એક ચિંતક ઈતિહાસકારનું કહેવું છે કે રાષ્ટ્ર તો એક હોઇ શકે પણ તેમાં “દેશ” અનેક અને અલગ હોય છે. તેની ખાસિયતો જુદી, મિજાજ અલગ અને પ્રજાની જીવન શૈલીમાં તફાવત હોય. આને બ્રિટિશરોએ અલગાવના ચોકઠામાં બંધ બેસતી કરી નાખી ને ચતુરાઇ પૂર્વક પ્રચાર કર્યો કે ભારત તો એક છે જ નહિ. ત્યાં ભાષા, સંપ્રદાય, રહેણી-કરણી સાવ અલગ છે. પછી વિદ્વાનોએ ઉમેર્યું કે અહી કોઈ એક સંસ્કૃતિ છે જ નહિ, અનેક સંસ્કૃતિઓ છે. તેમણે એવું તરકટ શોધી કાઢ્યું કે આર્યોં બહારથી આવ્યા હતા, એટ્લે અહી આર્ય-અનાર્ય બે સંસ્કૃતિ વિકસી છે. પછી તો રાજકીય રીતે મુઘલ અને ઈસ્લામિક શાસનો નો આધાર લઈને હિન્દુ-મુસ્લિમ અલગ સ્ંપ્રદાયના નામે ભારતના ભાગલા સુધીનું દુર્ભાગ્ય સરજાયું. વાસ્તવમાં તો અહી એક જ સંસ્કૃતિ છે, તે ભારતીય સંસ્કૃતિ છે. તેના વટવૃક્ષની અનેક ડાળીઓ છે. “વિવિધતામાં એકતા” એ આપણી વિશેષતા છે.
આ ખાસિયતોની પણ અદ્દભુત દુનિયા છે. રાજનીતિ અને સમાજનીતિ બંનેમાં પોતપોતાની વિવિધતા દરેક જગ્યાએ જોવા મળે. એકલા ગુજરાતનું ઉદાહરણ લઈએ તો અહી વિભાગોની પ્રજા પણ એકઢાળ સાથેની નથી. હવે તો વાહનવ્યવહારની વિપુલતા થઈ અને રાજ્યો અલગ હતા તે એક ગુજરાતમાં જોડાઈ ગયા. કચ્છ કેન્દ્રિય સત્તા હેઠળ હતું, સૌરાષ્ટ્રનું અલગ રાજ્ય અને સરકાર હતા, બાકીના ગુજરાતને મુંબઈ રાજયમાં જોડી દેવામાં આવ્યા હતા. તે સમયે પણ બધાની તરહ અલગ અને રસપ્રદ હતી. ગુજરાતમાં પ્રવેશ કરવા માટે એકમાત્ર સ્ટેશન વિરમગામ હતું, એટ્લે સૌરાષ્ટ્રવાસીઓ માટે બાકી ગુજરાત “વાયા વીજી” કહેતા. એક કહેવત પ્રચલિત હતી કે કાઠિયાવાડીના માથા પીઆર પાઘડીના જેટલા વળ એટલા તેના દિમાગમાં હોય! જૂનાગઢની લોકકથામાં સૌથી જાણીતી રાણકદેવીએ તો બે પ્રદેશો-સોરઠ અને ઉત્તર ગુજરાત- ની વચ્ચે દોહામાં ભેદ પડી આપ્યા, “બાળું પાટણ દેશ, પાણી વિના પૂરા મરે, સરવો સોરઠ દેશ , સાવજડાં સેંજળ પીએ!”
આજકાલ સૌરાષ્ટ્રના રાજકારણ વિષે મીડિયાને મથાળા અને અહેવાલો આપવાની મજા પડી ગઈ છે, પણ આ બધુ આજકાલનું નથી. સ્વતંત્રતા પહેલાનું છે. સૂફી દારાને ઔરંગઝેબથી બચાવી લેવા આશ્રય કઠિયાવાડે આપ્યો હતો. ભૂચર મોરીના યુદ્ધમાં દેશભરથી આવેલા નાગા બાવા યુદ્ધે ચડ્યા હતા. લીંબડીના રાજવી જશવંત સિંહ રાજકર્તા ઉપરાંત ચિંતક હતા, અને સ્વામી વિવેકાનંદ તેમની સાથે ચર્ચા-વિમર્શ કર્યા હતા. ગોંડલ નરેશ વિદ્યાપ્રેમી હતા તેની સાક્ષી ભગવદ-ગોમંડલ જેવો કોષ છે. 1857 ની સ્વાતંત્ર્ય લડાઈ પૂરા દેશમાં સૌથી અઢી વર્ષો સુધી ઓખા-દ્વારિકાના વાઘેરો માણેકોએ લડી હતી. 1947ની આઝાદી પછી, સુભાષચંદ્ર બોઝની આઝાદ હિન્દ ફોજથી પ્રેરિત આરઝી હકૂમતની સ્થાપના કરીને જુનાગઢ- માણાવદરને પાકિસ્તાનથી મુક્ત કર્યું હતું, અને એ પણ રસપ્રદ ઇતિહાસ છે કે ભારતમાં સમગ્ર પ્રાંતિક રાજયોની સરકારો થઈ તેમાંની એકમાત્ર સૌરાષ્ટ્ર સરકારની સામે ભૂપત બહારવટિયાની ટોળી મેદાને આવી હતી. સૌરાષ્ટ્રની રાજકીય ચૂટણીની તરાહ તપાસવા જેવી છે. ગાંધી-સરદારની સલાહથી આરઝી હકૂમતના જે સેનાપતિ હતા તે ગાંધીજીના ભત્રીજા હતા, શામળદાસ તે, કોંગ્રેસમાં રહેવાને બદલે બગાવત કરીને ચૂટણી લડ્યા અને હાર્યા.
1952થી સૌરાષ્ટ્ર સરકાર બની, ઢેબરભાઇ અને જામ સાહેબ એકબીજાના પ્રજાકીય વિરોધી સાથે મળ્યા અને આ સરકાર ચાર વર્ષ ચાલી. 1954થી 1956 રસીકલાલ પરીખે સુકાન સંભાળ્યું. ચૂટણીમાં ત્યારના પક્ષોમાં મુખ્ય કોંગ્રેસ. તેની સામે કોંગ્રેસના એક સમયના રાષ્ટ્રીય પ્રમુખ આચાર્ય કૃપલાણીનો કૃષક મઝદૂર પક્ષ હતો, ઇંદુલાલ યાજ્ઞિક પણ તેમાં હતા. ગુજરાત ખેડૂત પરિષદે લોકપક્ષ બનાવ્યો. આ બધાએ એકત્રિત થઈને સૌરાષ્ટ્રમાં મોરચો માંડ્યો. ત્યારે પણ કડવા પટેલ, લેઉવા પટેલ, નાના રજવાડાઓ, આવું સમીકરણ રચાયું હતું. જશવંત મહેતા ત્યારે સમાજવાદી પક્ષ તરફથી મહુવામાં લડ્યા અને જીત્યા.
એક નોંધપાત્ર વાત એ પણ છે કે ભારતીય જનસંઘનું એપી સેન્ટર રાજકોટ રહ્યું. શરૂઆતમાં તેનું ક્ષેત્ર આંદોલનો પૂરતું રહ્યું પણ ક્રમશ: સંઘ-પરિવારના તમામ સંગઠનો , મઝદૂર સંઘ, વિદ્યાર્થી પરિષદ વગેરે અહી સ્થાપિત થયા. હરિસિંહજી ગોહિલ, ચીમનભાઈ શુક્લ, અરવિંદ મણિયાર, કેશુભાઈ પટેલ, વિજય રૂપાણી, વજુભાઈ વાળા.. આ સૌ રાજકોટથી પ્રવૃત્ત થયા. જનસંઘે પ્રથમ મુખ્યમંત્રી અને સાંસદ રાજકોટથી આપ્યા. જુનાગઢ, લીંબડી, ભાવનગર, જામનગર,અમરેલી, સુરેન્દ્રનગર એમ બીજે પણ સંગઠનની જાળ વિસ્તરી. જનસંઘને સૌ પ્રથમ સૌરાષ્ટ્રમાં બે મ્યુનિસિપાલિટીમાં બહુમતી મળી તે બોટાદ અને માણાવદર. આમાં માણાવદરમાં તો જનસંઘ નેતા ગોરધનભાઈ ચૌહાણની સ્થાપિત હિતોએ હત્યા કરી નાખી હતી.
બેશક, સૌરાષ્ટ્રે ગુજરાત વિધાનસભાને મુખ્યમંત્રીઓ આપ્યા પણ પક્ષની અંદર પોતપોતાની રાજનીતિ સક્રીય રહી. જીવરાજ મહેતાને મુખ્યમંત્રી પદેથી હટાવવા કોંગ્રેસમાં જે લોબી કામ કરી રહી હતી તે સૌરાષ્ટ્રનું વર્ચસ્વ સાંખી લે તેવી નહોતી. અરે, ઢેબરભાઇને જવાહરલાલ પોતાના રાજકીય વારસદાર બનાવવા માગતા હતા, તેની સામે મોરારજીભાઇ સક્રિય રહ્યા તે વિષે ઢેબરભાઇના જીવનીકાર અને સચિવ મનુભાઈ રાવળે પુસ્તકમાં રસપ્રદ વિગતો આપી છે ! જીવરાજ મહેતાની સાથે રતુભાઈ અદાણી, રસીકલાલ પરિખને પણ જ્વું પડ્યું. રતુભાઈએ તો અસંતુષ્ટ કોંગ્રેસીઓનો એક રાષ્ટ્રવાદી પક્ષ પણ સ્થાપ્યો હતો. રતિભાઈ ઉકભાઈ પટેલ તો કાયમ અલગ સૌરાષ્ટ્રના હિમાયતી રહ્યા અને તેને માટે એક અખબાર પણ બહાર પાડ્યું હતું.
સૌરાષ્ટ્ર અર્થાત કાઠીયાવાડની રસપ્રદ રાજનીતિનું એક ઉદાહરણ રાજકોટ સત્યાગ્રહનું છે. દરબાર વીરાવાળાએ ગાંધીજીના સત્યાગ્રહને નિષ્ફળ બનાવવાનું ઉદાહરણ ખુદ ગાંધીજી
નોંધ્યું છે, જેમાં સરદાર વલ્લભભાઈ નાસીપાસ થયા હતા.!