ગુણવંતરાય આચાર્ય. જન્મ્યા તો હતા જેતલસરમાં. પણ તેમની જિંદગી રઝળપાટમાં ગઈ. રાણપુર, જામનગર, મુંબઈ, બસરા, નડિયાદ, જુનાગઢ, બગસરા, અમદાવાદ, ડીસા, રોઝી પોર્ટ, કોલકાતા,રાજકોટ કાર્યક્ષેત્રો બદલ્યાં, ઘર નહિ, મકાનો બદલ્યાં, અખબારો અને સામયિકો, ફિલ્મી અને નાટકોની દુનિયા, પ્રવાસો અને બીમાર પત્નીની સુશ્રુષા કે સંતાનોનો ઉછેર.. આ બધી નિયતિને તેમણે ખુમારી સાથે ભોગવી. એક વ્યક્તિ તેના સત્વ અને તત્વની સાથે કેટલું જીવન જીવી શકે તેનું ઉદાહરણ ગુણવંતરાય આચાર્ય હતા. એ સમય વાહવાહીનો નહોતો, એટ્લે આપણાં કેટલાક શબ્દ-જીવી સાહિત્યકારો અને પત્રકારો “unsang heroની જેમ વિલીન થઈ ગયા છે, તેમાં ઝવેરચંદ મેઘાણી, કૃષ્ણલાલ શ્રીધરાણી, છગન ખેરાજ વર્મા, હાજી અલારખિયા શિવજી,રવિશંકર મહેતા, અમૃતલાલ શેઠના નામો હોઠે ચડે છે, બીજાં પણ ઉમેરી શકાય. ઈતિહાસમાં તેઓ સામાન્ય નોંધોમાં સમેટાઇ ગયાં છે પણ એવું ઘણું તેમનામા હતું જે અવ્યક્ત રહ્યું છે.
ગુણવંતરાય આચાર્યનું લેખન તો વિપુલ પ્રમાણમાં છે. તેમના પુત્રી અને સમર્થ લેખિકા વર્ષા અડાલજાએ આપેલી ગણતરી પ્રમાણે 170 પુસ્તકો તેમણે લખ્યા. કેટલાંક પત્રકારત્વની માંગને કારણે લખાયા હશે( જેમ કે સૌરાષ્ટ્ર સાપ્તાહિકમાં એકવાર પહેલાં પાને ખાલી જગ્યાની પૂર્તિ માટે મેઘાણીએ એક કાવ્ય લખ્યું તે ગાંધીજીની ગોળમેજી માટે ખાલી હાથે પાછા ફરવાની વેદના વિષેનું, અત્યંત ખ્યાત બની ગયું હતું! સૌરાષ્ટ્ર પર સરકારી ભીંસ વધી એટ્લે કારીગરોની રોજી ચાલુ રહે તે માટે રાણપુરથી “બહુરૂપી “ શરૂ કર્યું. ચંદુલાલ જેઠાલાલ વ્યાસ અને ગુણવંતરાયે તેમાં ડિટેક્ટિવ વાર્તા, નવલકથાઓ લખી હતી! “રોશની”, “ફૂલછાબ” “નવસૌરાષ્ટ્ર” “ગુજરાત સમાચાર” “મોજ મજાહ” “જીવન” “પ્રજારાજ’, “પ્રજાબંધુ”, “સૌરાષ્ટ્ર મિત્ર” શક્ય છે કે બીજાં અનેક અખબારો, સાપ્તાહિકો, સામયિકોની તેમની સફર રહી હોય. આ દરમિયાન તેમણે સામાજિક અને ઇતિહાસકેન્દ્રી નવલકથાઓ લખી.
થોડા સમય પર હું કચ્છ માંડવી ગયો હતો. અહીનો સમુદ્ર કિનારો અપરંપાર સાહસનો સાક્ષાત સાક્ષી છે. કાનજી માલમ તો જાણીતું નામ, શ્યામજી કૃષ્ણ વર્મા અહીની માટીનું રાષ્ટ્ર-રત્ન. દાદાભાઈ નવરોજીની પૌત્રી કેપ્ટન પેરીન નવરોજીનો જ્ન્મ માંડવીમાં , જેમણે વીર સાવરકર અને મહાત્મા ગાંધી-બંને સાથે રાષ્ટ્રીય કાર્યોમાં ઝંપલાવ્યું હતું. ઉત્તમ વાર્તાકાર જયંત ખત્રીની આ કર્મભૂમિ. પણ એક રસપ્રદ વાત ઉમેરવા જેવી છે તે ગુણવંતરાય આચાર્યની ખ્યાત અને વીરલ સમુદ્રકથાઓનો જ્ન્મદાતા માંડવીનો દરિયો હતો! મિત્ર ઈતિહાસકાર નરોત્તમ પલાણે સાચું જ નોંધ્યું છે કે દરિયાઈ નવલકથાને ધ્યાનમાં લો તો, સમગ્ર ભારતમાં અને કદાચ વિશ્વસાહિત્યમાં પણ ગુણવંતરાય આચાર્ય અદ્વિતીય સિદ્ધ થાય. મનુષ્ય જાતિ પાસે આટલો મોટો દરિયા કિનારો છે પણ ક્યાં દેશની કઈ ભાષામાં દરિયાઈ કથાઓનું આટલું ખેડાણ થયું હશે? જુલે વર્ન અને મોંઝાઇટ જેવા બે પાંચ લેખકોને બાદ કરતાં ગુણવંતરાયની સાથે ઊભી શકે તેવો એક પણ લેખક મને દેખાતો નથી. એશિયા, આફ્રિકાના કિનારાની આટલી જાણકારી! કાંઠાના માણસોનો આટલો પરિચય! વહાણ અને એના અંગોપાંગની આવી આત્મીયતા! દરિયાનો આવો મિજાજ અને દરિયાનાં આટલાં રૂપોનાં આટલાં ચિત્રણો અન્યત્ર ક્યાં છે? તેમની વાત સાચી છે.
