ત્રિલોકના આદર્શ પત્રકાર અને કલ્યાણકારી દેવર્ષિ નારદ

ડો. હરિ દેસાઇ Monday 01st May 2017 06:03 EDT
 
 

કમનસીબી તો જુઓ, આપણે નારદના વ્યક્તિત્વને સમજ્યા વગર જ ‘નારદ’ શબ્દનો ગાંધીજીપ્રણીત ‘સાર્થ જોડણીકોશ’માં પણ અર્થ આપ્યો છેઃ ‘બે જણને આમતેમ કહીને લડાવી મારનાર, તેમાં મજા માણનાર માણસ.’ સાથે જ નારદવિદ્યા કે નારદવેડાનો અર્થ નોંધાયો છેઃ ‘બે જણને લડાવવાની કળા.’ (પૃષ્ઠ - ૪૮૫, આવૃત્તિ ૨૦૦૮) બ્રહ્મા, વિષ્ણુ અને મહેશમાંના બ્રહ્માના આ માનસપુત્ર દેવર્ષિ નારદ વિશે આપણે ત્યાંના સૌથી અધિકૃત જોડણીકોશમાં આવો વિકૃત અર્થ અપાયો હોય, પછી યુરોપીય સંશોધકો કે અભ્યાસ કરનારાઓ એને વિશે ઝઘડાખોર વ્યક્તિત્વની છબિ ઉપસાવે એમાં નવાઈ શી?

પૃથ્વીલોક, સ્વર્ગલોક અને પાતાળલોક એમ ત્રિલોકમાં દેવો, માનવો અને દાનવો વચ્ચે સદાય વિહાર કરતા વીણાધારી અને ચોટીધારી દેવર્ષિ નારદ વિદૂષક કે ખલનાયક નહોતા એ તો એમના વ્યક્તિત્વનો અભ્યાસ કરનારને જ વર્તાય. ભારતીય પૌરાણિક પાત્રોને માત્ર કાલ્પનિક ગણી લેવાનું પણ યોગ્ય નથી, કારણ આધુનિક વિજ્ઞાનને આધારે એના સમયગાળાને ગણતરીમાં લેવામાં આવ્યો છે. નારદનું ચિત્રણ સૌ પ્રથમ ઋગ્વેદ (ઈ.સ. પૂર્વે ૨૦૦૦-૧૫૦૦)માં જોવા મળે છે. એ પછી એનું વ્યક્તિત્વ છેક ઈ.સ. ૧૦૦-૩૦૦ના ગાળામાં વિષ્ણુપુરાણમાં પણ આલેખાયું છે.

નારદ જયંતીની પત્રકાર દિવસ તરીકે ઊજવણી

સત્તરેક વર્ષ પહેલાં અમે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા (સરસંઘચાલક) કુપહલ્લી સીતારામૈયા સુદર્શનને એક જાહેર સમારંભમાં તેડાવ્યા હતા. શિક્ષણની દૃષ્ટિએ એ કોમ્યુનિકેશન એન્જિનિયર હતા. સૌપ્રથમ એમણે નારદનો ઉલ્લેખ બ્રહ્માંડના પ્રથમ પત્રકાર અને સંવાદવાહક (કોમ્યુનિકેટર) તરીકે કર્યો હોવાનું સાંભળ્યું. પત્રકારો માટેનો એ આદર્શ લેખાય, એવું સુદર્શનજીનું સૂચન હતું. બીજા જ વર્ષે એટલે કે મે ૨૦૦૨માં અમદાવાદમાં સંઘ વિચારકોની સંસ્થા વિશ્વ સંવાદ કેન્દ્રના ઉપક્રમે નારદ જયંતીની ઊજવણી ગોઠવી હતી. અમારા ઘરેથી નારદની વિશાળ છબિ મંગાવાઈ હતી. એ સમારંભમાં ગુજરાતના એ વેળાના મુખ્ય પ્રધાન અને વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય અતિથિ હતા. એ પછી તો ભારતભરમાં વિશ્વ સંવાદ કેન્દ્રની શાખાઓના ઉપક્રમે નારદ જયંતીની ઊજવણી પત્રકાર દિવસ તરીકે થવા માંડી. છોગામાં સકારાત્મક પત્રકારત્વ માટે યોગ્ય પત્રકારોને એ નિમિત્તે એવોર્ડ આપવાની પરંપરા પણ શરૂ થઈ. દેવર્ષિ નારદ ‘નારાયણ નારાયણ’ કહેતા માત્ર ઝઘડા કરાવવા માટે વિહાર કરતા હોવાની છબિ આપણી ફિલ્મો થકી ઉપસી ભલે હોય, એ તટસ્થ અને સત્ય આધારિત માહિતી એકઠી કરીને એ યોગ્ય વ્યક્તિને પહોંચતી કરતા હતા.

નારદના અભ્યાસની વિશદ છણાવટ જરૂરી

ભગવદ્ ગીતાના દસમા અધ્યાયમાં ૨૬મા શ્લોકમાં ભગવાન શ્રીકૃષ્ણે પોતાને દિવ્ય ઋષિઓમાં નારદ સ્વરૂપે નિહાળ્યા છે. આ શ્લોકના શબ્દો કાંઈક આવા છેઃ

અશ્વત્થઃ સર્વવૃક્ષાણાં દેવર્ષીણાં ચ નારદઃ ।

ગન્ધર્વાણાં ચિત્રરથઃ સિદ્ધાનાં કપિલો મુનિઃ ।।

કિશોરલાલ મશરૂવાળાએ એના સમશ્લોકી અનુવાદ કરતાં ‘ગીતાધ્વનિ’માં નોંધ્યું છેઃ

પીંપળ સર્વ વૃક્ષોનો, દેવર્ષિનો હું નારદ,

ચિત્રરથ હું ગંધર્વે, સિદ્ધે કપિલદેવ હું.

ભારતીય પૌરાણિક ગ્રંથોમાં નારદના અલગ અલગ સમયમાં સંદર્ભો જોવા મળે છે એટલે નારદ એક હતા કે એકથી વધુ એ પ્રશ્ન થવો સ્વાભાવિક છે. નારદ પરના અભ્યાસમાં નિષ્ણાત એવા ભારત સરકારના પ્રથમ પરિવાર નિયોજન નિયામક ડો. બી. એલ. રૈનાએ દેવર્ષિ નારદના જીવન અને કાર્યોના વિવિધ પાસાંની વિશદ ચકાસણીનો આગ્રહ સેવ્યો છે. ઉપનિષદોમાં રજૂ થતા નારદ અને પુરાણોમાં રજૂ થતા નારદ અલગ અલગ હોઈ શકે એ વાત પણ નારદ પર સંશોધન આધારિત ગ્રંથના લેખકે તારવી છે.

જે નારદને ઘણા લોકો ઝઘડા કરાવનાર લેખે છે એ નારદના વ્યક્તિત્વનો ઊંડો અભ્યાસ કરનારાઓએ એવું તારણ મેળવ્યું છે કે દેવર્ષિ નારદે હંમેશા ‘સજ્જનતા દાખવી છે અને અન્યોનું ભલું જ કર્યું છે.’ એમના ઉપદેશ થકી કાયમ અન્યોનું ભલું જ થતું રહ્યું હોય ત્યારે થોડાઘણા ટિખળીખોર એવા નારદને બદઈરાદા ધરાવનાર તો ગણાવી શકાય નહીં. એમણે પિતા બ્રહ્માને લગ્ન નહીં કરવાના પોતાના મતને સુણાવી ખફગી વહોરી તો લીધી પણ પછી લગ્ન કરવાની ઈચ્છા જાગી ત્યારે ભગવાન વિષ્ણુ કને રૂડારૂપાળા થવા માટે વરદાન માગવા ગયા. વિષ્ણુએ પણ ગમ્મત કરી. નારદને હરિ જેવા થવું હતું. હરિ એટલે વિષ્ણુ અને હરિનો બીજો અર્થ વાંદરો પણ થાય. નારદ બીજા અર્થથી અજાણ હતા. કોઈ રાજકુમારીના સ્વયંવરમાં પહોંચી ગયા અને પોતે રૂડારૂપાળા હોવાની ખાતરી સાથે વરમાળા પોતાના ગળામાં જ આવી પડશે એવો વિશ્વાસ હતો. કન્યા આવી તો ખરી, પણ નારદ ભણી જોઈને હસવા માંડી. એ વિષ્ણુ પાસે ગઈ અને એમના ગળામાં વરમાળા આરોપી. ગિન્નાયેલા નારદે અરીસામાં કે પાણીમાં પોતાનું મુખ જોયું તો એ વાંદરાનું હતું! એમણે વિષ્ણુને શાપ આપ્યો. આવી તો અનેક કથાઓ નારદ સાથે વણાયેલી છે.

નારદે વીણા નામના વાજિંત્રની શોધ કરી. સંગીત અને નૃત્યમાં એ પારંગત. વિદ્વાન પણ એટલા જ. કૃષ્ણભક્તિમાં લીન. આયુર્વેદના પણ જાણકાર. બહુમુખી પ્રતિભા. કલ્યાણકારી દેવર્ષિ હતા એ.

(વધુ વિગતો માટે વાંચો Asian Voice અંક 6th May 2017 Link: http://bit.ly/2p27jrq)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter