હજુ ઓગસ્ટ ૧૯૪૭માં જ જન્મેલું પાકિસ્તાન મહંમદ ઘોરી કે બાદશાહ ઔરંગઝેબને આદર્શ માનવા માંડે કે મહંમદ ગઝની કે પછી હિંદુદ્રોહી વ્યક્તિત્વોને પોતીકાં ગણવાનું પસંદ કરે ત્યારે એને વિકૃતિ કહેવી કે વાસ્તવિક્તાનો સ્વીકાર? સૌરાષ્ટ્રના મોટી પાનેલીના હવેલીએ જતા લોહાણા ઠક્કર પરિવારના વંશજ મોહમ્મદ અલી ઝીણાએ મુસ્લિમો માટે અલાયદો દેશ પાકિસ્તાન મેળવ્યો એટલે એના રહેવાસીઓએ પોતાના હજારો વર્ષના ભવ્ય વારસાને ભૂંસી નાંખવાનો? ભારતદ્રોહી અને હિંદુદ્રોહી બનીને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવાની મથામણ કરી રહેલા પાકિસ્તાનના શાસકો ઘરઆંગણે વસતા ૩૦થી ૪૦ લાખ જેટલા હિંદુઓના પૂર્વજો અને આસ્થાસ્થાનોને સાવ ભૂલાવી દેવાનાં કે પછી તોડીફોડી દેવાનાં?
પ્રશ્નો ઊઠવા સ્વાભાવિક છે. અંતિમવાદી ઈસ્લામી સંગઠને બામિયાનની બુદ્ધ પ્રતિમાઓને ઊડાવી દીધી ત્યારે દુનિયાભરમાંથી એના પર ફિટકાર વરસાવવામાં આવ્યાનું આ તબક્કે સ્મરણ થઈ આવે છે. રાજકીય હૂંસાતૂંસી કે જમીનના સોદાઓમાંથી પ્રગટતાં વિભાજનો આપણા પૂર્વજો અને સંસ્કૃતિથી આપણને સાવ વિખૂટા પાડે ત્યારે તો આપણને સ્વાભાવિક રીતે ઘરઝૂરાપાનો અનુભવ થાય. આજનું પાકિસ્તાન એ જ ઝૂરાપો અનુભવી રહ્યું હોય એવું લાગે છે.
હજારો વર્ષનો પ્રાચીન વારસો
દિલ્હીના વિશ્વ પુસ્તક મેળામાં અમારી નજર કરાચીના એક પ્રકાશન ગૃહના ગ્રંથ ‘5000 years of Pakistan’ પર પડી ત્યારે જરા આશ્ચર્ય પણ થયેલું. જોકે, હજારો વર્ષથી ભારતીય સંસ્કૃતિનું અંગ રહેલું પાકિસ્તાન હજુ માંડ ૭૦ વર્ષ પહેલાં જ ભારતથી નોખું થયું, પણ એનો ઐતિહાસિક કે પ્રાચીન વારસો અને ભારતીયોનો પ્રાચીન વારસો એકાકાર હોવાનું શેં ભૂલાય? અને પાકિસ્તાનની અત્યારની ભોમકા માત્ર ઈસ્લામની દૃષ્ટિએ જ પાક એટલે કે પવિત્ર નથી, એ તો હિંદુ સંસ્કૃતિની દૃષ્ટિએ પણ પવિત્ર ભોમકા છે.
પવિત્ર વેદોની રચનાની ભોમકા
સનાતન ધર્મ કે હિંદુ ધર્મ માટેનાં આદર્શ શ્રદ્ધાસ્થાન લેખાતા વેદોની રચના આજના પાકિસ્તાનની ભૂમિ પર થઈ છે. વિશ્વને સૌથી પ્રાચીન ગ્રંથ એટલે કે ઋગ્વેદ પણ પાકિસ્તાન હેઠળના પ્રદેશમાં રચાયો. સિંધુ સહિતની પવિત્ર નદીઓ એ પ્રાચીન માનવીના ઈતિહાસ અને વિકાસની સાથે જોડાયેલી રહી છે. મોહેનજો દરો, હડપ્પા એ સિંધુ સંસ્કૃતિના પ્રાચીન નગરોનો પ્રદેશ પણ આજના પાકિસ્તાનમાં હોય ત્યારે એના ભણી ધૃણાભાવ કેળવાય શેં? રાજકીય કે સત્તાધીશોના દ્વેષભાવ છો રહ્યા, બંને દેશોની પ્રજા અને સંસ્કૃતિ વચ્ચેનાં સંબંધ તો ડાંગે માર્યાં પાણી જુદાં ના પડે એવા જ લેખાય અને છતાં ભારત વિભાજનની કઠણાઈ તો જુઓ કે લાખો લોકો એમાં રહેંસાઈ ગયા અને વિસ્થાપિત થયા. પ્રત્યેકને પોતાનાં મૂળિયાં સાથે જોડાયેલા રહેવાનું ગમે છે, એનું મમત્વ હોય છે. અન્યથા મૂળ સમેતી ઊખડી ગયેલી પ્રજા હિજરાતી રહે છે.