28 દરિયાઈ નવલકથાઓ તેમણે લખી. દરિયાલાલ, જળસમાધિ, સક્કરબાર, હરારી, સરફરોશ, સરગોસ, હાજી કાસમ તારી વીજળી, કાળભૈરવ, સોહિણી સંધાર, જાવડભાવડ, પીરમનો પાદશાહ, સોરઠની સાગરકથા, દરિયાવાટ, દરિયાસારંગ, દે દરિયામાં દોટ, દરિયાપાર, રત્નાકર મહારાજ, આથમણો રકાબ, દરિયાઈ સફર, સરજામ સંથાર... ઓહો, હોઠ પર નામો આવે અને સમંદરનાં વિશ્વમાં પહોંચી જવાય. સાગરખેડુઓ અને સાહસિક ગુજરાતીઓએ દૂર દેશાવર જઈને, ત્યાના જીવનને આત્મસાત કર્યું, ઉદ્યોગો અને વ્યાપારમાં યશસ્વી બન્યા, લધા દામજી ઠક્કર, જેરામ શિવજી , રામજી, કાનજી માલમ( જેણે વાસ્કો દ ગામાને ભારતનો રસ્તો બતાવ્યો અને પશ્ચાતાપ સ્વરૂપે જળસમાધિ લીધી) અમુલખ દેસાઇ, (જે વલસાડનો અનાવિલ બ્રાહમણ હતો અને અરબ સોદાગરો પણ તેના નામથી થરથરતા, બ્રિટિશરો પણ ધ્રુજી ઉઠતાં તે “સક્કરબાર” નામે ઓળખતો) ગુલામ બનેલી ભારતીય કન્યાઓને છોડાવી હતી, ગુજરાતી માલમ હાજી કાસમ, વીર ચાવડાઓ, બ્રાહ્મણોની સાગરયાત્રા... ની મનુષ્યના સાહસ અને સંવેદનાનાં શિખર સુધી પહોંચેલા આવા અનેક પાત્રો લેખકે આપ્યા છે. ઘણીવાર એવું લાગે કે ગુજરાતી ભાષામાં સીમિત થઈ રહેલી આ નવલકથાઓ જો અંગ્રેજી અને બીજી ભાષાઓમાં લખાઈ હોત તો નિશંકપણે નોબલ પરિતોષિક પ્રાપ્ત થયું હોત. આ અતિશયોક્તિ નથી, નોબલ વિજેતા પુસ્તકોનાં વાંચન પછીનું આ તારણ છે. ગુણવંતરાય તેમના મોટાભાઇ મહાશંકર શિક્ષક તરીકે માંડવી ગયા ત્યારે તેમની સાથે જઈને શાળામાં શિક્ષણ લીધું હતું. ક્યા મકાનમાં રહેતા હશે? ને કઈ શાળામાં? તેની ઉત્સુકતાનો કોઈ જવાબ મળતો નથી. હા, એટલી વિગતો મળે છે કે શાળામાં એક મુગટરાય માસ્તર હતા. ચિત્રકામના શીખવાડે. પણ તેની પાસે ભૂતકાળની કથા સામગ્રીનો ખજાનો હતો. તરુણ ગુણવંત તે સાંભળે, ને પછી દરિયાકિનારે જાય. ઊછળતા મોજાંઓ, દૂર સુધીનો સમુદ્ર, કિનારે લાંગરતા જહાજો, દરિયાખેડુઓના ગીતો, વહાણો અને ખલાસીઓ, શઢ અને લંગર, ઉપર ફરકતી હડમાન જતી નાં ચિત્ર સાથેની ધજા… આ બધું તરુણ ચિત્તમાં સ્થાપિત થયું, ને પછી રાણપુરમાં બીજ વૃક્ષ બની ગયું, સમંદર કથાનો સર્જક ગુજરાતી સાહિત્યને સાંપડી ગયો.
જેવુ મેઘાણીનું, તેવું જ ગુણવંતરાયનું જીવન. આધિ, વ્યાધિ, ઉપાધિ સાથેની લેખિની. લલિતાબહેનને પરણ્યા તો નાગરી નાતે જ્ઞાતિ બહાર મૂક્યા. પત્નીનું નામ લીલા રાખ્યું.
આર્થિક અભાવની વચ્ચે લેખન. એકવાર એક પ્રકાશકે નવલકથા માંગી. પત્નીને સોનાની બંગડી ના અપાવી શકયાનો ખટકો, તો એક રાતે બેઠા. પ્રકાશક કલાકે ચા બનાવીને આપે, ગુણવંતરાય નીચે, એક ઢાળિયા પર કાગળ લઈને લખતા જાય, સવાર સુધીમાં નવલકથા પૂરી કરી. તે “કોરી કિતાબ”. ક્યાંય કથા સ્વરૂપમાં જરા સરખી ઉણપ નહિ! તેમની ઇતિહાસકેન્દ્રી નવલકથાઓ એક આગવો લેખ માંગી લે છે, પણ 9 સપ્ટેમ્બર, 1900માં જન્મેલા, 25 નવેમ્બર, 1965 “સરમત સન્ધાર”નું છેલ્લું પ્રકરણ લખીને રાતે આંખો મિચી લીધી. તેમની એક ઈચ્છા ગુજરાતનો ઇતિહાસ લખવાની હતી, તે અધૂરી રહી ગઈ.