તન-મનને સદાબહાર તરોતાજા કરવા નવા વર્ષમાં કરવા જેવા પાંચ સંકલ્પ

આરોહણ

રોહિત વઢવાણા Wednesday 25th November 2020 07:04 EST
 
 

નવા વર્ષનો આ પ્રથમ આર્ટિકલ એટલે સૌને નૂતન વર્ષના અભિનંદન. આવનારું વર્ષ આપ સૌના જીવનમાં ખુબ સુખ, સમૃદ્ધિ, સ્વાસ્થ્ય અને શાંતિ લઈને આવે તેવી પ્રાર્થના.
આવનારા વર્ષમાં શું કરીશું? દરેક વ્યક્તિ પોતાના જીવન અંગે કેટલીય ઈચ્છાઓ અને અરમાનો લઈને જીવતો હોય છે. તેમને પુરા કરવા પ્રયત્નો પણ કરે છે. કેટલાક પ્રયત્નો સફળ થાય છે અને કેટલાક અધૂરા રહે છે. માનવીનો સમય અને એનર્જી તો મર્યાદિત છે તો તેમને કેવી રીતે મહત્તમ પરિણામ મળે તેમ ઉપયોગમાં લેવા તે એક કલા છે. ઉપરાંત, જીવનનો સર્વાંગી વિકાસ સાધવા, આરોહણ કરવા, ઉર્ધ્વગમન કરવા માટે ચાર મહત્વના સ્તંભોનો સમવિકાસ કરવો જરૂરી છે અને આ ચાર સ્તંભ છે: આરોગ્ય, કારકિર્દી, પરિવાર અને અધ્યાત્મ. આ ચારેયને સ્તંભ એટલા માટે કહ્યા છે કે તે પૈકી એકેય કાચા ન રહેવા જોઈએ.
આવનારા નવા વર્ષમાં જો કોઈ પાંચ મહત્ત્વના ટાર્ગેટ સેટ કરવા હોય તો નીચેની બાબતો અંગે જરૂર વિચારજો.

દરરોજ ત્રીસ મિનિટની વોક

ઉંમરના પડાવ અનુસાર લોકો પોતાના સ્વાસ્થ્ય માટે વ્યાયામ કરતા હોય છે. પરંતુ ચાલવા જવું, વોક કરવી લગભગ બધી જ ઉંમરના લોકો કરી શકે તેવો વ્યાયામ છે. રોજની અડધા કલાકની ખુલ્લી હવાની સફર ન માત્ર શારીરિક તંદુરસ્તી વધારે છે, પરંતુ તેની સાથે સાથે વૈચારિક અને માનસિક સમૃદ્ધિમાં પણ વધારો કરે છે. શા માટે? કેમ કે ખુલ્લામાં ચાલવાથી આપણે વૃક્ષ, પક્ષી અને ખુલ્લા આકાશને જોઈએ છીએ અને તેનાથી આપણું મન પ્રફુલ્લિત થાય છે. જયારે આપણે તાજગી આપનાર દ્રશ્યો જોઈએ છીએ ત્યારે આપણા વિચારો સકારાત્મક બને છે. એટલે ખુલ્લામાં ચાલવા જવાથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સુધરે છે.

મહિનામાં એક પુસ્તક વાંચવું

હવે લોકોનો ઘણો સમય ટીવી અને મોબાઈલમાં જતો હોય છે એટલે સપ્તાહમાં એક પુસ્તક વાંચવું શક્ય ન પણ હોય, પરંતુ મહિનામાં એક પુસ્તક વાંચવાથી પણ આખા વર્ષમાં તમે એક ડઝન પુસ્તકો વાંચી શકશો. આ ટાર્ગેટ ખુબ નાનો કહેવાય, પરંતુ તેને નિયમિત રીતે પૂરું કરવાથી પણ એક સિદ્ધિ હાંસલ થઇ ગણાય. જો તમે છેલ્લા બે મહિનામાં એકેય પુસ્તક ન વાંચ્યું હોય તો આ ટાર્ગેટ તમારા માટે સચોટ છે. અને જો તમે છેલ્લા બે મહિનામાં બે પુસ્તકો વાંચ્યા હોય તો તમે મહિનામાં એક ને બદલે બે પુસ્તકો વાંચવાનો ટાર્ગેટ રાખી શકો. પુસ્તકની પસંદગી વિવિધ ક્ષેત્રમાંથી કરવી. ચાર-પાંચ નવલકથા, એક-બે ટૂંકી વાર્તાના પુસ્તકો, ત્રણ-ચાર સમાજ, રાજનીતિ કે વિજ્ઞાનને લગતા પુસ્તકો અને એક-બે આત્મકથા કે જીવનકથા વાંચવાનું નક્કી કરી શકાય.

જન્મદિવસ પર અભિનંદન

અંગત મિત્રો અને સગા-સંબંધીઓને તેમના જન્મદિવસ પર ફોન કરીને અભિનંદન આપજો. ફેસબુક અને વોટ્સએપના મેસેજ પર તો આપણે મેસેજથી બધા લોકોને અભિનંદન આપી દેતા હોઈએ છીએ. કોપી-પેસ્ટના મેસેજના જમાનામાં જો સમય મળે તો પાંચ મિનિટ ફોન કરીને નજીકના લોકોને અભિનંદન પાઠવવાની ચેષ્ટા કરજો. રાત્રે બાર વાગ્યે પહેલો કોલ કરવામાં કદાચ વ્યક્તિને અનુકૂળ ન હોય એટલે એવા સમયે કોલ કરવો જયારે તેને અગવડ ન પડે. શક્ય હોય તો એક દિવસ પહેલા પણ ફોન કરી શકાય જેથી જન્મદિવસના દિવસે આવતા અનેક મેસેજ અને કોલની વચ્ચે અને તેના આયોજનની વચ્ચે આપણે ખલેલ ન પાડીએ. યાદ રાખજો કે કોલ પાંચ મિનિટથી વધારે લાંબો ન કરવો.

અઠવાડિયામાં એક સમયનું ભોજન છોડજો

અત્યારે આપણે લોકો કુપોષણ નહિ, પરંતુ મેદવૃદ્ધિ અને અતિપોષણના શિકાર બની રહ્યા છે. ફાસ્ટ અને જંક ફૂડના જમાનામાં આપણે પોષણપ્રદ ખોરાક લગભગ ભૂલી જ ગયા છીએ. એટલે ન્યુટ્રિશનિસ્ટની સલાહ એવી છે કે અઠવાડિયામાં એક વખત તો ભોજન છોડવું જ જોઈએ અને શરીરને રાહત આપવી જોઈએ. અઠવાડિયામાં એક વખત ઉપવાસ કરવાનું મહત્ત્વ પણ એટલા માટે જ બધા ધર્મોમાં હોય છે. શરીર હંમેશા ત્રણ વખત અને ક્યારેક તો તેનાથી પણ વધારે વખત ખોરાકનું પાચન કર્યા કરે તેના કરતા તેને સપ્તાહમાં એકાદ વખત રાહત મળે તો ફાયદાકારક રહે છે.

આરામ કરવાનો સમય ફાળવો

હંમેશા ભાગતા રહેવું, કામ કરતા રહેવું અને તેમાં શરીરને અને મગજને જરાય આરામ ન આપવો તે આપણી રોજનીશી બની ગઈ છે. તેનાથી શરીર અને મગજ બંને થાકે છે અને તેમને આરામ મળતો નથી. રોજ થોડો સમય એવો આપવો કે જયારે આપણે શારીરિક પ્રવૃત્તિ પણ ન કરતા હોઈએ અને ટીવી, મોબાઈલ કે બીજી કોઈ એક્ટિવિટી પણ ન કરતા હોઈએ. આંખો બંધ કરીને, પગ લંબાવીને આરામ ખુરસી પર બેસવા જેવો સમય પણ પોતાના માટે ફાળવો. મેડિટેશન કે ધ્યાન કરવાનો એક ઉદેશ્ય આમ તો શરીર અને મનને શાંત કરવાનો જ હોય છે પરંતુ આજકાલ તો લોકો તેને પણ એક પ્રવૃત્તિ તરીકે લે છે. તેના કરતા તો એ વધારે સારું કે કઈંજ ન કરીએ અને થોડો સમય સંપૂર્ણ શાંતિ અને આરામથી વિતાવીએ.
આમ તો આ પાંચેય પ્રવૃત્તિ એટલી સરળ છે કે તેનું આયોજન કરવાની શું જરૂર તેવો પ્રશ્ન કોઈ પૂછી શકે. પરંતુ તેમનો જવાબ તમે જ આપી શકો કે છેલ્લે ક્યારે તમે આ પાંચ પૈકી એકેય પ્રવૃત્તિ કરેલી? (અભિવ્યક્ત મંતવ્યો લેખકના અંગત છે.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter