ટ્રમ્પ એટલે યોર્કર્સ અને ગુગ્લીઝ ફેંકતી બોલિંગ સાથે ચોક્કા અને છગ્ગાની રમઝટ

કપિલ દૂદકીઆ Tuesday 25th February 2025 08:53 EST
 
 

ડોનાલ્ડ ટ્રમ્પ ફરી વ્હાઈટ હાઉસમાં સત્તારૂઢ થઈ ગયા છે તેની સાથે માત્ર અમેરિકા માટે નહિ, બાકીના વિશ્વ માટે પણ સૌથી ડરામણી અને સૌથી દિલધડક રોલરકોસ્ટરની રાઈડની શરૂઆત થઈ ગઈ છે. તમારે ટ્રમ્પને પસંદ કરવાની કે તેમની સાથે સહમત થવાની જરૂર નથી, એક બાબત ચોક્કસ છે કે તમે તેમની અવગણના કરી શકવાના નથી. શું શક્ય છે અથવા શક્ય નથી તેની માપણીના ઐતિહાસિક કાટલા હવે લાગુ પડવાના નથી. ટ્રમ્પ વૈશ્વિક રાજકીય અથવા રાજદ્વારી માપદંડોના ક્ષેત્ર અનુસાર કામ કરતા નથી, તેઓ પોતાની શરતોએ જ કામં કરે છે. આ શરતો કે માપદંડ યોગ્ય છે કે નહિ, તેનાથી કોઈ ફેર પડશે નહિ. કારણકે તેમની દરેક એક્શનો સંદર્ભે મલ્ટિપલ એક્શન્સ, રીએક્શન્સ અને પરિણામો જોવાં મળે છે. સફળતા અને નિષ્ફળતાના મૂલ્યાંકન માટે પરંપરાગત માપદંડોનો ઉપયોગ કરનારા લોકો દરેક વખતે ખોટા પડશે. ટ્રમ્પ તથાકથિત એસ્ટાબ્લિશમેન્ટ દ્વારા સ્થાપિત નિયમોથી બંધાઈ રહેવાનું નકારે છે. આવા નિયમો માત્ર લોકોને જ નહિ, દેશોને પણ આજ્ઞાકારી ભૂમિકામાં ફસાવવા માટે તૈયાર કરાયા હોય છે.

ચીન અને રશિયા આવા પરંપરાગત નિયમોનું પાલન કરતા નથી. આતંકવાદીઓ અને કટ્ટરવાદીઓ પણ આવા પરંપરાગત નિયમોનું પાલન કરતા નથી. તો પછી, પશ્ચિમના ઘણા લોકો શા માટે એવું માને છે કે આપણે બધાએ પણ શા માટે આપણને શારીરિક અને માનસિક ગુલામીમાં ફસાવનારા નિયમોનું પાલન કરતા રહેવું જોઈએ?

ભારત સેંકડો વર્ષો સુધી ગુલામીની જંજીરોમાં જકડાયેલું રહ્યું અને મન, ભાવના અને બધી રીતે નબળું બની રહ્યું. સ્વતંત્રતા પ્રાપ્ત કર્યાં પછી પણ ભારત અને ભારતીયોનું હાર્દ દાસત્વને જ વળગી રહ્યું. છેક 2014થી વડા પ્રધાન મોદીએ આપણા રાષ્ટ્રના શરીરને અંદરથી કોતરી નાખતી આ માનસિકતા સામે બળવાને ઉત્તેજન આપવાનું શરૂ કર્યું છે. એક દાયકા પછી આપણને પરિવર્તનના પ્રથમ ફળો જોવા મળે છે જેમાં તળિયાના સ્તરના લોકો તેમની જાતમાં વિશ્વાસ સાથે તેમના દેશને સંભવિત વિશ્વનેતા સ્વરુપે માનવા લાગ્યા છે. ભારતે તો હજુ લાંબી મજલ કાપવાની છે. પરંતુ, ભારતીયો માટે સૌથી મહત્ત્વની બાબત એ રહી છે કે આ પરિવર્તનની ગતિ યથાવત ફાસ્ટ ટ્રેક પર રાખવા માટે તત્પર સરકાર અને નેતાગીરીને ચૂંટવાની ચોકસાઈ રાખે. ભારતે સામ્રાજ્યવાદી માલિકોના નિયમોનું પાલન કરતા રહેવાની જરૂર નથી. હજારો વર્ષ પુરાણા તેમના ધાર્મિક લોકશાહીના વારસાનું તેના સંપૂર્ણ ગૌરવ સાથે પુનરુત્થાન કરવાની જરૂર છે. ભારત વર્ષ બનવાના માર્ગે આગળ વધી રહેલું ઈન્ડિયા જ પાશ્ચાત્ય પાગલપણાનો ઉત્તર છે. ચીન અને રશિયા જેવા દેશો માટે પણ તે ઉત્તર બની રહેશે.

