હમણાં એક કવયિત્રીના ગુજરાતી અને હિન્દી કાવ્યસંગ્રહોના લોકાર્પણ સમયે એક સવાલ મનમાં ઉઠ્યો, તે બીજા ઘણાને પણ થયો હશે કે એકવીસમી સદીની ગુજરાતી કવયિત્રીઓનું કવિતા-જગત કેવું છે? તેમાથી કેટલાં દીર્ઘ સમય સુધી ઝળાંહળા રહેશે, ને કેટલી કલમો ધૂમકેતુની જેમ એક ઝબકાર દેખાડીને વિલીન થઈ જશે? કહેવું અઘરું છે. ગુજરાતી સાહિત્યના પંડિતો પણ મૂંઝવણમાં અનુભવે એવી ચર્ચાનો આ વિષય છે. સાક્ષર યુગમાં અને તે પછીના યુગમાં પણ સામાન્ય રીતે સામયિકો કવિતાને મંચ પૂરો પાડતાં એટ્લે તેમાં દેખાતી કવિતાઓનું મૂલ્યાંકન થતું. કોઈ નારીવાદી એવો ગુસ્સો કરી શકે કે કવયિત્રીઓ આંગળીના વેઢે ગણાય એટલી જ રહેતી.
સાક્ષર યુગ પછીનો જે પડાવ આવ્યો, તેમાથી કેટલીક સ્ત્રી-કલમોનો વાચકોને પરિચય થયો. તે બધી ઊઘડતા સંસ્કૃતિ યુગની પ્રતિનિધિ હતી. તેમાંની ઘણીખરી તો વાર્તા અને લેખો તરફ વળી સહજતાથી વળી ગઈ હતી. તે પછીની કતારમાં પણ એવી જ સ્થિતિ રહી. આજે વીસમી સદીના ઉત્તરાર્ધ અને એકવીસમી સદીના વીસથી વધુ વર્ષોમાં માહોલ બદલ્યો છે, તેનું એક કારણ તો યુનિવર્સિટી સુધીનો અભ્યાસ વધ્યો, સાહિત્યની સંસ્થાઓમાં ઉમેરો થયો. અનેક સામયિકો પ્રકાશિત થાય છે, અને હજુ ઉમેરાતા જાય છે. એટ્લે કાવ્યને માટે કેટલાંક પાનાં ફાળવવાનો રસ્તો ખૂલી ગયો. નર્મદે જ્યારે “મંડળી મળવાથી થતાં લાભ” નિબંધ લખ્યો ત્યારે છૂટીછવાઈ સંસ્થાઓ શરૂ થઈ ચૂકી હતી. મઝાની વાત એ છે કે તમામ મંડળીઓનો એક નિર્ણય ચર્ચા કરવાનો અને બીજો તે ચર્ચા છપાય તેવો હતો. દૈનિકો સાહિત્ય કે સમાજ-ચિંતનનું કેટલું છાપે?( કેટલાક કહેશે કે આજે પણ એવી જ હાલત છે!) એટ્લે સામયિક બહાર પાડવું એવું નર્મદની મંડળીએ નક્કી કર્યું અને એજ રસ્તે બુદ્ધિપ્રકાશ, કે રાસ્ત ગોફતાર, કે બુદ્ધિપ્રકાશ અને ડાંડિયો જેવા સામયિકો પ્રકાશિત થવા માંડ્યા હતા.
આજે સામયિકોની સંખ્યા ગુજરાતી વાચકની દ્રષ્ટિએ બહુ મોટી નથી. કેટલાંક મુશ્કેલીથી ચાલે છે, કેટલાંક સંસ્થા અને સરકારના આર્થિક ટેકાથી પ્રકાશિત થાય એટ્લે યોગ્ય લાગે ત્તેવો પુરસ્કાર પણ મળે. લાંબા સમય સુધી કવિતા માટે કોઈ પુરસ્કાર અપાતો નહિ, અને જ્યાં મળતો ત્યાં બે રુપિયાથી પાંચ સુધીનો મળે. હવે સ્થિતિ સુધરી છે અને અપવાદરૂપ સામયિકો કવિને પુરસ્કાર આપે છે.
