કોણ જાણે પિતા શું કહે અને પુત્રનું જીવન બદલાઈ જાય. પિતા હોય છે જ એવા, જેમની પાસેથી કોઈ શીખામણ માગવી પડતી નથી. તે હંમેશા કંઈ કહ્યા વિના માર્ગદર્શન કરે છે. સમગ્ર વિશ્વમાં 16 જૂને ફાધર્સ ડે ઉજવાશે તે પ્રસંગે કેટલાક મહાન લોકો સાથે સંકળાયેલા એવા અનુભવ સામે અહીં રજૂ કરવા પ્રયત્ન કર્યો છે, જેનાથી આપણે આપણા પિતાની અમૂલ્ય વાતો યાદ કરી શકીએ છીએ.
એક કબૂલાતે સત્યનો દરવાજો ખોલી નાંખ્યો
ગાંધીજી હાઈસ્કૂલમાં હતા ત્યારે તેમના એક મિત્રના કહેવાથી મટન ખાધું અને સિગારેટ પણ પીધી. થોડા દિવસો સુધી આમ ચાલતું રહ્યું. પરંતુ તેમણે અનુભવ્યું કે તેમનો પરિવાર શુદ્ધ શાકાહારી છે. પિતા પોરબંદર રાજ્યના દિવાન અને તેમની પંડિતાઈ અને ઈમાનદારી માટે ખ્યાતનામ હતા. ગાંધીજી ગુનાઈત લાગણી અનુભવવા લાગ્યા. ભૂલ કરી હોવાનું ધ્યાનમાં આવતાં તેમણે કબૂલાત કરતો પત્ર લખ્યો અને પિતાના ઓશિકા નીચે મુકી દીધો. બીમાર પિતા પથારીમાંથી ઊઠયા ત્યારે તેમણે પત્ર વાંચ્યો. તેમની આંખોમાં આંસુ આવી ગયા. કશું જ બોલ્યા નહીં, પરંતુ તેમના ચહેરા પર એવા ભાવ હતા કે જાણે તેમની પાસે તેમને માફ કર્યા સિવાય બીજો કોઈ માર્ગ નહોતો. ગાંધીજીના બાળ માનસ પર પિતાના આ આંસુ એક બોધપાઠની જેમ અંકિત થઈ ગયા. તેમણે નિર્ણય કર્યો કે ભૂલથી પણ કોઈ ખોટું કામ કરશે તો આગળ આવીને માફી માગી લેશે. પ્રાયશ્ચિત કરશે. આમ કરવાથી તેમને પોતે સત્ય સાથે જીવી રહ્યા હોવાનો સંતોષ થશે.
સૂર્યોદયથી પહેલાં ઊઠો
રવિન્દ્રનાથ ટાગોરને તેમના પિતાએ બાળપણમાં આ જ કહ્યું હતું. રવિન્દ્રનાથ સમજી શક્યા નહીં કે સૂર્યોદયથી પહેલાં ઉઠવાથી શું થશે, પરંતુ પિતાને પૂછવાની હિંમત કરી નહીં. પિતા મહર્ષિદેવેન્દ્રનાથની ભારે પ્રતિષ્ઠા હતી. તેઓ બંગાળના મોટા સમાજસુધારક હતા. રવિન્દ્રનાથ તેમની જિજ્ઞાસા સંતોષવા મોટા ભાઈ પાસે પહોંચ્યા. સાર એ નીકળ્યો કે પિતાએ કહ્યું છે તો તેની પાછળ જરૂર કોઈ મોટું કારણ હશે. તેઓ સવારે વહેલા ઉઠવા લાગ્યા. બે-ત્રણ દિવસ ખબર ન પડી. સૂર્યોદય સાથે કુદરતી વાતાવરણે મન મોહી લીધું તો તેનું ચિત્ર બનાવવાનું મન થયું. પંખીઓનો કલરવ સાંભળ્યો તો સંગીતપ્રેમ જાગ્યો. મંદિરમાં ભજન સાંભળીને ત્યાં જવા લાગ્યા. અધ્યાત્મમાં રસ જાગ્યો. કસરત કરતાં યુવાનો નજરે પડયાં. ટાગોર પણ તેમાં જોડાયા. સૂર્યોદયથી પહેલાં ઉઠવાનો અર્થ ગમેત્યારે સમજ્યા હોય, પરંતુ એક વર્ષમાં તેમનું જીવન જ બદલાઈ ગયું.
પૂર્વજોના સંઘર્ષને ક્યારેય ભૂલશો નહીં
અગ્નેસ બોજેક્શુને તેમના પિતાની એક જ શીખામણ યાદ રહી અને તેણે જ તેમને મધર ટેરેસા બનાવી દીધા. પિતા નિકોલા બોજેક્શુ સફળ વેપારી હતા. તેઓ તેમના બાળકોને કહેતા કે કોઈ પણ કામ કરતાં પહેલાં પોતાને પ્રશ્નો કરો કે તમે પૂર્વજોના નામ પર કલંક તો નથી લગાવતાને. તેઓ હંમેશા જરૂરિયાતમંદોને મદદ કરવાનું કહેતા. ગરીબોને ભોજન આપવા માટે એગ્નેસને મોકલતા. એગ્નેસ જતી તો ખરી, પરંતુ તે વિચારતી કે તેનાથી શું થશે? 1918માં એગ્નેસ આઠ વર્ષનાં હતા ત્યારે એક દિવસ સમાચાર મળ્યા કે કોઈએ પિતાને ઝેર આપી દીધું છે. પિતાના મૃત્યુના દિવસે આખું શહેર બંધ રહ્યું. અનેક લોકોએ સાંત્વના આપી. એગ્નેસને ખ્યાલ આવ્યો કે અન્યોની મદદ કરીને પિતાએ શું મેળવ્યું છે. આ જ સમયમાં પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થયું. ચારે બાજુ દુર્દશા હતી. એગ્નેસ પોતાનો સમૃદ્ધ પરિવાર છોડીને પિતાની જેમ સમાજસેવાના માર્ગે ચાલી નીકળી.
સંઘર્ષ કરો અને પોતાની જગ્યા જાતે બનાવો
રાજ કપૂર 12-13 વર્ષના હતા ત્યારે તેમણે પૃથ્વી થિયેટરમાં કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી. પિતા પૃથ્વીરાજ કપૂરે જવાબ આપ્યો, થિયેટરમાં જઈને નાટક શરૂ થતાં પહેલા અને પૂરું થયા બાદ સાફ-સફાઈ કર. પ્રખ્યાત ફિલ્મ સમીક્ષક જયપ્રકાશ ચોક્સે જણાવે છે કે રાજને આશા હતી કે પિતા તેમને સહાયક તરીકે કામ કરવાની તક આપશે. દરમિયાન રાજે થિયેટરમાં સફાઈ કર્મચારી તરીકે પોતાનું કામ શરૂ કર્યું. થિયેટરમાં પિતા-પુત્ર વચ્ચે કોઈ વાત થતી નહીં. નાટક પૂરું થયા બાદ પૃથ્વીરાજ કપૂર અને અન્ય કલાકારો મોડી રાત સુધી સંવાદની બારીકાઈ અંગે ચર્ચા કરતા રહેતા. રાત્રે જ બીજા દિવસના નાટકનું રિહર્સલ કરતા. ત્યાર બાદ પૃથ્વીરાજ કપૂર પોતાની કારમાં ઓપેરા હાઉસથી માટુંગામાં ઘરે જતા રહેતા. પરંતુ ક્યારેય રાજને સાથે લઈ જતા નહીં. નાટકની બારીકાઈઓને યાદ કરતા કરતાં આ અંતર હંમેશા રાજ પગપાળા જ કાપતા.
જે પણ કરો, સર્વશ્રેષ્ઠ કરો
કોર્નેલિયા સોરાબજી દેશનાં પહેલાં મહિલા વકીલ હોવાનું ગૌરવ ધરાવે છે, પરંતુ તેના માટે તેમના પિતા રેવરન્ડ સોરાબજીએ સંઘર્ષ કર્યો હતો. તેઓ પુત્રીને બોમ્બે યુનિવર્સિટીમાં ભણાવવા માગતા હતા. ત્યાં મહિલાઓને પ્રવેશ અપાતો નહોતો. પરંતુ તેઓ પુત્રીના પ્રવેશ માટે અડગ રહ્યા. અંતે 1885માં પ્રવેશ મળ્યો. પુત્રીને જે પણ કરે, શ્રેષ્ઠ કરજે તેમ કહીને કોલેજ મોકલી.
કોર્નેલિયા બેરિસ્ટર બનવા માગતાં હતાં, પરંતુ મહિલા હોવાને કારણે તેમને ઓક્સફર્ડમાં પ્રવેશ મળ્યો નહીં. તેઓ બ્રિટન જઈને અનેક કાયદા નિષ્ણાતો અને જનપ્રતિનિધિઓને મળ્યાં. લો ગ્રેજ્યુએટ થઈને ભારત પાછા ફર્યા તો બોમ્બે હાઈર્કોટના ચીફ જસ્ટિસે મહિલા વકીલને પ્રેક્ટિસ કરવા પર પ્રતિબંધ લગાવી દીધો. તેમણે ફરી પત્ર લખ્યો. હાઉસ ઓફ કોમન્સમાં આ મુદ્દો ઉઠાવ્યો. તત્કાલીન વાઈસરોય લોર્ડ કર્ઝનના ત્રણ વાંધાને ફગાવીને અંતે કોર્નેલિયાને 1904માં વકીલત કરવાની મંજૂરી અપાઈ.