સત્ય, અહિંસા, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય, ક્ષમા, અસ્તેય વગેરે સદ્ગુણોને આત્મસાત્ કરનાર મહાવીર સ્વામીનું અહિંસક અને ત્યાગી જીવન જ એક ઉપદેશ સમાન હતું. જૈનધર્મના ચોવીસમા તીર્થંકર મહાવીર સ્વામીનો જન્મ રાજ પરિવારમાં થયો હતો, પરંતુ તેમના જીવનના ઉદ્દેશો ભિન્ન હતા. તેમણે તેમના આચરણ દ્વારા જગતને આત્મોન્નતિનો માર્ગ ચીંધાડયો હતો.
જન્મ અને જીવન
ભગવાન મહાવીર સ્વામીનો જન્મ બિહારમાં પટનાથી 29 કિમીના અંતરે આવેલા કુંડલપુરમાં ચૈત્ર સુદ તેરસ (આ વર્ષે 21 એપ્રિલ)ના રોજ થયો હતો. તેમનાં પિતાનું નામ સિદ્ધાર્થ અને માતાનું નામ ત્રિશલાદેવી હતું. કહેવાય છે કે મહાવીર સ્વામી જ્યારે ગર્ભમાં હતા ત્યારથી જ તેમના રાજ્યમાં તેનો સકારાત્મક પ્રભાવ જોવા મળતો હતો. વૃક્ષો પર વિપુલ પ્રમાણમાં ફળ-ફૂલ આવવા લાગ્યાં હતાં અને રાજ્યની સમૃદ્ધિમાં વૃદ્ધિ થવા લાગી હતી. તેમના આ પ્રકારના પ્રભાવને લીધે જ તેમનું નામ વર્ધમાન રાખવામાં આવ્યું હતું.
મહાવીર સ્વામી રાજા સિદ્ધાર્થના પુત્ર તરીકે શરૂઆતના સમયમાં એક રાજકુમાર તરીકે રહ્યા, પરંતુ તેમને ભૌતિક સંપદાનો કોઈ મોહ ન હતો. તે બાલ્યવસ્થામાં પણ ધ્યાન અને સ્વચિંતનમાં મગ્ન રહેતા. ઉંમર થતાં તેમણે માતા-પિતાની લાગણીને વશ થઈ યશોદા નામની કન્યા સાથે લગ્ન કર્યાં, જેના થકી તેમને અણોજય નામની પુત્રી થઈ. માતા-પિતાનો સંથારો થતાં તેમણે 30 વર્ષની ભરયુવાનીમાં સુખ-સમૃદ્ધિનો ત્યાગ કર્યો અને પરમ જ્ઞાનની શોધમાં નીકળી ગયા.
આધ્યાત્મિક શોધ
મહાવીર સ્વામી પ્રાણી, સમગ્ર જીવો પ્રત્યે રક્ષણાત્મક વૃત્તિ રાખતા. તેમણે વસ્ત્રો સહિત વિશ્વની સંપૂર્ણ ભૌતિક સંપદાનો ત્યાગ કર્યો હતો અને વિતરાગી, ત્યાગમય જીવન જીવ્યા હતા. બાર વર્ષનાં આકરાં તપને અંતે વૈશાખ સુદ દસમે તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. 72મા વર્ષે તેમણે બિહારના પાવાપુરી ગામમાં જીવનના અંતિમ દિવસો પસાર કર્યા અને દિવાળીના દિવસે નિર્વાણ પામ્યા.
આઠ મૂળભૂત સિદ્ધાંતો
મહાવીર સ્વામીના તત્ત્વચિંતન અનુસાર આઠ મૂળભૂત સિદ્ધાંતો છે. જેમાં ત્રણ આધ્યાત્મિક અને પાંચ નૈતિક છે. જેનો ઉદ્દેશ જીવનસ્તરની ઉન્નતિ છે. મહાવીર સ્વામીએ શીખવ્યું છે કે, અનંતકાળથી દરેક જીવ તેમણે કરેલાં સારાં અને ખરાબ કાર્યને પરિણામે તે કર્મના અણુઓ સાથે બંધાયેલા રહે છે. કર્મ દ્વારા થયેલી ભૌતિક સુખની પ્રાપ્તિમાં જ તેમને સુખ દેખાય છે જેના લીધે તે જીવનભર સ્વાર્થ માટે જ કાર્યરત રહે છે અને આગળ જતાં તેમનામાં ક્રોધ, લાલચ, ઈર્ષા જેવા દુર્ભાવો વિકસે છે. જેના લીધે જીવ વધુ કર્મમાં બંધાય છે. આ બધા જ દુર્ભાવોથી મુક્તિ મેળવવા માટે તેમણે લોકોને આત્માની મુક્તિ માટે ચાર સિદ્ધાંત આપ્યા. સમ્યક દર્શન (સાચો વિશ્વાસ), સમ્યક જ્ઞાન (સાચું જ્ઞાન), સમ્યક ચરિત્ર (સાચી વર્તણૂક). જૈનત્વની સાચી વર્તણૂક સમ્યક ચરિત્રના હાર્દમાં પાંચ મહાવ્રતો રહેલાં છેઃ અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ.
મહાવીર સ્વામીના અહિંસાના સિદ્ધાંતો જ વિશ્વને શાંતિનો માર્ગ ચીંધાડી શકે તેમ છે, એટલા માટે આટલાં વર્ષો પછી પણ શ્રદ્ધાળુઓ મહાવીર સ્વામીને એટલી જ શ્રદ્ધા-ભક્તિથી પૂજે છે. તેમણે આપેલા સિદ્ધાંતો યુગે યુગે જગતને વિશ્વશાંતિનો અને આત્મોન્નતિનો સંદેશ આપતા રહેશે.
મહાવીર સ્વામીનો મુખ્ય ઉપદેશ
• સત્યઃ સત્ય વિશે ભગવાન મહાવીર સ્વામી કહે છે કે, પુરુષ તું સત્યને જ સાચું તત્ત્વ સમજ. જે બુદ્ધિમાન સત્યની આજ્ઞામાં રહે છે તે મૃત્યુને તરીને પાર કરી જાય છે.
• અહિંસાઃ આ લોક પર તમામ જીવો પ્રત્યે સદ્ભાવ કેળવો. હિંસા ન કરો. માત્ર શરીરને કષ્ટ આપવાની સાથે મન, કર્મ, વચનથી પણ કોઈને દુભવવું એ પણ હિંસા જ છે.
• અપરિગ્રહઃ અપરિગ્રહ એ આધ્યાત્મિક જીવનનું સૌથી અગત્યનું સોપાન છે. ભૌતિક સુખ-સગવડ, સાધનોનો મોહ જ્યારે અંતરથી છૂટી જાય તે અપરિગ્રહ.
• બ્રહ્મચર્યઃ બ્રહ્મચર્ય ઉત્તમ તપસ્યા, નિયમ, જ્ઞાન, દર્શન, ચારિત્ર્ય, સંયમ અને વિનયનું મૂળ છે. તપસ્યામાં બ્રહ્મચર્ય શ્રેષ્ઠ તપસ્યા છે. બ્રહ્મચર્યના પાલનથી મનુષ્ય મોક્ષ ગતિને પ્રાપ્ત કરે છે.
• ક્ષમાઃ મહાવીર સ્વામી કહે છે કે, ‘જગતના બધા જ જીવો સાથે મૈત્રીભાવ રાખવો જોઈએ...’ ‘મારું કોઈ સાથે વેર નથી. હું સાચા હૃદયથી ધર્મમાં સ્થિર થયો છું. બધા જ જીવો પાસે હું બધા જ અપરાધની ક્ષમા માગું છું અને જે જીવોએ મારા તરફ જે અપરાધ કર્યો છે હું તેમને પણ ક્ષમા કરું છું.’
• ધર્મઃ અહિંસા, સત્ય, તપ, ધર્મ છે. શીલ, સદાચાર, પ્રેમ અને કરુણા જેવા સદ્ભાવોને આચરણમાં ઉતારવાથી અને આ સદ્ગુણોને આત્મસાત્ કરવાથી જ ધર્મમય જીવન જીવી શકાય છે. એટલે જ કહ્યું છે કે, ‘ધારયતિ ઇતિ ધર્મ’. અર્થાત્ જે પ્રાણી માત્રનું રક્ષણ કરે, પાલન કરે તે સાચો ધર્મ.