તમારા બાળકો ત્યારે જ સફળ થશે જ્યારે તે શિસ્ત શીખશેઃ એસ્થર વોજસ્કી

Saturday 17th December 2022 07:31 EST
 
 

વોશિંગ્ટનઃ યુટ્યુબના સીઈઓ સુજૈનનાં માતા એસ્થર વોજસ્કીનું માનવું છે કે બાળકોની સફળતા માટેની પૂર્વશરત છે તેમનામાં શિસ્તબદ્ધતા. એસ્થર વોજસ્કી જાણીતાં અમેરિકી પત્રકાર છે. તેમના માતા-પિતા રશિયન યહૂદી અપ્રવાસી હતા, જેઓ 1930ના દાયકામાં અમેરિકાના ન્યૂ યોર્ક શહેર આવી ગયા હતા. એસ્થરે યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાથી જર્નાલિઝ્મનો અભ્યાસ કર્યો હતો. તેઓ એક સફળ માતા મનાય છે કેમ કે તેમની ત્રણેય દીકરીઓ આજે દેશવિદેશમાં ઊંચા પદો પર બિરાજિત છે, મોટી જવાબદારીઓ સંભાળી રહી છે. ચાલો એસ્થર વોજસ્કી પાસેથી જ સમજીએ કે બાળકોનો ઉછેર કેવી રીતે કરી શકાયઃ
સંતાનોને મોબાઈલના ઉપયોગ માટે રાહ જોતાં શીખવાડો
મારી દીકરી સુજૈન આજે યુટ્યુબની સીઈઓ છે. બીજી દીકરી જેનેટ ડોક્ટર અને ત્રીજી દીકરી હેલ્થ કંપની 23એન્ડમીની સહ-સંસ્થાપક છે. પુરુષવાદી સમાજમાં તેમનો ઉછેર સરળ નહોતું. મારો ઉદ્દેશ્ય તેમને એ અહેસાસ કરાવવાનો હતો કે તેઓ પણ પુરુષોની સમાન જ છે. હરીફાઈથી આગળ વધી શકે છે. બધા માતા-પિતા પોતાના બાળકોને આગળ વધતા જોવા ઈચ્છે છે પણ તે તેમના ઉછેરમાં અમુક ભૂલો કરી દે છે. તેમણે સમજવું પડશે કે બાળક મોટું થઈને કેવું બનશે? શિસ્ત જ સફળતાનો મૂળ મંત્ર છે.
અત્યારે આપણે ઈલેક્ટ્રોનિક ડિવાઈસના દોરમાં જીવી રહ્યા છીએ. આ ડિવાઈસ તેમને પ્રગતિના માર્ગે આગળ વધારી શકે છે તો બરબાદ પણ કરી શકે છે. આ જવાબદારી માતા-પિતાની છે કે તે બાળકોને ટેક્નોલોજી પ્રત્યે શિસ્ત શીખવાડે. જોકે આના પહેલા તમારે એટલે કે માતા-પિતાએ પોતે શિસ્તબદ્ધ થવું પડશે. પેરેન્ટ્સ પણ નક્કી કરે કે ફોનનો ઉપયોગ ક્યારે કરવો છે અને ક્યારે નહીં?
સરવે અનુસાર 32 ટકા બાળકો કહે છે કે તેમના માતા-પિતા ફોનનો ઉપયોગ કરતી વખતે તેમના પર ધ્યાન આપતા નથી. તમારા બાળકોને મોબાઇલના ઉપયોગ માટે રાહ જોતાં શીખવાડો. એક રિસર્ચમાં સામે આવ્યું છે કે જે બાળકો કોઈ રિવોર્ડ માટે રાહ જોતા શીખે છે તેઓ મોટા થઇને સારું જીવન જીવે છે. મેં મારી દીકરીઓને પૈસાની બચત કરતા શીખવાડ્યું છે. તેમની પોતાની પિગી બેન્ક પણ હતી. અમે અખબારોમાં દર રવિવારે આવતી કૂપનો કાપી લેતા હતા. તેનાથી તે કંઇક પ્રાપ્ત કરવા માટે રાહ જોતા શીખી. બાળકોને કંટાળવા દો. આ સમયે તેમને મોબાઇલનો ઉપયોગ ન કરવા દો. તેની જગ્યાએ તેમને વિચારવા દો કે તેઓ આ સમયમાં શું કરવા માગે છે. આનાથી તેમની વિચારશક્તિ ખીલશે. બાળકો સાથે મળીને નિયમ બનાવો કે ઘરમાં ક્યારે મોબાઈલ-લેપટોપનો ઉપયોગ કરશો અને ક્યારે નહીં. જેમ કે, જમતી વેળાએ ફોનનો ઉપયોગ ટાળવો. આ પ્રકારની શિસ્તબદ્ધતા તેમને સર્વાંગ સંપૂર્ણ વ્યક્તિત્વના વિકાસમાં બહુ ઉપયોગી સાબિત થશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter