ટ્રમ્પને ‘કાન’ની કૃપા પ્રમુખપદનું ફળ અપાવશે?

કપિલ દૂદકીઆ Tuesday 23rd July 2024 13:40 EDT
 
 

હું 2024ની 13 જુલાઈએ પેન્સિલ્વેનીઆના બટલર નજીક યોજાએલી ટ્રમ્પની પ્રચાર રેલીને ટેલિવિઝન પર નિહાળી રહ્યો હતો. બધું જ ટ્રમ્પની રેલીમાં હોય તેમ રાબેતા મુજબનું હતું. તેના વફાદાર સમર્થકો હજારોની સંખ્યામાં ઉમટી પડ્યા હતા. તેમનું ધ્યાન સેન્ટર સ્ટેજ પર હતું જ્યાં ટ્રમ્પ બે હાથ ઊંચા રાખી પોતાના પ્રસંશકોનું અભિવાદન કરી રહ્યા હોવાની મુદ્રામાં હતા. તેમણે બોલવાની શરૂઆત જ કરી હતી ત્યાં ગોળીબારના અવાજ આવ્યા. તેમનો હાથ તેમના કાન પર ગયો, તેઓ વધુ ઈજાથી બચવા માટે નીચે નમી ગયા અને આખરે સીક્રેટ સર્વિસના જવાનો તેમને વધુ નુકસાનથી બચાવવા કવચની માફક આસપાસ ઘેરી વળ્યા. તેઓ પૂર્વ પ્રેસિડેન્ટને સ્ટેજથી દૂર લઈ ગયા, જેને પૂર્વ પ્રેસિડેન્ટને અપાતા રક્ષણના શરમજનક પ્રદર્શન તરીકે જ વર્ણવી શકાય. આ વેળા ટ્રમ્પ ઉભા થઈ ગયા, ઊંચે મુઠ્ઠીઓ વાળી અને બૂમો પાડવા લાગ્યા, ‘ફાઈટ’, ‘ફાઈટ’, ‘ફાઈટ’. આ બે મિનિટમાં જ અમેરિકી પ્રમુખપદની સમગ્ર સ્પર્ધા પલટાઈ ગઈ.

ગણતરીની મિનિટોમાં ઈન્ટરનેટ પર ષડયંત્રની સંખ્યાબંધ થીઅરીઓ આગની માફક ફેલાઈ ગઈ. કેટલીક કાયદેસર ઉત્તરહીન પ્રશ્નો પર આધારિત હતી, જ્યારે બહુમતી તો ષડયંત્ર થીઅરીના સંગઠનના આજીવન સભ્યો તરફથી હતી. સત્ય, જો આપણે કદી પણ જાણી શકીશું, તો કદાચ અલગ જ હોઈ શકે અને સંભવતઃ રસપ્રદ ન પણ હોય.

ગમે તે હોય, આપણે તો કાયદેસર કેટલાક પ્રશ્નો પૂછી શકીએ, જેમકેઃ

a. સ્ટેજને સીધી રેખામાં નિહાળી શકાય તેવા માત્ર થોડા સો ફૂટના અંતરે આવેલા હાઈ પોઈન્ટ સ્થળને શા માટે સુરક્ષિત ન બનાવાયું? આવી ઉચ્ચ સ્તરીય સુરક્ષાનો હવાલો ધરાવતી કોઈ પણ વ્યક્તિ એસોસિયેશન દ્વારા સંભવતઃ ઉપયોગ કરી શકાય તેવા દરેક લાભકારી પોઈન્ટને ઓફ લિમિટ્સ જાહેર કરવાની અને સ્થળ પર રખાયેલા ઓફિસર્સ આવી બહારની ઈમારતો સુરક્ષાના દાયરામાં રખાય તેવી ચોકસાઈ ન રાખે તે સ્થિતિ ખરેખર અભૂતપૂર્વ કહેવાય. શું અમેરિકન સીક્રેટ સર્વિસ આટલી બધી અકાર્યક્ષમ હોઈ શકે?

b. રૂફ પર રહેલી વ્યક્તિ વિશે જાણકારી હોવાં છતાં સીક્રેટ સર્વિસના સ્નાઈપર્સે શા માટે કશું કર્યું નહિ?

c. સંભવિત ધમકી વિશે જાણકારી ધરાવતી સીક્રેટ સર્વિસે શા માટે પૂર્વ પ્રેસિડેન્ટને સ્ટેજ સુધી પહોંચવા દેવામાં વિલંબ ન કર્યો?

d. ટ્રમ્પના મોતથી કોને લાભ થવાનો છે? જો ટ્રમ્પનું મોત થયું હોત તો તેમના સ્થાને જે કોઈ રિપબ્લિકન ઉમેદવાર આવ્યા હોત તે અભૂતપૂર્વ સરસાઈથી વિજેતા થાય તે લગભગ નિશ્ચિત હતું. આથી બાઈડેન છાવણી અથવા ડેમોક્રેટ્સ આવા પરિણામનું જોખમ ઉઠાવે ખરાં?

e. શું આ ટ્રમ્પને વ્હાઈટ હાઉસ પહોંચાડવાનું નિશ્ચિત કરતી રમત હોઈ શકે? ટ્રમ્પ તો પોલ્સમાં ઘણા આગળ જ હતા અને આથી જ કદાચ, પોતાના જ જીવન પર જોખમ ઉભું કરવા ન જ ઈચ્છે.

f. શું આ માત્ર લોન વુલ્ફ હોઈ શકે, 20 વર્ષનો એક છોકરડો જે કોઈ રીતે સમગ્ર સીક્રેટ સર્વિસ વ્યવસ્થાતંત્ર, સુરક્ષાના સંપૂર્ણ પગલાં, ઈલેક્ટ્રોનિક સર્વેલન્સના બહુવિધ સ્તરને ઉલ્લુ બનાવવામાં અને પૂર્વ પ્રેસિડેન્ટની હત્યા કરવાની પોઝીશને પહોંચી જવામાં સફળ રહ્યો?

