ગુજરાતના ઉત્તમોત્તમ અને આચરનિષ્ઠ શિક્ષક / આચાર્ય વિઠ્ઠલભાઈ પટેલે ખેતીવાડીમાં સરદાર પટેલ હાઈસ્કૂલમાં પાણીની નવી ટાંકીનું ઉદ્ઘાટન શાળાના સાતમા ધોરણના તેજસ્વી વિદ્યાર્થી દીપક વ્યાસ પાસે કરાવ્યું. આનાથી વિકસેલી આત્મશ્રદ્ધા, પિતાનો સંસ્કારવારસો અને સ્વબુદ્ધિએ આ વિદ્યાર્થીની મેઘા અને તેજસ્વિતા વિકસતી ચાલી. શાળામાં વકતૃત્વ સ્પર્ધા હોય કે પરીક્ષા એ બધામાં મોખરે રહે. ઈનામ વિજેતા રહે. તેજસ્વિતા ઝળકી ઊઠી અને બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલયમાંથી 1977માં પ્રથમ વર્ગમાં ડીસ્ટીંગવિસ્ડ સિવિલ એન્જિનિયર બન્યા અને એનડીડીબીમાં સિવિલ વિભાગમાં એન્જિનિયર તરીકે જોડાયા. તે દરમિયાન તેમણે ગોવા, કર્ણાટક, મહારાષ્ટ્ર વગેરેમાં ડેરી પ્લાન્ટ, કેટલફીડ પ્લાન્ટ, ફિશરીઝ અને મીટ કોમ્પલેક્સમાં સિવિલ સાઈડના બાંધકામની પ્રવૃત્તિ કરી. ગુજરાતમાં સાબરમતી આશ્રમ ગૌશાળાનાં મકાનો તેમની દેખરેખમાં બંધાયાં.
એનડીડીબીમાં હતા ત્યારે તેમને કોરિયા અને જાપાન જેવા દેશોની કંપનીઓએ કામ માટે મોકલેલાં ટેન્ડરો ખોલવાની તક મળી હતી. પોતાના ઉપરી અધિકારીઓના એ પૂરા વિશ્વાસપાત્ર હતા. આથી તો વિવિધ પ્રસંગે સંખ્યાબંધ વિદેશી મહાનુભાવોને નજીકથી જોવાની અને સાંનિધ્ય પામવાની તેમને તક મળી હતી. આમાં ઈંગ્લેન્ડના ત્યારના પ્રિન્સ ચાર્લ્સ, વિશ્વ બેંકના પ્રમુખ રોબર્ટ મેકનમારા, નેધરલેન્ડનાં મહારાણી વગેરેનો સમાવેશ થાય છે.
1982માં તેમણે બીવીએમ કોલેજમાં જ્યાં ભણ્યા હતા ત્યાં જ લેક્ચરર તરીકે નોકરી સ્વીકારી. ભણતાં ભણતાં તેઓ સિવિલમાં એમ.ઈ. થયા. તેમણે નોકરીની સાથે શિક્ષણયજ્ઞ ચાલુ રાખ્યો. પીએચ.ડીનો અભ્યાસ શરૂ કર્યો. વિદ્યાર્થીઓને ક્યાંય અન્યાય ના થાય તેની કાળજીથી અભ્યાસ કરવામાં ખૂબ ખેંચાવું પડતું. કૌટુંબિક જવાબદારી પણ હતી. માબાપ પણ સાથે હતાં. સતત પરિશ્રમે તેઓએ પીએચ.ડીની ડીગ્રી હાંસલ કરી.
2013માં એમને યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે બઢતી મળી. અવારનવાર દેશમાં એન્જિનિયરિંગ ક્ષેત્રે યોજાતી કોન્ફરન્સોમાં તેઓ હાજરી આપતા. તેમાં પેપર રજૂ કરતા અને થતી ચર્ચાઓમાં ઝંપલાવતાં. આ વખતે તેમની સૂઝ, અનુભવ, જ્ઞાન અને ચિંતન ઝળકી ઊઠતું. ઈન્ટરનેશન કોન્ફરન્સ ઓન ઈનોવેટિવ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગમાં તેમના શોધનિબંધને સિવિલ એન્જિનિયરિંગમાં પ્રથમ ઈનામ મળ્યું હતું.
2017માં નિવૃત્ત થયા પછી ચારુસેટ યુનિવર્સિટીમાં એ માનાર્હ પ્રોફેસર તરીકે જોડાયા. બીવીએમ હોય કે ચારુસેટ, બંનેમાં તે પોતાની સંપૂર્ણ શક્તિ ખર્ચીને એના પ્રશ્ન ઊકેલવામાં અને એની પ્રતિષ્ઠા વધારવામાં ભાગ ભજવતા.
બીવીએમના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સંગઠન 1962માં રચાયું હતું તે 1989માં એના સભ્ય બન્યા અને તેની કારોબારીમાં સભ્ય બન્યા ત્યારે એની સભ્ય સંખ્યા 345 હતી. 2017માં એ તેના સહમંત્રી બન્યા ત્યારે તે સંખ્યા વધીને 13000 થઈ. આ સંખ્યા વધારવામાં તેમનું પણ પ્રદાન હતું. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સાથે એમનો સબળ અને સક્રિય સંબંધ રહ્યો છે. આ સંગઠન પાસે પોતાની સ્વતંત્ર ઓફિસ છે. સંગઠનના અમૃત મહોત્સવમાં 2008માં રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ પધારેલા ત્યારે તે આયોજન મંત્રી હતા. 2022-23માં એની પ્લેટિનમ જયંતિ ઊજવાઈ તેમાં તે ઉદ્ઘોષક હતા. આ વખતે બારેક કરોડ રૂપિયાની રકમ આવી તે બીવીએમના મૂળભૂત માળખાના વિકાસમાં ઉપયોગમાં લેવાશે.
દીપકભાઈને શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં ઊંડો રસ છે. શિક્ષણ માનવીય કલ્યાણમાં મહત્ત્વનો ભાગ ભજવે છે એવી માન્યતાને લઈને તે અવારનવાર શિક્ષણસંસ્થાએ જતા. વલાસણમાં ગર્લ્સ હાઈસ્કૂલ નવેનવી તે જોવા મહંતસ્વામી ગયા હતા. સંજોગોવશાત્ દીપકભાઈ પણ કાર્યક્રમમાં હાજર હતાં. આયોજકે ત્યારે દીપકભાઈ વ્યાસના નામનો ઉલ્લેખ કરતાં મહંતસ્વામી મહારાજે દીપકભાઈને શંકરલાલ વ્યાસનો ઉલ્લેખ કરતાં કહ્યું, ‘શંકરલાલ વ્યાસ મારા વિદ્યાગુરુ હતા.’ દીપકભાઈએ શંકરલાલ તેમના પિતા હોવાની વાત કરતાં મહંતસ્વામીએ તેમના ખબરઅંતર પૂછ્યા અને પથારીવશ ગુરુની ખબર કાઢવા બપોરે તાપમાં કૃષ્ણ સોસાયટીમાં આશાભાઈ ચાવાળાના મકાનમાં ત્રીજે માળે રહેતા શંકરલાલને મળવા ત્રણ દાદર ચઢીને પહોંચ્યાં. ગુરુનું અભિવાદન કર્યું. ગુરુ પોતાના ધાર્મિક ગુરુ મહંતસ્વામીને નમ્યા. બંનેએ પરસ્પર નમન પછી ભગવાન સ્વામીનારાયણની આરતી કરી. લાખો ભક્તોના નમસ્કાર ઝીલતા આશીર્વાદ દેતા સદ્ગુરુની નમ્રતા અને શંકરલાલ વ્યાસ પ્રત્યેના વિદ્યાર્થીપ્રેમનું આમાં દર્શન થાય છે.
આ શંકરલાલ વ્યાસ 1923માં જામનગર પાસેના લતીપુરમાં જન્મેલા. પિતા હરિલાલ ગોવિંદજી ગામમાં હાટડી ચલાવે અને ગાયો રાખે. તેમના વડદાદા ગોરધનજી વ્યાસ પાકા શિવભક્ત. તેઓ કાશીથી શિવલિંગ લઈને ચાલતા લતીપુર આવેલા. આજે ગામના એ શિવાલયમાં એ જ શિવલિંગ છે એ શિલાલેખમાં કોતરેલ છે.
શંકરલાલ જામસાહેબની સ્કોલરશિપથી ભણીને અલ્લાહાબાદથી 1944માં બી.એસ.સી.(એગ્રીકલ્ચર) પછી બોન્ડની શરત મુજબ બે વર્ષ જામસાહેબને ત્યાં કામ કર્યા પછી મુંબઈની આરે કોલોનીમાં છ માસ નોકરી કરીને આણંદ ડેરી સાયન્સ કોલેજમાં આવ્યા. અહીં આવવાનું કારણ હતું ખેતીવાડીના સ્થાપક ડો. એમ. ડી. પટેલની માણસપરખ અને મદદરૂપ થવાની ભાવના. બી.એસસી.(એગ્રી.) વખતે શંકરલાલની મૌખિક પરીક્ષા ડો. એમ. ડી. પટેલે લીધી. આ વખતે આ બ્રહ્મપુત્રના જ્ઞાનથી તેઓ ખુશ થયેલા અને કહેલું, ‘ક્યારેક નોકરીની જરૂર પડે તો આવજો.’ શંકરલાલને આરે કોલોનીમાં ના ફાવ્યું તેથી ડો. એમ. ડી. પટેલની સદ્ભાવનાનો ઉપયોગ કરીને તે આણંદ આવ્યા અને ખેતીવાડી કોલેજમાં જોડાયા. અહીં તેમને ગૌશાળા સંભાળવાની થઈ, ત્યાંની ગાયોનાં નામ એમને મોંએ હતાં. તેઓ જે ગાયનું નામ દે તે ગાય આવતી. ખેતીવાડી કોલેજમાં ત્યારે મહંતસ્વામી મહારાજ ભણતા. તે રીતે બંને વચ્ચે ગુરુ - શિષ્યનો સંબંધ.
ખેતીવાડી કોલેજમાં ભણતાં - ભણાવતાં તેઓ એમ.એસસી. (એગ્રીકલ્ચર) થયા. કોલેજમાંથી જ વખત જતાં તેમને અમેરિકન સરકારની સ્કોલરશિપ મળતાં, મિશિગન સ્ટેટ યુનિવર્સિટીમાં જઈને ટેકનોલોજીમાં પીએચ.ડી થયા. પછી 1961માં ભારત આવ્યા. આ પ્રકારના અભ્યાસીઓની ત્યારે ભારતમાં ખોટ હતી. આથી ગ્લેક્સો જેવી મોટી કંપનીઓએ તેમને નોકરીની પ્રલોભક ઓફરો કરી. છતાં આ બ્રહ્મપુત્ર ધનલોભમાં ફસાયા નહીં. તેઓ વિદ્યાવ્રતી બનીને ભણાવતા રહ્યા.
1961માં એગ્રીકલ્ચર ઈન્સ્ટિટ્યુટે આણંદમાં ડેરીસાયન્સ કોલેજની સ્થાપના કરી. આથી તેમને ડેરી સાયન્સ કોલેજમાં મોકલવામાં આવ્યા. 1981માં તેમને ડેરી સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ તરીકે બઢતી અપાઈ. આ પછી બે વર્ષે તેઓ નિવૃત્ત થયા.
ડો. શંકરલાલ વ્યાસના માનસપુત્રો જેવા સેંકડો વિદ્યાર્થીઓ આજે દેશ–પરદેશમાં ડેરીક્ષેત્રે કામ કરી રહ્યા છે. શંકરલાલ વ્યાસ 2011માં મરણ પામ્યા પણ એમના માનસપુત્ર શા સેંકડો વિદ્યાર્થીઓના હૈયામાં તેમના સ્નેહ અને જ્ઞાનની સ્મૃતિ જીવંત છે. તેમના પુત્ર ડો. દીપક વ્યાસ આજે શંકરલાલ વ્યાસની જીવંત સ્મૃતિરૂપ બન્યા છે.