મૂળ ભાવનગર, ગુજરાતનાં વતની અને છેલ્લા 30 વર્ષથી લેસ્ટર (યુકે)માં આવીને સ્થાયી થયેલા મીનાબહેન દીપક જોષી 25 વર્ષથી અહીંની શાળામાં સતત કાર્યરત છે. મીનાબહેનના જીવનમાં એક અલભ્ય અવસર આવ્યો છે. વર્ષોથી તેઓ મૂકસેવા કરી રહ્યા છે, જેનું રાજવી પરિવાર દ્વારા સન્માન થયું છે. મીનાબહેન કેટલાય વર્ષોથી હોસ્પિટલમાં માનદ્ સેવા (Volunteer Service) આપે છે. દર્દીઓનું પ્રેમપૂર્વક ધ્યાન રાખે છે. ખાસ કરીને કેન્સરથી પીડાતાં દર્દીઓનું વાત્સલ્યપૂર્વક જતન કરે છે અને તેમની સેવામાં પોતાનો અમૂલ્ય સમય આપે છે. મીનાબહેનનો પ્રેમાળ, માયાળુ સ્વભાવ દર્દીઓનાં હૃદયને સ્પર્શી જાય છે.
ભારતીય સંસ્કૃતિ, સંસ્કાર અને પરંપરાને પોતાના જીવનમાં સતત જીવતા રાખ્યા છે તેવા મીનાબહેન જોષી હંમેશા સેવા માટે તત્પર હોય છે પછી એ પોતાના પરિવારનાં સભ્યો હોય, શાળાના બાળકો હોય, મિત્રવર્તુળ હોય કે આસપાસનાં રહેતા વડીલો અને વૃદ્ધો હોય. ઉમદા સેવાકાર્યો થકી લોકહૃદયમાં સ્થાન મેળવનાર મીનાબહેન અહીં તેમના સેવાકાર્ય, જીવનના યાદગાર પ્રસંગ એવા સન્માન અને પોતાના પરિવાર વિશે વાત કરે છેઃ
‘હું હોસ્પિટલના ખાટલા પર સૂતેલા દર્દીઓને મારા પોતાના પરિવારનાં જ એક સદસ્ય માનું છું. પ્રભુ પ્રાર્થના સાથે મૃત્યુનાં મુખમાં જઈ રહેલાં દર્દીઓનું દુઃખ હળવું કરવાનો પ્રયત્ન કરું છું. તેમની વાતો સાંભળું, મનગમતી પ્રવૃત્તિમાં તેમનું મન પરોવીને તેમને આનંદમાં રાખવાનો સતત પ્રયત્ન કરું છું. ક્યારેક અમે સાથે મળીને હસીમજાક પણ કરીએ છીએ અને ક્યારેક હૃદયસ્પર્શી વાતો સાંભળીને રડી પણ લઈએ.
NHSનાં એક વાર્ષિક સમારંભમાં મને ‘બેસ્ટ વોલન્ટિયર ઓફ ધ યર’ અને ‘કેરિંગ એટ ઈટ્સ બેસ્ટ એવોર્ડ’ હર મેજેસ્ટી ધ ક્વિનના રિપ્રેઝન્ટેટિવ શ્રીમાન કપૂરના હસ્તે આપવામાં આવ્યો ત્યારે લગભગ 750 વોલન્ટિયર્સે મને તાળીઓનાં ગડગડાટથી વધાવી લીધી હતી. આ મારા જીવનની યાદગાર પળ હતી.
મારા પરમ પૂજ્ય પિતાશ્રી - માતુશ્રી, સાસુ સુભદ્રાબહેન અને સસરા સુરેશચંદ્ર જોષીનાં આશીર્વાદ અને પ્રેરણાસ્ત્રોતથી આ કાર્ય કરું છું તેનો મને અત્યંત આનંદ અને સંતોષ છે. મારા આવા સત્કાર્યની રોયલ પરિવાર દ્વારા નોંધ લેવાઈ તે સમગ્ર પરિવાર માટે આનંદદાયક અને ગૌરવની વાત છે.
મારું અહોભાગ્ય છે કે મને બકિંગહામ પેલેસમાં જવાની અને કલાકો સુધી રાજવી પરિવારને મળવાની અને તેમની પાર્ટીમાં સામેલ થવાનું મને સદ્ભાગ્ય પ્રાપ્ત થયું. રાજવી પ્રેરણાદાયી સદસ્યો સાથે ખૂબ વાતો કરી. પ્રિન્સ વિલિયમ અને તેમનાં પત્ની કેટ બંનેએ મારા ભારતીય પોશાક – ભરત ભરેલી સાડીનાં ખૂબ વખાણ કર્યાં.
યુકે મેથ્સ ચેલેન્જમાં ગોલ્ડ મેડલ મેળવનારી અને હાલમાં એરોસ્પેસ એન્જિનિયર તરીકે કામ કરતી મારી દીકરી માનસીને પણ મમ્મીના આ સત્કાર્યમાં સહભાગી થવાનો મોકો મળ્યો. માનસી પણ આ સન્માનની ઊજવણી કરવા મારી સાથે બકિંગહામ પેલેસમાં આવી હતી.
મારા પતિ શ્રીમાન દીપક સુરેશચંદ્ર જોષી એક એવોર્ડ વિજેતા ફોટોગ્રાફર અને પત્રકાર છે. જેમણે બીબીસી માટે વર્ષો સુધી પોતાની સેવા પ્રદાન કરી છે. જ્યારે સુપુત્ર ધ્રુવ જોષી વિખ્યાત શાળામાં A Levels ફિઝિક્સ ટીચર તરીકે સેવા આપી રહ્યા છે.
ભાઈશ્રી તુષાર જોષી ગુજરાત સમાચચારના તંત્રી શ્રી સી. બી. પટેલનાં લાડીલા પત્રકાર છે. જેમણે ગુજરાતના માહિતી અને પ્રસારણ ખાતામાં ઓફિસર તરીકે વર્ષો સુધી કામ કર્યું. હાલ તેઓ અમદાવાદમાં લોકપ્રિય આર.જે. છે. તેમના ‘જાગને જાદવા’ કાર્યક્રમને લોકોનો ખૂબ પ્રતિસાદ મળ્યો છે. ગુજરાત સમાચારની ‘અજવાળું અજવાળું’ કોલમનાં લેખક છે.
મારું માનવું છે કે દરેક વ્યક્તિએ પરોપકારની ભાવના સતત જીવનમાં રાખવી જોઇએ. દિવસમાં થોડો સમય જરૂરિયાતમંદ સાથે જરૂર વિતાવવો જોઇએ. તેમની સાથે બેસો, તેમને સાંભળો, શક્ય તેટલી મદદ કરો. જેવું વાવશો તેવું જ લણશો.’
સેવા, સમર્પણ અને કોઈના માટે કંઈ કરી છૂટવાની ભાવના જેમને ગળથૂથીમાં મળેલી છે એવા સુહૃદયી, સેવાભાવી અને પરોપકારી વ્યક્તિત્વને તેમના આ અચિવમેન્ટ માટે ખૂબ ખૂબ અભિનંદન. એમની આ ગૌરવગાથા સતત ચાલુ રહે એવી લાખ શુભકામનાઓ...