કૌટિલ્ય અને ચંદ્રગુપ્તવાળી તક્ષશિલા
વિશ્વની પ્રાચીનતમ વિદ્યાપીઠોમાં જેનું નામ ખૂબ જ આદરથી લેવાય છે એ તક્ષશિલા કે તક્ષિલા વિદ્યાપીઠ પણ આજના રાવળપિંડી પ્રદેશમાં જ હતી. અહીં દુનિયાભરના હજારો વિદ્યાર્થીઓ વિદ્યા અને સૈનિકી પ્રશિક્ષણ લેવા આવતા હતા. ‘અર્થશાસ્ત્ર’ જેવા બેનમૂન ગ્રંથના રચયિતા કૌટિલ્ય કે ચાણક્ય એ અહીં જ શિક્ષક હતા અને એમના વિદ્યાર્થી ચંદ્રગુપ્તે પાટલીપુત્ર (પટણા)માં અત્યાચારી નંદવંશનો નાશ કરીને મૌર્યવંશની સ્થાપના કરી હતી. મૌર્ય સામ્રાજ્ય વિસ્તાર પણ સમ્રાટ અશોક એટલે કે ચંદ્રગુપ્તના પૌત્ર લગી ખૂબ વિસ્તર્યું. આજના પાકિસ્તાનને બૌદ્ધ ધર્મની ભેટ આપનાર પણ એ જ અશોક, ધ ગ્રેટ. કલિંગના યુદ્ધ પછી પ્રાયશ્ચિત તરીકે એણે જીવનમાં સમૂળગું પરિવર્તન આણ્યું. બૌદ્ધ ધર્મનો પ્રચાર કરવા પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રાને દેશ-દેશાવર પાઠવ્યાં. એ જ અશોકનાં ચરણ જે ભોમકા પર પડ્યાં હતાં એ આજનું પાકિસ્તાન.
સંસ્કૃતના વ્યાકરણના રચયિતા પાણિનિ
હજુ તેરમી સદી સુધી કાબુલમાં હિંદુ રાજાઓ રાજ કરતા હતા. અફઘાનિસ્તાન ગઝનીએ કૃષ્ણના વંશજોએ બાંધ્યું હતું. આજના પાકિસ્તાનમાં લાહોર અને તક્ષશિલાના પ્રાચીન ઈતિહાસ સાથે રાજા દશરથના પુત્રો રામ અને ભરતના સંતાનોનો સંબંધ આવે છે. આ અફઘાનિસ્તાન-પાકિસ્તાનની સરહદે આવેલા એક ગામમાં પાણિનિનો જન્મ થયો. પઠાણ પાણિનિએ સંસ્કૃતના વ્યાકરણની રચના કરી. એમ તો સોમનાથને લૂંટનાર-ભાંગનાર મહમૂદ ગઝનીની રાજભાષા સંસ્કૃત હતી એ વાત પણ શેં ભૂલાય? શીખધર્મના સંસ્થાપક ગુરુ નાનક અહીંના જ નાનકાના સાહિબમાં જન્મ્યા.
આ જ પાકિસ્તાનમાં અનેક પ્રાચીન મંદિરો અને હિંદુઓનાં આસ્થાસ્થાનો છે. બલૂચિસ્તાનમાં હિંગળાજ માતા છે અને પંજાબમાં કટાસરાજ શિવમંદિરના જિર્ણોદ્ધાર પાછળ ૬ કરોડ રૂપિયા ખર્ચીને પાકિસ્તાનના એ વેળાના વડા પ્રધાન મિયાં નવાઝ શરીફ એનું ઉદઘાટન કરે છે!
(વધુ વિગતો માટે વાંચો Asian Voice અંક ૧૦ ફેબ્રુઆરી ૨૦૧૮ અથવા ક્લિક કરો વેબલિંકઃ http://bit.ly/2E3lRiN)