સીક્રેટ સર્વિસના ડાયરેક્ટર કિમ્બર્લી ચિટલીએ હાઉસ ઓવરસાઈટ કમિટી સમક્ષ કબૂલ કર્યું હતું કે આ ‘ભયાનક નિષ્ફળતા’ હતી. બંને ડેમોક્રેટિક અને રિપબ્લિકન લોમેકર્સે ડોનાલ્ડ ટ્રમ્પ પર હત્યાના પ્રયાસના પગલે ચિટલી પદત્યાગ કરે તેવી માગ ઉઠાવી હતી. એમ લાગે છે કે તેઓ હાઉસના બંને પક્ષને એકજૂટ કરવામાં સફળ રહ્યાં હતાં. તેમની જુબાની પછી કોઈને પણ આશ્ચર્ય થઈ શકે કે કેવી ગુણવત્તાના આધારે તેઓ આવી પ્રતિષ્ઠિત હાઈ પ્રોફાઈલ જોબ મેળવવામાં સફળ રહ્યાં હશે. એમ જણાય છે કે ઘણી વખત DEI (ડાયવર્સિટી, ઈક્વિટી અને ઈન્ક્લુઝન) વિચારધારાને સંતુષ્ટ રાખવા માટે અથવા તો દેશના ચોક્કસ રાજકીય ખેલાડીઓ તેમના હિતોના રક્ષણાર્થે તેમના જ માણસને સત્તા પર ઈચ્છતા હોય ત્યારે કાર્યક્ષમતાનું બલિદાન લેવાઈ જાય છે.

આખરમાં તો થોડા જ દિવસ પ્રેસિડેન્ટ બાઈડને સ્પર્ધામાંથી હટી ગયા હોવાની જાહેરાત કરી નાખી. એમ લાગે છે કે વાઈસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ રિપબ્લિકન ઉમેદવાર બની જવાની ગતિશીલતા ધરાવે છે. જોકે, મને લાગે છે કે તેમણે ક્લિન્ટન્સ અને ઓબામાઝનો સપોર્ટ હાંસલ કરવાનું બાકી રહ્યું છે. આપણે જાણીએ છીએ કે હિલેરી ક્લિન્ટ્ન પ્રથમ મહિલા પ્રેસિડેન્ટ બનવા ઈચ્છતાં હતાં પરંતુ, ટ્રમ્પ સામે હારી ગયાં હતાં. મને શંકા છે કે ઓબામા ઈચ્છે છે કે મિશેલ વ્હાઈટ હાઉસમાં જાય પરંતુ, જીતવા માટે સમયનું પરિબળ મહત્ત્વનું છે. એક તરફ, રિપબ્લિકન્સ લાગેલા આઘાતમાંથી પસાર થઈ રહ્યા છે ત્યારે ટ્રમ્પનું જોશ ઊંચાઈ પર હતું અને આજે પણ છે. શું થઈ શકે તેની પ્રથમ પરીક્ષા નવેમ્બરમાં જોવા મળશે જ્યારે ટ્રમ્પ જાહેર ચર્ચામાં હેરિસનો સામનો કરશે. ટ્રમ્પે બાઈડેનના પગ નીચેથી જાજમ ખેંચી લીધી હતી પરંતુ, હવે તેઓ જ્યારે વૃદ્ધ પુરુષ છે ત્યારે યુવાન હેરિસને ધૂળમાં રગદોળી શકશે?

શું કમલા હેરિસ યુએસએના પ્રથમ મહિલા પ્રેસિડેન્ટ બની શકશે? મિત્રો, વ્હાઈટ હાઉસ પહોંચવાની સ્પર્ધા ઘણી જ રસપ્રદ બની ગઈ છે. એમ લાગે છે કે ટ્રમ્પ તેમના કાનની કૃપાથી અહીં હાજર છે. શું વ્હાઈટ હાઉસ તરફની આગેકૂચમાં દિવ્ય વિધાતા તેમની સાથે છે? અમેરિકાના પરંપરાવાદીઓ ટ્રમ્પના બચી જવાને ઈશ્વરની એંધાણી માને છે કે તેઓ પસંદીદા વ્યક્તિ છે.

આગામી 100 દિવસમાં આપણે જાણી શકીશું કે અમેરિકન લોકશાહી કાયદેસરનું પરિણામ આપે છે કે તે ફરીથી વિવાદોથી ઘેરાયેલું રહેશે. સૌથી ‘શક્તિશાળી’ રાષ્ટ્ર તેના પોતાના જ પાગલપણામાંથી અસ્તિત્વ જાળવી રાખવાનો પ્રયાસ કરી રહેલ છે ત્યારે સમગ્ર વિશ્વ અધ્ધર શ્વાસે નિહાળી રહ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter