર આદિ દૂષણોથી યુક્ત પ્રજાને તેમણે જ્ઞાન-દાન થકી મુક્તિ આપી છે. જેમ સ્વામી વિવેકાનંદજીએ અમેરિકાના શિકાગોમાં મળેલ વિશ્વ ધર્મ પરિષદમાં ૧૧ સપ્ટેમ્બર ૧૮૯૩નાં રોજ ઐતિહાસિક પ્રવચન આપીને સારાય અમેરિકા સહિત સમગ્ર વિશ્વમાં ભારતીય સંસ્કૃતિનો ડંકો વગાડ્યો હતો તેમ જ મુક્તજીવન સ્વામીબાપાએ લંડનના ટ્રફાલ્ગર સ્કવેર ઉપર ૧૭ ઓક્ટોબર ૧૯૭૦ના રોજ અંગ્રેજીમાં પ્રવચન આપીને સ્વામિનારાયણ સંપ્રદાયનો વિજયધ્વજ લહેરાવ્યો હતો. તેમણે સભામાં ઉપસ્થિતિ આંગ્લ પ્રજાને સંબોધતા કહ્યું હતુંઃ
‘આપણે બધા ભગવાનના સંતાનો છીએ. અહીં પરદેશમાં અમે આ ભાઈચારાનો સંદેશો લઈને આવ્યા છીએ. વધારે પડતી ભૌતિકતા આપણા આત્માની ઉન્નતિને અવરોધે છે. અજ્ઞાનને કારણે પશ્ચિમી સંસ્કૃતિ એની અતિ ઉપલબ્ધતાથી પીડાય છે અને પૂર્વની સંસ્કૃતિ તેની અછતથી પીડાય છે. ભૌતિક સુખોની ગુલામીએ માનવજાતના નૈતિક મૂલ્યોનું અવમૂલ્યાંકન કર્યું છે...
નૈતિક અને માનવીય મૂલ્યોના પુનઃ સ્થાપન માટે શ્રી સ્વામિનારાયણ ભગવાને સૌને પ્રેમ-ભક્તિનો સંદેશો આપ્યો છે, જે ભારત પૂરતો સીમિત નથી પણ સારાય વિશ્વ માટે છે. જૂઓ, અહીં પણ એ આપણને કેવા સસ્મિત વદને જોઈ રહ્યા છે અને આશીર્વાદ વરસાવી રહ્યા છે. એ તમને પોતાનામાં સમાવી લેવા આતુર છે. તમારી આંખો બંધ કરો અને તમારા અંતર્ચક્ષુથી એમનું ધ્યાન કરો. એમાં એક રસ થઈ જાઓ, સબરસ બનો. હવે એ તમારા થઈ ગયા છે અને તમે એમના થઈ ગયા છો...
દરરોજ આમ જ એમના સ્વરૂપનું મનન-ચિંતન કરો. પાંચ-દસ મિનિટથી શરૂ કરી સમય વધારતાં જાવ. આ વચનને યાદ રાખીને તે પ્રમાણે તમે એનો અમલ કરશો તો તમે તમારામાં દિવ્યતા અનુભવશો. તમને ચારેબાજુ અદ્ભૂત શાંતિનો અનુભવ થશે. આપમેળે જ તમારા સર્વે સંકલ્પો સિદ્ધ થશે. ભગવાનને ત્યાં કોઈ નાનું નથી કે કોઇ મોટું નથી. સૌ કોઈ તેમને પામી શકે છે. ભગવાન સર્વત્ર વ્યાપેલા છે, એમની ઈચ્છા વિના તણખલું પણ હલી શકવાને શક્તિમાન નથી. શ્રી સ્વામિનારાયણ ભગવાનના આશીર્વાદ આપ સહુ કોઈની ઉપર ઉતરે અને તમો સૌ આલોક-પરલોકમાં સુખી થાવો.’
શ્રી મુક્તજીવન સ્વામીબાપાના ઉદ્બોધનને આંગ્લ પ્રજાએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધું હતું. યુરોપના અખબારો પણ સ્વામીજીના પ્રવચનો અને તસવીરોથી ભરાઈ ગયા. ત્યારબાદ બીબીસી રેડિયો ઉપર પણ તેમના પ્રવચનો રજૂ થયા. સમગ્ર વિશ્વમાં ભારતીય સંસ્કૃતિનો જયજયકાર થઈ ગયો.
આ પછી શ્રી મુક્તજીવન સ્વામીબાપા ૧૯૭૪ અને ૧૯૭૯માં પણ લંડન પધાર્યા હતા. એમની મહેનતની ફલશ્રુતિ આજે આપણને જોવા મળી રહી છે. આજે સારાય વિશ્વમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સૌથી વધુ મંદિરો અને સત્સંગીઓ લંડનમાં છે. આજે યુરોપમાં હિન્દુ ધર્મના અને સ્વામિનારાયણ સંપ્રદાયના સિદ્ધાંતો સચવાઈ રહ્યા છે. પરંતુ બલિહારી તો એ શ્રી મુક્તજીવન સ્વામીબાપાની જ લેખાશે કે જેમણે સૌપ્રથમ પ્રારંભ કર્યો અને એક નવી ક્રાંતિ આણી. આ પ્રસંગને - સંબોધનને ૧૭ ઓક્ટોબર - શનિવારે ૫૦ વર્ષ પૂર્ણ થશે. વિશ્વમાં ભારતીય સંસ્કૃતિનો જયજયકાર કરનાર સ્વામિનારાયણ સંપ્રદાયના ક્રાંતિકારી સંતશ્રી મુક્તજીવન સ્વામીબાપાને આપણે આ અવસરે યાદ કરીએ અને તેમના જીવનમાંથી તેમણે આપેલ સંદેશા પ્રમાણે આપણું જીવન ઉર્ધ્વગામી બનાવીએ.
શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ લંડનના ટ્રફાલ્ગર સ્કેવર ઉપર પ્રવચન આપ્યું તેને ૧૭ ઓક્ટોબર ૨૦૨૦ - શનિવારના રોજ ૫૦ વર્ષ પૂર્ણ થાય છે તે નિમિત્તે લંડનના સ્ટેનમોર વિસ્તારમાં આવેલા શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ દ્વારા ધ્યાન, ભજન, કિર્તન કરાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter