બનારસની દીપિકા કલ્ચરલ સોસાયટી ઓફ ઈન્ડિયા ભાતભાતના સાંસ્કૃતિક કાર્યક્રમો અને ઉત્સવો યોજવામાં અગ્રણી. તેણે મેઘમલ્હાર રાગનો કાર્યક્રમ યોજ્યો. આમાં ત્રણ સંગીતકારોને એક જ રંગમંચ ભેગાં કર્યાં. આમાંના બે ભારત અને વિદેશોમાંય જાણીતા સોમા ઘોષજી અને અનુપ જલોટા. બંને પદ્મશ્રીથી વિભૂષિત. ત્રીજા કલાકાર તરીકે ગુજરાતી ગાયક અને જાણીતાં માયા દીપક. કાર્યક્રમ હતો બનારસના કેન્ટોન્મેન્ટ વિસ્તારની રેડીસન બ્લ્યુ હોટેલમાં. કાર્યક્રમ ગોઠવાયો હતો આઝાદીના અમૃત મહોત્સવની ઊજવણીના ભાગરૂપ આ કાર્યક્રમમાં મલ્હાર રાગ ગાવાનું ગોઠવાયું હતું. શ્રોતાઓથી ખીચોખીચ ભરેલા આ સભાખંડમાં બનારસના પૂર્વ મેયર રામગોપાલ મોહેલે અને બ્રિગેડિયર રાજીવ નાયલાજી અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત હતા. મંત્રમુગ્ધ શ્રોતાઓની તાળીઓનો ગડગડાટ વચ્ચે વચ્ચે થતો હતો.
આ કાર્યક્રમમાં સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરીને તેમને અંજલિ આપવામાં આવી હતી. ઉપરોક્ત બંને પદ્મશ્રી સોમા ઘોષજી અને અનુપ જલોટાને ગુરુપ્રસાદ રત્નના એવોર્ડ સન્માનિત કરાયા અને તેમની સાથે જ ગુજરાતની સુપુત્રી અને સંગીતનિપુણ માયા દીપકનું ‘ગુરુપ્રસાદ રત્ન’ એવોર્ડ અર્પણ કરી સન્માન કરાયું. સંગીત ક્ષેત્રે અને ખાસ કરીને રાગ મલ્હાર ક્ષેત્રે માયા દીપક પેલા બે પદ્મશ્રી ગાયકોની સમકક્ષ માન પામ્યાં.
રાગ મલ્હારને જાણે કે ગુજરાતની ધરતી ગમી ગઇ છે. પાંચસો વર્ષ પહેલાં રાજવી અકબરનાં નવ રત્નોમાંના એક તાનસેને અકબરના આગ્રહને વશ થઈને દીપક રાગ ગાયો. દીપક પ્રગટાવ્યા. અકબરના દીલમાં આનંદનો દીપક પ્રગટ્યો તો તાનસેનના તનમાં એ દીપક રાગે દાહ જન્મ્યો. દાહની વેદના અસહ્ય બની. તાનસેનની દશા અવદશામાં પલટાઈ. કોઈ મલમ કે લેપથી દાહ ના જ મટ્યો ત્યારે એક ઉપાય સૂચવાયો. કોઈ મલ્હાર રાગ ગાય તો તાનસેનના દેહનો દાહ મટતાં દિલને ઠંડક થાય. મલ્હારના માહેરની શોધ ચાલી. અંતે વડનગરની બે નાગર કન્યાઓ તાના અને રીરીને શોધીને માનભેર દિલ્હી લઈ જવાઈ. તાના-રીરીએ મલ્હાર રાગ ગાયો અને તાનસેનના તનનો તાપ મટ્યો.
ઉત્તર ગુજરાતની તાના-રીરી, ઉત્તર ગુજરાતનાં માયા દીપક. બંને ગુજરાતને સંગીતક્ષેત્રે યશ અપાવનાર. જોકે, આ સિવય સંગીતના ક્ષેત્રે ઋષિસમ પંડિત ઓમકારજી અને રાવજીભાઈ પટેલ પણ ગુજરાતના.
બનારસના વિકાસ અને આધુનિકીકરણના ભાગરૂપે નરેન્દ્ર મોદીની પ્રેરણાથી સર્જાયેલ ટ્રેડ ફેસિલિટેશન સેન્ટરના એમ્ફી થિયેટરમાં શનિ-રવિની સાંજે ભારત સરકાર તરફથી માન્ય કલાકારને પોતાની કલાભિવ્યક્તિની છૂટ મળે છે. માયા દીપકની કલાભિવ્યક્તિને ત્યાં મોકળાશ મળી. પછી ત્યાં પણ એમનું અભિવાદન થયું.
ગુજરાતી માયા દીપકે ગુજરાતની શાળા-કોલેજોમાં અત્યાર સુધીમાં ઘણાં કાર્યક્રમો આપ્યાં છે. આ ઉપરાંત ઈંગ્લેન્ડ અને યુરોપના દેશો, અમેરિકા અને આરબ દેશોમાંય તેઓ પહોંચ્યાં છે. લંડનના ‘ગુજરાત સમાચાર’ અને ‘Asian Voice’એ એમને આપેલા એવોર્ડ પછી માયા દીપક લંડનમાં જાણીતાં થયાં અને પછી અન્યત્ર. ગુજરાત સરકારે સંગીત ક્ષેત્રે સર્વોત્તમ ગૌરવ એવોર્ડથી એમને નવાજ્યાં છે.
માયા દીપક પોતાની પ્રગતિ અને આત્મશ્રદ્ધા વધારવામાં ‘ગુજરાત સમાચાર’ના પ્રકાશક-તંત્રી સી.બી. પટેલને કારણભૂત માને છે.
કલાભિવ્યક્તિ માટે માયા દીપકે 45 વખત વિદેશયાત્રા કરી છે. ગુજરાતી રાસ, ગરબા, ભજનો, ગીતો વગેરેમાં તેમના કંઠનાં કામણે ગુજરાતની શાન વધારી છે. માયા દીપકે ગુજરાતી તાના-રીરીની યાદ તાજી કરી છે.