આજથી લગભગ એક જ મહિનામાં પૂર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ વધુ એક વખત દેશનું પ્રમુખપદ સંભાળવા માટે વ્હાઈટહાઉસનો કબજો લેવાના છે. તમને ગમે કે ના ગમે, આના પરિણામે યુએસએ તેમજ વિશ્વસ્તરે પણ અભૂતપૂર્વ ઘટનાઓના યુગનો આરંભ થશે. ટ્રમ્પના શાસનના પ્રથમ 100 દિવસ સૌથી વધુ ગતિશીલ, સૌથી વધુ વિવાદાસ્પદ, સૌથી વધુ જીવન પરિવર્તનકારી, સૌથી વધુ અસરકારી અને તમે કદી કલ્પના પણ ન કરી શકો તે રીતે માનવ સંવેદનાઓના સૌથી મોટાં રોલર કોસ્ટરમાં સવારી બની રહેશે. ટ્રમ્પ 2.0 અમેરિકાના રાજકારણમાં ગેમ ચેન્જર બની રહેશે. આ સારા માટે હશે કે તેનાથી આખરે અમેરિકા તૂટી જશે, તે તો માત્ર સમય જ કહી શકે છે.
મને જરા પણ નવાઈ નહિ લાગે કે હોદ્દો સંભાળ્યાના પ્રથમ થોડા દિવસો દરમિયાન જ તેઓ આ પ્રમાણે કેટલાક પ્રેસિડેન્શિયલ આદેશો બહાર પાડવાની શરૂઆત કરેઃ
1. દક્ષિણની બોર્ડર બંધ કરવા
2. અમેરિકન ઈતિહાસમાં સૌથી મોટા ડિપોર્ટેશન પ્રોગ્રામનું લોન્ચિંગ.
3. સ્પેશિયલ કાઉન્સેલ જેક સ્મિથની હકાલપટ્ટી.
4. 6 જાન્યુઆરીના વિરોધ પ્રદર્શો માટે જેલમાં નખાયેલા મોટા ભાગના લોકોની મુક્તિ.
5. ગ્રીન ન્યુ ડીલનો અંત. ‘ડ્રીલ, ડ્રીલ, ડ્રીલ’ને ઉત્તેજન.
6. મહિલાઓની સ્પોર્ટ્સમાંથી ટ્રાન્સ મહિલાઓ પર પ્રતિબંધ.
7. સરકારી વર્કર્સના ‘ડીપ સ્ટેટ’ને વિખેરી નાખવા.
8. આયાતી માલસામાન પર ટેરિફ્સ લાદવી.
9. ‘આલોચનવાદી રેસ થિઅરી, ટ્રાન્સજેન્ડર પાગલપન અને અન્ય અનુચિત રેસિયલ, સેક્સ્યુઅલ અથવા પોલિટિકલ વિષયવસ્તુને આપણા બાળકોના જીવનમાં આગળ વધારતી’ કોઈ પણ સ્કૂલને ફેડરલ ભંડોળમાં કાપ.
10. પોતાના માટે જ માફી જાહેર કરવા.
આ યાદી તો ઘણી લાંબી છે અને શાસનના પ્રથમ 100 દિવસમાં જ અમેરિકન જીવન અને સમાજના દરેક પાસાને અસર થશે.
ટ્રમ્પ 2.0એ પોતાની પ્રથમ મુદતમાંથી શીખી લીધું છે કે તેમની પાસે સત્તા છે. પરંતુ, હવે તેમના પ્રમુખપદમાં અવરોધો પેદા કરવા વોશિંગ્ટનના ગંદા નાળાઓમાં જેમણે કામકાજ શરૂ કરી જ દીધું છે તેવા ‘ડીપ સ્ટેટ’ના કારણે તેમના રોડમેપને નુકસાન ન થાય તેની ચોકસાઈ રાખવા તેમણે કેટલાકને સાધવા પડશે અને કેટલાકને સાથે રાખવા પડશે.
ટ્રમ્પે અત્યાર સુધી જે લોકોને નિયુક્ત કર્યા છે તેનાથી તો એમ લાગે છે કે તેમણે પોતાની ભૂતકાળની ભૂલોમાંથી કશો બોધપાઠ મેળવ્યો છે પરંતુ, વોશિંગ્ટન પર તેમની પકડમાં હજુ કેટલીક ખાઈ રહી ગઈ હશે. તેમની પડખે એલન મસ્ક જેવા મોટા ભેજાબાજ છે. તેઓ તેમને બરાબર સાંભળશે અને તેમના સામાન્યતઃ મારફાડ ટ્રિગર-હેપી અભિગમને થોડી લક્ષ્ય આધારિત ચતુરાઈથી સમન્વય સાધશે.
મારા મત અનુસાર તો બ્રિક્સ- BRICs રાષ્ટ્રો પર હુમલો કરવામાં તેમણે ભયંકર ભૂલ કરી છે. ‘X’ પરની એક પોસ્ટમાં તેમણે જણાવ્યું છે કે,‘અમારે આ દેશો પાસેથી ખાતરી જોઈશે કે તેઓ નવી બ્રિક્સ કરન્સીનું સર્જન નહિ કરે અથવા શક્તિશાળી યુએસ ડોલરનું સ્થાન લેવા અન્ય કોઈ કરન્સીને સમર્થન નહિ આપે. અન્યથા તેમણે 100 ટકા ટેરીફ્સનો સામનો કરવો પડશે અને અદ્ભૂત યુએસ ઈકોનોમી સાથે વેપાર કરવાને અલવિદા કહી દેવાની અપેક્ષા રાખવી પડશે.’ આ માત્ર મૂર્ખામી જ નથી, પરંતુ, અત્યાર સુધીમાં તેમણે સ્વીકારી લેવું જોઈએ કે ભારત અથવા ચીન જેવા દેશને ધમકી આપવાથી અમેરિકાનું કલ્યાણ નહિ જ થાય. આખરે જો યુએસ ડોલર હજુ પણ આટલો બધો શક્તિશાળી હોય તો પ્રેસિડેન્ટે શા માટે સ્પર્ધાથી આટલા ડરવું જોઈએ? તેમની કોર ટીમમાંથી કોઈકે તો તેઓ દુર્ઘટના કે આફતમાં પરિણમે તેવા માર્ગ પર લપસી જવાનું થાય તે પહેલાં જ કડક મઝાની કોફી બનાવવાની જરૂર છે.
મને તો એમ પણ જાણવા મળ્યું છે કે એલન મસ્ક બ્રિટિશ રાજકારણમાં ધરમૂળ પરિવર્તન માટે રાષ્ટ્રીય કેમ્પેઈન ચલાવવા રીફોર્મ યુકે પાર્ટીને 100 મિલિયન યુએસ ડોલરનું દાન આપવા વિચારતા હોઈ શકે જેથી, આખરે નાઈજેલ ફરાજને નંબર 10માં ગોઠવી શકાય.
યાદ રાખજો, ગત ઈલેક્શનમાં લેબર પાર્ટી આટલી જંગી બહુમતીથી વિજય હાંસલ કરી શકી તે માટે રીફોર્મ યુકે પાર્ટી જ જવાબદાર હતી. આપણું રાજકારણ જે રીતે ‘ફર્સ્ટ પાસ્ટ ધ પોસ્ટ (FPTP)’ સિસ્ટમ થકી કામ કરે છે તે મુજબ રીફોર્મ યુકેએ રાષ્ટ્રીય પોલમાં સમગ્રતયા સરસાઈ જ નહિ, તમામ લક્ષ્યાંકિત બેઠકો પર જંગી બહુમતી હાંસલ કરવાની રહેશે. 100 મિલિયન યુએસ ડોલર તેમને આ બહુમતી અપાવી શકશે કે કેમ તે તો માત્ર સમય જ કહી શકશે. જોકે, યુકે માટે 2029નું વર્ષ રસપ્રદ અવશ્ય બની રહેશે.
ટ્રમ્પ 2.0 સારી-બહેતર સત્તા બની રહી શકે, જે માત્ર અમેરિકાના પાગલપણા માટે જ નહિ, સમગ્ર વિશ્વમાં અરાજકતાને ફેલાવવા માટે જવાબદાર અમેરિકન ‘ડીપ સ્ટેટ’ની તાકાતને ઘટાડવા સાથે થઈ શકે છે. તેમની પાસે પોતાની યોજનાઓને કાર્યરત બનાવવા બે વર્ષ છે અને બીજા બે વર્ષ તેમની કેટલી નીતિઓ ફળદાયી બની રહે છે તે જોવાના છે. જો રિપબ્લિકન્સ અમેરિકાને બહેતર બનાવવા ખરેખર પરિવર્તન લાવવા ઈચ્છતા હશે તો તેમણે હજુ બે ટર્મ માટે સત્તા પર રહી શકાય તેવી ચોકસાઈ રાખવી પડશે. આમ થઈ શકે તે માટે સામાન્ય અમેરિકનને તેના ખિસ્સાં ભરેલા હોય અને સશક્ત હોવાની લાગણી અનુભવાય તે આવશ્યક છે.
નવા પ્રમુખપદના કાળમાં તેઓ ભલે ગમે તે કરે, વિવાદ તો સર્જાવાના જ છે. તેઓ કેવી રીતે નેરેટિવ્ઝને સંભાળે છે અને વોશિંગ્ટનના ગટર રાજકારણમાં ભરાઈ નહિ પડે તે જ પરિવર્તનના બેન્ડવિથને ખોલનારી ચાવી બની રહેશે. બાઈડેનની વિરાસત તો પોતાની લખોટીઓ ખોઈ નાખનારા અને પોતાના જ પુત્રને માફી જાહેર કરનારા વૃદ્ધ માનવીની છે. ટ્રમ્પની વિરાસત કેવી હશે?