એક વધુ તરફેણ એ પણ દેખાઈ કે કવિ સમ્મેલનો શરૂ થયાં. પહેલાં માત્ર મુશાયરા અને કવ્વાલીના કાર્યક્રમો થતા. નાટકો ગામને પાદર મંચ ઊભો કરીને ભજવાતા. હવે તો દરેક સંસ્થા કવિ સમ્મેલન કરે છે. કેટલાક કવિઓ મોટો પુરસ્કાર માંગે તો તે માન્ય રાખવાના આ દિવસો છે. આમાં સંસ્થાઓથી માંડીને કોઈના લગ્નપ્રસંગ સુધીનો અવકાશ ઊભો થયો. સાહિત્યની સંસ્થાઓએ તો પોતે સાહિત્યિક પ્રવૃત્તિ કરી રહ્યા છે તેમ બતાવવા માટે કવિ સમ્મેલનો કરવાં પડે તેવી ઘટનાઓ ચર્ચાતી રહે છે. કવિ સમ્મેલનોને કારણે કવિઓ વધ્યા. ઉત્તર પ્રદેશના એક નગરમાં મારે એવા સમ્મેલનમાં જવાનું બન્યું ત્યારે તેના આયોજકે ફોડ પાડ્યો કે સમ્મેલનની સફળતાનો મુખ્ય આધાર કવિ નહિ, સંચાલન કરનારી મહિલાનું ગ્લેમરસ રહે છે! જોકે માત્ર તેવું નથી હોતું, તેનું વક્તવ્ય અને પ્રસ્તુતિ મહત્વના હોય છે.
મીડિયાનો પ્રભાવ સૌથી અધિક. આજે ફેસબૂક કે ટ્વીટર, પેજ, યુ ટ્યુબ, બ્લોગ જેવા આધુનિક ડિજિટલ માધ્યમોનો ઉપયોગ પોતાના વિચારોને વ્યક્ત કરવાં ઉપરાંત વાર્તા, નિબંધ અને કવિતા માટે થઈ રહ્યો છે. એ ઠીક છે કે આ તો નાયગ્રાનો પ્રચંડ ધોધ છે, તેમાંથી થોડીક મજબૂત કાવ્ય નૌકાઓની શક્યતા છે અને છે જ. થોડાં વર્ષો પૂર્વે હું એક વાર્તા સામયિકનો સંપાદક હતો તે માત્ર વાર્તા-સામયિક હતું. હું અને મારો સ્ટાફ દરેક મહિને એકસો જેટલી વાર્તાઓની ચકાસણી કરતાં.
આ સામયિકમાં તે સમયે નવોદિત તરીકે પ્રસ્તુત થયેલા વાર્તાકારોમાંના આજે લોકપ્રિય અને પ્રતિષ્ઠિત સ્થાને પહોંચ્યા છે. આવું જ કવિતાનું છે. અંતરિયાળ ગામડામાં કામ કરતો કોઈ શિક્ષક, ખેડૂત, અને ચાર દીવાલની વચ્ચે રહેતી કોઈ યુવતી પણ અભિવ્યક્ત થવાની મહત્વકાંક્ષા રાખે છે. છેલ્લા પાંચ વર્ષ “શબ્દસૃષ્ટિ” ના તંત્રી તરીકે અને દૂરદરાજમાં કાર્યક્રમોના આયોજન સમયે આ અનુભવ એટલા માટે નોંધું છું કે સાહિત્યના ખુલ્લા આકાશમાં દરેક તારલિયાને તક આપવાથી જ સાહિત્યનું વાતાવરણ વિ-કેન્દ્રિત બની રહેશે.
વર્તમાન કવયિત્રીઓની યાદી પડકાર આપે એટલી સંખ્યાની છે. થોડાંક નામો સુધી જઈએ તો લક્ષ્મી ડોબરિયા, ઉષા ઉપાધ્યાય, જીગ્ના મહેતા, રક્ષા શુક્લ, રાધિકા પટેલ, પારૂલ ખખર, પારૂલ બારોટ, દીપાલી બુચ, ભગવતી પંડ્યા, શ્રુતિ ત્રિવેદી , દીના શાહ, કવિતા શાહ, અંજના ગોસ્વામિ, હર્ષા દવેના નામ હોઠ પીઆર આવે. જેમનામાં સંભાવનાઓ પડી છે તેવા દર્શના વ્યાસ, રેખા પટેલ, કોશા શાહ ચંદેરીયા, ઇશ્વરી ડોક્ટર, જિગીષા રાજ, સુચિતા કપૂર, આરતી દમા, બીજલ જાગડ, શ્રેયા પાઠક, મનીષા વીરા, રેખા જોશી, શ્રી જોશી, આરતી વિમલ પારેખ, કાજલ જોશી. લતા હીરાણી..... ક્યાંક તો થોભી જવું પડે એવાં અને એટલાંઆ નામો ગુજરાતી કવિતાના ત્રીજા અને ચોથા પડાવના હસ્તાક્ષરો છે.