બાગવાની વિશેનો મારો લેખ વાંચ્યો હશે. હમણાં હમણાં શ્રી સૂર્યનારાયણના દર્શન થતાં સૌ ખુશ છે. અમુક દિવસ ગરમ હવા પણ મળી. જાણે ભારતનો ઉનાળો યાદ આવી ગયો. એ હવા અમુક કલાકો જ રહી અને ફરી ઠંડી હવા શરૂ થઈ ગઈ. સૌએ રાહતનો શ્વાસ લીધો. આપણા શરીરને પણ તડકાની ઘણી જરૂર છે અહીં આપણે વિટામીન ડી'ની ટીકડીઓનો આશરો લેવો પડે છે, તો ચાલો આપણે બાગવાનીમાં મહેનત કરીએ તો પસીનો છૂટે અને સારો તડકો પણ મળે.
આજે આપણે વાત કરવાની છે. લીલી જાજમ સમાન લોનની. તેમાં ઘણી કસરત કરવાનો મોકો મળે. આમ તો લોન માટે પણ ઘણો સમય વિતી ગયો. સ્પ્રિંગથી અત્યાર સુધી ઘણા લોનમૂવર ફરી ગયા. અત્યારે તો હવે દરરોજ પાણી આપવાનો સમય આવ્યો છે. જો લોનને લીલી રાખવી હોય તો આ મહેનત કરવાની રહે છે. બાકી તો અવારનવાર વર્ષાની પણ કૃપા પણ થતી રહે છે.
આમ જોઈએ તો જુલાઈ અને ઓગષ્ટ બાકી રહ્યા. પછી તો વળતા પાણી. પહેલા તો લોનની માવજત માટે લોનમાં બેસી ગયેલા વીડ્ઝ કાઢવા પડે. તેને માટે હવે મોટા સ્ટોર્સમાં ઘણી જાતના વીડ્ઝ ક્લવ્ઝ મોસ અને ગ્રીટીંગ માટેનો સરસામાન મળે છે. બને ત્યાં સુધી હાથમાં ડીસ્પોઝલ ગ્લવ્ઝ પહેરી બધી જગ્યાએ છંટકાવ કરવો. આમ તો જરા વાદળીયું થાય ત્યારે જ ફૂડની ટ્રીટમેન્ટ કરવી જેથી વરસાદનું પાણી મળતાં બધું જમીનમાં મિક્સ થઈ જાય અને ત્રણ દિવસ પછી લોનમૂવર ફેરવવાનું. બની શકે તો મોવર પછી લાઈટ રેક પણ કરવું જેથી વીડ્ઝ અને સૂકું ઘાસ બધું ઉપર આવી જશે અને ફરી વખતે જ્યારે લોન મૂવર ફેરવશો ત્યારે બધો દળ નીકળી જશે અને લોનનો દેખાવ જ ફરી જશે. લોન કાપો ત્યારે લોનમૂવરની ગેપ નંબર ચાર પર રાખવાની. ક્યારેય લોનને ક્લોઝમાં કાપશો નહીં. બધી ફરતી બોર્ડરને ટ્રીમરથી ચોખ્ખી કરી દેવાની. લોનની જેટલી માવજત કરશો તેટલો તેનો રંગ, તેની સુંદરતા બદલાતી રહેશે.
હમણાં મારા ભાણેજની દીકરીના લગ્નમાં ઘણા લોકોને મળ્યો. જેમાંના લગભગ ઘણાં 'ગુજરાત સમાચાર'ના ગ્રાહકો હતા. હમણાં જ છપાયેલા લેખને કારણે સૌએ ખુશી વ્યક્ત કરી ગાર્ડનને લગતી ઘણી ચર્ચાઓ કરી. ઘણા પ્રશ્નોની આપ-લે થઈ. કોઇક મિત્રએ બગીચામાં કલાઈમીંગ રોઝીઝની માવજત તથા તેના ટ્રીમીંગ વિષે પૂછ્યું. મેં તેમને બધુ સમજાવતાં તેઓ બહુ ખુશ થયા. 'ગુજરાત સમાચાર'ના માધ્યમથી મને એક નવી ઓળખ મળી છે.
પ્રિય વાચકોને ખાસ કહેવાનું કે મારો બગીચો ઘણો મોટો છે. કામ ઘણું માંગી લે છે અને હંમેશા મારો પુત્ર કૈલેશ મારી સાથે ખભેખભો મિલાવી સાથે કામ કરીએ, મારા ધર્મપત્ની પણ સાથ આપતાં રહે. સૌ સાથે કામ કરીએ તો કેવો આનંદ આવે એ તો જ્યારે તમે સૌ સાથે મળીને કામ કરો ત્યારે જ ખબર પડે. બગીચાનું કામ તો 'યોગ' જેવું છે. સ્વાસ્થ્ય પણ સારું રહે, કાંઇક કર્યાનો સંતોષ મળે અને બગીચાની રોનક જોઇને ગૌરવભેર મિત્રો-સંબંધીઅો પાસે વટ પણ પાડી શકો. આપ સૌને મારી હૃદયપૂર્વક શુભેચ્છા કે તમો પણ સૌ સાથે મળીને કામ કરો.