ફાગણી પૂનમ અર્થાત્ હોળી-ધુળેટીના પર્વ ટાણે ડાકોરમાં ભક્તોનો દેશ-વિદેશમાંથી લાખોનો મહેરામણ ઊમટે છે. ફાગણ સુદ અગિયારસથી (આ વર્ષે 14 માર્ચથી) અમદાવાદથી ડાકોર તરફ જતાં તમામ માર્ગો પદયાત્રિકોથી ઊભરાવા માંડે છે. ડાકોરના કાળિયા ઠાકોર સાથે રંગોત્સવ મનાવવા માટે ઉત્સાહી શ્રદ્ધાળુઓના પદસંચારથી ધરતી ધબકી ઊઠે છે. નજર નાખો ત્યાં ધજાપતાકા અને નિશાન સાથે ઢોલ, નગારાં, ત્રાંસા, બેન્ડવાજાં સાથે ગુલાલના ગુબ્બારા ઉડાવતી ભજનમંડળીઓ રમઝટ બોલાવે છે. પદયાત્રાનો પથ ને આકાશમાં ગુલાલની છોળો એક અવિસ્મરણીય દૃશ્ય નિર્માણ કરે છે.
વસંતપંચમીથી ધુળેટી ઉજવણી
ડાકોરના રાજા રણછોડરાય સમક્ષ વસંતપંચમી (આ વર્ષે 5 ફેબ્રુઆરી)થી શરૂ થયેલો નિત્ય શણગાર ભોગ ધુળેટી (આ વર્ષે 18 માર્ચ) સુધી ચાલશે. જેમાં આરતી પૂર્વે નવરંગ તથા અબીલ, ગુલાલ, કેસર ઉડાડીને વસંતોત્સવની ભારે ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. ઠાકોરજીને નિતનવા ભોગ ધરાવવામાં આવે છે. જુદાં જુદાં પદોનું સંગીતમય ગાન કરવામાં આવે છે. ભક્તો ઠાકોરજીને ખજૂર, ધાણી અને રંગબેરંગી રંગ અર્પણ કરે છે.
અગિયારસથી રંગોત્સવનો આરંભ
ફાગણ સુદ અગિયારસથી ડાકોરમાં રંગોત્સવનો પ્રારંભ થાય છે. અગિયારસે બાળસ્વરૂપ ગોપાલલાલજીશ્રીને સૌપ્રથમ મંદિરના પરિસરમાં પરિક્રમા કરાવવામાં આવે છે. ત્યારબાદ ચાંદીની અંબાડીથી સુશોભિત હાથી પર બિરાજમાન કરાવાય છે. ત્યારબાદ તેઓને લાલ બાગમાં લઇ જવાય છે. ત્યાં શ્રીજી મહારાજની સાથે સવારીમાં ઘોડાઓ સહિત અન્ય પાલખીઓ વિવિધ ભજનમંડળીઓ શ્રીજી મહારાજની નજર ઉતારે છે. સવારી દરમિયાન અબીલ-ગુલાલની રસછોળ ચારેકોર ઉડાડવામાં આવે છે. ત્યાંથી શ્રીજી મહારાજને પરત નિજ મંદિરે લાવતાં પૂર્વે લક્ષ્મીજીના મંદિરે લઈ જવાય છે. જ્યાં થોડા વિરામ બાદ આરતી-ભોગ ધરાવાય છે. ત્યાંથી શ્રીજી મહારાજને ભક્તરાજ વિજયસિંહ બોડાણાના મંદિરે લઈ જવાય છે. ત્યાં થોડા વિરામ બાદ હાથીની સવારી પર શ્રીજી મહારાજને નિજમંદિરે પરત લાવવામાં આવે છે. જ્યાં નિત્યક્રમ પૂર્ણ કરી શ્રીજીને મંદિરમાં બિરાજમાન કરાય છે.
હોળી પર્વે શણગાર ભોગ
હોળીના દિવસે શણગાર ભોગમાં નિત્ય ક્રમાનુસાર સોના અને ચાંદીની પિચકારીથી કેસર ઘૂંટેલા જળથી શ્રીજી મહારાજને સ્પર્શ કરાવીને સૌ ભક્તજનોને આ કેસરિયો રંગ છાંટવામાં આવે છે. ત્યારબાદ નવરંગનો શ્રીજી મહારાજને સ્પર્શ કરાવીને ભક્તોને છાંટવામાં આવે છે. નવરંગોમાં અબીલ, ગુલાલ, પીળો, લીલો, કેસરિયો, ભૂરો, જાંબલી, વાદળી અને આછો સોનેરી રંગ સૌ ભક્તોને છાંટવામાં આવે છે. ત્યારબાદ શ્રીજી મહારાજને ધાણી, ચણા, ખજૂર અને લાડુનો પ્રસાદ ધરાવવામાં આવે છે. જેમાં નિત્યક્રમના આઠ ભોગ પણ ધરાવાય છે. આ પછી ધુળેટીનો ઉત્સવ બીજા દિવસે ઊજવાય છે.
શ્રીજી મહારાજને ધુળેટીના દિવસે શણગાર ભોગ અર્પણ કર્યા બાદ આસોપાલવ અને લીલી દ્રાક્ષ બાંધેલા ડોળ (ઝૂલા) પર બિરાજિત કરાવવામાં આવે છે. ત્યારબાદ સોના-ચાંદીની પિચકારી અને નવરંગોથી હોળીના દિવસની જેમ જ ભક્તોને રંગો છંટાય છે. પાંચ ખેલ પૂર્ણ થયા બાદ ધુળેટીનો ઉત્સવ પૂર્ણ થાય છે. દર કલાકે આ પ્રકારનો ખેલ કરવામાં આવે છે.
આ ખેલના રંગે રંગાવવા માટે ગુજરાત અને આજુબાજુનાં રાજ્યોમાંથી પણ પગપાળા ચાલીને ભક્તો ડાકોરના ઠાકોરને મળવા અને દર્શન કરવા દોડી આવે છે. આ હોળી-ધુળેટીના પર્વ દરમિયાન ડાકોરમાં બેથી ત્રણ ટન જેટલો અબીલ ગુલાલ ઉડાડવામાં આવે છે. રાજા રણછોડરાયના ડાકોરના મંદિરમાં શિખરો ઉપર સંખ્યાબદ્ધ હજારો ધજાઓ વિવિધ યાત્રાળુઓ, સંઘો, પદયાત્રિકો દ્વારા ચઢાવાય છે.
ત્રણ દિવસનો ફાગણી મેળો
આ ત્રણ દિવસના ફાગણી મેળામાં પદયાત્રિકો રાજાધિરાજનાં દર્શન કરીને તેમના સન્મુખ અબીલ-ગુલાલની છોળ ઉડાડીને ભગવાન સાથે હોળી-ધુળેટી રમ્યાની આનંદથી અનુભૂતિ પ્રાપ્ત કરીને કૃતકૃત્ય થયાની લાગણી અનુભવે છે. આખું ડાકોરધામ જય રણછોડ... માખણચોરના જયઘોષ-પ્રતિઘોષથી ગુંજી ઊઠે છે.
પદયાત્રાની પુનિત પ્રેરણા
આધુનિક અને વાહનવ્યવહારના યુગમાં પણ શ્રાદ્ધાળુઓ રાજા રણછોડ પ્રત્યેની ભક્તિથી પ્રેરાઇ ડાકોરની પદયાત્રા કરીને પ્રભુનાં દર્શન કરવાનું વધુ પસંદ કરે છે. સંત શિરોમણી પુનિત મહારાજે પદયાત્રીઓને સંઘમાં જવાની પ્રેરણા આપી હતી. ભજન-કીર્તન અને ગરબા ગાતાં-ગાતાં શ્રીહરિનાં દર્શન કરવા જવું તેનાથી ઉત્તમ બીજું કશું જ નથી. મનમાં આવી જ ભાવનાથી શ્રદ્ધાળુઓ ડાકોરમાં બિરાજમાન ચતુર્ભુજ નારાયણનાં દર્શન કરીને ધન્યતા અનુભવે છે. જનસેવા એ જ પ્રભુસેવાની કહેવતને સાર્થક કરતા ડાકોરના માર્ગ પર ઠેર-ઠેર પદયાત્રીઓ માટે જમવા-રહેવા, નહાવાની, ચા પાણી, નાસ્તા, શીતળ શરબત, છાશ અને મેડિકલ કેમ્પની નિઃશુલ્ક વ્યવસ્થા પણ કરવામાં આવે છે.
મંદિરમાં વર્ષભર ઉજવાતા ઉત્સવો
વર્ષ દરમિયાન શ્રી રણછોડરાયજી મંદિરમાં આશરે 35 જેટલા ઉત્સવો ઊજવવામાં આવે છે. આ પૈકી કારતક, ફાગણ, ચૈત્ર અને મહિનાની પૂનમે ઊજવાતા ઉત્સવો મુખ્ય છે. નૂતન વર્ષના પ્રથમ દિવસે એટલે બેસતા વર્ષના દિવસે શ્રીજીનો ભવ્ય અન્નકૂટ યોજાય છે. આ સિવાય હોળી, જન્માષ્ટમી, નંદ મહોત્સવ, રથયાત્રા અને દશેરા જેવા તહેવારોની પણ શ્રી રણછોડરાયજી મંદિરમાં ધામધૂમથી ઉજવણી થાય છે. વસંતપંચમી પછી આવતો ફાગણ મહિનો એટલે ફાગોત્સવ. ફાગણ માસમાં શ્રીકૃષ્ણ અને રાધાજીએ હિંડોળે બેસીને ગોપી-ગોપાળો સાથે રંગોત્સવ મનાવ્યો હતો. રંગોત્સવ (ધુળેટી) એટલે પ્રેમનો ઉત્સવ. આ ઉત્સવને ફાગણિયો ઉત્સવ કહેવાય છે. હિન્દુ શાસ્ત્રોનાં અઢાર પુરાણો પૈકીના એક બ્રહ્મપુરાણમાં જણાવાયું છે કે ફાગણી પૂનમે હિંડોળે હીંચતા ભગવાન શ્રીકૃષ્ણનાં દર્શન કરવાથી વૈકુંઠની પ્રાપ્તિ થાય છે. આ અવસરનો લાભ લેવા માટે શ્રદ્ધાળુ વૈષ્ણવો અને ભગવાનના પ્યારા ભક્તો ફાગણી પૂનમે ધજાઓ સાથે પગપાળા ઊમટે છે.