ક્રિકેટની પરિભાષામાં થોડી વાત કરીએ તો, ટ્રમ્પ જાણે આવતી કાલે રમવાનું ન હોય તેમ યોર્કર્સ અને ગુગ્લીઝ ફેંકતી બોલિંગ કરી રહ્યા છે. અને આકાશમાં વછૂટતાં રંગીન કાગળોની માફક ચોક્કા અને છગ્ગા ફટકારી રહ્યા છે. શું આમ ચાલતું રહેશે? હા, આ જ તેમનો સ્વભાવ છે. આનો અર્થ એમ હરગિજ નથી કે તેઓ જે કરશે તે બધામાં સફળ રહેશે કારણકે આ તેમની રમત નથી. ટ્રમ્પ હિસાબકિતાબના પ્રેસિડેન્ટ છે. તેમના માટે તો તેમના ઈનિશિયેટિવ્ઝમાંથી એક પહેલ કામ નહિ કરે તો તેને કોરાણે મૂકી દેશે અને કોઈ નકારાત્મકતાને ધ્યાનમાં લીધા વિના બીજો મુદ્દો હાથમાં લેશે. તેમના માટે તો મોટી બાજી જીતવા માટે આવશ્યકતા હોય ત્યારે હાર પણ તેનો એક હિસ્સો રહે છે. આ તેમની રણનીતિનું જ એક પાસું છે.

તેમણે અમેરિકામાં એસ્ટાબ્લિશમેન્ટ અને બ્યુરોક્રેટ્સને હાફળાફાંફળા દોડતા કરી દીધા છે. તેમણે યુરોપના નેતાઓને 24/7ગભરાટની હાલતમાં મૂકી દીધા છે. અને તેઓ એટલા બધા સત્યો ઉચ્ચારવાની હિંમત રાખે છે જે મોટા ભાગના નેતાઓ ખરાબ લાગે તેવા ભયથી ઉચ્ચારતા સંકોચાય છે. તેમને આવા લાગણીવેડાની કોઈ દરકાર નથી. તેમણે ઝેલેન્સ્કીને કિનારે મૂકી દીધા અને આ યોગ્ય જ છે. આનો અર્થ એવો નથી કે રશિયા સાચું છે કે પુટિન સાચા છે. આનો સ્પષ્ટ અર્થ એ છે કે બંને પક્ષે નેતાગીરીમાં ઘણી ખામીઓ છે. આપણે તેનો સામનો કરવો જ રહ્યો, જો યુક્રેન ગાઝા બનવા ઈચ્છતું ન હોય તો તેણે સમાધાન કરવું પડશે. જો કોઈ એમ માનતું હોય કે તેઓ રશિયાને પરાજિત કરી શકશે તો તેઓ કલ્પનાના સાતમા આસમાનમાં વિહરી રહ્યા છે. સ્ટોર્મ ટ્રમ્પ સામાન્ય સમજદારો માટે સારા જ છે. આપણે તો, બેઠક લગાવી પાગલપન બહાર ખુલતું જાય તેની મોજ લેવાની છે. આપણે ડાબેરી, વોકરી બ્રિગેડ, વૈવિધ્યપૂર્ણ બનાવટી વેપારીઓ, અજાણ્યા લૈંગિક વિદૂષકો, સમ્રાટો જેવો અભિનય કરતા નહિ ચૂંટાયેલા સિવિલ સર્વન્ટ્સ અને બંડખોર દેશો સહિતના લ્યુનેટિક્સને બૂમબરાડા પાડતા નિહાળીશું જેઓ ફસામણી અને ગુલામ બનાવતા તેમના ઈન્ફ્રાસ્ટ્રક્ચર્સને મૂળમાંથી જ હાલકડોલક થતા નિહાળશે.

આ વખતે સ્ટોર્મ ટ્રમ્પનો રાઉન્ડ ઉચ્ચ શક્તિશાળી મસ્ક બેટરીઝનો પાવર ધરાવે છે. તેમણે દેશનું લોહી ચૂસી પોતાના પિશાચી ઉદરને ભરનારા પેરેસાઈટ્સને ખુલ્લાં પાડવા વિશાળ મેગ્નિફાઈંગ ગ્લાસનો સાથ હાંસલ કર્યો છે. મસ્ક કદાચ પાગલ દેખાતા હોય પરંતુ, તેના જીનિયસ સાથે ગૂંચવાઈ જવાના ભ્રમમાં ન રહેશો. કોઈ પણ જીનિયસ હોય, આપણા જેવા મૃત્યુલોકના માણસો માટે તેમનો આખરી દાવ શું હોઈ શકે તેની ગણતરી કરવા સમય જોઈશે. મસ્ક સામાન્ય માણસો કરતાં વધુ નહિ તો, 10 ડગલાં આગળ જ રહે છે. શું તેઓ સફળ થશે? કોને ખબર, પરંતુ હું એટલું તો જાણું છું કે વિશ્વમાં સરકારો ચલાવતા મોટા ભાગના લોકોની સરખામણીએ મને મસ્કની ક્ષમતામાં વધુ વિશ્વાસ છે.

ટ્રમ્પ અને મસ્ક લોકોની સહિષ્ણુતાની સ્થિતિસ્થાપકતાને ઘણું લાંબુ ખેંચવાની સૌથી મોટી ભૂલ કરી શકે છે. હું દરેક બાબતને એક મર્યાદા સુધી ખેંચી જવાની તરફેણ કરું છું પરંતુ, આમ કરવામાં તેમની સામેનો પડકાર ઈલાસ્ટિક તૂટી ન જાય અને સમગ્ર પ્લોટ ગુમાવવો ન પડે તેનો રહેશે.

આપણે ભારે રસપ્રદ સમયગાળામાં જીવી રહ્યા છીએ. વિશ્વતખતા પર, ભારત અને વડા પ્રધાન મોદીએ1.3 બિલિયન લોકોની તાકાતને અજમાવવાનો સમય આવી ગયો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter