ત્યજાયેલી તરછોડાયેલી માતાઓનો સહારો મધુબહેન ખેની

ભેજાફ્રાય

ખુશાલી દવે Wednesday 30th May 2018 08:04 EDT
 
 

વાત આશરે તેર વર્ષ પહેલાંની છે. સુરતની જગદીશ નગર સોસાયટીના એક મકાનમાં કેન્સરથી પીડાતી એક વૃદ્ધા દીકરા સાથે રહે. દીકરાએ મહેણાં ટોણાં પછી એક દિવસ સગી માને ઘરની બહાર ધકેલી દીધી. બીમાર ઘરડી માને રોડ પર ફેંકી દેતા દીકરાનો જીવ ચાલ્યો, પણ એક પારકી દીકરીનો નહીં. ત્યારથી એ પારકી દીકરીએ ઘરડાં માને પોતાના બનાવી લીધાં. જીવનના અંતિમ શ્વાસ સુધી દીકરીએ એ ઘરડાં માની સેવા કરી. એ દીકરી એટલે મધુબહેન ખેની.
આ ઘટના પછી મધુબહેનના જીવનમાં પણ વળાંક આવ્યો. તેમણે ત્યજી દેવાયેલી તરછોડી દેવાયેલી માતા, વૃદ્ધાઓની સેવા કરવાનો નિર્ણય લીધો. મધુબહેન ખેની આ અંગે કહે છે કે, ‘તેર વર્ષ પહેલાં બનેલી આ ઘટનાથી મારાં રુંવાડા ઊભા થઈ ગયા હતા. એ ઘરડા માનું કોણ? એ સવાલ થયો હતો ને પછી થયું હતું કે એમની હું જ કેમ ના બનું? એ ઘટનાએ મને પ્રેરણા આપી કે મારું જીવન આવી ત્યક્તા માતાઓની સેવામાં જ પસાર કરીશ. ત્યારથી અત્યાર સુધી હું આવી માતાઓને જયાંથી પણ ત્યજી દે તેને મારા ઘરે લઈ આવું છું. તેમના માટે આ શાંતિદૂત ઘરડાઘર બનાવ્યું છે. તેમની ખુશી જ મારા માટે સૌથી મોટા આશીર્વાદ છે. હા સાથે એ ખરું કે કોઈ જ્યારે પોતાની સગી માને તરછોડી મૂકે ત્યારે તેમની હાલત જોઇને મને ઘણું દુઃખ થાય.
મધુબહેને કહ્યું કે અમારા પરિવારમાં અંબાબા છે. તેમને પાંચ દીકરા અને એક દીકરી છે. તેઓ ઘણીવાર દુઃખી થાય કે મારા પાંચ પાંચ દીકરા અને એક દીકરી, પણ કોઈને કેમ મારી ચિંતા નહીં હોય? અંબાબાની આંખો ઘણીવાર ભરાઈ આવે. તેઓ ક્યારેક ગુસ્સામાં ફરિયાદ પણ કરે કે મારા પાંચેય દીકરા નકામા છે. અંબામાએ પેટે પાટા બાંધી બાંધીને બધા દીકરાઓને મોટા કર્યાં છે. તેમને બનતી બધી સગવડો પૂરી પાડવાનો પ્રયત્ન કર્યો છે તો આજે પાંચ દીકરા થઈને એક માને ન સાચવી શક્યા? આવા સવાલ મને બહુ થાય.
અંબામા ઘણી વખત ફરિયાદ કરે કે દીકરાઓએ મને ઘરેથી કાઢી મૂકી ને હવે તો હું અહીંયા છુ, પણ ક્યારેક તો કોઈ મને મળવા આવી શકે ને? મધુબહેન કહે છે કે તેમના સવાલોનો મારી પાસે કે કોઈ પાસે જવાબ હોતો નથી, પણ અંબામા જ્યારે પોતે જ પાછા કહે કે, આવવું હોય તો આવે બાકી આ ઘરડાંઘર ક્યાં મારું ઘર નથી? ત્યારે થાય કે અંબામા અહીં દુઃખી તો નથી. અંબામા હવે તો કહે છે કે, દીકરાઓ લેવા આવે તોય હવે હું અહીંથી જવાની નથી. ક્યારેય નથી જવાની.
સામે અંબામા પણ હળવા સ્મિત સાથે કહે છે કે, મને હવે અહીં ફાવી ગયું છે. મધુબહેન અમારી ખૂબ સેવા કરે છે. અમારી વહુ-દીકરી કરતાં પણ તે વધારે માન આપે છે અને કાળજી પણ રાખે છે. આ ઘરમાં રહેતાં સવિતાબા કહે છે કે, મને તો મધુબહેનના રૂપમાં ભગવાન જ મળી ગયા છે. સવિતાબા દસેક વર્ષ પહેલાં શાંતિદૂત ઘરડાઘરમાં આવ્યાં હતાં. એમને દીકરા નથી એટલે એમના પરિવારજનોએ એમને મધુબહેનને ત્યાં રહેવા માટેની સલાહ આપી હતી. સવિતાબા કહે છે કે હું બીમાર પડું ત્યારે હું નાનું બાળક હોઉં તેમ મધુબહેન મારી સેવા કરે અને એ પણ હસતાં મોઢે. પોતે મને દવાખાને લઇ જાય, દવા પીવડાવે.
આ આશ્રમમાં રહેતાં જસીબહેન કહે છે કે, હું શાંતિદૂતને આશ્રમ નહીં, પણ ઘર જ કહું છું. હું મારા દીકરાના ઘરને મારું ઘર કહી શકું એટલો હક પણ તેણે મને આપ્યો નહીં. મારો દીકરો મને રાખવા તૈયાર નથી. હું અમદાવાદમાં રહેતી હતી. મારા પગમાં ઇજા થઇ હતી. મારા દીકરાને ફોન કરીને કહ્યું તો એણે મને કહ્યું કે હું કામમાં છું. આવી નહીં શકું. એ પછી મારી દીકરીને કોલ કર્યો તો મારા જમાઇ આવીને મને લઇ ગયા. મારો ઈલાજ પણ કરાવ્યો. હું સાજી થઇને ફરી મારા ઘરે ગઈ ત્યારે મારા એક દૂરના ભાઇએ મને કહ્યું કે એકલા એકલા આમ જિંદગી કાઢવા કરતાં સુરતમાં શાંતિદૂત ઘરડાઘર છે ત્યાં રહો. ત્યાં તમારું કમસે કમ કોઈ ધ્યાન રાખનારું તો હશે. જસીબા ચહેરા પર અનેરા સંતોષ સાથે કહે છે કે, આજે હું અહીં છું તેનો મને સંતોષ છે. અહીં આશ્રમ જેવું વાતાવરણ બિલકુલ નથી. આશ્રમમાં નિયમો હોય છે. ત્યાં આપણે કદાચ આપણી મરજીનું કંઇ કરતાં વિચારવું પડે જ્યારે મારા માટે આ ઘર છે જેમાં અમે ગમે ત્યારે જે ખાવું હોય તે ખાઇ શકીએ છીએ અને પીવું હોય તે પી શકીએ છીએ. સોસાયટીમાં બીજી બહેનપણીઓ સાથે સાથે બેસીને વાત કરી શકીએ છીએ. અહીં કોઇ પણ પ્રકારનું બંધન નથી.

દાન વગર ચાલતું ઘર

મધુબહેન ખેની કહે છે કે, પોતાની માને સાચવવા દાનની જરૂર ન હોય. એને તો પોતે જ સાચવવાની હોય. મધુબહેન એમ્બ્રોઇડરીનો બિઝનેસ ચલાવે છે. તેઓ કહે છે કે, માતાઓને સાચવવામાં જે તમામ ખર્ચ થાય છે તે મારી અને મારા દીકરાની કમાણીમાંથી પૂરો કરીએ છીએ. હું આ માતાઓ માટે કોઇ પણ પ્રકારનું દાન લેતી નથી. જોકે મારા સિવાય પણ અન્ય બહેનો પોતાની નવરાશમાં માતાઓની સેવાનું કાર્ય કરે છે. આજે ૪૦૦૦ જેટલી મહિલાઓ અલગ અલગ રીતે સેવા આપે છે. મારો દીકરો પણ આ કામમાં મને મને ખૂબ મદદ કરે છે. અમારા ઘરમાં મુંબઈ, અમદાવાદ, ઇન્દોર, બધેથી માતાઓ આવે છે અને સુખેથી રહે છે. ઘણી વાર પોલીસ પણ અમને ફોન કરીને કોઈ માને સોંપે છે. અમે સમાજના નાના વર્ગના લોકોના સમૂહલગ્ન પણ કરાવીએ છીએ.
તેર વર્ષ પહેલાં મધુબહેને શાંતિદૂત ઘરડાઘરની સ્થાપના કરી ત્યારે ત્રણથી ચાર બહેનો ઘરમાં હતાં. ઘરડાઘરમાં રહેતી કેટલીક માતાઓનાં મૃત્યુ પછી પણ તેમના ઘરેથી કોઈ આવતું નથી. એવા સમયે મધુબહેન મૃત વૃદ્ધાને કાંધ પણ આપે છે અને તેમની અંતિમક્રિયા પણ કરે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter