પ્રતિષ્ઠા, સમ્માન અને યશ સફળ વ્યક્તિની આખરી નબળાઈ બની શકે છે. દરેક સફળ વ્યક્તિને જીવનમાં કીર્તિ હાંસલ કરવાની મહેચ્છા હોય છે. જીવનમાં શારીરિક, આર્થિક અને સામાજિક રીતે સારા દરજ્જે પહોંચી ગયા હોય ત્યાર પછીની છેલ્લી ઈચ્છા વ્યક્તિના મનમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવાની રહે છે. જ્યાં સુધી ખાવા-પીવાના સાંસા હોય ત્યાં સુધી તો માણસ કમાવામાં વ્યસ્ત જ રહે તે સ્વાભાવિક છે. જેના ઘરમાં એક સાંધો ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ હોય તેની પ્રાથમિક ફરજ આર્થિક રીતે સદ્ધર થવાની છે, જેથી પોતાની અને પરિવારની જરૂરિયાતો સંતોષી શકાય. ત્યારબાદ કદાચ વ્યક્તિ પોતાની જાતને સામાજિક રીતે સ્થાપિત કરવાની શરૂઆત કરે છે. હવે તે પોતાનો સમય અને નાણાં ખર્ચીને પણ પ્રતિષ્ઠા અને સમ્માન મેળવવાના પ્રયત્નો શરૂ કરે છે. આ પ્રયત્નો કેવી રીતે અને કઈ દિશામાં આગળ વધે તેના પરથી વ્યક્તિનો વિકાસ કે રકાસ નક્કી થાય.
કેટલાક લોકો સેવા અને સામાજિક ક્ષેત્રમાં એટલે જ પ્રવેશે છે કે તેનાથી પોતાના નામનો પ્રસાર થાય. આ સમયે સાધ્ય શું અને સાધન શું એ બંનેનો તફાવત સમજવો જરૂરી છે. જે વ્યક્તિ સેવાને સાધ્ય બનાવે અને તેના માટે પ્રતિષ્ઠાને જો સાધન તરીકે ઉપયોગમાં લે તો ખુબ સારું. પરંતુ જયારે સાધ્ય જ પ્રતિષ્ઠા હોય અને તેના માટે સાધન તરીકે જ જાહેર કાર્યોનો ઉપયોગ કરવામાં આવે ત્યારે તે પ્રતિકૂળ અસર જન્માવે છે. વ્યક્તિનું ધ્યાન કોઈનું ભલું કરવા કરતા પોતાની નામના હાંસલ કરવા પર વધારે રહે છે. આવી વ્યક્તિ પાસે એકઠા થતા સંસાધનો મોટાભાગે આત્મશ્લાઘામાં વેડફાઈ જાય છે.
જે માણસ સફળ થયા બાદ યશ માટે લોકોને ભ્રમિત કરતા પ્રચાર શરૂ કરે છે, પોતાની પ્રસંશા થાય અને સમાજમાં સમ્માન થાય એટલા માટે જ બધા કર્યો કરે છે તે વાસ્તવમાં પોતાની અને સંસ્થાની ક્ષમતાનો પૂરતો ઉપયોગ કરી શકતો નથી. કેટલીયવાર સંસ્થા એટલા માટે પાછળ રહી જાય છે કે તેમાં સર્વોચ્ચ સ્થાને બેઠેલ વ્યક્તિની વ્યક્તિગત મહત્વાકાંક્ષા સંસ્થાના હિત કરતા વધારે મોટી બની જાય છે. સંસ્થા સાશ્વત છે, વ્યક્તિ અલ્પકાલિક હોય છે એ વાત સમજવી જરૂરી છે. દરેક સભ્યોએ સંસ્થા વતી કામ કરવાનું હોય, સંસ્થાના ઉદેશ્યો અને હિતોને ધ્યાનમાં રાખીને તેના સંશાધનોનો ઉપયોગ કરવો જોઈએ, નહિ કે સ્વયંના માનમરતબા માટે. જે કોઈ વ્યક્તિ પોતાને સંસ્થા કરતા આગળ મૂકે છે તે ખરેખર તો સંસ્થાનું અને સમાજનું અહિત કરે છે.
લોકોને જાતે જ કોઈ એવોર્ડ માટે નોમિનેટ કરતા જોઈને આ વાત વધારે દ્રઢ બને છે કે ક્યારેક વ્યક્તિના મનમાં આખરી લક્ષ્ય સેવા નહિ પરંતુ સમ્માન હોઈ શકે. દરેક સેવા સમ્માનને પાત્ર છે તેમાં ના નહિ પરંતુ કોઈ જ સેવા સમ્માનના પ્રયોજનથી જ ન થવી જોઈએ. ગાંધીજી એ કહ્યું છે તેમ જાહેરસેવા કરનાર વ્યક્તિએ પોતાની જાતને તણખાંથી પણ તુચ્છ માનવી ઘટે અને નિરાભિમાની રહેવું પડે. અભિમાન અને અહંકાર તેના જીવનમાંથી ઓગળી ન જાય ત્યાં સુધી તે જાહેરજીવન માટે લાયક નથી. પરંતુ કમનસીબી એવી છે કે જાહેરજીવનમાં આવવાનું કારણ જ આજકાલ તો પોતાની કીર્તિ અને માનમરતબો વધારવાનું હોય છે. આવા લક્ષ્યને કારણે મોટાભાગે લાભાર્થીને પૂરતો લાભ મળી શકતો નથી અને લોકોનો વિશ્વાસ જાહેરજીવનમાં સક્રિય લોકો અને સંસ્થાઓ પરથી ઘટતો જાય છે. આ સ્થિતિ સમાજનું અધોગમન સૂચવે છે તેનાથી કોઈનું જ હિત થતું નથી.
જે લોકો સામાજિકક્ષેત્રમાં સક્રિય બને તેઓએ પોતાની જાતને પાછળ અને પ્રજાકીય હિતને આગળ રાખવા જરૂરી છે અને તેમાં પણ સ્પોટલાઇટ હંમેશા સંસ્થા પર હોવી જોઈએ, વ્યક્તિ પર નહિ. (અભિવ્યક્ત મંતવ્યો લેખકના અંગત છે.)